મહત્વની વાત (સ્વ. શિવકુમાર આચાર્ય વિશે) – મીનાક્ષી ચંદારાણા

મહત્વ એનું નથી.

ભલે… ભલે અમારી પાસે આવેલાં એક સો ઉપરાંત જાગૃત નાગરિકોનાં સંસ્મરણો મત્તું મારીને કહેતાં હોય કે શિવભાઈ એક મોટા ગજાના પત્રકાર હતા, એક મોટા ગજાના તંત્રી હતા, એક મોટા ગજાના સંપાદક હતા… મહત્વ એનું નથી.
ભલે… ભલે ડૉ. કાંતિ ગોર જેવા સમર્થ અભિનેતા-નાટ્યવિદ્, હસમુખ રાવળ જેવા સફળકેન્દ્ર નિયામક અને અત્યંત સફળ રેડિયો નાટક દિગ્દર્શક ઉમર સમા, મુકેશ માલવણકર, દેવેન શાહ જેવા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ નિષ્ણાતો કહેતા હોય કે શિવભાઈ એક ઊંચા ગજાના નાટ્યમમર્જ્ઞ હતા… મહત્વ એનું નથી.

ભલે… ભલે રાઘવજી માઘડ, નાનાભાઈ જેબલિયા, રાજુલ દવે, બાબુભાઈ દાવલપુરા, પ્રફુલ્લ દવે જેવા લોક-સંસ્કૃતિના સંવાહકો કહેતા હોય કે શિવ આચાર્યના અવસાન સાથે લોકસાગરનાં મોતીનો એક મોટો ખજાનો ગારદ થઈ ગયો… મહત્વ એનું નથી.

ભલે… ભલે ચંદ્રવદન મહેતા ‘સારસ’ કે નરોત્તમ પલાણ જેવા સમર્થ ઈતિહાસવિદ્‍ શિવભાઈના ઈતિહાસરસને અને એમનાં તર્કબદ્ધ તારણોને હ્રદયથી બિરદાવતા હોય… મહત્વ એનું પણ નથી.

મહત્વ છે… તો એમની પ્રતિબદ્ધતાનું.

પત્રકાર તરીકે એ ઊંચા ગજાના પત્રકાર એમની આવડતને કારણે નહોતા થયા ! એમનું ભાથું તો હતું એમની સમર્પિતતા, એમની મૂલ્યનિષ્ઠા અને સમાજ પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા ! એમનામાં રહેલા આ આતંરિક ગુણોએ જ તો એમને એક જાંબાઝ પત્રકાર બનાવ્યા ! જ્યારે-જ્યારે પ્રજાહિતનો સવાલ આવ્યો ત્યારે માથે કફન બાંધીને પણ એમણે લખ્યું. ભૂજિયા ડુંગરને બચાવવાનો સવાલ હતો ત્યારે અનેક ધમકીઓ અણદેખી કરીને એમણે પ્રજામત કેળવ્યો અને પરિણામે આજે પણ કચ્છ પાસે એવો ને એવો, અકબંધ ડુંગર ખડો છે !

મહત્વ છે… તો એમની પ્રતિબદ્ધતાનું.

એમણે લખેલા સફળ રેડિયોનાટકોનો એક ગૌરવવંતો ઈતિહાસ છે. એ રેડિયોનાટકના લેખનમાં પણ એમણે સૌરાષ્ટ્રની પ્રજાની દિલેરી, દાતારી અને શૌર્યના ગુણોને ઉજાગર કરવા સતત પ્રયત્નો કર્યા ! દરેક નાટકના રિહર્સલ દરમ્યાન હાજર રહીને અભિપ્રાયો આપતા-સાંભળતા અને શ્રોતાએને શ્રેષ્ઠ આપવાને કોશિશ કરતા. ક્યારેય નબળું લખાણ લખતા નહીં અને બીજાનું ચલાવતા પણ નહીં !

મહત્વ છે… તો એમની આ પ્રતિબદ્ધતાનું.

ફૂલછાબમાં કહેવતકોશ અને રૂઢિપ્રયોગકોશ વસાવનાર શિવ આચાર્ય હતા એવું રાજુલ દવે ફોન પર કહે છે ત્યારે તેમની ભાષાપ્રીતિ ઉપરાંત તેમની ભાષા પ્રત્યેની પ્રતિબદ્ધતા જ છતી થાય છે. લોકબોલીમાં પ્રયોજાતા મર્મભર્યા શબ્દોની વેધક શક્તિથી વાકેફ તો ઘણા હોઈ શકે, પણ પ્રતિબદ્ધ રહી પ્રજાને એ પીરસવા સતત મથતા રહેવું એ જેવી-તેવી વાત નથી ! જાણીતા સાહિત્યકારોની હરોળમાં ઊભા રહી શકે તેવી તેમની કલમ હતી તેના સાક્ષી અવિનાશ મહેતા અને રજનીકુમાર પંડ્યા કે મદનકુમાર અંજારિયા જેવા સાહિત્યકારો છે. અને છતાં જનક-કોકિલા દવેનાં સંસ્મરણોમાં આલેખાયા મુજબ, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો માર્ગ પોતે અપનાવવા ઉપરાંત તેઓ બીજાને પણ એ રસ્તો ચીંધતા !

મહત્વ છે… તો એમની પ્રતિબદ્ધતાનું.

પા-પા પગલી કરતા અનેક લોકોને, આંગળી પકડીને એમણે ઊંચા આસન સુધી પહોંચાડ્યા, કોઈ સ્વાર્થ વગર ! અને ઊંચે પહોંચાડ્યા પછી એક નાની અમથી ક્ષુલ્લક ગુરુદક્ષિણા પણ માગી હોય, કે પોતાના પ્રશ્નોમાં ક્યારેય કોઈને જોતર્યા હોય એવો ઉલ્લેખ છે ક્યાંય !

‘કચ્છમિત્ર’ આજે જે કાંઈ છે તેમાં શિવભાઈના દોઢ વરસના હિંમતભર્યા અને પ્રતિબદ્ધ પાયાનો પણ હિસ્સો ખરો ! ‘કચ્છમિત્ર’માં આવતાંવેંત તેમણે નવી સમર્થ પ્રતિભાઓને આમંત્રણ આપી છાપાંના વાચકોને સાહિત્યિકસ્તરની કોલમો આપી. કોશિયો પણ સમજી શકે તેવી ભાષામાં પ્રજાના મહત્વના પ્રશ્નોને આવરી લેતા તંત્રીલેખો પહેલા પાને લખવાની પ્રથા તેમણે શરૂ કરી જેને વાંચવા જનસામાન્ય પણ સતત આતુર રહેતા. વિચારપ્રેરક કોલમ ‘મંગળવારનું મનન’ લખવાનું તેમણે શરૂ કર્યું. જેમાં તેમનું વેદ-પુરાણ-લોકસાહિત્યનું જ્ઞાન ખૂબ ખપમાં આવ્યું અને લોકોએ ખૂબ રસપૂર્વક આ કોલમને માણી. ‘કચ્છમિત્ર’ના દિવાળીઅંકોમાં સુંદર ચિત્રો આપીને તેમણે પોતાની કલાપરખતાનો પરિચય તો આપ્યો જ, પણ પ્રજાના રસને પણ એક ઊંચાઈ સુધી કેળવવાનું કામ કર્યું ! સાહિત્ય ઉપરાંત ચિત્રકળા, ફોટોગ્રાફી વગેરે જેવાં ક્ષેત્રોની અનેક પ્રતિભાઓને ખોળી-તરાશીને તેમને અખબારના પ્લૅટફૉર્મ પર મૂકી આપી.

બીજી બાજુ ‘ધિલજી ગાલ્યું’ જેવી કચ્છીબોલીની કોલમ શરૂ કરાવી કચ્છી પ્રજાને પોતાની અસ્મિતા તરફ જાગૃત કરી. પ્રજાના નાનાથી માંડીને મોટા પ્રશ્નોને તેમણે ચોથી જાગીર દ્વારા રજૂ કર્યા અને કચ્છની સૂતેલી પ્રજામાં જાણે ચેતનાનો જુવાળ આવ્યો. દાણચોરો વિરુદ્ધની ઝુંબેશમાં તેમણે કેટલો માલ ભરેલી કઈ સ્ટીમર ક્યા બંદરે ક્યારે ઊતરવાની છે તેની માહિતી જાત-તપાસ દ્વારા કરીને બિન્ધાસ્ત છાપવાનું શરુ કર્યું ત્યારે પ્રશાસનતંત્રના પગ નીચે પણ રેલા આવવા લાગ્યા. દોઢ વર્ષનો સમયગાળો ખરેખર તો એક તંત્રી માટે એક અખબારમાં પગ જમાવવા માટે પૂરતો ન ગણાય, ત્યારે એ દોઢ વર્ષના સમયગાળામાં ‘કચ્છમિત્ર’ના સર્ક્યુલેશનમાં નોંધપાત્ર વધારો થયો હતો.

રાજકીય હોય એવા કેટલાયે મનગમતા પ્રસંગો વખતે લાપસી મુકાવતા અને કોઈ જાણીતી વ્યક્તિના નિધન વખતે અંગત રીતે ગમગીન થઈ જતા શિવભાઈને અમે ઘરમાં કેટલીયે વાર જોયા છે.

મહત્વ છે… તો એમની પ્રતિબદ્ધતાનું.

અને મહત્વનું છે.. ક્ષમાનું.

‘ધીમજી ગાલ્યું’ની રજતજયંતી ઉજવાઈ એ અરસામાં જ એમને સહતંત્રી તરીકે ‘આજકાલ’ના છઠ્ઠા પાનાનો મંચ મળ્યો. સત્યના ઉદ્‍ઘાટક તરીકે એ મંચ પરથી, પોતે ‘ધીલજી ગાલ્યું’ના પુરોધા હોવાની વાત, એ જ ‘ધીલજી ગાલ્યું’ની રજત જયંતીમાં તેમને ભૂલવી દેવાની વાત, અને ‘કચ્છમિત્રે’ વર્ષો અગાઉ તેમને ધક્કા મારીને કાઢ્યા હોવાની વાત, આવી કેટલીયે વાતો કચ્છની નવી પેઢીને તેઓ જણાવી શક્યા હોત. પરંતુ ‘કબીરા…’ ની રાજગાદીને તેમણે વ્યાસપીઠની ગરીમા આપી. અને સાચા અર્થમાં તેઓ નિલકંઠ બન્યા.

સુક્કા પ્રદેશમાં અને રણમાં એમણે ઘણી ઉપેક્ષાઓ વેઠી. કંઠ સુકાતો હતો ત્યારે કદરનું એક વાક્ય પણ એમના માટે અમૃત સાબિત થાત ! પણ આ જ દુનિયા છે, તો શિવભાઈ પણ શિવભાઈ જ હતા. પ્રજાના પ્રશ્નોને વેધક વાણીમાં વાચા આપનાર એ લડવૈયાએ પોતાની ઉપેક્ષા અંગે એક હરફ શીખે ઉચ્ચાર્યો નહીં ! બની શકે કે એમના ઊના નિસાસાઓની બાષ્પ વ્યોમમાં જઈ એક વાદળી રચે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં અમીનું સિંચન કરે ! મહત્વ છે આ ક્ષમાનું.

કલમ એમની એવી હતી કે સનસનાટીભર્યા લેખો બહુ આસાનીથી લખી શકે. કારણ કે જાનની એમને પરવા ન હતી. માલની તો પરવા હતી જ નહીં ! એમણે લેખો લખ્યા પ્રજાહિત માટે. ઘણું બધું ખમીને પણ એમણે એવા લેખો લખ્યા ! સમાજને એનો લાભ પણ મળ્યો, પરંતુ એમની દ્રષ્ટિ, માત્ર અનિષ્ટને શોધવા સુધી સીમિત ન હતી. એમની ક્ષિતિજો પ્રતિ દિન, પ્રતિ ક્ષણ વિસ્તરતી રહેતી. એના પુરાવારૂપ છે ચંચળમાં એમણે લખેલા સુંદર, લાંબા નિસર્ગ વિષયક લેખો ! જેમ અસામાજિક તત્વો વિરુદ્ધ એ પ્રજામત કેળવી શક્યા એ જ રીતે પર્યાવરણ સુરક્ષા બાબતે પણ પ્રજામત કેળવ્યો. જયેન્દ્ર ઉપાધ્યાય લખે છે એમ એમના એ લેખોથી લોકો પ્રેરાયા અને કચ્છને એક લીલી ચૂંદડીની ભેટ મળી ! મહત્વ છે પ્રકૃતિના આ પૂજનનું.
મહત્વ છે કચ્છની પ્રજાના દેહમાં શિવભાઈએ કરેલા ચેતનાનો સંચારનું, એક ચેતનાની ચિનગારીનું.

અને મહત્વ છે એમની મસ્તફકીરીનું.

શિવભાઈએ ખૂબ સુંદર વ્યક્તિચિત્રો આલેખ્યા છે. નાનાભાઈ જેબલિયાના શબ્દોમાં જ કહીએ તો ‘જેને વાંચીને મરી જવાનું મન થાય’ એવા શ્રદ્ધાંજલિ લેખો પણ લખ્યા છે ! અમારા હાથમાં એમણે લખેલા વખતસિંહ જાડેજા, કાનજી ભુટા બારોટ, કાન્તિભાઈ ગોર, હાજીભાઈ તબલાવાળા વગેરનાં સુંદર વ્યક્તિચિત્રો છે. તો જ્યાં જરૂરી લાગ્યું, જાહેરજીવનને અસર કરતું લાગ્યું ત્યાં મહાનુભાવોની વિરુદ્ધમાં પણ તેમણે લખ્યું, પછી ભલે એ મહાનુભાવ એમનો નજીકનો મિત્ર કેમ ન હોય !? એવે વખતે કોઈને શિવભાઈ મગરૂર પણ લાગ્યા હોય. હા એ મગરૂર હતા જ; પોતાના શબ્દ પર મગરૂર હતા એ. કારણ કે એમની કલમ શિવ-ટંકાર હતી –કલ્યાણ માટેનો ટંકાર. એટલે તો એમણે કબીરની પંક્તિ ‘કબીરા ખડા બાઝાર મેં, માંગે સબ કી ખેર; નહીં કીસી સે દોસતી, અરુ નહીં કીસી સે બૈર’ને પોતાનો મુદ્રાલેખ બનાવ્યો હતો. એમની મગરૂબી કોઈને કઠી શકે છે, પણ ખરા અર્થમાં જોઈએ તો એ મગરૂબી કે મગરૂરીના પાયામાં પણ એક મસ્ત ઓલિયાની ફકીરી જ હતી. પેટ માટે રોટલો કે સુવા માટે ઓટલો મળે કે ન મળે, પણ પોતાના ભાગે જો લખવાનું આવ્યું છે તો દિલ કહે તે જ લખવું એ એમનો સ્વભાવ હતો ! મહત્વ છે આ મસ્તફકીરીનું.

કેટકેટલી ઓળખાણો એમની ! રવીન્દ્ર દવે રાજ કપૂરને મળવા જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બનીને તેઓ પણ સાથે ગયેલા, ત્યારે જે ભાવથી રાજ કપૂર શિવભાઈને ભેટી પડેલા ! શિવભાઈના લગ્ન વખતે રાજ કપૂરે તેમને અભિનંદન આપતો આઠ પાનાંનો તાર કર્યો હતો. ગુરુદત્ત પોતાની એક ફિલ્મ માટે સૌરાષ્ટ્રના લોકજીવનનો પરિચય મેળવવા માગતા હતા. ત્યારે આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર શ્રી ચંદ્રકાંત ભટ્ટે તેમને શિવભાઈનો સંપર્ક કરવાની ભલામણ કરેલી, અને ગુરુદત્ત શિવભાઈને મળવા રાજકોટ આવેલા. શિવભાઈએ તેમને મેઘાણીની વેવિશાળની વાર્તા સંભળાવેલી. એ ફિલ્મ તો કદાચ ન બની, પરંતુ ગુરુદત્ત જીવનભર સારા મિત્ર બની રહેલા, કેદાર શર્મા સાથે છેક લાહોરથી ઓળખાણ ! પાકીઝા ફિલ્મ જોઈને શિવભાઈએ કમલ અમરોહીને પત્રમાં લખેલું, કે પાકીઝાનું સંગીત સરસ છે, પરંતુ મહલ ફિલ્મ બનાવનારે પાકીઝા જેવી નિમ્ન કક્ષાની ફિલ્મ બનાવી હોવાનું માન્યામાં નથી આવતું. વળતા પત્રમાં કમાલ અમરોહીએ પાકીઝાથી તેમને પોતાને પણ સંતોષ ન હોવાનું સ્વીકાર્યું હતું, અને આવા સુજ્ઞ દર્શક હોવા બદલ શિવભાઈને નવાજીને તેમની સાથે પત્રો દ્વારા પરિચય જાળવી રાખેલો. ફિલ્મજગતના આવા અનેક ધુરંધરોના હ્રદયમાં શિવભાઈ માટે એક આગવો ખૂણો હતો, અને છતાંયે શિવભાઈએ ક્યારેય તેમનો વિશેષ લાભ ન લીધો.

આ ગ્રંથ શરૂ કર્યો એ પહેલાં પણ, દીકરી તરીકે શિવભાઈ સામે મારા મનમાં વર્ષોથી ઘણી ફરિયાદો રહી હતી. વર્ષો પહેલાં ‘અભિયાન’ના દીપોત્સવી વિશેષાંક ‘દીકરી વહાલનો દરિયો’ અંતર્ગત તેમનો લેખ છપાયો ત્યારે હું હતાશ પણ થઈ ગઈ હતી.

પરંતુ અમે એમને સમજી શક્યાં હતાં. કંઈક લોકોએ લખ્યું અને અમને ફોન પર કહ્યું, કે એ તો પારસમણિ હતા ! અફસોસ એ વાતનો રહ્યો, કે એમનાથી આટલાં નજીક એવાં અમે જ એ પારસમણિના સ્પર્શથી વંચિત રહ્યા !

પરંતુ અમને થયેલો અન્યાય, એ એમને થયેલા અન્યાય પરત્વે આંખ આડા કાન કરવાનું બહાનું બની ન રહે એ એક માત્ર ખેવના, આ ગ્રંથ કરવા પાછળનું પ્રેરકબળ કહો તો તે, અને કારણ કહો તો તે !

– મીનાક્ષી ચંદારાણા

‘બહુમુખી પ્રતિભા ધરાવતા સૌમ્ય પ્રકૃતિના અલગારી જીવ એવા સ્વ. શિવકુમાર ભાઈએ પત્રકારત્વ ઉપરાંત લોકસાહિત્ય, નાટ્ય, ટૂંકી વાર્તા, તેમન ફિલ્મનિર્માણ ક્ષેત્રે પણ મહત્વનું કામ કર્યું છે.’ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ શબ્દો જે પુસ્તકના ચોથા પાને છે એ અનોખું સ્મૃતિગ્રંથ સમું પુસ્તક ‘અહીંથી ગયા એ રણ તરફ..’ – એક મલંગ શિવ આચાર્યનાં મરશિયાં’ જે શ્રી મીનાક્ષીબેન અને અશ્વિનભાઈ ચંદારાણાની બેલડી દ્વારા સંપાદિત થયેલું છે તેનો પ્રસ્તાવનાસમ શ્રી મીનાક્ષી ચંદારાણાનો આ લેખ પુસ્તક વિશેની અનેક બાબતો ઉઘાડી આપે છે. પુસ્તક ભેટ કરવા બદલ તેમનો આભાર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “મહત્વની વાત (સ્વ. શિવકુમાર આચાર્ય વિશે) – મીનાક્ષી ચંદારાણા”

Copy Protected by Chetan's WP-Copyprotect.