ઘડપણમાં સુખી થવાની ગુરુચાવી – સુબોધભાઈ ડી. શાહ

(પ્રસ્તુત લેખ ‘વૃદ્ધાવસ્થા’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં વૃદ્ધોને ઉપયોગી એવી અનેક બાબતોનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ પુસ્તક નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા માટે લેખકનો સંપર્ક કરવા વિનંતી.)

૧. ચાલશે, ફાવશે, ગમશે અને ભાવશે જીવનમંત્ર બનાવો.
૨. “સ્વમાં વસ પરથી ખસ – એટલું બસ” અનુભવ કરશો તો જીવનસંધ્યાનો ઉજાસ ચોતરફ પ્રકાશમય ફેલાશે. ધાર્મિક ક્રિયાકાંડને જીવનમાં વણતા જાવ.
૩. આંખ આડા કાન કરતા શીખો.
૪. જૂની આંખે નવા તમાશા જોતાં શીખીએ.
૫. કોઈ પૂછે તો જ કહો. પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળો.
૬. અંતરના ઊંડાણમાં ડૂબકી મારો, અનેરી શાંતિ મળશે.
૭. ઘરની અન્ય વ્યક્તિ બીજા કામમાં હોય તો તેની સંમતિથી તેનાં નાનાં કામો જેવાં કે બૅંકનાં કામો, નાનીનાની ખરીદી, બાળકોને તેડવા-મૂકવા જવા, લાઈટબિલ, ટેલિફોનબિલ જેવાં કામો સામે માંગીને કરવા.
૮. છોકરાઓના મિત્રો અગર સ્નેહી આવેલ હોય તો યોગ્ય ઔપચારિક વાતો કરી ઊભા થઈ જવું. સાથે બેસવાનો આગ્રહ ન રાખવો. તેમને મોકળાશ આપતાં શીખો. રૂમ અગર જગ્યાનો અભાવ હોય તો પેપર અગર કોઈ પુસ્તક વાંચો અગર માળા ગણો.
૯. નાનામોટા ઘરના સૌને સારાં કામો અંગે પીઠ થાબડી બિરદાવતાં શીખો. નાનામોટા ભણતા છોઅક્રાઓને રિઝલ્ટ આવેથી ચૉકલેટ, આઈસ્ક્રીમ, પૈસા મૂકેલ કવર અગર કોઈ ગિફ્ટ અગર તેને ભાવતી/ગમતી કોઈ ચીજ લાવી આપો જેથી તે પ્રોત્સાહિત થશે અને આત્મીયતા વધશે, પરસ્પર પ્રેમ વધશે.
૧૦. જેમ ઉંમર વધે તેમ ઊંઘ ઘટે છે. ધાર્મિક વલણ વધતું જાય છે જેથી સ્વાભાવિક રીતે જ બહુ વહેલા ઊઠી જવાય છે. તેવા ટાઈમે પ્રભુસ્તુતિ કરતાં, કસરત વગેરે કરતા હોય તો તે ટાઈમે અગર કોઈ રૂટિન દૈનિક કામોથી બાકીના સભ્યોની ઊંઘ ન ઉડાડીએ કે ઘરના સભ્યો વહેલા ઊઠે તેવો આગ્રહ ન રાખીએ.
૧૧. સામાન્ય રીતે ઉંમર વધે તેમ જીભના ચટકા પણ વધે છે જે સ્વાભાવિક છે. જેથી શક્ય હોય તેટલો સંયમ રાખવો. રોજના ખોરાકમાં તેમ જ સાંજના વાળુમાં ઘી, તેલ, મસાલા, તળેલી ચીજો તેમ જ આથો આવતો હોય તેવા ખોરાક ઓછા વાપરવા. મેંદાની વાનગીઓ ઓછી વાપરવી. ગળપણ ઓછું લેવું. મીઠું અને ખાંડને તબીબો ઝીણું ઝેર માને છે. આપણે મરવાના વાંકે જીવવું નથી. કેટલું લાંબું જીવ્યા તે અગત્યનું નથી, કેવું તંદુરસ્ત જીવ્યા તે અગત્યનું છે.
૧૨. તબિયત પ્રમાણમાં સારી હોય, પથારીવશ ન હોઈએ તો આપણે લેવાની થતી દવાઓ જાતે યાદ કરીને રેગ્યુલર ટાઈમે ભૂલ્યા વગર લો. કોઈ આપશે (પોતાની પત્ની અગર પતિ પણ) તેવી આશા ન રાખશો. આપણે તંદુરસ્ત રહીએ અને હૉસ્પિટલ ભેગા ન થઈએ તો તે કુટુંબીજનો માટે આશીર્વાદ રૂપ જ છે.
૧૩. વધુ મોટી ઉંમરે ધીમેધીમે ઝાંખું દેખાય છે. ગ્લેર સહન થતો નથી તેથી શક્ય હોય ત્યાં સુધી વાહન ન ચલાવવું. અગર નજીક નજીકમાં જ ચલાવવું. બને તો સાંજ પછી અગર હાઈવે પર વાહન ન ચલાવવું. અકસ્માતથી બચવા રસ્તાની જમણી બાજુ જ ચાલવું જેથી સામેથી આવતું વાહન દેખાય.
૧૪. કરકસર કરીને પણ તેમ જ માંદગી અગર અકસ્માત ન થતો હોય તોપણ મેડિક્લેઈમ મળતો હોય ત્યાં સુધી તે લેવો જરૂરી છે અને તેનું પ્રીમિયમ ડ્યુ થતાં પહેલાં ચેક ભરાવી દેવો તે આપણી ફરજ છે. એજન્ટની આશા ન રખાય.
૧૫. આપણી પોતાની પાસે જ બૅલેન્સ હોય તે જોઈને, આપણી ઉંમરને ખ્યાલમાં રાખીને હાથે તે સાથે તે ઉક્તિને ધ્યાનમાં રાખીને જાતે જ સત્‍કાર્યો – ધાર્મિક અનુષ્ઠાનો, જીવદયાનાં કાર્યો, અનુકંપા દાન, જ્ઞાનદાન કરી લેવાં. આપણે પૈસે આપણે કરી લઈએ. પાછળથી વારસો કરે તો સારું. કદાચ ન પણ કરે.
૧૬. વર્તમાનમાં જીવતાં શીખો. Move with the times. વિજ્ઞાનની નવીનવી શોધોને બિરદાવતાં શીખો. અનુકૂળતા હોય તો તેમાં રસ લઈ ઊંડા ઊતરો. આપણો જૂનો જમાનો જ સારો હતો તેવું માનવાને કોઈ કારણ નથી. વારેવારે આપણા કુટુંબીજનો તથા સ્નેહીઓને “અમારા જમાનામાં તો…” તેવું યાદ કરી તેમને બોર ન કરો. તેઓ માંગે તો જ સલાહ આપો. બિનજરૂરી ઘરની બધી વાતોને જાણવાની કોશિશ ન કરો. આપણા અનુભવના આધારે આપણી સુબુદ્ધિ વાપરી સાચી સલાહ આપી વેગળા થઈ જાવ. વાતને ચોળીને ચીકણી ન કરો. હવે ટાઈમ બદલાઈ ગયો છે. ઈચ્છા હોવા છતાં બધા ટાઈમ સ્પેર કરી શકતા નથી. સલાહ આપ્યા બાદ આપણી સલાહનો અમલ કરે કે ન કરે ચિંતા ન કરો. અમલ ન કરે અને કાંઈ ખોટું થઈ જાય તો મહેણાં ન મારો – પોતાની વાત અવગણવાથી કેવાં પરિણામ આવ્યાં તે તમો કહી ન બતાવો. તેને તેની જાતે જ ભાન થવા દો.
૧૭. આઈ કાર્ડ (ઓળખ પત્ર) હંમેશાં સાથે રાખવું. જેમાં નામ-સરનામું, ફોન નંબર, બ્લડ ગ્રૂપ તથા ઈમરજન્સીમાં સંપર્ક સાધવા ખાસ વ્યક્તિનો ફોન નંબર હોવો જોઈએ.
૧૮. ઘરની દીકરીઓના સાસરા પક્ષે તેમ જ પુત્રવધૂના પિયરિયા પક્ષે ઘેર આવનારને આવકારો, મીઠા સંબંધો રાખો, તેમની ઈજ્જત કરો.
૧૯. ધર્મ તરફની રુચિ વધારતા જાવ. સત્‍કાર્યો દ્વારા કરેલ પુણ્ય જ સાથે આવવાનું છે. પ્રભુસ્મરણ-નવકારમંત્ર સતત કર્યા કરો.

[સંપર્ક : સુબોધભાઈ ડી. શાહ, ૩૦૧, આંજી ફ્લેટ, નવા વિહાર ગૃહ સામે, પાલડી, અમદાવાદ. મો. ૯૩૭૪૦ ૧૯૩૬૨]

Leave a Reply to Arvind Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ઘડપણમાં સુખી થવાની ગુરુચાવી – સુબોધભાઈ ડી. શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.