શાસ્ત્રમાં અવતાર – ભાણદેવ

(‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી સાભાર)

ઉપનિષદો

ઉપનિષદોની કુલ સંખ્યા ૩૦૦ જેટલી ગણાય છે. આમાંના એકાદશ ઉપનિષદો પ્રધાન ઉપનિષદો ગણાય છે. ભગવાન શંકારાચાર્યનાં ભાષ્યો આ એકાદશ ઉપનિષદો પર ઉપલબ્ધ છે. જ્યારે આપણે વૈદિક સાહિત્યનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે તેમાં આ એકાદશ ઉપનિષદોનો સમાવેશ કરીએ છીએ.

(૧) છાંદોગ્યોપનિષદ

तदैतद्‍घोर आड्गिरसः कृष्णाय देवकी – पुत्रायोत्कवोवाचापिपास एव स बभूव सोडन्तवेलायामेत्‍त्रयं प्रतिपद्ये-ताक्षितमस्यच्युतमसि प्राणसंशितमसीति तत्रैते द्वै ऋचौ भवतः ॥
– छांदोग्योपनिषद; ३-१७-६

ઘોર આંગિરસ નામના ૠષિએ આ યજ્ઞદર્શન (આત્મયજ્ઞોપાસના) દેવકીપુત્ર શ્રીકૃષ્ણને સમજાવ્યું. તે જાણીને શ્રીકૃષ્ણ તૃષ્ણારહિત બની ગયા. આ યજ્ઞદર્શન સંભળાવીને પછી ઘોર આંગિરસ ૠષિ તેમને કહે છે.

‘અંતકાળે આ ત્રણ મંત્રોનો જપ કરવો જોઈએ –

अक्षितमसि – તું અક્ષિત (અક્ષય) છે.
अच्युतमसि – તું અચ્યુત (અવિનાશી) છે.
प्राणसंशितमसि – તું અતિ સૂક્ષ્મ પ્રાણ છે.’

આ વિષયમાં બે ૠચાઓ છે.
અહીં કૃષ્ણ માટે “દેવકીપુત્ર” વિશેષણનો પ્રયોગ થયો છે. સ્પષ્ટ જ છે કે આ વિશેષણ દ્વારા સૂચિત થાય છે કે અહીં ઉપનિષદના આ મંત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જ ઉલ્લેખ થયો છે.

(૨) કઠોપનિષદ

ऊर्ध्वं प्राणमुन्नयत्यपानं प्रत्यगस्यति ।
मध्ये वामनमासीनं विश्वे देवा उपासते ॥
– कठोपनिषद; २-२-३

“જે પ્રાણને ઉપરની દિશામાં દોરે છે, અને જે અપાનને નીચેની તરફ ધકેલે છે, તે શરીરના મધ્યમાં પ્રતિષ્ઠિત વામન ભગવાનની બધા દેવો ઉપાસના કરે છે.”
અહીં વામનનો અર્થ આત્મા કે પરમાત્મા છે, કારણ કે બધા દેવો તેમની ઉપાસના કરે છે.

આમ અહીં વામનાવતારનો આડકતરો ઉલ્લેખ છે. ઉપનિષદની આ શૈલી છે.

(૩) અન્ય ઉપનિષદો

આ એકાદશ ઉપનિષદો સિવાય અન્ય અનેક ઉપનિષદોમાં રામ, કૃષ્ણ આદિ અવતારોનું કથન છે. આ ઉપનિષદોની યાદી અહીં પ્રસ્તુત છે.
૧. કૃષ્ણોપનિષદ
૨. ગોપાલપૂર્વતાપિન્યુનિષદ
૩. ગોપાલ ઉત્તરતાપિન્યુપનિષદ
૪. નૃસિંહ પૂર્વતાપિન્યુપષિદ
૫. નૃસિંહ ષટ્‍ચક્રોપનિષદ
૬. નૃસિંહોત્તરતાપિન્યુપનિષદ
૭. રાધિકોપનિષદ
૮. રાધોપનિષદ
૯. રામપૂર્વતાપિન્યુપનિષદ
૧૦. રામરહસ્યોપનિષદ
૧૧. રામોત્તરતાપિન્યુપનિષદ
૧૨. શ્રી કૃષ્ણ પુરુષોત્તમસિદ્ધાંતોપનિષદ
૧૩. સીતોપનિષદ
૧૪. હયગ્રીવોપનિષદ

૩. શ્રીમદ્‍ ભગવદ્ગીતામાં અવતાર

શ્રીમદ્‍ ભગવદ્‍ગીતા સાદ્યંત અને સાંગોપાંગ અવતારની, ભગવાન શ્રીકૃષ્ણની વાણી છે. તદ્દનુસાર શ્રીમદ્‍ ભગવદ્‍ગીતા પ્રારંભથી અંત સુધી સવર્ત્ર અવતારત્વથી લબાલબ ભરેલી છે. શેરડીમાં સાકર હોય છે, તેમ શ્રીમદ્‍ ભગવદ્‍ગીતામાં સવર્ત્ર ભગવાનના અવતારનું કથન છે. આમ છતાં શ્રીમદ્ ભગવદ્‍ગીતામાં કથિત અવતાર તત્વનાં કેટલાંક મૂલ્યવાન પ્રમાણો અહીં પ્રસ્તુત છે.

(१) अजोडपि सन्नव्ययात्या भूतानामीश्र्चरोडपि सन् ।
प्रकृति स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥
– श्रीमद्‍ भगवद्‍गीता, ४-६/७/८

“હું અજન્મા અને અવિનાશી છું અને સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર છું, છતાં મારી પ્રકૃતિનું અધિષ્ઠાન કરીને અને મારી યોગમાયા દ્વારા હું પ્રગટ થાઉં છું.”
“હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું મારા રૂપને સરજુ છું અર્થાત્‍ સાકારરૂપ ધારણ કરીને પ્રગટ થાઉં છું.”
“સાધુજનોના પરિત્રાણ માટે અને દુષ્ટોના વિનાશ માટે તથા ધર્મની પ્રતિષ્ઠા કરવા માટે યુગેયુગે હું જન્મ ધારણ કરી શકું છું !”
ભગવાનના અવતારત્વ માટે આથી મોટું કયું પ્રમાણ હોઈ શકે ? ભગવાન પોતે સ્વમુખે પોતાના અવતારત્વનું પ્રમાણ આપે છે.

(२) अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भाव समन्विता ॥
– श्रीमद्‍ भगवद्‍गीता, १०-८

“હું સમગ્ર સૃષ્ટિનું જન્મસ્થાન છું; મારા દ્વારા જ સમગ્ર જગત ચેષ્ટા કરી રહ્યું છે. આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બુદ્ધિમાન ભક્તજનો મારી, પરમેશ્વરની જ નિત્ય ઉપાસના કરે છે.’

આ શ્લોક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ રીતે સૂચિત કરે છે કે તેઓ સમગ્ર સૃષ્ટિના આદિ કારણ ભગવાન નારાયણના અવતાર છે.

(३) यस्मात्क्षरमतीतोडहमक्षरादपि चोतमः ।
अतोडस्मि लोके वेदे च प्रथितः पुरुषोतमः ॥
– श्रीमद्‍ भगवद्‍गीता, १५-१८

“હું ક્ષર (સૃષ્ટિ)થી પર છું અને અક્ષર (નિર્ગુણ નિરાકાર બ્રહ્મ)થી પણ પર છું; તેથી આ લોકમાં અને વેદમાં ‘પુરુષોત્તમ’ નામથી પ્રસિદ્ધ છું.”
અવતાર કોનો થાય છે ? નિર્ગુણ નિરાકાર અક્ષર બ્રહ્મનો નહિ, પરંતુ પુરુષોત્તમનો અવતાર થાય છે. અહીં ભગવાન સ્પષ્ટ કહે છે કે તેઓ પુરુષોત્તમ છે. અર્થાત્‍ ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમનો અવતાર છે.

આ શ્લોક દ્વારા પણ ગીતામાં અવતાર તત્વ અને ભગવાન શ્રીકૃષ્ણ અવતાર છે, તેમ અબાધિત સ્વરૂપે સિદ્ધ થાય છે.

(४) सर्व धर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥
– श्रीमद्‍ भगवद्‍गीता, १८-६६

“બધા ધર્મોનો ત્યાગ કરીને તું એક વાર મારે શરણે આવ. હું તને બધાં પાપોમાંથી મુક્ત કરીશ. તું ચિંતા ન કર.”

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને અને અર્જુનજીને નિમિત્ત બનાવીને આપણને સૌને વચન આપે છે – “મારે શરણે આવો. હું તમને સર્વ પાપોમાંથી મુક્તિ આપીશ.”

આવું વચન કોણ આપી શકે ? પરબ્રહ્મ પરમાત્મા, પુરુષોત્તમ જ આવું વચન આપી શકે. આ વિધાન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માનો અવતાર છે, તેમ સિદ્ધ થાય છે.
આમ અવતાર તત્વ સિદ્ધ થાય તેવાં વિધાનો ગીતામાં અપરંપાર છે.

(५) अवजानन्ति मां मूढा मानुषी तनुमाश्रितम् ।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥
– श्रीमद्‍भागवत, ९-११

“સર્વ ભૂતોના મહેશ્વર એવા મારા પરમ સ્વરૂપને ન જાણનાર મૂઢ લોકો, મેં મનુષ્ય શરીર ધારણ કર્યું છે, તે જોઈને મારી અવગણના કરે છે. અર્થાત્‍ મારા અવતારત્વને સમજી શકતા નથી.”
પરમાત્માના અવતારને સમજવાનું અને તદ્દનુસાર તેમનો સ્વીકાર કરવાનું કામ ઘણું કઠિન છે. મોટા વિદ્વાનો પણ આ ભગવદવતારના તત્વને અને સ્વરૂપને સમજી શકતા નથી અને સ્વીકારી શકતા નથી, તો સામાન્ય માનવો કે મૂઢ માનવો તે સ્વરૂપને કેવી રીતે સમજી શકે ? કેવી રીતે સ્વીકારી શકે ? આવા મૂઢ માનવો તો પરમાત્માના આ માનવશરીર ધારણ કરનાર સ્વરૂપની અવગણના કરે છે.

આમ ગીતાના આ વિધાનમાં પરમાત્માનું અવતારત્વ સ્પષ્ટતઃ સૂચિત થાય છે અને સાથે સાથે એમ પણ સૂચિત થાય છે કે પરમાત્માના અવતારને સ્વીકાર કરવાનું કાર્ય કેટલું કઠિન છે !

૪. શ્રીમદ્‍ ભાગવતમાં અવતાર

શ્રીમદ્‍ ભાગવતનું પ્રાકટ્ય જ અવતારોની લીલાનું કથન કરવા માટે થયું છે. ભગવાન વ્યાસજીના અસંતોષનું કારણ જાણીને દેવર્ષિ નારદજીએ તેમને આ અસંતોષમાંથી મુક્ત થવા અને જીવનની યથાર્થ તૃપ્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાનની લીલાકથાની રચના કરવાનું સૂચન કર્યું છે.

નારદજી તો ઘટઘટને જાણનાર છે. ભગવાન વ્યાસના અંતરમાં જે અસંતોષ છે તેનું સ્વરૂપ અને કારણ જાણીને નારદજી તેમને કહે છે – “વ્યાસદેવજી ! આપે જીવનમાં ઘણાં મહાન કાર્યો કર્યાં છે, વિશુદ્ધ તપસ્વી જીવન આપ જીવ્યા છે. આમ છતાં કરવા જેવું એક કર્તવ્ય કરવાનું હજી બાકી છે. આપે ભગવાનની લીલાનું વર્ણન કર્યું નથી. આપે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન કર્યું છે, પરંતુ ભગવાન વાસુદેવના મહિમાનું, તેમની લીલાનું, તેમના યશનું વર્ણન હજુ કર્યું નથી. ભગવાન અને ભગવાનના અવતારોની લીલા, યશ અને તેમની ભક્તિનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યા વિના આપને પરમ કૃતાર્થતાનો અનુભવ નહીં થાય. તેથી હે મુનિ ! આપ હવે ભગવાનની લીલાનું ગાન કરતા ગ્રંથની રચના કરો.”

આમ કહીને દેવર્ષિ નારદજીએ ભગવાન વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું. આ ચતુશ્લોકી ભાગવતને બીજરૂપ ગણીને સમાધિ અવસ્થામાં ભગવાનની લીલાઓનું દર્શન કરીને ભગવાન શ્રીવ્યાસદેવજીએ શ્રીમદ્‍ ભાગવતની રચના કરી છે. આમ શ્રીમદ્‍ ભાગવત ભગવાનના અવતારોની લીલાકથાનો ગ્રંથ છે. શ્રીમદ્‍ ભાગવતના પ્રારંભે જ અવતારોનું સંક્ષિપ્ત કથન છે. (१-३). પ્રારંભમાં ભગવાનના અવતારોના કથન દ્વારા એમ સૂચિત થાય છે કે આ ગ્રંથ અવતારોની લીલાકથાનો ગ્રંથ છે. શ્રીમદ્‍ ભાગવત અને અવતાર તત્વ વચ્ચે અવિનાભાવ સંબંધ છે, અવતાર તત્વને બાદ કરીએ તો શ્રીમદ્‍ ભાગવતમાંથી ઘણું મૂલ્યવાન તત્વ બાદ થઈ જાય છે.

અવતારો કોના થાય છે ? અવતારો કોણ ધારણ કરે છે? શ્રીમદ્‍ ભાગવત અનુસાર વિરાટ પુરુષ પરમાત્માના આદિ અવતાર છે. તે જ આદિનારાયણ છે. તે જ સહસ્રશીર્ષાપુરુષ છે. આ સહસ્રશીર્ષા વિરાટપુરુષ ભગવાન આદિનારાયણ જ અનેક અવતારો ધારણ કરે છે. તે જ સર્વ અવતારોના અવતારી છે અને તેના જ સર્વ અવતારો થાય છે.

एतत्रानावताराणां निधानम् बीजमव्ययम् ।
यस्यांशांशेन सृज्यन्ते देवतिर्यड्नरादयः ॥
– श्रीमद् भागवत, १-३-५

“પરમાત્માનું આ પ્રથમ પુરુષ સ્વરૂપ, જેને આદિનારાયણ કહે છે, તે અનેક અવતારોનું કારણ છે, બીજ છે. તેમાંથી જે સર્વ અવતારો પ્રગટ થાય છે. તેના જ અંશ અને અંશના અંશમાંથી દેવ, મનુષ્ય, પશુપક્ષી આદિ સૃષ્ટિ પ્રગટ થાય છે.”

અવતાર તત્વની સ્વીકૃતિનું આથી મોટું કયું પ્રમાણ હોઈ શકે? આનો અર્થ એમ થયો કે શ્રીમદ્‍ ભાગવતમાં અવતાર તત્વની નિશ્ચયાત્મક સ્વીકૃતિ છે અને અનેક અવતારોની અનેકવિધ લીલાનું અહીં કથન થયું છે.

શ્રીમદ્‍ ભાગવતમાં એક સ્થાને એમ પણ કહ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ સર્વ અવતારોના અવતારી છે અને તેઓ જ અવતારો ધારણ કરે છે.

एते चांशकलाः पुंसः कृष्णस्तु भगवान् स्वयम् ।
इन्द्रारिव्याकुलं लोकं मृडयन्ति युगे युगे ॥
– श्रीमद् भागवत, १-३-२८

“આ સર્વ અવતારો તો ભગવાનના અંશાવતાર કે કલાવતાર છે, પરંતુ શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન (અર્થાત સર્વ અવતારના અવતારી) છે. જ્યારે લોકો અસુરોના ભયથી વ્યાકુલ બની જાય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને તેમની રક્ષા કરે છે.”

ઉપર્યુક્ત શ્લોકમાં એવું વિધાન છે કે ભગવાન આદિ નારાયણ જ સર્વ અવતારોના અવતારી છે. અને તેમના અનેક અવતારોમાંના એક શ્રીકૃષ્ણ છે. અને અહીં શ્રીકૃષ્ણને સર્વ અવતારોના અવતારી ગણાવેલ છે. આ પ્રથમ દ્રષ્ટિએ જણાતા વિરોધાભાસનું સમાધાન શું ?

ભગવાન શ્રીકૃષ્ણ અને આદિ નારાયણને એકરૂપ ગણીને, શ્રીકૃષ્ણને જ આદિ નારાયણના સ્થાન પર મૂકીને તેમને સર્વ અવતારોના અવતારી ગણાવેલ છે. શ્રીમદ્‍ ભાગવત શ્રીકૃષ્ણપરક ગ્રંથ છે. તેમાં પ્રધાનદેવ શ્રીકૃષ્ણ છે. ભક્ત પોતાના ઈષ્ટદેવને સર્વોચ્ચ સ્થાને મૂકે તેમાં કોઈ દોષ નથી. દેવી ભાગવતમાં જગદંબાને સર્વ અવતારોનાં અવતારી ગણેલ છે, કારણ કે તે આદિશક્તિ છે. આ જ શક્તિને શિવપુરાણમાં શિવ ગણીને સર્વોચ્ચ સ્થાને મૂકેલ છે. આ જ પરમ તત્વને ભાગવતકાર શ્રીકૃષ્ણ કહીને તેમને જ આદિ અવતાર કે સર્વ અવતારોના અવતારી ગણે તો તેમાં કોઈ દોષ નથી. આપણે જે શિખર પર ઊભા હોઈએ તે શિખર અન્ય સર્વ શિખરોથી ઊંચું જણાય તે સ્વાભાવિક જ છે. આ દ્રષ્ટિથી સમજીએ તો આ વિરોધાભાસ શમી જાય છે.

અવતાર વિશે વેદથી પ્રારંભીને શ્રીઅરવિંદ સુધી પુષ્કળ લખાયું છે, આમ છતાં આપણે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે અવતારનું તત્વ મહદંશે અગમ્ય છે. અવતાર વિશેની આપણી બૌદ્ધિક સમજ હંમેશાં અધૂરી જ રહેવાની છે. જે પરાબૌદ્ધિક ઘટના છે, તેને બુદ્ધિપૂર્વક સર્વાંશે કેવી રીતે સમજી શકાય ?

આ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પણ અવતાર તત્વને જાણવાની પોતાની અસમર્થતા સ્પષ્ટ રીતે સ્વીકારે છે.

यस्यावतार कर्माणि गायन्ति हयस्मदादयः ।
न यं विदन्ति तत्वेन तस्मै भगवते नमः ॥

“અમે સૌ જે ભગવાનના અવતારોની લીલાઓનું ગાન કરીએ છીએ, પરંતુ તત્વતઃ તેમને કે તેમના અવતારોને જાણતા નથી, તે ભગવાનને હું નમસ્કાર કરું છું.”

શ્રીમદ્‍ ભાગવત ભગવાનની કથાનો ગ્રંથ છે. ભગવાનમાં ત્રણ પ્રકારની સૃષ્ટિ નીકળે છે – જીવો, જગત અને અવતારો. શ્રીમદ્‍ ભાગવત ભગવાનની કથા હોવાને નાતે આ ત્રણે તત્વો-ભગવાનના અવતારો, ભગવાનના ભક્તો (જીવો) અને ભગવાનની સૃષ્ટિનું કથન કરે છે.

ભગવાન શ્રીવ્યાસદેવજી પ્રારંભમાં અવતારોનું સંક્ષિપ્ત કથન કરે છે અને પછી સમગ્ર ગ્રંથમાં અવતારોની લીલાકથાનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે. ભગવાનના અવતારોની કથાનું સંક્ષિપ્ત કથન (१-३) કર્યા પછી તે કથાના શ્રવણપઠનનું ફળકથન કરતાં ભગવાન વ્યાસદેવજી કહે છે –
जन्म गृह्यं भगवतो य एतत्प्रयतो नरः ।
सायं प्रातर्गृणन्‍ भक्त्या दुःखग्रामाद्विमुच्यते ॥
– श्रीमद् भागवत, १-३-२९

“ભગવાના દિવ્ય જન્મોની આ કથા અત્યંત ગોપનીય – રહસ્યમયી છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તથી નિયમપૂર્વક પ્રાતઃ કાલ અને સાયંકાલ આ કથાનો પાઠ કરે છે, તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે.”

અવતાર અને અવતારોની કથાનો આવો મહિમા છે.

૪. વાલ્મીકીય રામાયણમાં અવતાર

વૈદિક સાહિત્ય પછી અવતાર વિષયક કથાનો સૌથી પ્રાચીન ગ્રંથ શ્રી વાલ્મીકીય રામાયણ ગણાય છે. ભગવાન આદિ નારાયણના અવતાર શ્રીરામની જીવનલીલાનું સાંગોપાંગ કથન શ્રી વાલ્મીકીય રામાયણમાં થયું છે. આ રીતે કોઈ એક અવતારની સાંગોપાંગ લીલાની કથાનો પણ વાલ્મીકીય રામાયણ પ્રથમ ગ્રંથ છે. ભગવાન આદિ નારાયણના ચોવીસ અવતારમાં ભગવાન શ્રીરામ એકવીસમા અવતાર છે અને ભગવાનના દશ અવતારમાં ભગવાન શ્રીરામ સાતમા અવતાર છે. કેટલાક વિદ્વાનો એમ માને છે કે વાલ્મીકીય રામાયણમાં વિશેષતઃ શ્રીરામનું નરચરિત્ર છે અને તેમના અવતારત્વનું કથન અલ્પ કે ગૌણ પ્રમાણમાં છે. વળી તેઓ એમ પણ માને છે કે વાલ્મીકીય રામાયણના રામ વિશેષતઃ માનવરામ છે અને અવતારરામ તો ક્વચિત્‍ જ છે.

વસ્તુતઃ તેમની આ માન્યતા બરાબર નથી. વાલ્મીકીય રામાયણના રામ સાદ્યંત અને સાંગોપાંગ ભગવદાવતાર છે. અવતારનું સ્વરૂપ ન સમજવાને કારણે કેટલાક લોકોના મનમાં આવી ભ્રામક માન્યતા ઊભી થઈ છે કે વાલ્મીકીય રામાયણના રામ વિશેષતઃ માનવરામ છે અને ક્વચિત જ ભગવદવતાર જણાય છે. આમ થવાનું કારણ એ છે કે તેઓ અવતાર તત્વ અને અવતારના સ્વરૂપને સમજ્યા નથી.

અવતાર એટલે માત્ર ભગવાન નહીં. અવતાર એટલે ભગવાન વત્તા માનવી. ભગવાન માનવસ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી પર અવતરિત થાય ત્યારે તેને આપણે અવતાર કહીએ છીએ. આનો અર્થ એમ થયો કે અવતારમાં માનવીય પાસું (Humana aspect) પણ હોય જ છે. અવતાર એટલે માત્ર ભગવાન નહીં. માત્ર ભગવાન તો તેઓ વૈકુંઠમાં છે. અહીં પૃથ્વી પર આવે ત્યારે તો તેઓ ભગવાન અને માનવી, બંને હોય છે. વાલ્મીકીય રામાયણમાં ભગવાન શ્રીરામનું માનવીય પાસું પણ છે, તેથી તેમનું અવતારત્વ બાધિત થતું નથી, પરંતુ સાબિત થાય છે. જેઓ એમ માને અને એવી અપેક્ષા રાખે કે અવતાર તો સર્વદા અને સર્વથા ભગવદ્‍ભાવમાં હોય અને ક્યારેય માનભાવમાં કે જીવભાવમાં હોય જ નહીં, તેઓ અવતાર તત્વ અને અવતારના સ્વરૂપને સમજ્યા નથી, તેમ ગણવું જોઈએ.

એ વાત સાચી છે કે શ્રીમદ્‍ ભાગવત, રામચરિત માનસ, અધ્યાત્મ રામાયણ આદિ ગ્રંથોની અપેક્ષાએ વાલ્મીકીય રામાયણના રામમાં માનવીય પાસું વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને તે જ બરાબર છે. અવતાર જ્યારે પૃથ્વી પર માનવ સ્વરૂપ ધારણ કરીને આવે ત્યારે તેમાં માનવીય પાસું જ આગળ રહે છે. ભગવત્‍ તત્વ તો પડદા પાછળ જ રહે છે અને ક્વચિત્‍ ક્વચિત્‍ પ્રગટ થાય છે. અવતાર સતત, ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ ભગવદ્‍ભાવમાં રહે તો અને તો જ તે અવતાર ગણાય, અન્યથા નહીં – આ માન્યતામાંથી આપણે મુક્ત થવાની જરૂર છે.
વસ્તુતઃ વાલ્મીકીય રામાયણમાં જ અવતારનું સૌથી યથાર્થ સ્વરૂપ પ્રગટ થયું છે. મહર્ષિ વાલ્મીકિ ભગવાન શ્રીરામના સમકાલીન છે. તેમણે ભગવાન શ્રીરામના નજીકથી દર્શન કર્યા છે અને તેઓ પણ પોતાના મહાકાવ્ય વાલ્મીકીય રામાયણનું એક પાત્ર છે. તેથી તેમનું કથન સૌથી વધુ પ્રમાણભૂત છે. અવતારનું યથાર્થ સ્વરૂપ વાલ્મીકીય રામાયણમાં અભિવ્યક્ત થયું છે. તદ્દનુસાર વાલ્મીકીય રામાયણના ભગવાન શ્રીરામ સાદ્યંત અને સાંગોપાંગ અવતાર છે, તેમ સમજવું જોઈએ.

– ભાણદેવ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “શાસ્ત્રમાં અવતાર – ભાણદેવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.