ઈનામ – નટવર હેડાઉ

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર)

મને એ સમજ પડતી નથી કે જે કામ આપણી ઈચ્છા મુજબ સમયસર થઈ ન શકે, તેને કોઈપણ પ્રકારના ટકરાવ વગર કઈ રીતે કરવું ? જેમ કે સવારમાં તાજું અખબાર વાંચવું અને રાત્રે ટી.વી. જોવાનું સમયસર નથી થતું. જેમ કે અખબાર આવતું હોવા છતાં બીજું બંધાવ્યું અને ઘરમાં એક ટી.વી. હતું છતાં બીજું ખરીદ્યું. છતાં સવારે છાપું ક્યાં છે એમ પૂછું ત્યારે મોટાભાગે એવો ઉત્તર મળે છે કે કૃતક જોઈ રહ્યો છે. એ જ રીતે રાત્રે ટી.વી. જોવાનું વિચારું છું તો મોટેભાગે બંને ટી.વી.ના રિમોટ કૃતક અને કિંજલના હાથમાં હોય છે. આમ તો કૃતકના બે મુખ્ય શોખ છે. છાપામાં આવતી ઈનામી યોજનાઓમાં ભાગ લેવાનો અને કોમ્પ્યુટર ગેમ રમવાનો. જ્યારે કિંજલને વધુ રસ મોબાઈલમાં પૂછાતા મેસેજમાં ભાગ લેવાનો અને બહેનપણીઓ સાથે વાત કરવાનો અને બીજો ટી.વી. પર ગેમ શો અને ફેશન શો જોવાનો. મારા સ્વભાવથી વિપરિત આ બંને મોટાં દીકરા-દીકરીના આ શોખ અને રસરુચિ મારી મુશ્કેલીઓ વધારે છે. તેનો હલ કાઢવા બે છાપાં બંધાવ્યાં અને બે ટી.વી. ઘરમાં રાખ્યાં છે. મોબાઈલની જ્યારે જ્યારે જેને જેને જરૂર પડી તેને લઈ આપ્યા. આ બધી સુવિધાઓ ઊભી કરવા છતાં મને સમયસર ક્યારેક આ ન મળે તો ક્યારેક પેલું. અને ક્યારેક એ મળી જાય તો પણ તેની સ્થિતિ એવી હોતી નથી કે જે હું ઈચ્છતો હોઉં. છાપાંની જ વાત લઈ લો. ઘરમાં આવતાં છાપાં સમયસર મળતાં નથી. એ તો નક્કી જ છે. તેમાં વળી કોઈ અંક હાથમાં આવી ગયો તો સળાયેલો કે ફાટેલો તૂટેલો હોય છે. એમ લાગે કે તેમાં કોઈ ઈનામી યોજના ન હોવાથી ખીજાઈને ફેંક્યો હશે. અથવા એવું બને કે કોઈ ઈનામી યોજનાની જાહેરાત કે કુપન કાપી લેવામાં આવી હોય. જેના કારણે તેની પાછળ છપાયેલ ન્યૂઝ કે આર્ટીકલ અર્ધો કપાયેલો મળે. આમ અંક હાથમાં આવે ત્યારે તેનું પોસ્ટ મોર્ટમ થયેલું હોય. તેથી અવારનવાર છાપાંઓની આ સ્થિતિ જોઈને હું વિચલિત થઈ જાઉં છું. અને રાત્રે પણ કિંજલ એક ટી.વી. પર અને કૃતક બીજા ટી.વી. પર કબજો જમાવીને બેસી જાય છે. આવું ફક્ત અમારા ઘરમાં જ થાય છે એવું નથી. આવું તો દરેકના ઘરમાં થતું હોવાનું સાંભળવા મળે છે. ત્યારે મને બાળપણના એ દિવસો યાદ આવે છે જ્યારે ટી.વી.નું કોઈએ નામ પણ સાંભળ્યું ન હતું. હાં સાધનસંપન્ન ઘરોમાં રેડિયો જોવા મળતો. અમારે ઘેર પણ એક નાનો રેડિયો હતો. જે બેટરીથી ચાલતો. હા તે સમયે અમારે ત્યાં વીજળીનું કનેક્શન નહોતું. ઘણી મહેનત કરવા છતાં મળેલું નહીં. મને યાદ નથી કે અમે ભાઈ બહેનોએ ક્યારેય એ રેડિયોમાં ફિલ્મીગીતો સાંભળ્યાં હોય. બાપુજી ઘેર આવે ત્યારે જ રેડિયોની સ્વીચ ઓન થતી. તે મોટાભાગે ન્યૂઝ સાંભળતા કે શાસ્ત્રીય સંગીત. અમારા ઘરમાં શાસ્ત્રીય ગાયકોની ગ્રામોફોન રેકર્ડ વાગતી. જે અમારે ભાઈ બહેનોની રસરુચિ અને જ્ઞાનથી માઈલો દૂર હતી. છતાં બાપુજીની ગંભીર મુખમુદ્રા અને જરૂર પૂરતી વાત કરવાનો સ્વભાવ હોવાથી અમે તેમની કોઈ વાતનો વિરોધ કરવાનું સાહસ કરી શકતા નહીં. જ્યારે આજે તો બાળકો પોતાની પસંદના કાર્યક્રમો ટી.વી. પર જુએ છે અને કોઈ મોટું ઈનામ લાગી જતાં ઘરની કાયાપલટ થઈ જવાના દાવા કરે છે.

મને બાળકોની આવી વાતો સાંભળીને હસવાની સાથે સાથે દુઃખ થાય છે કે આ લોકોમાં સમજ ક્યારે આવશે ? પ્રશ્નનો ઉત્તર તો મળતો નથી છતાં વિચારું છું કે તેમની આ માનસિક સ્થિતિ માટે શું તેઓ એકલાં જ જવાબદાર છે ? આ પરિસ્થિતિ ઊભી કરનાર નહીં. જેના કારણે ઘર ઘરમાં આ બીમારી ફેલાઈ છે. લગભગ દરેક ઉંમરના વ્યક્તિઓ આ સ્રોતો દ્વારા રાતોરાત માલદાર થવાના પ્રયત્નો કરે છે. ખરેખર તો આ વસ્તુ જાતજાતની જ્ઞાનવૃદ્ધિ અને સમયનો સદ્‍ઉપયોગ કરવાનું મહત્વપૂર્ણ સાધન છે.

એમાં કોઈ શક નથી કે માણસની વૃત્તિ દરેક વસ્તુના દુરુપયોગ કરવા તરફ વધારે રહે છે. તેમાં દોષ કોને દેવો. કોઈને દઈ શકાય એમ નથી. હું ચૂપ રહેવા લાગ્યો. મારી આ સ્થિતિનું કારણ જાણી પત્નીએ સીધો જ ઉત્તર દીધો. હવા જ એવી છે અને જ્યારે બંને મોટાં છોકરાંઓએ મારા મૌનનું કારણ જાણ્યું તો બંને મને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. ક્યારેક કોઈને એસ.એમ.એસ. મોકલીને મૂર્ખ બનાવવા કે ક્યારેક કોઈને મોટું ઈનામ લાગ્યું છે એવી ખોટી વાતો મિત્રોમાં ફેલાવીને પછી શું થયું તેના કિસ્સા મને સંભળાવતા. બાળકોને આ રીતે મનોરંજન કરી સમય વિતાવતાં જોઈને મને બચપણના દિવસો યાદ આવ્યા કે જ્યારે અમારા ઉપર ઘર અને નિશાળમાં માત્ર સ્વસ્થ રમતો રમવા માટેનું દબાણ રહેતું. હવે તો સામાન્ય રીતે જાણે કે દરેક પોતાની ઈચ્છા મુજબ વર્તે છે. આ દોરમાં આગળ વધતાં જેમ તેમ દિવસો પસાર થતા હતા ત્યાં અચાનક એક સમય એવો આવ્યો કે જ્યારે ઉદાસીના વાદળો હટતાં હોય એમ લાગ્યું. બન્યું હતું એવું કે એક છાપામાં પ્રગટ થયેલ ઈનામના નંબરોમાં કૃતકની કુપનનો નંબર મળી ગયો. સૌની સાથોસાથ હું પણ ખુશ થયો. પછી હું એ વખતે દુવિધામાં પડી ગયો જ્યારે મેં જોયું કે કૃતકનો ઈનામી નંબર સાધારણ ઈનામો મેળવનારાઓમાં છે. છતાં મારા મનમાં આવેલી એ વાત ઘરનાં સભ્યો વચ્ચે જાહેર ન કરી કે કૃતકને મામૂલી ઈનામ મળવાનું છે.

એથી જરા વિપરીત હું તેની આ ખુશીમાં સામેલ થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કેમ કે પત્ની કહેતી હતી કે છેવટે કૃતકની મહેનત અને લગની લેખે લાગી છે. તો કિંજલ પણ ઉત્સાહિત થઈને કહેતી હતી કે ઈચ્છાશક્તિ મજબૂત હોય તો કંઈ અશક્ય નથી.

‘બેશક’ હું બોલી ઊઠ્યો. તે પછી ચૂપચાપ ઓરડામાં આમતેમ આંટા મારવા લાગ્યો. ત્યારે કૃતક ફોન પર તેના મિત્રોને પોતાને મળનાર ઈનામ અંગે વાત કરતો હતો.

થોડીવારમાં અચાનક બહાર કોઈ મેઈન ગેટ ખોલતું હોય તેવો અવાજ આવ્યો. હું ઝટપટ બહાર નીકળ્યો. જોયું તો એક પડોશી મેઈન ગેટ બંધ કરતા હતા. હું ઓસરીમાં ઊભો રહી ગયો. થોડીવાર પછી જ્યાં તેની નજર મારા પર પડી ત્યાં તે બોલ્યા ‘અભિનંદન… આપ સૌને અભિનંદન.’

‘એમાં અભિનંદન શાના ?’ હું હસતાં હસતાં બોલ્યો. ‘એ તો છોકાંરાની રમત છે.’

‘ના, સાહેબ,’ એ હજુ એટલું જ બોલ્યા હતા ત્યાં ત્રણ બીજા મિત્રો એક સાથે ગેટ ખોલીને અંદર આવ્યા. આવતાં જ હાથ મિલાવીને પોતાની ખુશી વ્યક્ત કરવા લાગ્યા. મને જરા વિચિત્ર લાગ્યું. હસતાં હસતાં મેં કહ્યું, ‘આજે તો બધાને થયું છે શું ?’

આ સાંભળીને પેલા પડોશીનો હાથ જોડીને રવાના થઈ ગયા. તે પછી આવેલા તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યા. જાણે કે હું પાગલ થઈ ગયો ન હોઉં.

આ રીતે અમારી વચ્ચે જરાકવાર શાંતિ રહી હશે ત્યાં એક સ્વર ગુંજી ઊઠ્યો, ‘આમ ચૂપ રહેવાથી નહીં ચાલે. આજે તો મીઠું મોઢું…’

‘આજે જ કેમ ?’ મેં જરા વ્યંગભર્યા સ્વરે કહ્યું. ‘રોજ મીઠું મોઢું કરો.’

‘જરૂર કરીશું’ એક જણે ભાર દઈને કહ્યું. તો બીજાએ વળી સલાહ આપી. ‘ઈનામ લેવા એકલા ન જતા.’ આજકાલ લૂંટફાટ વધી ગઈ છે. તો વળી ત્રીજાથી ચૂપ ન રહેવાયું તે બોલ્યો, ‘જરા બળુકા બે માણસોને સાથે લઈ જજો.’

હું કંઈ બોલ્યો નહીં. ચૂપચાપ એ ત્રણે જણના વ્યંગબાણો ને સહેતો ત્યાં જ આમતેમ ફરતો રહ્યો. મને ખબર ન રહી કે ક્યારે એ ત્રણે જણા ચૂપચાપ નીકળી ગયા. હું અંદર આવી ગયો. ત્યાં કૃતક અને કિંજલ કહેતાં હતાં ‘એકલાં ઈનામ લેવા જવામાં આપણે ગભરાઈએ છીએ શું ? ભાઈ તું એકલો નહીં હું પણ તારી સાથે આવીશ.’ તેમના શબ્દો મારા કાનમાં ગુંજતા હતા. ઘરમાં આવી ચર્ચાઓ ચાલતી રહી તે દરમ્યાન ઈનામની તારીખ આવી ગઈ. કૃતક અને કિંજલ બાઈક પર ઈનામ લેવા ઉપડી ગયાં. આવ્યાં ત્યારે એક મધ્યમ કદનું પેકેટ લઈને આવ્યાં. પત્નીના આનંદનો પાર ન હતો. તે ગદ્‍ગદિત થતાં બોલી. ‘વાહ ! બેટા વાહ !’ પછી તુરંત એ ભગવાનની ઓરડી તરફ ગઈ. તેણે દીવો પેટાવી તાળી વગાડી ભજન ગાવા માંડ્યું. તે જોઈને બાળકો પણ તેન લયમાં લય મિલાવી તાળીઓ પાડવા લાગ્યા. મને આ બધું નક્કામું લાગ્યું. તેથી પત્નીની પાસે આવતાં હું બોલ્યા વગર રહી શક્યો નહીં. મેં કહ્યું, ‘પહેલાં પેકેટ તો ખોલો. પછી ભજન કીર્તન કરતાં રહેજો.’ ત્યારે લોકોએ નારાજગીભરી નજરે મારા તરફ જોયું. પછી જોતજોતામાં કૃતક અને કિંજલે પેકેટ ખોલવાનું શરૂ કર્યું. તે જોઈને સૌની ઉત્સુકતાભરી નજરો પેકેટ પર લાગી હતી. નાની દીકરી તો પેકેટ ખૂલે ત્યાં સુધી તાળીઓ પાડી પાડીને પોતાની ખુશી વ્યક્ત કરતી રહી. પણ પેકેટ ખૂલતાં જ સૌની ઉત્સાહ અને ઉત્સુકતાભરી નજરો ઉદાસીનતાના બોજમાં ઝૂકી ગઈ. જ્યારે ઈનામમાં કાચની મધ્યમ કદની છ વાટકીઓ નીકળી.

‘શું થયું ?’ કૃતક જાણે કે આકાશમાંથી પાતાળમાં જઈ પડ્યો. એ એક માત્ર નહીં ઘરના સૌ મહત્વકાંક્ષી સભ્યો પણ.

પણ મને તો એ વાતની ચિંતા હતી કે જ્યારે લોકો મને ઈનામની બાબતે પૂછશે ત્યારે શું જવાબ દઈશ ? પત્ની અને બાળકો શું ચોખવટ કરશે ?

લોકોએ ઈનામ બાબતે પૂછતાં કોણે શું કહ્યું તેની તો કોઈને એકબીજાની ખબર નથી. કારણ કે હવે ઘરના સૌ કોઈ સભ્યો ખૂલીને એકબીજા સાથે બોલી શકતા નથી. પણ એવું લાગી રહ્યું હતું કે મુખ્યત્વે કૃતક અને કિંજલ મોટું ઈનામ ન મળવાથી એટલાં દુઃખી થઈ ગયાં હતાં કે કદાચ હવે તેઓ અખબાર, મોબાઈલ કે ટી.વી.ની નજીક નહીં ફરકે. જોકે છાપાંઓમાં ઈનામી યોજનાઓ ફરી નવી નવી આવવા લાગી છે. મોબાઈલમાં ઈનામ માટેના એસ.એમ.એસ. રોજ આવતા રહે છે. ટી.વી. પર પણ મનોરંજનના કાર્યક્રમો વધી રહ્યા છે.

થોડા દિવસ મેં જ્યારે બાળકોની આવી માનસિક સ્થિતિ જોઈ ત્યારે મને એમ લાગ્યું કે આ લોકો ઈનામોની બાબતમાં પડીને હવે પસ્તાઈ રહ્યાં છે. તેથી હવે તેઓ આવી બાબતોમાં પડશે નહીં. તેથી મેં ભગવાનનો પાડ માન્યો.

થોડા દિવસ બધું સામાન્ય રહ્યું. પણ એક દિવસ હું ફરી ચોંકી ઊઠ્યો. જ્યારે મેં જોયું કે ફરીથી સવારના છાપાં સાજાસમાં દેખાતાં નથી અને રાતે ટી.વી. પર કૃતક અને કિંજલ જામી પડ્યાં છે.

– નટવર હેડાઉ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સાચી જાગૃતિ એટલે… – ચંદ્રકાન્ત શેઠ
ભલે મેં વેઠ્યું, પણ મને જે મળ્યું છે તે અમૂલ્ય છે – અવંતિકા ગુણવંત Next »   

3 પ્રતિભાવો : ઈનામ – નટવર હેડાઉ

 1. Bachubhai says:

  Change the time for kids

 2. pjpandya says:

  બાલકો માતે આપને ફેર ફાર કરવો જોઇએ

 3. surati says:

  ગરીબ હતો તો પણ ઝુંપડા તોડતો
  ધાર્મિક હતો તો પણ મંદિર તોડતો
  આમ તો એ સામાન્ય માણસ હતો
  સુધરાઇમાં બુલડોઝરનો ડ્રાઇવર હતો

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.