ચંદુ – ભગીરથ બ્રહ્મભટ્ટ

(‘માણસાઈનાં ધરુ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ જનક્લ્યાણ કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

એ કૉલેજમાં અધ્યાપક તરીકે હું નવોસવો. પ્રથમ દિવસે જ કૉલેજના પ્રેમમાં પડી જવાયું. કૉલેજના પ્રવેશદ્વારની ડાબી તરફ મુકાયેલા નોટિસ બોર્ડ પર એક સુવિચાર લખાયેલો : ‘દુઃખનું એક દ્વાર બંધ થાય ત્યારે બીજું ખૂલે છે, પરંતુ આપણે બંધ થયેલા દ્વાર તરફ એટલી બધી વાર તાકી રહીએ છીએ કે ખૂલેલા દ્વારનો ખ્યાલ આવતો નથી.’

સુંદર મરોડદાર અક્ષરો. એક એક મરોડ જાણે સૌંદર્યની ખાણ. સુવિચારના હસ્તાક્ષરોની નજાકત, મરોડોનું સૌંદર્ય મને મુગ્ધ કરી ગયું, હું એ વર્ણોના સ્વરૂપથી ઘવાયો-પ્રેમ થઈ જાય એવું. આવા સુવિચારો રોજ લખાય.

અધ્યાપકખંડમાં જઈ મેં સહજ પૂછેલું : ‘આપણા સુવિચાર કોણ લખે છે ?’

‘એ તો આપણો ચંદુ.’ કોઈએ કહ્યું.

ચંદુ અમારી કૉલેજનો નિષ્ઠાવાન પટાવાળો. એને એના અક્ષરોની કદરદાનીમાં આચાર્યશ્રીએ નોકરી ભેટ આપેલી. પછી તો એનું વ્યક્તિત્વ જ એના અક્ષરોની સ્પર્ધા કરતું હોય એમ જણાતું. ઉંમર બાવીસ-ત્રેવીસીની, શરીરે મધ્યમ, દેખાવડો ખરો. કપડાંય સુઘડ. ચોખ્ખાં. પ્રથમ નજરે જ ગમે. કૉલેજ ખોલવાની – બંધ કરવાની જવાબદારી એના શિરે. ચાવીઓ કે ઝાડુ એના અંગમાં ઉમેરણ થઈને શોભે. અચ્છો અચ્છો.

રિસેસના સમયમાં ચા બનાવે. એકેક ઘૂંટડે ચંદુનો પરિચય થતો હોય એવું લાગે. એના કામમાંય ચોક્કસ. બધાંયને એ ભાવતો. ચંદુ જાણે ગોળનું દડબું, બધા જ કર્મચારીઓનો સદ્‍ભાવ કીડીઓની જેમ એને વીંટાળાયો હોય !

એ કૉલેજમાં આવે ત્યારે ઘડિયાળમાં દસ વાગ્યા જ હોય. હંમેશ પ્રસન્ન મુખમુદ્રા, રંજની કોઈ લકીર એના ચહેરા પર તો દેખાય જ નહીં. વસંત એની અડખેપડખે મેળો ભરીને ઝૂમતી હોય.
‘ચંદુ ! પાણી !’
‘જી સાહેબ.’
‘હા… જી.’
‘ચંદુ, આ ટપાલ !’
‘સારું સાહેબ !’

કર્મચારીઓની જીભ અને ચંદુની ચપળતા-ફૂલ પવનની લકીર ઝીલે એમ પ્રત્યેક હુકમને આવકારે. કૉલેજના પ્રવેશદ્વારથી સુવિચારની સુગંધ મહેકતો. એના હસ્તાક્ષરોથી પ્રેમમાં પડવાની ફરજ પાડતો ચંદુ તન્મયનો અવતાર. હાથમાં ઝાડુ હોય કે ટપાલ, કપરકાબી હોય કે પગારપત્રક, ખીલેલા ફૂલની અદા એના હોઠો પર, એની આંખોમાં દેખાય.

એના અક્ષરોનું ગુલાલ સુવિચાર દ્વારા કૉલેજમાં બ્લૅક-બૉર્ડ પર છંટાય એવી ઈચ્છા આચાર્યશ્રીએ એક વાર પ્રગટ કરેલી. પછી તો એના ગુલાલનું એને જ નહીં, આચાર્યશ્રીને પણ વ્યસન થઈ ગયેલું. પછી તો એના અક્ષરોથી અંજાઈ ગયેલા આચાર્યશ્રીએ કૉલેજના એક વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાનને હસ્તે ખાસ પારિતોષિક અપાવેલું.

રોજ સાંજે સ્ટાફરૂમ બંધ કરતો, ત્યારે ચારે તરફ જોઈ લેતો. કોઈ અધ્યાપકની કોઈ નાનીઅમથી ચીજવસ્તુય ભુલાઈ ગઈ હોય તો ઠેકાણે મૂકતો. એક વાર હું છેલ્લે સુધી હતો. એ બારણું વાસતાં પહેલાં ફરર… ફૂ ફરર… ફૂ એમ બબડતો હતો. મેં પૂછેલું : ‘ચંદુ, શું કરે છે ?’

‘સાહેબ, આ બે ચકલાં માંહ્ય માંહ્ય બાઝી મરે છે – બાયણું બંધ કરી દો તો ઈમાંનું એક હતું – ન હતું થૈ જાય – મૂંઝઈ મરે ઈના કરતાં બા’ર કાઢી મેલું સું.’+

કૉલેજમાંથી બહાર નીકળતાં એના સુવિચાર પર મારી નજર પડી : ‘તમે ખોટા પાત્ર સાથે જોડાયા હો તો એની ખબર પડતાં વાર લાગતી નથી, ને તમે સારા પાત્ર સાથે જોડાયા હો એની મોડે સુધી ખબર પડતી જ નથી.’

નવા દિવસે નવો વિચાર. ત્રીજા દિવસે મેં સુવિચાર વાંચેલો-
‘કિતાબોમાં ડૂબેલા જિંદગીનું દર્દ શું સમજે ?
નદીનાં માછલાં દરિયાનો ઝંઝાવાત શું જાણે ?’

ઉપરનો વિચાર વાંચી સીધો ચંદુને મળ્યો. એ તો બેઠોબેઠો કાગળમાં કશુંક લખતો હતો. મને જોઈને શરમાઈ ગયો. કાગળ સંતાડી દીધો. મેં પૂછેલું, ‘શું લખતો’તો ?’

‘કાંઈ નૈ. આ તો બધા ડખા.’ એમ કહી ઊભો થઈ પાણીનો ગ્લાસ લઈ આવ્યો.

‘લ્યો સાહેબ.’ પ્રસન્ન મુખમુદ્રાથી પાણી આપતાં એ બોલેલો. મેં પાણી પીધેલું.

એક વાર મારા કબાટના ખાનાની ચાવી ખોવાઈ ગયેલી, હું તો ખોળાખોળ કરું. કોઈને કહું તો મારી છાપ પણ… હું તો મૂંઝાયો – પુસ્તકો બધાં ખાનામાં, ક્લાસમાં જવુંય કેવી રીતે ?

બીજે દિવસે કૉલેજમાં પ્રવેશ્યો ત્યારે સુવિચાર લખાયેલો હતો – ‘બોલવાની પીડા કરતાં ચૂપ રહેવાની પીડા ઘણી વધારે સારી છે.’ હું આ વિચાર મારી ડાયરીમાં ટપકાવતો હતો ત્યાં હાથમાં ચાવીને ઝૂમખું રમાડતો ચંદુ મારા સામે આવી ઊભો રહ્યો.

‘લ્યો.’

‘ક્યાંથી મળી તને ?’

‘ગઈ કાલે ખુરશી નીચેની ગાદીમાંથી !’

‘અલ્યા ચંદુ ! મેં તો તને કહ્યુંય નહોતું પણ તને શી રીતે ખબર પડે કે આ ચાવીઓ મારી જ છે ?’

‘સાહેબ ! વસાઈ જેલાં તાળાંના માહ્યલા મુઝારા મું જાણું છું.’ – પછી તો એ મર્માળા છોકરાને ચાવીવાળા ચંદુથી ઓળખવા લાગ્યો. મારા ઘરમાંય એ ચાવીઓનું નામ ચંદુવાળી ચાવીઓ એમ છપાઈ ગયું.

તૃતીય વર્ષ બી.એ.ના વર્ગમાં અક્ષરોની વાત નીકળેલી. મેં સહજ ચંદુનું નામ લીધું, એમાંથી વિદ્યાર્થીઓ બોલ્યા : ‘સાહેબ, અમે તો એના સુવિચારોની અલગ નોટ બનાવી છે.’

‘સુંદર.’

‘સાહેબ, ઈના અક્ષરો આટલા સરસ કેવી રીતે આવતા હશે ?’ કોઈકે પૂછ્યું.

મેં કહેલું : ‘અઘરો સવાલ છે.’

એક વાર વર્ગ પૂરો થતાં એક છોકરીએ મને રોક્યો હતો : ‘સર… કહું ?’

‘બોલોને.’

‘સર… હું નવો જન્મ પામી છું.’ શરમથી એ બોલેલી.

‘એટલે ?’ મેં જિજ્ઞાસાથી પૂછેલું.

‘સાહેબ, એ આપઘાત કરવાના પાક્કા નિર્ણય પર હતી, પણ આપણા બોર્ડ પર લખાયેલા એક સુવિચારે એનો નિર્ણય બદલી નાખેલો.’ એમ એની બહેનપણીએ કહ્યું.

‘શી મુશ્કેલી હતી ?’ મારો બીજો પ્રશ્ન. ત્યારે એણે મુશ્કેલી નહોતી જણાવી, પણ સુવિચાર વંચાવ્યો હતો : ‘વ્યક્તિ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જગત જુએ તો અડધું જગત શાંત થઈ જાય.’ મને ચંદુ માટે માન ઊપજેલું. સ્ટાફરૂમમાં એની વાતો નીકળેલી – ‘એક તો છોકરીની બાબતમાં કૉલેજના બે છોકરા ઝઘડેલા. ચંદુ જઈને વચ્ચે પડેલો. પછી તો પેલી છોકરી ચંદુને રોજ મળતી. અમને થતું ભણેલી ચોકરી ક્યાંક ચંદુને… ?’

પણ હમણા ખબર પડી કે એ છોકરીએ તો ચંદુને ભાઈ બનાવ્યો હતો. એને જીવતરની નવી કેડી બક્ષી હતી. એ છોકરી કૉલેજ છોડ્યા પછી પણ ચંદુને, એના સુવિચારને મળવા આવતી.

‘અરે, એક વાર એક છોકરો કૉલેજમાં ધૂણે. બધા ભેગા થઈ ગયેલા. ચંદુએ જઈ એના માથા પર હાથ ફેરવ્યો. ધૂણતો બંધ. અમે તો પૂછેલું, ‘ચંદુ શું કર્યું ?’

‘સાહેબ, બધી મેલી વિદ્યા, શિકોતર, ઝાંપડી જેવું. બાધા રાસીએ કે મંતર બોલીએ એટલે છૂ.’

કૉલેજમાં હાજર થયાનો મારો સાતમો દિવસ. મેં ચંદુને પૂછેલું, ‘ભલા, પ્રસન્ન રહેતાં તું મને શીખવ ?’ એ શરમાયેલો, પછી બોલેલો – ‘સાહેબ, તળાવનું ડહોળું પોણી ઠરી જાય એટલે ચોખ્ખું નો લાગે ?’

નવમા દિવસે મેં એને સાંજે ઘેર આવવા કહ્યું. એણે હા પાડી. એ દિવસે એણે સુવિચાર લખેલો-
‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં-
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.’

સાંજે ઘરે રાહ જોઈ. ચંદુ ન દેખાયો. મન માનતું નહોતું. દસમા દિવસની સવારે વહેલો કૉલેજ પહોંચ્યો. સ્ટાફરૂમમાં જઈને જોઉં તો એક ચકલું તરફડતું પડ્યું હતું. બારીના સળિયા પર ચકલી બેઠીબેઠી કરાંજતી’તી. મેં બૂમ મારી : ‘ચંદુ… ઓ ચંદુ !’

મારે આજે તો ચંદુને પૂછવું હતું – ડહોળું પાણી એટલે શું ? કાલે તું ક્યાં ગયો હતો ?

પણ એટલામાં જ ખબર આવ્યા કે ચંદુ તો ગઈ કાલે સાંજે જ… ઊડતી વાતો આવી. એ કલહમાં કપાયો. કંકાસમાં તણાયો, આંઝટમાં ઊડ્યો. એના ફૂલે જ એને ડામ દીધો. કોઈ કહેતું : ‘એ પંડથી પીડાયો-પીડાના ઝાડ પરથી પડતું મૂક્યું એણે…’

– એની શોકસભામાં આચાર્યશ્રીનાં અશ્રુબિંદુઓ વ્યાખ્યાન બન્યાં હતાં, અને ડૂમાના અક્ષરોથી આખી શોકસભા પર ચંદુએ સુવિચાર લખી નાખ્યો હતો.

સુવિચારના બ્લૅક બોર્ડ પર જગદીશ દોષી ચંદુ થઈને રટણા કરતો હતો.
‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં,
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.’

ચંદુ, અમે તો તને કોઈ રીતે ખોળી-ખોલી શક્યા જ નહીં. પણ ભલા, તું કઈ ચાવી શોધવા નીકળી પડ્યો એ તો જરા કહેવું હતું ?

– ભગીરથ બ્રહ્મભટ્ટ

[કુલ પાન ૧૭૬. કિંમત રૂ. ૮૫/- પ્રાપ્તિસ્થાનઃ પુનિત પ્રકાશન, સંત પુનિત માર્ગ, મણિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ચંદુ – ભગીરથ બ્રહ્મભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.