ભલે મેં વેઠ્યું, પણ મને જે મળ્યું છે તે અમૂલ્ય છે – અવંતિકા ગુણવંત

(‘આંગણની તુલસી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ જનક્લ્યાણ કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

ઉદ્યોગપતિ વિપુલભાઈનો દીકરો સમકિત પરદેશથી ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યો અને તરત એના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયો. સમકિત સ્વભાવે ગંભીર અને મહેનતુ હતો. ત્રણ ભાઈબહેનમાં એ સૌથી મોટો હતો, એનાથી નાનો મલય હજી કૉલેજમાં ભણતો હતો અને સૌથી નાની રુચિ હાઈસ્કૂલમાં હતી, સમકિત માનતો હતો કે એ સૌથી મોટો છે એટલે એના પપ્પાની જવાબદારી બને એટલી એણે પોતાના માથે લઈ લેવી જોઈએ. આવા વિચારથી એણે ઑફિસનાં કામ સંભાળી લીધાં.
સમકિતનાં મમ્મી રમાબહેન કહેતાં, ‘દીકરા, તારા પપ્પાને તો તેં જવાબદારીમુક્ત કર્યા પણ મને ક્યારે જવાબદારીમુક્ત કરે છે ?’

શાણો દીકરો સમજી ગયો કે એની મમ્મી એને લગ્ન કરી લેવા ઈશારો કરી રહ્યાં છે એટલે એ નમ્ર સૂરે વિવેકથી બોલ્યો, ‘મમ્મી, તમે ધારો ત્યારે નિવૃત્ત થઈ શકો છો, તમારા દરેક નિર્ણયમાં મારો પૂરો સહકાર હશે.’

રમાબહેન સમજી ગયાં કે દીકરાએ એના લગ્ન માટે સંમતિ આપી દીધી છે, રમાબહેને દીકરો પરદેશથી આવે એ પહેલાં એના માટે એક કન્યા સલોણીને પસંદ કરી રાખી હતી. શિક્ષિત, પ્રતિષ્ઠિત અને સંસ્કારી ઘરની દીકરી સલોણી દેખાવે પણ સોહામણી હતી. આનંદી અને ઉત્સાહથી થનગનતી સલોણી બી.એ. થઈ ગઈ હતી અને એમ.એ. કરતી હતી. સ્વપ્નમાં રાચતી અને કલ્પનાશીલ સલોણી પ્રેમાળ અને પૂરેપૂરી કર્તવ્યનિષ્ઠ હતી. સલોણીની મહેચ્છા તો વિશેષ અભ્યાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવવાની હતી.

પરંતુ સલોણીનાં મમ્મી-પપ્પા વાસ્તવવાદી હતાં. એમણે સમકિતનું ઉજ્જવળ ભવિષ્ય જોયું અને સલોણીને સમજાવી કે ભવિષ્યમાં આવો આશાસ્પદ વર મળે કે કેમ એ શંકા છે, માટે તું સમકિત માટે હા પાડી દે અને પરણ્યા પછીય તું ભણી શકીશ, તારો વિકાસ અટકી નહિ પડે. સલોણી માની ગઈ અને સમકિત તથા સલોણીની સગાઈ થઈ ગઈ. લગ્નનો દિવસ પણ નક્કી થઈ ગયો.

પણ લગ્ન થાય એ પહેલાં જ સમકિતના પપ્પાને હાર્ટઍટેક આવ્યો, માસીવ હાર્ટઍટેક હતો. તાત્કાલિક સારવારથી તેઓ બચી તો ગયા પણ લાંબો વખત આરામ કરવાનું ડૉક્ટરોએ સૂચન કર્યું. સમકિતનાં મમ્મી રમાબહેન ખૂબ ગભરુ સ્વભાવનાં હતાં. તેઓ ચિંતાથી ઘેરાઈ ગયાં. અમંગળ અને અશુભ વિચારોમાં સપડાઈ ગયાં.

સલોણી અને સમકિતનાં લગ્ન નક્કી કરેલા મુર્હૂત પ્રમાણે થયાં પણ એકદમ ચિંતાગ્રસ્ત વાતાવરણમાં થયાં. નહીં લગ્નનો આનંદ કે ઉલ્લાસ. માત્ર વિધિ જ સંપન્ન થઈ અને સલોણી પતિગૃહે આવી.

લગ્નના બીજા જ દિવસથી સમકિતનું ઑફિસે જવાનું શરૂ થઈ ગયું. લગ્ન પછી દૂરદૂરના કોઈ અપરિચિત રળિયામણા સ્થળે ફરવા જવાનું તો વિચારી શકાય એમ જ ન હતું. વિપુલભાઈને આવેલા હાર્ટઍટેકના કારણે વ્યવસાયની સંપૂર્ણ જવાબદારી સમકિતના માથે આવી ગઈ હતી. લાખો કરોડોના બિઝનેસમાં એક નિર્ણય ખોટો લેવાઈ જાય તો ઘણું મોટું નુકસાન વેઠવાનો વારો આવે. વળી આજ સુધી વિપુલભાઈ બધા નિર્ણયો પોતે જાતે જ લેતા હતા. બીજા કોઈને નિર્ણય કરવાની સત્તા આપી ન હતી. સમકિત પણ બધી જવાબદારી પોતાના માથે રાખે તો જ વિપુલભાને શાંતિ થાય એ વાત સમકિત બરાબર જાણતો હતો. તેથી ક્યાંય બહારગામ ફરવા જવાના બદલે એ નિયમિત ઑફિસ જવા માંડ્યો.

ઑફિસેથી ઘેર આવીને સમકિત પપ્પા પાસે બેસતો, એમને પંપાળતો અને આખા દિવસનો અહેવાલ આપતો, અને તેઓ જે સૂચનો કરે તે ધ્યાનથી સાંભળતો. પોતાના પપ્પાને સાચવવામાં સમકિત સલોણીને સમય આપી શકતો નહિ, પરંતુ સલોણી સમજદાર અને વિચારશીલ હતી. એ કદીય ફરિયાદ કરતી નહિ કે ક્યાંય બહાર સાથે જવાની વાત ઉચ્ચારતી નહીં. સમકિતના કામમાં એ વિક્ષેપ પાડતી નહીં. પણ પ્રેમથી સહકાર આપતી.

ઘરમાં મસ્તીથી હરવું, ફરવું કે હસીમજાક કરવી બધું અદ્રશ્ય થઈ ગયું હતું. ખાસ તો રમાબહેનનો સ્વભાવ સાવ બદલાઈ ગયો હતો. પતિની માંદગીએ એમને માનસિક રીતે એટલાં દુર્બળ અને ચિંતાગ્રસ્ત બનાવી દીધા હતા કે નવવધૂ સલોણીને હોંશ અરમાન હોય એવું એ વિચારી શકતાં જ ન હતાં.
ક્યારેક સલોણી સરસ રીતે તૈયાર થાય તોય રમાબહેનના ચહેરા પર નારાજગી છવાઈ જતી. એ બબડતાં, તિરસ્કારથી બોલતાં, ‘સલોણીને શું ? એ તો પારકી જણી છે, ઘરમાં બીમારી હોય તોય એને શું કામ ચિંતા થાય ?’ સાસુના મોંએ આવું સાંભળે એટલે સલોણી શૃંગાર ઉતારી નાખે. એ કંઈ બોલે નહીં પણ ઘડીક ઉદાસ થઈ જાય. નૂતન જીવનની નવીનતા અને ઉમંગ ઓસરી જતાં.

ક્યારેક એ હોંશથી કોઈ ચટાકેદાર વાનગી કે મીઠાઈ બનાવવા વિશે પૂછે તો રમાબહેન તરત કઠોર સૂરે બોલે, ‘ઘરમાં સસરા માંદા છે ને તને ખાવાના ચટકા થાય છે ! તારામાં હેતમાયા જેવું છે કે નહિ ? અત્યારે તારી ફરજ શું છે ?’ આવું બોલતી વખતે રમાબહેન એવું ન હતાં વિચારતાં કે ઍટેક આવ્યો ત્યારે ભલે ચિંતા હતી પણ હવે કોઈ ચિંતા નથી, હા, લાંબો વખત આરામ લેવો પડશે પણ શું તબિયત સુધરતી આવે છે તેથી પૂરી આશા છે કે તેઓ થોડા સમય પછી પહેલાંની જેમ ઑફિસ જતા થઈ જશે. માટે એક વખત આવેલા હાર્ટઍટેક વિશે સતત વિચારતા રહીને ઘરનું વાતાવરણ ગંભીર અને શોકભર્યું બનાવી દેવાનું કોઈ કારણ નથી.

પરંતુ રમાબહેન નવવધૂની દ્રષ્ટિથી વિચારી શકતાં જ નહીં. સલોણીનાં હોંશ, અરમાનોને તેઓ વિચારતા કરતાં જ ન હતાં. ઘરમાં સલોણીની નાની નણંદ સુચિ હતી એય એવી નાદાન અને નાસમજ હતી કે સલોણીને જરા હસતી જુએ કે તરત રમાબહેન પાસે જઈને ચાડી ખાય અને પછી તો રમાબહેન મોણાંટોણાંનો મારો ચલાવતાં કે, ‘પારકી જણીને તો હસવાનું સૂઝે. એને સસરા પથારીમાં પડ્યા હોય તોય શું ?’ આવું સાંભળે તોય સલોણી પોતાના બચાવમાં એક શબ્દેય બોલતી નહીં. સલોણીનો સ્વભાવ જ આનંદી અને સમતાગુણી હતો. એના ચહેરા પર કાયમ પ્રસન્નતા દેખાતી. રમાબહેન વહુનો સ્વભાવ સમજી શકતાં જ નહિ અને સસરાની બીમારી સલોણીને સ્પર્શતી નથી, એ લાગણી વગરની છે એવું કહી કહીને એ વાતાવરણ કંકાસભર્યું કરી નાખતાં. ના કહેવાના શબ્દો સલોણીને કહેતાં.

તેમ છતાં સલોણી સ્વસ્થ રહેતી અને ઘરમાં લાગણીથી જ વર્તન કરતી. ઘરની બધી જવાબદારી એણે પોતાના માથે લઈ લીધી હતી. સાસુને પૂરા આદરમાનથી સાચવવા પ્રયત્ન કરતી, તે સાસુ સાથે કદી ચર્ચામાં ઊતરતી નહીં.

સલોણીનો દિયર મલય સમજદાર હતો. એને સલોણી માટે જીવ બળતો, એ ક્યારેક એની મમ્મીને સમજાવવા પ્રયત્ન કરતો, ત્યારે એની મમ્મી જોરથી તાડૂકતાં, ‘તને કંઈ સમજ ના પડે. તું તારું ભણ.’ મલય કોઈ વધારે દલીલ કરતો ત્યારે સલોણી ઈશારાથી મલયને ચૂપ રહેવાનું કહેતી અને એની સાસુ દૂર જાય ત્યારે મલયને કહેતી, ‘અત્યારે આપણે પપ્પાજીની તબિયતનો વિચાર કરવાનો. દલીલો કરીને મમ્મીને ઉશ્કેરવાનાં નહીં કે બેચેન નહીં બનાવવાનાં.’

‘પણ મમ્મી કેવી કઠોરતાથી બોલે છે અને વર્તે છે. અહીં જાણે લશ્કરી કાયદો ચાલે છે.’ મલય કહેતો.

‘મમ્મી બહુ જ ચિંતામાં રહે છે એટલે એમની એટિટ્યૂડ આવી જ હોય. આપણે ચૂપ રહેવાનું.’ સલોણી દિયરને સમજાવતી. સલોણીની પરિપક્વ વાણી સાંભળીને મલય નવાઈ પામી જતો. તે કોઈ દલીલ ના કરતો અને ચૂપ થઈ જતો, પણ મનમાં તો એને થતું કે ભાભી ખૂબ સમજદાર છે તેથી ઘરનું વાતાવરણ બગડતું નથી. સલોણી ક્યાંય એની સાસુ વિરુદ્ધ બોલતી નહિ કે ફરિયાદ કરતી નહીં. આખી પરિસ્થિતિ એણે સંભાળી લીધી હતી.

સમય પસાર થતો જાય છે. રમાબહેનના વર્તનમાં કોઈ ફરક પડતો નથી. એમને સલોણીનાં સ્નેહ, વિવેક, નમ્રતા, સહનશીલતા, સંયમ કંઈ જ નજરમાં આવતું નથી. એના સદ્‍ગુણોની કદી કદર કરતાં નથી. એમને સલોણી પોતાની લાગતી જ નથી, જ્યારે સલોણી પોતાની જાતને ભૂલીને ઘરમાં બધાંને સંતોષ આપવા પ્રયત્ન કરે છે. એ સમજે છે કે સસરાની માંદગીએ સાસુને બાવરાં બનાવી દીધાં છે.

મલય જેમ સમજણો થયો તેમ તેમ એને સલોણી માટે માન વધતું ગયું. એ વિચારે છે, ભાભીએ બધી કડવાશ પચાવીને અમને અમૃતનાં પાન કરાવ્યાં. મમ્મી તો નથી સમજતી પણ સમકિતભાઈ પણ ભાભીની કોમળ નાજુક લાગણીઓનો કેમ વિચાર નહીં કરતા હોય ? ભાભી યુવાન છે, એમને હોંશ હોય, અરમાન હોય, ભલે એ એમના મોંથી કંઈ બોલતા નથી, માગતાં નથી, હકની વાત કરતાં નથી તેથી શું ભાઈએ પણ ભાભી વિશે નહિ વિચારવાનું ? ભાઈ માત્ર મમ્મીનો જ વિચાર કરે છે અને એવું કરતાં ભાભીને કેવડો મોટો અન્યાય કરે છે ! ભાઈ સમતોલન કેમ નથી જાળવી શકતા ?

મલયના હૈયે આવા કેટલાય પ્રશ્નો ઊઠે છે પણ સલોણી એને બોલવાની રજા ક્યાં આપે છે ? સલોણી અન્યાય સહન કરે છે. પણ એવી ગરિમાથી જીવે છે કે મલય હેરત પામી જાય છે. ક્યાંથી આવે છે આવું ખમીર ? આવી ઉદાર પ્રેમભરી સમજ ?

મલયનો અભ્યાસ પૂરો થયો અને એના નૈયા સાથે વિવાહ થયા. સલોણીએ નૈયાને ઉમળકાથી આવકારી. નૈયાને આપવાનાં કપડાં અને દાગીનાની ખૂબ હોંશથી ખરીદી કરી. ક્યારેક દિયર દેરાણીની એ મધુર મશ્કરી લે છે. ક્યારેક ગીત ગાઈને વાતાવરણ રંગ અને રસથી છલકાવી દે છે. આ બધું જોઈને મલય વિચારે છે, ભાભીને એમના લગ્નનો લહાવો ન હતો મળ્યો, એવું ભાભીને ઊંડેઊંડેય ઓછું નહીં આવતું હોય ! ભાભી શી રીતે પોતાને જે નથી મળ્યું એ ભૂલી શકતાં હશે ?

મલય નૈયાને સલોણી વિશેની બધી વાત કરી હતી અને કહ્યું હતું, ‘ભાભી જેટલો આપણો ખ્યાલ રાખે છે એટલો આપણે એમનો રાખવાનો છે.’ મલયની વાત સાંભળીને નૈયાને બહુ નવાઈ લાગી હતી. એણે સલોણીને સીધું પૂછી લીધું, ‘ભાભી, તમને તો આવું કશું માણવાનું મળ્યું નથી એનું તમને ઓછું નથી આવી જતું ? તમારા મનમાં ઊંડે ઊંડેય કોઈ કડવાશ કે દુઃખ નથી ?’

સલોણી બોલી, ‘નૈયા, એ વખતનો સમય જ એવો હતો, પપ્પાના હાર્ટઍટેકે બધાંને ચિંતા કરતાં કરી મૂક્યાં હતાં, પણ અત્યારે બધું સારું છે, કોઈ ચિંતા નથી, કોઈ બોજ નથી માટે જ મારા વિશે વિચારવાનું છોડીને તું તારા નવજીવનનો પ્રારંભ પૂરા ઉલ્લાસથી સેલિબ્રેટ કર. જીવનમાં આ ઘડી ફરી આવવાની નથી.’

નૈયા નવાઈ પામી ગઈ. સલોણીના હૈયે કોઈ ઈર્ષ્યા નથી, કોઈ ઉદ્વેગ નથી. એ બોલી, ‘પણ ભાભી, સમકિતભાઈએ તો તમારો ખ્યાલ રાખવો જોઈએ ને ? એય મમ્મી તરફ જ ઢળી ગયા એ તમે કેમ ચલાવી લીધું ? પતિ તરફથી આટલી બધી બેદરકારી ? તમારા હક માટે તમે કેમ કંઈ બોલ્યાં નહીં ? તમે જાતે જ કેમ તમારું શોષણ થવા દીધું ? સમકિતભાઈને તમારા હક વિશે કહેવું જોઈએ ને !’

સલોણી બોલી, ‘નૈયા, જીવનમાં નહીં ધારેલું ઘણુંબધું અચાનક બને છે. હું કંઈ બોલું તો ઘણાં બધાંને અસર પહોંચે માટે પરિસ્થિતિ મારા હાથે બગડે નહીં માટે હું ચૂપ રહી હતી. બધાનાં સુખનો વિચાર કરવાનું મારું લક્ષ્ય હતું. ચાલ, હવે એ બધી ભૂતકાળની વાત થઈ. મેં જે ના માણ્યું એ તું માણી શકે એમ હું ઈચ્છું છું. તું તારામાં મસ્ત રહે. તું સુખી થા અને ઘરમાં બધાંને સુખી કર. નૈયા, ઘરનાં બધાંનાં સુખનો આધાર આપણી પર છે. એ વાત આપણે કદી નહિ ભૂલવાની. આપણે આ ઘરમાં પ્રથમ વાર પગ મૂકીએ ત્યારે નવાં હોઈએ છીએ, બધાંનાં માટે અજાણ્યા હોઈએ છીએ, આપણે સમતા રાખીને પ્રેમથી દરેકના દિલમાં જગ્યા કરવાની, તો જ આપણું આગમન સાર્થક થાય.’

નૈયા સલોણીની વાત સાંભળી રહી પણ એની સાથે સંમત ના થઈ શકી. વળી એના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે ઘરના મોભી સાસુ પાસેથી લાડના બદલે અવગણના અને કટુ વચન સાંભળવા મળે અને પતિય માતાપિતા તરફ ઢળે ત્યારે ભાભી આટલી શાંતિથી શી રીતે વિચારી શક્યાં હશે, અને છતાં એમનાપણું જાળવી શક્યાં હશે ? એણે સલોણીને પૂછ્યું, ‘ભાભી, લોકો તો કહે છે મનની મૂંઝવણ કોઈની આગળ ઠાલવીને તો હળવા થવાય અને સ્વસ્થ રહેવાય. પણ તમે તો તમારી વ્યથાની વાત કોઈને કહેતાં ન હતાં.’

સલોણી બોલી, ‘નૈયા, હું સતત મારા મન સાથે વાત કરતી. હું મમ્મી અને સમકિતની દ્રષ્ટિથી વિચારતી અને તેથી એમના માટે સમભાવ પ્રગટતો. તારી વાત સાચી છે કે એવા સંજોગોમાં સ્વસ્થતા જાળવી એ મારા માટે એક કસોટી હતી. પણ ત્યારે મને રવિશંકર મહારાજની શીખ યાદ આવતી કે સુખી થવા નહીં, સુખી કરવા પરણો.

‘અને જ્યારે આપણે બીજાને સુખી કરીએ છીએ ત્યારે આપોઆપ આપણે પણ સુખી થઈએ છીએ.’

આશ્ચર્યચકિત થતાં નૈયાએ પૂછ્યું, ‘તમે ભાવના અને આદર્શની સૃષ્ટિમાં સતત રહી શકતાં હતાં ? કદીય ગુસ્સો ન હતો આવતો, કદીય તમારી જાતની દયા નહોતી આવતી ? કદીય તમારા માટે તમારી આંખમાં આંસુ નહોતાં ઉભરાઈ આવ્યાં ?’

‘ક્યારેક મન ઉદાસીનતા તરફ વળતું, ત્યારે હું કાદવમાં ખીલતા કમળપુષ્પને યાદ કરીને મારી જાતને કહેતી, કમળ એની જાતને કાદવથી બચાવી શકે છે તો હું શુ કામ ક્લેશ અને ઉદાસીનતાને વશ થાઉં ? કમળની જેમ મારે ખીલતા જ રહેવાનું છે, મારું પોતાપણું સાચવવાનું છે. બસ, મનમાં આવી વાત ઊગે એટલે હું એ વાતને વળગી રહું.’ સાવ સામાન્ય વાત કહેતી હોય એમ સલોણી બોલી.

‘પણ ભાભી, મલય કહે છે કે થોડા દિવસો માટે નહિ પણ ત્રણ-ચાર વરસ સુધી તમે સહ્યા જ કર્યું, તમારું મનોબળ જબરું કહેવાય.’

સલોણી હસી પડી. બોલી, ‘નૈયા, સ્પર્ધામાં ઈરાદાપૂર્વક અંતરાય ખડા કરાય છે અને સ્પર્ધક એ હરડલ્સને – પડકારને ઓળંગી જાય છે તે રીતે મેં ય જીવનમાં ઊભા થયેલા અંતરાયો ઓળંગ્યા અને ઘરનું વાતાવરણ વધારે બગડે નહીં એની સાવધાની રાખી તો આજે ઘરમાં કેવું સુખશાંતિનું વાતાવરણ છે અને અન્યોન્ય માટે આત્મીયતા છે, હેતપ્રેમ છે. ઘરની એકતા અક્ષુણ્ણ રહી છે. નૈયા, કંઈક મેળવવું હોય તો એનું મૂલ્ય તો ચૂકવવું જ પડે. થોડાં વરસો ભલે મેં વેઠ્યું પણ બદલામાં મને જે મળ્યું છે એ અમૂલ્ય છે. ખરી રીતે મેં જે મેળવ્યું છે એનું તો મૂલ્ય જ ના થાય. સૌનો અનગળ પ્રેમ મને મળ્યો છે.’

[કુલ પાન ૧૫૯. કિંમત રૂ. ૮૫/- પ્રાપ્તિસ્થાનઃ પુનિત પ્રકાશન, સંત પુનિત માર્ગ, મણિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ભલે મેં વેઠ્યું, પણ મને જે મળ્યું છે તે અમૂલ્ય છે – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.