ત્રિકોણની ત્રીજી બાજુ – હર્ષ પંડ્યા

ત્રિકોણની ત્રીજી બાજુ – હર્ષ પંડ્યા

(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર)

વરસાદ વરસીને હમણાં જ બંધ રહ્યો હતો. આકાશ ધીમે ધીમે સ્વચ્છ થઈ રહ્યું હતું. ભીના વાતાવરણમાં વરસાદી સુગંધ વરતાતી હતી. ભીના રસ્તા પર આબુનો ઢોળાવ ચડતી એક જીપકારમાં આનંદ અને સીમા લગભગ મૌન જ બેઠાં હતાં. બંનેના ચહેરા પર વ્યગ્રતા વરતાતી હતી. બંનેના ચહેરા પર ચિંતાની એક લકીર સ્પષ્ટ વાંચી શકાતી હતી. સીટના એક છેડે આનંદ બેઠો હતો, બીજા છેડે સીમા હતી ! બંને વચ્ચે ઠીક ઠીક અંતર હતું. પતિ – પત્ની હોવા છતાં બંનેના હ્રદય ખાસ્સું અંતર મહેસૂસ કરતાં હતાં. સીમા થોડા સમયથી આનંદથી જુદી – પોતાને માવતર ચાલી ગઈ હતી. આવી જુદાઈને બે વર્ષ થવા આવ્યાં હતાં. આનંદ આમ તો સાલસ સ્વભાવનો, સહ્રદયી માણસ હતો. પોતાના નામ પ્રમાણે આનંદી પણ ખરો. નિષ્ઠાવાન શિક્ષક તરીકેની એની છાપ ગામમાં સર્વત્ર હતી. સીમા પરણીને આનંદને ઘેર આવ્યાને કમસે કમ સાતેક વર્ષ તો થયાં હશે. સુંદર મજાની પુત્રી પણ ખરી – રીન્કુ… જીપ સડસડાટ આબુનો ઢોળાવ ચડતી હતી. વચ્ચે વચ્ચે આગળ જતી મોટરો અને જીપગાડીઓ ઉપરના ઢોળાવો પર સરકતી માલૂમ પડતી હતી. આનંદ મૌન હતો, સીમાય મૌન હતી, પણ બંનેના મૌનના પડઘા જરૂર પડતા હતા ! ‘સીમા… તારા ઘર છોડી ચાલ્યા જવાનો નિર્ણય કેટલો વ્યાજબી હતો’ – એવો પ્રશ્ન આનંદને વારંવાર ઊઠતો પણ હોઠ સુધી આવીને અટકી જતો, તો સીમાને પણ થતું કે આનંદ અને ત્રણેક વરસની રીન્કુને એકલાં છોડી ચાલ્યા જવું ઉચિત હતું ? કેવા સંજોગો ઊભા થયા હતા ત્યારે ? જોકે એ જાણતી જ હતી કે ઘર છોડવામાં પોતે આનંદને તો અન્યાય જ કરે છે. પણ થાય શું ? આનંદના પિતા ને પોતાના સસરા કરુણાશંકરનો સ્વભાવ… તેજાબી સ્વભાવનો એ ડોસો… એની સાથે તો ક્યારેય રહી જ ન શકાય, એવું એને કદાચ લાગ્યું હશે. એમ તો એણે આનંદને આ બાબત ઘણી વાર ફરિયાદ પણ કરેલી. સ્કૂલેથી આવ્યા બાદ આનંદ બૂટ-મોજાં કાઢતો કે તરત જ એની રામાયણ શરૂ થતી. ‘આજે બાપુજી ન બોલવાનાં વેણ બોલ્યા. નહાવાનું પાણી ગરમ હોવા છતાં કહે, ‘ગરમ નથી, ટાઢુ બોળ શું કામ લાવી ? મને ઉપર પહોંચાડી દેવાનો વિચાર છે ?’ ‘હોય, હશે… ઘડપણ છે, કાને સાંભળે નહીં, આંખે દેખે નહીં, સ્વભાવ તો તીખો જ છે. સાંભળી લેવું, પ્રતિકાર ન કરવો’ આમ કહી આનંદ વાતને વાળી લેતો. ‘ગરમ સ્વભાવ ને એમાં વૃદ્ધાવસ્થા ભળી એટલે વધુ જલદ બન્યા…’ એમ કહી સીમાને મનાવી લેવા મથતો અને ઘરમાં સૌ પોતપોતાના કાર્યક્રમ પ્રમાણે આગળા ચાલતાં. માનું મૃત્યુ તો આનંદનાં લગ્ન પહેલાં જ થયેલું. પિતા જુનવાણી સ્વભાવના ખરા. લીધો કક્કો મૂકે નહીં એવા. લગભગ બે વરસ તો બાપ-બેટાએ ઘરનું ગાડું એક પણ સ્ત્રીપાત્ર વિના ચલાવ્યું ! પછી આનંદે લગ્ન કર્યા અને સીમા ગૃહલક્ષ્મી બની. ઘરમાં ત્રીજા સભ્યનો ઉમેરો થયો. આનંદને નિરાંત વળી. માતાના મૃત્યુ બાદ બે વરસની નરી એકલતામાં, શુષ્ક વાતાવરણમાં કાઢ્યાં હતાં… જીપ સર્પાકારે જતા ઢોળાવો પર ચડ્યે જતી હતી. સીમાને થયું, “લગ્ન પછી બીજે-ત્રીજે મહિને આબુ આવવાનું બન્યું હતું ત્યારે આ પર્વતરાજનું સૌંદર્ય ઓર આનંદ આપતું હતું. આજે આ કશામાં જીવ ચોંટતો નથી. રીન્કુની તબિયત સારી જ હશે કે વધુ બીમાર થઈ હશે ? કે આનંદે ખોટું તરકટ કરી અને આબુ લઈ જઈ મનાવવાનો મિથ્યા પ્રયત્ન કર્યો હશે ? કાંઈ સમજાતું નથી…”

આમ, તો આનંદથી છૂટી પડ્યાને આ ત્રીજું વરસ હતું. જ્યારે કરુણાશંકરના કહેવાતા માનસિક ત્રાસથી એણે ઘર છોડ્યું ત્યારે આનંદ તો સ્કૂલે હતો. સાંજે ઘેર આવ્યો ત્યારે ટિપાઈ પર પડેલી ચિઠ્ઠી જોઈ વાંચી. સીમાએ ઘર છોડવાના લીધેલા નિર્ણય વિશે જાણ્યું ત્યારે હતાશ થઈ ગયો. કલાકેક એ ગુમસુમ થઈને પલંગમાં પડ્યો રહ્યો. ચિઠ્ઠીમાં છેલ્લે લખ્યું હતું, “રીન્કુને તમારી પાસે જ રાખી જઉં છું. તમારી એટલી હેવાઈ છે કે તમારા વગર એક દિવસ પણ રહી ન શકે. તમારો સમય પાસ કરવામાં પણ મદદરૂપ બનશે ! તેને સાચવશો…” વગેરે… વગેરે… જોકે આનંદે ધાર્યું નહોતું કે આમ અચાનક સીમા ઘર છોડીને ચાલી જશે. તેને ખૂબ દુઃખ થયું, પણ પોતે પિતાજીને ન સુધારી શકે એમ હતો કે ન સીમાને મનાવી શકે એમ હતો. ડોસાએ જ્યારે સીમાના જતા રહેવાના સમાચાર સાંભળ્યા ત્યારે રાતા-પીળા થયેલા પણ આનંદે સમજાવી લીધેલા. બે-એક દિવસ પછી એણે સીમાને પત્ર લખ્યો કે પરત આવીને ઘરનો કારોબાર સંભાળી લે, પણ સીમા એકની બે ન થઈ ! આનંદ પણ સ્વમાની ખરો, વિશેષ કાંઈ ન લખ્યું. પત્રવ્યવહાર કપાઈ ગયો. દિવસ પછી દિવસ વીતવા લાગ્યા. રીન્કુ મોટી થવા લાગી. કરુણાશંકરનું વૃદ્ધ શરીર ઘસાવા લાગ્યું. આનંદને થયું, “રીન્કુને આબુની સનશાઈન ઈંગ્લિશ સ્કૂલમાં મૂકી હોય તો પોતાની ઘણી જવાબદારી ઓછી થઈ જાય. થોડી મોંઘી સ્કૂલ ખરી પણ ટ્રીટમેન્ટ સારી. હોસ્ટેલમાં એ લોકો સરસ ટ્રીટ કરે છે એમ આનંદે સાંભળ્યું હતું. આમેય તેને પાંચ પૂરાં થઈ છઠ્ઠું બેઠું હતું. પ્રારંભિક શિક્ષણ સરસ મળી જાય તો એનું જીવન સુધરી જાય… આ વિચારને આનંદે અમલમાં મૂક્યો. રીન્કુ સનશાઈનમાં દાખલ થઈ. એને હોસ્ટેલમાં મૂકી આવ્યા પછી આનંદને થયું કે પત્ર લખી સીમાને જાણ કરવી જોઈએ. પણ વળતી ક્ષણે તેનું મન તેમ કરવાની ના પાડતું હતું. સીમા જિદ્દી સ્ત્રી છે, ગમે તેમ કરીશ પણ એ માનશે નહીં. એટલે એણે પત્ર લખવાનું જ માંડી વાળ્યું. જીપની ગતિ થોડી મંદ પડી. હવે ઢોળાવ સીધો હતો. આનંદ વિચારતો હતો કે પિતાજીના મૃત્યુની જાણ કરીશ તો સીમા શો પ્રતિભાવ આપશે ? આખરે તો એ એનાથી કંટાળીને જ ગઈ હતી ને ? પિતાજીના મૃત્યુનો ઘા હજુ તાજો જ હતો. બે-એક મહિના પહેલાં જ શ્વાસના એક હુમલામાં ડોસા ખલાસ થઈ ગયેલા. એ વખતે આનંદને થયું કે હવે સીમાને જાણ કરવી જોઈએ. પણ સીમાના જવાથી એનું મન એટલું ભાંગી ગયું હતું કે તેણે કોઈ સમાચાર આપ્યા જ નહીં. “ખરેખર તો પત્ની તરીકે તેણે મારા દુઃખમાં સહભાગી થવું જોઈએ, ઘરડાં માવતરની સેવા કરવી જોઈએ તેને બદલે એ સેવા મારા પર છોડી પલાયન થઈ ગઈ !” તે વિચારતો હતો… કદાચ ઘરમાં એનું સ્વમાન ન સચવાયું હોય, ધારી સ્વતંત્રતા ન મળી હોય. બધાંને બધી જ વખતે ઈચ્છિત વસ્તુ મળે એવું નથી હોતું. કદાચ સીમાને ઊંડે ઊંડે મારા પ્રત્યે પણ અણગમો હોય. તેણે જે સ્વપ્નો સેવ્યાં હશે, એ પ્રકારનું ઘર, વાતાવરણ કે વૈભવ હું નહિ અપાવી શક્યો હોઉં… એમ તો પિતાજી મૃત્યુ પછી એ આબુ રીન્કુને મળી આવ્યો હતો. હોસ્ટેલમાં મળી સુવિધા-વ્યવસ્થા વગેરે જોઈ આવ્યો હતો. તેને હૈયે નિરાંત હતી કે છોકરીની સંભાળ સારી રીતે લેવાય છે, પરંતુ અચાનક ગઈ કાલે જ તેને સ્કૂલનો તાર મળ્યો. “રીન્કુ ઈઝ સિક, કમ વીથ હર મધર” – તાર વાંચીને તેને ચિંતા થવા લાગી. ઘડીભર તો થયું કે પોતે એકલો જ જાય તો સારું, પણ તારમાં લખ્યું હતું એટલે કદાચ રીન્કુ બીમાર હશે અને મમ્મીની રઢ લીધી હશે. આમેય નાનું બાળક બીમાર થાય ત્યારે પિતા કરતાં એને માતાનાં સાંત્વનની વિશેષ જરૂર હોય છે. જો આમ હોય તો સીમાને આ ખબર આપવા જ પડે. એ જલ્દી-જલ્દી તૈયાર થઈ – ત્રણેક કલાકની બસની મુસાફરી કરી સીમાને ઘેર પહોંચ્યો. લાંબા સમય બાદ આનંદના અચાનક આગમને સીમાને સ્તબ્ધ કરી દીધી. તેણે તો માન્યું હતું કે પોતે જ્યારે અહીં ભાગી આવી હતી ત્યારે જ આનંદ મનાવવા – તેડવા આવશે, પણ એવું કાંઈ બન્યું નહીં. આટલા લાંબા અંતરાલ પછી એ આજે આવ્યો. સીમા પ્રશ્નાર્થ નજરે જોઈ રહી.

“આપણે આબુ જવાનું છે.” – એ માંડ માંડ બોલી શક્યો.

“કેમ ?” – સીમાએ પ્રશ્ન કર્યો.

“રીન્કુ બીમાર છે, તેને મેં ગયા વરસે આબુ ઈંગ્લિશ સ્કૂલમાં મૂકી છે. એ લોકોનો તાર છે.” આનંદને આટલું બોલતાં શ્વાસ ચડી ગયો. સીમાનો ચહેરો વિલાઈ ગયો. “રીન્કુને છેક આબુ મૂકી ?” સીમાએ પ્રશ્ન કર્યો.

“હા…! મારાથી ઘેર તેની વ્યવસ્થા થઈ શકી નહીં…! આપણે પહેલાં નીકળીએ, પછી તું જે પૂછીશ તેના જવાબો આપીશ.”

સીમાની આંખો ભીની થઈ. તેને પોતાનો નિર્ણય ઉતાવળિયો અને આનંદને અન્યાયકર્તા લાગ્યો. પોતે મા થઈને રીન્કુને એકલી તરછોડી ભાગી આવી. પિતા સમાન વૃદ્ધ સસરાની સેવા તો એક બાજુ રહી… હડધૂત કરીને ભાગી આવી. મારી ગેરહાજરીમાં આનંદે કેમ દિવસો પસાર કર્યાં હશે ?

એના પર શું નહિ વીત્યું હોય ? આ બધું વિચારતા સીમાનું મગજ બહેર મારી ગયું. છતાં તે ઝટપટ તૈયાર થઈ ગઈ. બંને નીકળ્યાં. રાતભરની મુસાફરીમાં બેમાંથી કોઈ કશું બોલ્યું નહીં. અંબાજીથી જીપકારમાં નીકળ્યાં. આબુ હવે ખાસ દૂર ન હતું.
બંને મૌન હતાં.

“પિતાજીની તબિયત ?” સીમા આનંદની નજીક સરકી. પૂછવા જતી હતી ત્યાં વચ્ચે જ આનંદ બોલ્યો. “હા, તબિયત સારી નથી. બે મહિના પહેલાં જ શ્વાસનો હુમલો થયો… અને ખલાસ…!”

“હેં ?” સીમાનો અવાજ ફાટી ગયો.

“પિતાજી ગયા ?” “હા, હી ઈઝ નો મોર.” આનંદે શૂન્યભાવે કહ્યું, છેલ્લે છેલ્લે મને સલાહ આપતા ગયા કે ‘વહુનો સ્વભાવ ગરમ છે, તું એને કાંઈ કહીશ નહીં. મારા ગયા પછી તું એને તેડી લાવજે. બધાં શાંતિથી રહેજો. રીન્કુને પણ સાથે રાખજો. બધાં સંપથી રહેજો. પતિ-પત્ની અને બાળક એ ઘરના ત્રણ મુખ્ય સ્તંભો છે, એમાંથી એકની ગેરહાજરી આખા ઘરને હચમચાવી મૂકે છે’.” સીમા રડમસ થઈ ગઈ. તેની આંખો સામે કરુણાશંકરનો જૈફ ચહેરો તરવરવા લાગ્યો. પોતે એ પવિત્ર ડોસાને આજ લગી સમજી ન શકી, એ બદલ તેને પશ્ચાતાપ થવા લાગ્યો.

“આનંદ, ખરેખર મેં તમને, બાપુજીને ને રીન્કુને બધાંને અન્યાય કર્યો છે. ઘર છોડીને પીંખી નાખવાનું નિમિત્ત હું બની છું, મને માફ કરશો આનંદ ?” કહેતાં જ સીમા રડી પડી. આંખોમાંથી શ્રાવણ-ભાદરવો શરૂ થયાં. જીપ આબુ ઉપર સરકતી હતી. આનંદને સીમાની નિઃસહાય સ્થિતિ જોઈ અનુકંપા જાગી. તે કશું બોલી ન શકતો. તેણે પોતાના પગ પાસે રડતી સીમાને બેઠી કરી. રૂમાલથી આંખો લૂછી. તેનાથી ભાવાર્દ્ર થઈ જવાયું. ઘણા લાંબા સમય બાદ સીમાને તે આટલી નજીકથી જોઈ રહ્યો – સ્પર્શી રહ્યો હતો.

“કોઈ ભૂલ ન સુધરે એવી હોય ખરી… સીમા ?” એણે પૂછ્યું. “હા, જરૂર… તમે મારી ભૂલ સંબંધી જ પૂછો છો ને આનંદ ? ખરેખર મેં તમને છોડીને મોટું પાતક વહોરી લીધા જેટલું દુઃખ મહેસૂસ કર્યું છે… આનંદ ! એક કિલ્લોલતા ઘરને વેરવિખેર કરી નાખ્યું… આનંદ !” એ એકશ્વાસે બોલી ગઈ.

“ઘર – Home – એ ત્રિકોણ જેવું છે. એ સુરક્ષિત હોય એ ઈચ્છવા યોગ્ય છે. ત્રિકોણના ત્રણે ખૂણાઓને ત્રણે બાજુઓનો મોટો સહારો હોય છે. સીમા, એમાંથી માત્ર એક જ બાજુને તું ખસેડી લે તો શું થાય, ખબર છે ?” આનંદ બોલ્યે જતો હતો. સીમાની મોટી મોટી ભીની આંખો અનિમેષ નજરે જોતી હતી. “ખબર છે સીમા ?” આનંદે કહ્યું – “તો ખૂણો એક જ રહે ને એ ખુલ્લો થઈ જાય. ત્રિકોણની ત્રીજી બાજુનું મહત્વ સવિશેષ છે. પતિ, પત્ની અને બાળક એ સુંદર ત્રિકોણની ત્રણ બાજુઓ જ છે. પછી એમાંથી કોઈ એક બાજુ ખસી જાય તો ? ત્રિકોણ લુપ્ત થાય, બાકીની બાજુઓ નિરાધાર…!”

“બસ, આનંદ ! બસ, તમે ખરેખર મહાન છો, હું તમને સમજી ન શકી એનો મને રંજ છે.” એ આનંદને અટકાવતાં બોલી.

નખી તળાવના કાંઠે જીપ અટકી. આનંદે ડ્રાઈવરને રસ્તો બતાવ્યો. અધ્ધરદેવીના રસ્તે, બ્રહ્માકુમારી આશ્રમ પાસે સનશાઈન ચિલ્ડ્રન હોસ્ટેલ હતી. સીમા હવે સ્વસ્થ થઈ ગઈ. જીપ સનશાઈન આગળ આવીને ઊભી રહી. બંને ઊતર્યાં. ઝડપભેર કાર્યાલયમાં જઈ પોતાના નામની એન્ટ્રી પાડી, સીધાં જ મેટ્રન પાસે પહોંચ્યાં. નમસ્તે કહેતા આનંદે તાર બતાવ્યો. “યસ, યસ” કહેતીકને મેટ્રન રોઝા ડી સિલ્વાની આંખો ખુશીથી નાચી ઊઠી.

“રીન્કુ ઈઝ ફાઈન, નાઉ, શી હૅઝ નો ટ્રબલ. એ ડે બીફોર યસ્ટરડે શી વોઝ સિરિયસ, શી હેડ મચ ફીવર ઍન્ડ શી બીકેઈમ અનકોન્શિયસ. શી ઈઝ ફાઈન નાઉ…” કહેતાં તેણે બેલ-બટન પર આંગળી દાબી. શ્વેત વસ્ત્રધારી પરિચારિકા આવી તેને રીન્કુને બોલાવી લાવવા કહ્યું. આનંદ-સીમાની આંખો રીન્કુના આગમનની તીવ્ર પ્રતીક્ષા કરી રહી. રીન્કુ દોડતી આવી. મમ્મી-પપ્પાને જોતાં જ બંનેને બાઝી પડી. સીમાની આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ પડી. આનંદની આંખોના ખૂણા ભીના થયા.

“યુ કૅન ટેઈક હર હોમ ફૉર વીક ઓર ટુ પ્લીઝ… યુ કૅન.” મેટ્રન બોલી. “યસ, વી આર ટેઈકિંગ રીન્કુ વિથ અસ પ્લીઝ, થૅંક યુ વેરી મચ” – આનંદ બોલ્યો. થોડી પ્રાથમિક વિધિ પતાવી ત્રણે હોસ્ટેલના પગથિયાં ઊતરી બહાર જીપમાં ગોઠવાયાં, જીપ સડસડાટ આબુ પરથી નીચે ઊતરવા લાગી. આનંદ, સીમા અને રીન્કુ ત્રણેની હર્ષસભર આંખો આબુના પ્રાકૃતિક સૌંદર્યનું પાન કરી રહી. કદાચ આ ખુશી ત્રિકોણની ત્રીજી બાજુ સંધાઈ જવાને લીધે પણ હોય. આજે ત્રણે બાજુ સંધાઈને સુંદર, સુરક્ષિત ત્રિકોણ બની ગયો હતો…!

– હર્ષ પંડ્યા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ત્રિકોણની ત્રીજી બાજુ – હર્ષ પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.