રમૂજી ટુચકાઓ.. – સંકલિત

(બાળદોસ્તો માટેના સામયિકો જેમ કે, ધીંગામસ્તી, નવચેતન, ચંદન વગેરેમાંથી સાભાર સંકલન)

એક ડૉક્ટરે પોતાના ઘરેથી પોતાની હૉસ્પિટલ પર નંબર લગાવ્યો. ભૂલથી નંબર હૉસ્પિટલ પર લાગવાને બદલે નેશનલ ક્રિકેટ ક્લબમાં લાગી ગયો.
ડૉક્ટરે પૂછ્યું : ‘શું સ્થિતિ છે ?’
‘બસ ! છેલ્લા બે બચ્યા છે, એ પણ જવાની તૈયારીમાં છે.’ ક્રિકેટ ક્લબના મેનેજરે જવાબ આપ્યો.

*
બે મિત્રો સંગીતનો કાર્યક્રમ માણવા ગયેલા, થોડીવાર પછી એક મિત્રે બીજાને કોણી મારીને કહ્યું, ‘જો ને ! પેલો પહેલી હરોળમાં બેઠો છે તે કેવો ઊંઘે છે ! એને સંગીતમાં સમજણ ન પડતી હોય તો અહીં શું કામ આવ્યો હશે ?’
બીજા મિત્રે કહ્યું, ‘અરે ! બુદ્ધુ ! આટલી વાત કરવા માટે તે મારી ઊંઘ બગાડી !’

*
ચમનના સ્કૂલ રિક્ષાવાળા ચાચા સ્કૂલ પહોંચી રિક્ષામાંથી એક વ્હીલ કાઢવા લાગ્યા.
ચમનાએ પૂછ્યું, ‘ચાચા, રિક્ષામાંથી એક વ્હીલ કેમ કાઢી રહ્યા છો ?’
‘તને દેખાતું નથી સામે બોર્ડ પર લખ્યું છે, પાર્કિંગ ફોર ટુ વ્હીલર્સ ઓનલી.’ ચાચાએ વ્હીલ કાઢતા જવાબ આપ્યો.

*
વજનના કાંટામાં પતિએ સિક્કો નાખ્યો.
ટિકિટ બહાર આવી.
તેમાં લખ્યું હતું.
તમે પ્રામાણિક છે, તમે પ્રેમાળ છો, તમારું ચારિત્ર્ય ઉમદા છે, તમે બાહોશ છો…
‘અરે જુઓ તો ખરા, તમારું વજન પણ ખોટું છે !’ પત્ની બોલી ઊઠી.

*
પતિ : તારા વિના હું એકલો રહી શકતો નથી.
પત્ની : એટલે તો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને વિધુર બનાવવાને બદલે મને વિધવા બનાવે.

*
શાંતાબહેન પિયર ગયા હતા. શાંતિલાલના અનેક પત્રો છતાં પાછા આવવામાં વિલંબ કરતા હતા.
છેવટે શાંતિલાલે એક યુક્તિ કરી. તેણે શાંતાબહેનને પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે, ‘સામેવાળા સરલાબહેન મારું બહુ ધ્યાન રાખે છે. રોજ ગરમ રસોઈ જમાડે છે અને જે કાંઈ જોઈતું હોય તે આપી જાય છે.’
ટપાલ મળતાં જ શાંતાબહેન ઘેર આવવા રવાના થયા.

*
પત્ની (પતિને ઉત્સાહથી) : હું બ્યૂટીપાર્લરમાં જઈને આવી !
પતિ : કેમ, પાર્લર બંધ હતું !

*
ડૉક્ટર : માથામાં કેવી રીતે વાગ્યું ?
દર્દી : હું મારી હવાઈ ચપ્પલથી દીવાલમાં ખીલી ઠોકી રહ્યો હતો.
ડૉક્ટર : એને અને આ વાગ્યું છે તેને શું લાગેવળગે ?
દર્દી : એ વખતે અમારા પાડોશીએ કહ્યું કે ક્યારેક ક્યારેક દિમાગનો પણ ઉપયોગ કરો.

*
પિતા : બેટા, તારું એડમિશન આ સ્કૂલમાં નહીં થઈ શકે.
પુત્ર : કેમ પપ્પા ?
પિતા : ત્યાં એકેય સીટ ખાલી નથી.
પુત્ર : તમે એડમિશન કરાવી દો, સીટ હું ખાલી કરાવી દઈશ.

*
પપ્પા : બેટા, કંઈ વાંધો નહીં. તારી કિસ્મતમાં નાપાસ થવાનું લખ્યું હશે.
પિન્ટુ : પાપા, એ તો સારું થયું કે હું આખું વર્ષ ભણ્યો નહીં, નહિ તો બધી મહેનત નકામી જાત.

*
એક અભિનેતાના વખાણ કરતાં એક પત્રકારે એને પૂછ્યું, ‘આ ફિલ્મમાં એક ડરપોક પતિની તમે જે ભૂમિકા નિભાવી છે, એ ખરેખર દાદને પાત્ર છે. તમે આટલી મુશ્કેલભરી ભૂમિકાને આટલી સરળતાથી કઈ રીતે કરી શકો છો ?’
‘જી, એનો શ્રેય મારી પત્નીને જાય છે !’ અભિનેતાએ ટૂંકો જવાબ આપ્યો.

*
ટીના : પપ્પા, જીભને કેટલા પગ હોય ?
પપ્પા : એક પણ નહિ.
ટીના : તો મમ્મી મને એમ કેમ કહે છે કે ટીના તારી જીભ બહુ ચાલે છે.

*
મગન : એવી એક વસ્તુ બતાવો જે એક વાર ઉપર જાય પછી નીચે આવતી નથી.
છગન : માણસની ઉંમર.

*
‘હું તને પાંચ છ વાર કહી ચૂક્યો છું, પરંતુ તે જે રકમ ઉધાર લીધી છે, તે હજી સુધી પાછી નથી આપી.’
‘તે પણ દસ-બાર વાર માગ્યા પછી જ ઉધાર આપ્યા હતા ને.’

*
પપ્પા (ટપુને) : બજારમાં ધ્યાનથી ચાલવાનું રાખ, નહીંતર કોઈ દિવસ મોટરગાડી નીચે આવી જઈશ.
ટપુએ છાતી ફૂલાવીને કહ્યું, ‘મારા ઉપરથી તો મોટું વિમાન પણ જતું રહે છે, તમે મોટરગાડીની ક્યાં વાત કરો છો ?’

*
શેઠાણી : અરે ! ગાંડી આટલી બધી વાર ક્યાં કરી ?
નોકરાણી : શેઠાણી ! હું સીડીઓ ઉપરથી પડી ગઈ હતી એટલે.
શેઠાની : તો શું પડવામાં આટલી બધી વાર લાગે ?

*
ડૉક્ટર : ઊંડા શ્વાસ લો અને પાંચ વાર આઠ બોલો.
દર્દી (ઊંડો શ્વાસ લઈને) : ચાલીસ !

*
નોકર : ઊઠો, ઊઠો સાહેબ, ઘરમાં ચોર ઘૂસી ગયો છે.
શેઠ : તે લોકોને કહે કે અત્યારે મને ખૂબ ઊંઘ આવી રહી છે. કાલે આવે.

*
મનિયો પરીક્ષાખંડના દરવાજે બેસી પરીક્ષા આપતો હતો. સુપરવાઈઝર ફરતાં ફરતાં મનિયાના પરીક્ષાખંડ પાસે આવ્યા.
મનિયાને દરવાજા પાસે બેઠેલો જોઈ પૂછ્યું, “મનિયા, તું અહીં દરવાજા પાસે બેસીને શા માટે પરીક્ષા આપે છે ?”
“સાહેબ, આ મારી એન્ટ્રન્સ એક્ઝામ છે.”

*
એક સ્ત્રી કાછિયાને કહેતા હતી : જો શાકભાજી ખરાબ નીકળશે તો રાંધેલાં પાછાં લાવીશ.
કાછિયાએ જણાવ્યું : તો પછી એમ કરજો. સાથે બેચાર રોટલીઓ પણ લેતાં આવજો.

*
એક ફેરિયાએ બૂમ પાડી : ‘ચપ્પુ, કાતરને ધાર કઢાવો.’
ત્યારે એક યુવતીએ પૂછ્યું : ‘શું અક્કલને પણ ધાર કાઢો છો ?’
‘જી હા’ ફેરિયાએ કહ્યું : ‘પણ શરત એટલી કે તે તમારી પાસે હોવી જોઈએ.’

*
શિક્ષક : તારે કેટલી આંગળી છે ?
વિદ્યાર્થી : દશ.
શિક્ષક : શાબાશ, આ દશમાંથી ચાર આંગળીઓ જતી રહે તો તારી પાસે શું રહેશે ?
વિદ્યાર્થી : તો સર મારે હોમવર્ક કરવાનું રહેશે નહિ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “રમૂજી ટુચકાઓ.. – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.