મળી માતૃભાષા મને માંહ્યલાનું જતન કરવા – ગુણવંત શાહ
માતૃભાષાના રક્ષણ માટે શહીદ થયેલા બહાદુર લોકોનું સ્મારક તમને ઢાંકા સિવાય બીજે જોવા નહીં મળે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઉર્દૂ લાદવા માગતા હતા ત્યારે જે પ્રચંડ વિરોધ થયો તેમાંથી બાંગ્લાદેશનું સર્જન થયું. અબ્દુલ ગફાર ચૌધરી બાંગ્લાદેશના જાણીતા કટાર લેખક છે. એમણે લખેલી કવિતા સાંભળો :
શું હું એકવીસમી ફેબ્રુઆરી ભૂલી શકું,
જે મારા બંધુઓના ખૂનથી લથબથ હતી ?
શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,
જેણે હજારો માતાઓને પુત્રવિહોણી કરી નાખી ?
શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,
જેણે મારા સોનેરી દેશને લોહીથી રંગી નાખ્યો ?
આજકાલ અબ્દુલ ગફાર ચૌધરી બંગબંધુ શેખ મુજિબુર રહેમાન પર ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં શેખ મુજિબની ભૂમિકા અમિતાભ બચ્ચન નિભાવશે અને દિગ્દર્શન શ્યામ બેનેગલ કરશે. રાહ જોઈએ.
લાગણીના પ્રદેશમાંથી બહાર આવીને માતૃભાષા અંગે વિચારવાનું રાખીએ તો પણ કેટલીક હકીકતોની પજવણી શરૂ થશે. સોક્રેટિસની, પ્લેટોની, એરિસ્ટોટલની, ઈસુ ખ્રિસ્તની, આઈન્સ્ટાઈનની અને રોમન કેથલિક પ્રજાના ધર્માચાર્ય પોપ ધ બેનિડિક્ટની માતૃભાષા અંગ્રેજી ન હોય, તોય અંગ્રેજીનું મહત્વ ઓછું નથી. સુરેન્દ્રનગરમાં હર્ષદ ત્રિવેદીએ કહ્યું કે : ‘માતૃભાષા મારી ત્વચા છે અને અન્ય ભાષાઓ વસ્ત્ર છે.’ અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, પરંતુ માતૃભાષાની અવગણના કરનાર મહામૂર્ખ છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોય એવો કોઈ યુરોપીય દેશ ખરો ? ડેન્માર્કમાં શિક્ષણનું માધ્યમ ડેનિશ છે, સ્વિડનમાં સ્વિડિશ છે, ફિનલેન્ડમાં ફિનિશ છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ છે, ઈટલીમાં રોમન છે, પોર્ટુગલમાં પોર્ચુગીઝ છે, સ્પેનમાં સ્પેનિશ છે, ગ્રીસમાં ગ્રીક છે, બ્રિટનમાં અંગ્રેજી છે, જર્મનીમાં જર્મન છે, સ્વિટ્ઝર્લેન્ડમાં સ્વિસ છે અને રશિયામાં રશિયન છે. ચીનમાં ચીની ભાષામાં ભણાવાય છે, જાપાનમાં જાપાની ભાષામાં ભણાવાય છે અને સમગ્ર અરબસ્તાનમાં અરબી ભાષામાં ભણાવાય છે. આઈસલેન્ડની વસ્તી અઢી લાખની છે. તે દેશમાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી નથી,પરંતુ આઈસલેન્ડિક છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય તે અંગેની ચર્ચા પણ અન્ય દેશોમાં ક્યારેય થતી નથી. અંગ્રેજી ભણવું અને અંગ્રેજી દ્વારા ભણવું એ બે સાવ જુદી બાબતો છે. માતૃભાષાની વંદનયાત્રા કાઢવી પડે એ તો આપણે માટે શરમજનક બાબત ગણાય. અન્ય દેશોમાં એવી યાત્રાની કલ્પના પણ ન થઈ શકે. હવે હકીકતોના પ્રદેશમાં એક ચકરાવો મારીએ.
આઈઝેક બાસેવિક સિંગર એક મોટા યહૂદી લેખક છે. એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું : ‘તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો ?’ જવાબમાં એ લેખકે કહ્યું : ‘મને પાકી ખાતરી છે કે મૃત્યુ પામેલા કરોડો યહૂદીઓ એક દિવસ એમની કબરમાંથી બેઠા થશે અને પ્રશ્ન પૂછશે : યીડિશ ભાષામાં પ્રગટ થયેલી લેટેસ્ટ બૂક કઈ છે ? એ લોકો માટે યીડિશ ભાષા મરી પરવારેલી ભાષા નહીં હોય. મને તો ફક્ત આ એક જ ભાષા બરાબર આવડે છે, જેમાં હું આખો ને આખો ઠલવાઈ શકું. યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.’
વાત હજી આગળ ચલાવીએ. જોશ રીઝાલ ફિલિપિન્સના ગાંધી ગણાય છે. સન ૧૮૯૬માં એમને અત્યાચારીઓએ ફાંસીને માંચડે લટકાવી દીધા હતા. ગાંધીજી એમને ‘અહિંસાના મસીહા’ ગણાવ્યા હતા. એમના શબ્દો સાંભળો : ‘જે પોતાની ભાષાને પ્રેમ નથી કરતો, તે ગંધાતી માછલી કરતાંય ખરાબ છે.’ જાણી રાખવા જેવું છે કે ઈંગ્લેન્ડનો રાજા જ્યોર્જ પહેલો અંગ્રેજી બોલી શકતો ન હતો. એ જર્મનીમાં મોટો થયેલો. એ અંગ્રેજી ન ભણ્યો તે ન જ ભણ્યો ! એણે ઈ.સ.૧૭૧૪થી ૧૭૨૭ સુધી અંગ્રેજી જાણ્યા વિના જ ઈંગ્લેન્ડ પર રાજ કર્યું હતું. પોતાની માતૃભાષામાં લખી-બોલી ન શકે એવાં બાળકો એ રાજા જેવાં પ્લાસ્ટિકિયાં કે નાયલોનિયાં બની જાય એવી સંભાવના ઓછી નથી. માતાપિતાથી અળગાં અળગાં અને પરાયાં પરાયાં સંતાનો તમે નથી જોયાં ? ક્યારેક એવાં બાળકો છતે માબાપે ‘અનાથ’ જણાય તો નવાઈ નહીં.
હવે એક નક્કર હકીકત કાન દઈને સાંભળજો. તા.૧૬-૭-૨૦૦૯ને દિવસે હૈદર રિઝવીએ યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (યુનો) માટેનો અહેવાલ લખ્યો તેનું મથાળું છે : ‘હજારો વર્ગખંડોમાં માતૃભાષા ગેરહાજર છે.’ અહીં ટૂંકમાં અહેવાલમાં પ્રગટ થયેલા માત્ર બે મુદ્દાઓ જ પ્રસ્તુત છે :
(૧) તાજેતરનાં સંશોધાનો જણાવે છે કે દુનિયાનાં અડધા ભાગનાં બાળકો નિશાળે નથી જતાં કારણ કે નિશાળની ભાષા ઘરે બોલાતી ભાષા કરતાં જુદી છે.
(૨) યુનોના બાલ – અધિકારોની ઘોષણામાં જણાવવામાં આવ્યું છે કે બાળકોને એ જ ભાષામાં ભણાવવાં જોઈએ, જે ભાષામાં ઘરે માતાપિતા, દાદા – દાદી અને ભાઈઓ – બહેનો વાતો કરતાં હોય.
શું આ બધી વાતો અંગ્રેજીનો વિરોધ કરવા માટે લખી છે કે ? ના, ના, ના. એક જ દાખલો પૂરતો છે. ગુજરાત ખાતે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના સ્થાનિક તંત્રી હતા તૃષાર ભટ્ટ ચીખલી પાસે આવેલા એંધણ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. માતૃભાષા પરનું પ્રભુત્વ પણ અન્ય ભાષા પરના પ્રભુત્વ માટે ખૂબ જ ઉપકારક થાય છે. સુંદર ત્વચા પર સુંદર વસ્ત્ર જરૂર વધારે શોભે. ત્વચાની માવજત એ ‘વસ્ત્રવિરોધી’ બાબત થોડી છે ?
માતૃભાષા વંદનયાત્રા રૂડીપેરે પૂરી થઈ. હવે પછી કરવાનું શું ? ગુજરાતમાં ૫૦૦ જેટલી સ્કૂલોમાં પચ્ચીસ સુજ્ઞ નાગરિકો પહોંચી જાય. અંગ્રેજી માધ્યમની નિશાળોમાં જઈને તેઓ આચાર્યને અને ટ્રસ્ટીઓને હાથ જોડીને કહેશે : ‘તમારી શાળામં માતૃભાષાનું માધ્યમ નથી તે અમને ખૂંચે છે. એમાં બાળકોનું ખરું પ્રફુલ્લન થતું નથી. આમ છતાં તમે એક કામ અવશ્ય કરો. બાળકોને ઉત્તમ ગુજરાતી ભણાવો.’ એ જ રીતે પચ્ચીસ સુજ્ઞ નાગરિકો ગુજરાતી માધ્યમની શાળાઓમાં જઈને કહેશેઃ ‘માતૃભાષાના માધ્યમ દ્વારા ભણાવવા બદલ તમને અમારાં અભિનંદન છે, પરંતુ તમારી નિશાળમાં અંગ્રેજી વિષય તરીકે ઉત્તમ રીતે ભણાવાય તેવી ગોઢવણ કરશો.’ આવી કેટલીક નિશાળો સાથે હું સીધા સંપર્કમાં છું. આવી નમૂનારૂપ નિશાળોની સંખ્યા વધે તો ગુજરાતીને વાંધો નહીં આવે. અંગ્રેજી અને ગુજરાતી ભણાવતી આવી ૫૦૦ જેટલી ‘મોડલ સ્કૂલો’ની યાદી તૈયાર થવી જોઈએ. આ ઉકેલ વ્યવહારુ છે. સંશોધન કહે છે : વાંચવાની ઝડપ માતૃભાષામાં જ ખરેખરી વધારી શકાય છે. પ્રથમ ધોરણમાં પરભાષામાં ભણનારા બળકો પર ઘણો વધારે બોજ પડે છે. પરિણામે બંને ભાષામાં ‘રીડિંગ ફલુઅન્સી’ ઘટે છે. આવા વિદ્યાર્થીઓ પછીના ધોરણોમાં પાછળ પડી જાય છે અને નિશાળમાં ભણવાનું પૂરું થાય ત્યારે ‘લગભગ નિરક્ષર’ જેવાં બની રહે છે. આ ‘ન્યુરોલોજિકલ થિયરી ઓફ લર્નિંગ’ છે, જે વૈશ્વિક કક્ષાએ સ્વીકાર પામી ચૂકી છે. બોલો હવે વધારે શું કહેવું ? આ બાબતે થોડાક એવા પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષણકારો અને સાહિત્યકારોની જરૂર છે, જે લોકતંત્રને શોભે એવું પ્રેશરગૃપ બની શકે. ગુજરાતની સરકાર પર આવા સમર્થ પ્રેશરગૃપનો પ્રભાવ પડશે, પડશે અને પડશે જ ! વિનંતી નહીં, દબાણ જરૂરી છે.
માણસની માતા એકની એક જ હોય છે. માણસનો માંહ્યલો પણ એકનો એક જ હોય છે. આપણો માંહ્યલો સતત વ્યક્ત થવા તલસે છે. એ માતૃભાષામાં જ ખરેખરો વ્યક્ત થઈ શકે. માતૃભાષા દ્વારા શિક્ષણ પામવું એ બાળકનો મૂળભૂત માનવીય અધિકાર છે. માણસ પોતાના માંહ્યલાની અવગણના કરે, ત્યારે પોતાની જાતને દગો દેતો હોય છે. માતૃભાષા તો આપણા માંહ્યલાની માવજત કરનારી ‘હ્રદયભાષા’ છે. નિરંજન ભગતે કહેલું : ‘સમાજ કવિસૂનો ન હજો અને સંસ્કૃતિ કવિતાસૂની ન હજો.’ આપણે ક્યારે જાગીશું ?
(યુનેસ્કો તરફથી વિશ્વભરમાં જાહેર થયેલા માતૃભાષા દિને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં યોજાયેલી જાહેરસભામાં આપેલ પ્રવચન, અમદાવાદ, તા.૨૧-૨-૨૦૧૦)



પાંચ વર્ષો પૂર્વે નું ભાષણ .. આજે પણ એટલુજ સાંપ્રત…,
આવતી કાલે કદાચ વધુ ચિંતાજનક ..!
આદરણીય ગુણવંતભાઈ અને તેમના જેવા પ્રબળ ચિંતકો અને કેળવણીકારો નો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે ..
આપના પ્રયાસો સફલ બને તેવિ પરક્રપલુ પ્રભુને પ્રર્થના
આપના વિચારો પ્રેરણાદાયક, પ્રેમભાવન અને વધુ હાર્દિક અને બૌધિક હોય, એનો રઁગ, રસ અને રમ્યતા સ્પર્શેી જાય, આપનુઁ ચિઁતનવિશ્વ નવેી પેઢેીને મોૂલ્યબોધ આપે ચ્હે, જેીવનમોૂલ્યોના પાઠ સમા હોય, જોૂનાગઢમાઁ ત્રણેક વાર આપને સાઁભળ્યા , એ પ્રેમપુર્વકનાઁ ભાવભેીનાઁ સ્નેહ સઁભારણા સાથે ભાવવઁદન..
માતૃભાષાની ઘોર ખોદનારાઓમાં ગુજરાતી વિદ્વાનો અને શિક્ષણશાસ્ત્રીઓનો ઓછો ફાળો નથી. ૧૯૫૭માં ગુજરાત યુનીવર્સીટીએ ગુજરાતી માધ્યમ દાખલ કરેલ. મગનભાઈ દેસાઈનો મોટો ફાળો હતો. મોરારજીભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈનો પણ ફાળો હતો.
મગનમાધ્યમના શબ્દ પ્રયોગ દ્વારા મગનભાઈ દેસાઈ (ગુ.યુ.ના વાઈસ ચાન્સેલર)ની અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની હાંસી ઉડાવાતી હતી. ઈન્ટર પછી અંગ્રેજી માધ્યમ શરુ થતું હતું. પરપ્રાંતિઓને ગુજરાતની અંદર અને બહાર, ગુજરાતીઓને નોકરીએ ન રાખવાનું એક બહાનું મળી ગયેલ. આ બહાનુ આજ સુધી ચાલુ છે. વડોદરા યુનીવર્સીટી અને સરદાર પટેલ યુનીવર્સીટીએ ગુજરાતી માધ્યમ સ્વિકારેલ નહીં.
માતૃભાષા શિક્ષણનું માધ્યમ ન હોવાથી, ભારતીયો દેશવિદેશમાં આગવા સંશોધનો કરવામાં ગોત્યા જડતા નથી. સવા અબજની વસ્તીવાળા ભારતમાં નોબેલપ્રાઈઝ મેળવનારા સંશોધનશીલો આંગળીના વેઢે નહીં પણ માત્ર એક હાથની આંગળીથી ગણી શકાય તેટલા છે. જોકે હવે વિદેશોમાં ભારતીય બાળકો અંગ્રેજીમાં વિચારતા થયા છે તેથી ત્યાં ફેર પડશે.
માતૃભાષાનું મહત્વ વધારવું અઘરું નથી. ગુજરાતમાં નોકરી કરવા માટે ગુજરાતીમાં વ્યવહાર ફરજીયાત હોવો જોઇએ. ગુજરાતી ભાષા ૧૨ ધોરણને સમક્ક્ષ આવડવી જ જોઇએ. અને જે તે પરપ્રાંતીઓ ગુજરાતી ભાષાની આ પરીક્ષા પાસ કરે તેઓને એક ઇન્ક્રીમેન્ટ વધુ આપવું જોઇએ. જો તમે અરબસ્તાનમાં કંઈ પણ વેચવા માગતા હો તો દરેક પેકીંગ ઉપર લેબલો અરબી ભાષામાં લખેલા હોવા જ જોઇએ. મુંબઈમાં ગુજરાતી અને મરાઠીનું સ્થાન સમકક્ષ હોવું જોઇએ.
I insisted on educating my children in Gujarati medium. My eldest daughter is a Homoeopathy dr., has done her master in Public Health in USA, is settled in USA.
Second daughter was in the merit list of Maharashtra SSC Exam. Board, did her Graduation in Ayurveda, finished hurt master in Nutrition, settled in USA.
Third child, my son, did his M.B.B.S., now Ph. D. In Endocrinology , settled in Australia.
I did my S.S.C. In Gujarati ,did medicine from Bombay.
None of us had any difficulty in graduation due to change of medium from Gujarati to English.
BUT……..while I do insist on mother tongue as a medium of education till S.S.C., English, as a language, must not be neglected. And if English medium is the only choice at the primary level, then We must make Google efforts to teach them Gujarati very well.
I would also recommend Sanskrit to be taught to them at our cost at S.S.C. as an alternative language. My daughter had scored 99/100 in Sanskrit at S.S.C.
Please correct:-
Her graduation instead of hurt graduation
Good efforts, instead of Google efforts.
માત્ર એસ એસ સી સુધી નહીં, પણ પીએચડી સુધી દરેક વિષયમાં માતૃભાષા જ માધ્યમ તરીકે હોવી જોઇએ. આવું નહીં થાય ત્યાં સુધી સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિ ઉત્પન્ન નહીં થાય. અવનવા સ્વતંત્ર વિચાર પણ ઉત્પન્ન નહીં થાય.
માતૃભાષા ચામડી અને અંગ્રેજીભાષા વસ્ત્રો એ વાત બરાબર નથી. મુખ્ય વસ્તુ જ્ઞાન છે. જ્ઞાન એ ચામડી છે. અને માતૃભાષા એ વસ્ત્રો છે. અંગ્રેજી એ પાળેલુ કુતરું છે જે તમારો એક શોખ છે. કુતરુ પાળો, બીલાડી પાળો, કબુતર પાળો, પોપટ પાળો, જે પાળવું હોય તે પાળો, પણ આ શોખ ફરજીયાત ન કરી શકાય. આવો કોઈ શોખ ન હોય તો તરક્કીમાં બાધા ન આવવી જોઇએ. આ શોખ વગરનાને અણઘડ ન કહી શકાય.
જયશ્રીકૃષ્ણ! સાચુ કહ્યુ તમે! પાળવા માટે તો ઘણી ભાષાઓ છે, પણ અધ્યયન માટે તો માતૃભાષાની તોલે કોઇ ન આવે. ગુણવંતભાઈના દેશોની યાદિમાં હંગેરિ ન દેખાયું, ત્યાં દવાખાનાના ડોક્ટર સુધ્ધા તેમની ભાષામાં જ સેવા આપી શકે છે. તે દેશની ૯૫% પ્રજા માતૃભાષામાં જ બોલવાનો આગ્રહ રાખે છે.
શિરિશ ભાઇ ,તમે સત્ય વાત કરિ.આખે આખુ બાલકનુ ભિતર બદ્લવુ એના કરતા તો અભ્યાસક્રમ જ ગુજરાતિ મા કરિ દેવો શુ ખોટો ? આપનિ પાસે એગ્રેજિ બુકો નો ગુજરાતિ અનુવાદ કરિ શકે એવા માનસો ન મલે? એક વખત નુ કામ છે.
હ કેનેડાના નાન શહેરમા રહુ ચુ અન્હઇયા સરકાર અને શાળા બન્ને નો આગ્રહ હોય ચે કે બાળ્ક માતરુભાશા શિખે અન ક્લાસ ચલાવવા માટે ગ્રાન્ટ પણ આપે ચે.
આજે શિક્ષણમા મૂલ્યશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે મૂલ્યવિકાસ માટે માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય કહેવાય.