માતૃભાષા ખોઈશું તો.. – કુમારપાળ દેસાઈ

સાડા પાંચ કરોડની ગુજરાતી પ્રજા અને એની સામે ઊભેલું માતૃભાષાનું મહાસંકટ ! ગુજરાતની જેટલી વસ્તી છે, એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્વ છોડીને અંગ્રેજી ભાષાના કે અન્ય કોઈ પ્રવાહમાં વહી ગયા નથી. ૧૯૯૬માં નોર્વેની વસ્તી ૪૨ લાખ અને ૩૮ હજાર હતી. ઈઝરાયેલની ૫૬ લાખ અને ૨૯ હજાર હતી અને સ્વીડનની વસ્તી ઈ.સ. ૨૦૦૩માં ૮૯ લાખ ૯૮ હજારની હતી. આ બધા દેશોમાં માતૃભાષા ગૌરવભર્યા સ્થાને બિરાજે છે અને સર્વત્ર પ્રયોજાય છે. આને માટે કોઈ એક વર્ગ નહીં, સમગ્ર પ્રજા જાગૃત છે.

માંડ ૯૦ લાખની વસ્તી ધરાવતા સ્વીડનમાં એની માતૃભાષામાં ચર્ચા-વિચારણા કરતાં કેટલાં મંડળો છે, તે તમે જાણો છો ? એના કોઈ નાનકડા ગામમાં જાઓ, તો પણ તમને માતૃભાષામાં ચર્ચા કરતાં ત્રણ-ચાર મંડળો મળી રહેશે. સમગ્ર સ્વીડનમાં કુલ ૨૭ હજાર ચર્ચામંડળો છે. આ મંડળોમાં વિવિધ વિષયો પર ચર્ચા ચાલતી હોય છે. આને પરિણામે માતૃભાષાને વધારે પ્રભાવક રીતે રજૂ કરવાનો સતત પ્રયાસ ચાલતો રહે છે. માત્ર વિદ્વાનોના ચર્ચામંડળોની વાત નથી. જુદા જુદા અનેક પ્રકારના ચર્ચામંડળો પોતાના વિષય પર ચર્ચાનું આયોજન કરતાં હોય છે. સામસામી દલીલો કરતા હોય, પોતાના તર્ક રજૂ કરતા હોય, વિરોધીની દલીલ પર ‘હુમલો’ કરતા હોય અને પછી એમાં ક્યાંક કવિતાની પંક્તિઓ આવતી હોય તો ક્યાંક એમની નુકચેતીમાં કોઈ સુવાક્ય ગૂંથી લેવામાં આવતું હોય. કવિ નર્મદના જમાનામાં ‘મંડળી મળવાથી થતા લાભ’ની વાત થતી હતી. જુદી જુદી ચર્ચાસભાઓ યોજાતી હતી. આજે ગુજરાતી ભાષામાં કેટલાં ચર્ચામંડળો ચાલે છે ? એથીય વધારે તો એક સમયે અમદાવાદમાં મહાદેવ દેસાઈ ટ્રૉફીનો ભારે મહિમા હતો. કૉલેજો પોતાના વિદ્યાર્થીઓને આને માટે ખૂબ પ્રોત્સાહિત કરતી હતી. આજે આખી પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે.

માતૃભાષાથી જેમ જેમ દૂર થતા જઈશું તેમ તેમ સર્જનાત્મકતા ઝાંખી પડતી જશે. આજના શિક્ષણવિદો વારંવાર કહે છે કે શિક્ષણનો વ્યાપ વધ્યો છે ; પરંતુ સર્જકત્વ ઘટ્યું છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા વિચારતા થયા છીએ; પરંતુ અગાઉ જે સર્જનશીલતા પ્રગટતી હતી, એ હવે ધીરે ધીરે ઝાંખી થતી જાય છે તેનું કારણ શું ? આ અંગે થયેલાં સંશોધનોમાંથી એ તારણ પ્રગટ થયું કે જે લોકો પોતાની માતૃભાષા છોડીને અન્ય ભાષા અપનાવે છે અને તેમાં વિશેષ કામગીરી કરે છે તેઓ વધારે અનુકરણાત્મક (ઈમેવેટીવ) બની જાય છે અને ઓછા સંશોધનાત્મક (ઈનોવેટીવ) રહે છે.

આને કારણે જે આજે ભાર વિનાના ભણતરની વાત થાય છે ; પરંતુ શિક્ષણનો ભાર અને દફતરનું વજન વધતું જ જાય છે. શાળાશિક્ષણને બદલે ટ્યુશનની પ્રથા કૂદકે ને ભૂસકે વધી રહી છે. જ્ઞાન એ સાહજિક પ્રક્રિયા રહ્યું નથી. આજે દસ વર્ષના બાળકને પચીસ શિક્ષકો ભણાવતા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારના પાંચ વાગ્યાથી ટ્યુશન ક્લાસ શરૂ થાય છે અને મોડી રાત સુધી તે ચાલતા હોય છે. જેમ કે એક સમયે સારું શિક્ષણ આપતી શાળાઓમાં પ્રવેશ થતો હતો, એ જ રીતે આજે સારા પરિણામ લાવતા વિદ્યાર્થીઓ જે ટ્યુશન ક્લાસમાં ભણે છે, ત્યાં વધુ ધસારો રહે છે. આ ઘા પર મીઠું ભભરાવવાનું કામ સમૂહ માધ્યમોએ કર્યું. બે-અઢી વર્ષના બાળકને ડે-કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવે છે. હવે તો એથી ય આગળ વધીને વેકેશન કેર સેન્ટર શરૂ થયાં છે, જેમાં રવિવારની રજાના દિવસે પણ બાળકોને રાખવામાં આવે છે. આ રીતે શિક્ષણ અને સમૂહ માધ્યમોએ માતા-પિતા પાસે ઓછામાં ઓછો સમય બાળક રહે એવી સ્થિતિ સર્જી છે.

મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ માતૃભાષામાં લખી. ગાંધીજીનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ઘણું સારું હતું. એમણે લખેલ ‘હિંદ સ્વરાજ’નું અંગ્રેજી એના ગુજરાતી કરતાં વધુ પ્રભાવક લાગે છે. ‘ઈન્ડિયન ઓપિનિયન’માં પ્રગટ થયેલા લેખોમાં પણ અંગ્રેજી ભાષા પરનું મહાત્મા ગાંધીનું પ્રભુત્વ જોવા મળે છે. આવું હોવા છતાં એમણે માતૃભાષામાં આત્મકથા લખવાનું એ માટે નક્કી કર્યું કે, એમાં પોતાના હ્રદયના ભાવ પ્રગટ કરવાનું સહજસિદ્ધ લાગ્યું. આ રીતે જો માતૃભાષા ભૂલાતી જશે તો વ્યક્તિનું આંતરસત્વ અને એની ચેતનાનું પ્રાગટ્ય ઝાંખું પડશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને એના સાપેક્ષતાના સિદ્ધાંતની વાત જર્મન ભાષામાં જ લખી. એ જ રીતે એરિસ્ટોટલે અને કાર્લ માર્ક્સે પણ પોતાના વિચારો પોતાની માતૃભાષામાં પ્રગટ કર્યા. વિશ્વમાં પ્રબળ પરિવર્તન આણનાર વિચારો મુખ્યત્વે માતૃભાષામાં પ્રગટ થયા છે, આથી માતૃભાષાએ વ્યક્તિની સર્જનાત્મકતાનું સબળ અને પ્રભાવક વાહન છે.

માતૃભાષા એ પ્રત્યાયન (કૉમ્યુનિકેશન)નું મહત્વનું સાધન છે. આજે માતૃભાષાના અભાવને કારણે ઘણી દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ છે ! અમેરિકાથી આવેલા પૌત્ર સાથે એના દાદાની વાતચીતમાં મોટું અંતર જોવા મળે છે. ઘણા યુવાનો પોતાના માતા-પિતાને અમેરિકામાં પોતાના સંતાનોને જાળવવા બોલાવે છે, ત્યારે જો માતૃભાષામાં વ્યવહાર થતો ન હોય તો એમની વચ્ચે મોટી ખાઈ સર્જાય છે અને ધીરે-ધીરે તો એવી દયામણી સ્થિતિ જોવા મળે છે કે ન પૂછો વાત. અમેરિકાના એક કાર્યક્રમમાં એક યુવતીએ મધુર કંઠે ગુજરાતી ગીત ગાયું, પરંતુ એને ગુજરાતી ભાષામાં વાંચતાં આવડતું ન હતું. એણે એની સ્ક્રીપ્ટ રોમન લિપિમાં લખી હતી.

માતૃભાષા જાય તો સર્જકતા ખોવાય, બે વ્યક્તિ વચ્ચેના સંવાદમાં વિસંવાદ બને અને એનાથીયે મોટું ભયસ્થાન તો મૂલ્યો અને સંસ્કૃતિનું છે. દરેક પ્રજા પોતાનાં મૂલ્યો પર જીવતી હોય છે અને એ રીતે એમની પરંપરા સાથે જોડાણ સાધતી હોય છે. આથી સૌથી સિકટ પ્રશ્ન એ મૂલ્યો અને સંસ્કૃતિનો વારસો પછીની પેઢીને આપવાનો હોય છે. શ્રીમદ્‍ ભગવદ્‍ગીતાના કર્મયોગની વાત થાય, ત્યારે ‘કર્મ’ શબ્દનો અંગ્રેજી અનુવાદ અતિ મુશ્કેલ છે. એમાં પણ ‘કર્મ’ શબ્દની અંગ્રેજીમાં અર્થછાયાઓ પકડવી, એ તો એનાથી યે વધુ કપરા ચઢાણ જેવી. વળી હિંદુ કર્મવાદ અને જૈન કર્મવાદની ભિન્નતા બતાવવી હોય તો તે વળી મોટો સવાલ ઊભો કરે.

થોડાં વર્ષો પૂર્વે આચાર્ય ઉમાસ્વાતિજીએ ચોથી સદીમાં લખેલા ‘તત્વાર્થ સૂત્ર’ ગ્રંથના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલતું હતું, ત્યારે જૈન પરિભાષાના ‘સમ્યક્‍ દર્શન’ શબ્દ માટે કલાકોના કલાકો સુધી ગડમથલ કરી હતી. બ્રિટનમાં શબ્દો ઘડી આપનારા ‘વર્ડ સ્મિથ’ હોય છે. વર્ડ સ્મિથ સાથે બેસીને જૈન દર્શનના સૌ અભ્યાસીઓએ લાંબી ચર્ચા કરી અને અંતે ‘enlightened viewpoint’ જે શબ્દ પસંદ કર્યો, પણ સાથે લખ્યું કે આ શબ્દ મૂળ શબ્દના ભાવને પૂરેપૂરો પ્રગટ કરતો નથી.

વળી બીજી ભાષામાં વિચાર કરવાની આપણે કોશિશ કરીએ છીએ, પણ એને પૂરેપૂરી અપનાવી શકતા નથી. એનું કારણ એ છે કે સર્જનાત્મકતા એ આંતરિક બાબત છે, સંવાદ એ બે વ્યક્તિ વચ્ચે સધાય છે અને કલ્ચરનો સંબંધ સમૂહ સાથે છે. આ રીતે બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વની માવજતને માટે માતૃભાષાનો અભ્યાસ જરૂરી છે. બાળક સૌથી વધુ શિક્ષણ ઘરમાંથી લેતું હોય છે અને તેથી માતૃભાષા એને જીભવગી અને હ્રદયવગી હોય છે. કુદરતે આપણને ગુજરાતી ભાષા આપી ; પરંતુ એની આપણે કરેલી માવજત નબળી છે. સર્જકો, શિક્ષકો, ગ્રંથપાલો અને સમાજ હિતચિંતકો ગુજરાતી માતૃભાષા માટે કટિબદ્ધ બનીને આંદોલન કરે છે, પણ વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ, મેનેજમેન્ટના નિષ્ણાંતો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને શ્રમજીવીઓ એમાં ક્યાં છે ? ગુજરાતના સમર્થ સારસ્વત શ્રી ઉમાશંકર જોશીની જન્મ શતાબ્દીએ કેમ જનહ્રદયમાં માતૃભાષાના ગૌરવનો કોઈ ગુંજારવ ન થયો ?

માણસ બહુભાષી છ અને તેથી એકવીસમી સદીના સમગ્ર પરિવેશ પર વિચાર કરીએ તો આજે વ્યક્તિને માટે ત્રણ પ્રકારની ક્ષમતા જરૂરી છે. એક સ્થાનિક (લોકલ સિચ્યુએશન), બીજી રાષ્ટ્રીય (નેશનલ), ત્રીજી વૈશ્વિક (ગ્લોબલ). આ ત્રણેય પરિસ્થિતિમાં સાવ જુદી જુદી ભાષા કામ લાગે છે. માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશી ભાષાને આ દ્રષ્ટિએ જોઈ શકાય અને એ રીતે અંગ્રેજી ભાષાને પણ સારી રીતે શીખી શકાય. આપણી મુશ્કેલી તો એ થઈ કે ગુજરાતી ખોયું અને અંગ્રેજી આવડ્યું નહીં !

– કુમારપાળ દેસાઈ

(‘ગુજરાત સમાચાર’, રવિપૂર્તિ, તા.૨૧/૧૧/૨૦૧૦}

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “માતૃભાષા ખોઈશું તો.. – કુમારપાળ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.