- ReadGujarati.com - http://www.readgujarati.com -

હિંમતે મર્દા તો મદદે ખુદા – ડૉ.જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ

(‘વિચારવિજ્ઞાન’ સામયિકમાંથી સાભાર)

કટ્ટમ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર…

કોઈ લાલ વાદળી પીળો
કોઈ શ્વેત કેસરી નીલો
કોઈ સ્થિર, કોઈ અસ્થિર
ને કોઈ હઠીલો…

પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર…

કોઈ ફસ્કી જાય, ને કોઈ રડે
કોઈ ચડે એવો પડે ને
કોઈ ગોથાં ખાય કોઈ લડે…

પટ્ટાદાર, જાનદાર, મુંગદાર…
આંકેદાર… ચોકડાદાર…
કાગળ જેવી કાયામાં પણ
માયાનો નહીં પાર…

કોઈ કોઈને ખેંચી કાપે,
કોઈના ઢીલ કોઈને સંતાપે
કોઈ કપાતું આપોઆપે
કોઈ કપાતું કોઈના પાપે

કોઈ પતંગ પંડે પટકાતો
ઊદ્દી, ખેંશિયો, પાવલો,
અડધિયો, પોણિયો, આખિયો,
આ રંગીન જન્મ મરણની દુનિયાનો

કોઈ ન પમ્યું પાર
પતંગનો પરિવાર…
– અવિનાશ વ્યાસ

ઉત્તરાયણના સંદર્ભે રચાયેલા ઉપરોક્ત ગીતના સંદર્ભે ‘… પતંગ થઈને આખો દિવસ ઊડે સૌ ગુજરાતી !’ લેખમાં પોતાની લાગણી અભિવ્યક્ત કરતાં આ ગીત વિશે શ્રી જય વસાવડા સાચું જ કહે છે, ‘આજે પણ અવિનાશભાઈનું આ ગીત કેવું તાજું તાજું લાગે છે !’ શ્રી રમેશ પારેખે પણ પોતાની કૃતિમાં પોતાની સંવેદના જણાવતાં કહ્યું છે ‘પતંગનો ઓચ્છવ એ બીજું કંઈ નથી, પણ મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !’

પોતાના ઉપરોક્ત લેખમાં જ શ્રી જય વસાવડા કહે છે, ‘ઘણી વખત ધસમસતા, આસમાની ખ્વાહિશોને ચુમવા ઊછળતા ઓત્સાહી પતંગો ઊંચે ચડે ન ચડે, ત્યાં તો ફિરકીમાં જ માંજો ખૂટી જતો હોય છે. કે પછી, ઠરી ઠામ થાય ત્યાં જ કોઈ અણધાર્યા પેચ લગાવીને એ જે આશા, પ્રેમ વિશ્વાસની દોરી પર ઠુમકતો હોય છે, તે જ છેદી નાખે છે ! સંબંધો પણ સમજણની પાતળી દોરીએ હવામાં ઊડતા હોય છે. જો એમાં ક્યાંક ગેરસમજ કે ગુસ્સાનો અણિયાળો કાચ અડી ગયો તો, પતંગનું પતન નક્કી ! જેને કુદરતી સમયના સથવારાનો, વિધાતાની પતંગબાજી જેવી નિયતિનો પવન મળ્યો, એ પતંગ ઊડ્યા અને જેના માટે આ પવનનો પડદો પડ્યો, એ કપાઈને પડ્યા !’ શું જિંદગીનું પણ કાંઈ આવું નથી ? ક્યાંક પંડે પટકાવાનું, ને ક્યાંક કોઈકના હાથે પટકાવાનું ! એમાં જો હામ ધરી ઊભા થઈ જવાય તો, મુસીબતોની પરવા કર્યા વગર તેની સામે બાથ ભીડીને ઊડવા મંડીએ તો કદી ન માણી હોય તેવી જિંદગીનો અહેસાસ થાય. આવી જ વાત છે ઈસનપુરમાં રહેતા શ્રી ધવલ ખત્રીની.

‘મત કર યકીન અપને હાથો કી લકીરો પર… નસીબ ઉનકે ભી હોતે હૈ જિન્કે હાથ નહીં હોતે…’ આ વાક્ય છે, બંને હાથ કોણી સુધી-કપાયા હોવા છતાં પણ પેઈન્ટિંગમાં ખ્યાતિ ધરાવતા યુવાન ધવલ જ્યોત્સ્નાબહેન કૌશિકભાઈ ખત્રીના. ૨૦૦૩ની સાલમાં ૧૪ વર્ષની ઉંમરે તે ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો. મિત્રો સાથે તે પણ ધાબા પર પતંગ ઉડાવી પેચ લડાવી રહ્યો હતો. નજીકમાં જ ઈલેક્ટ્રિક વાયરની હાઈટેન્સન લાઈન પસાર થતી હતી. ગુજરાતના લોકોનો પતંગ ઉડાડવાનો શોખ કાંઈક અનેરો જ હોય છે. આપણે જાણીએ છીએ પતંગ ચગાવવાના ઉત્સાહમાં ઘણા અકસ્માતો ઉતરાયણમાં બનતા હોય છે. ધવલ માટે કાંઈક આવું જ બન્યું. ધવલ જીવંત વાયરની નજીક પતંગ ઉડાડતો હતો અને તેને ખબર ન પડી કે ક્યારે તેનાથી વાયરને અડી જવાયું. તે અગાસી પરથી નીચે પટકાયો. પછી શું થયું તેની તેને ખબર ન પડી. તે બેભાન થઈ ગયો. નજીક પસાર થતા પડોશીએ કોઈ ડૉક્ટર પાસે હૉસ્પિટલમાં પહોંચાડ્યો. તે ભાનમાં આવ્યો ત્યારે તે પાટા-પીંડીથી લપેટાયેલો હૉસ્પિટલમાં હતો. તેના હાથ સંપૂર્ણપણે બળી ગયા હતા અને તેમાં કોઈ સંવેદના લાગતી ન હતી. વધુ ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી ન થાય તે હેતુથી તેના બંને હાથ કોણી સુધી કાપી નાંખવાની ફરજ પડી, એક માસ પછી તેને સમજાઈ ગયું કે તેના બંને હાથ નકામા બની ગયા છે. સમય જતાં કપાયેલા હાથે આગળ અભ્યાસ કરવાની સમસ્યા વધુ વિકટ બની. શાળાએ તેને એલ.સી. પકડાવી દીધું. તેનાં માતા-પિતાના પ્રયત્ને છેવટે લોટસ સ્કૂલે તેને એડમિશન આપ્યું અને તેનો અભ્યાસ આગળ વધ્યો. ત્યારે તેને ચિત્રકળામાં કોઈ અભિરૂચિ ન હતી પણ તેના માતા-પિતાએ તે પરિસ્થિતિને કોઈક અનોખી રીતે હલ કરી. તેમની ઈચ્છા તો તેના હાથમાં ઓજાર પકડાવવાની હતી અને ઈજનેર બનાવવાની હતી પણ વિધિની ઈચ્છા કાંઈક જુદી જ હશે. તેની માતાએ તેના હાથમાં પેન્સિલ અને પીંછી પકડાવી તેનું મનોબળ મક્કમ બનાવ્યું. આ પરિસ્થિતિનો સામનો કરી આગળ વધવા પરિવારે હૂંફ આપી. પોતાના પર તૂટી પડેલા મુસીબતોના પહાડથી નાસીપાસ થઈ હિંમત ગુમાવી દેવાના બદલે તેણે પોતાની જાતને રચનાત્મક કાર્ય તરફ વાળી દીધી. જેને કારણે આજે તે ખૂબ જ સરસ ચિત્રો દોરતો થયો. આ ચિત્રો દ્વારા તે શહેરના પતંગ પ્રેમીઓને પણ ઉત્તરાયણમાં કઈ રીતે સલામત રહેવું તેની વાત કહે છે. હાથમાં પાટા સાથે જ ચિત્રો બનાવવાની શરૂઆત કરનાર ધવલ ખત્રીએ પોતાના અકસ્માતને દસ વર્ષ પૂરાં થયાં ત્યારે ઉત્તરાયણ પર પતંગ રસિયાઓને સલામત ઉત્તરાયણ ઊજવવાનો સંદેશ પૂરો પાડવા એક વિશિષ્ટ પેઈન્ટિંગ બનાવ્યું. તેના જીવન પરથી લોકોને સંદેશ મળે છે કે, શોખ જીવનથી વધુ મોટો ક્યારેય ન હોઈ શકે અને કોઈ જીવનમાં કોઈ અનિચ્છનીય ઘટના બની જાય તો હિંમત હારીને બેસી જવાને બદલે જીવનની એક નવી શરૂઆત કરવી જોઈએ. કોઈ કામ માટે જો દ્રઢ નિશ્ચય કરી લેવામાં આવે તો દુનિયાનું કોઈ પણ કાર્ય અશક્ય નથી. પેઈન્ટિંગ ઉપરાંત તે ગિટાર વગાડવાનું પણ જાણે છે. સલમાન ખાન જેવું બૉડી બનાવવાની અને તેને મોટું પેઈન્ટિંગ ગિફ્ટ કરવાનું તેનું સપનું છે. આજે સામાન્ય કિશોરમાંથી તે એક અજોડ કલાકાર બની ગયો છે.

૨૦૧૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી વાણિજ્ય શાખામાં સ્નાકતની પદવી મેળવનાર ધવલના શબ્દોમાં જ તેના જીવનની વાત જાણીએ, ‘હાથ કપાઈ જતાં પ્રથમ છ મહિના ભારે મુશ્કેલી પડી હતી પણ માતા-પિતા અને પરિવાર તેમજ મિત્રોની ભારે હૂંફ મેળવી આજે હું સામાન્ય યુવકની માફક કામ કરી શકું છું. શોખ જીવનથી વધુ અગત્યનો નથી હોતો. કોઈ પણ તહેવાર પોતાની જાત સાચવીને ઊજવવો જોઈએ. કપાયેલા પતંગ પાછળ ઘેલા થઈને જીવન ખરાબ કરવા કરતાં શોખ અને આનંદની સાથે સંતોષ હોવો જરૂરી છે. એક કપાયેલી પતંગ કરતાં વ્યક્તિનું જીવન વધુ અગત્યનું છે. આ ઘટના પહેલાં મારો શોખ માત્ર સ્કૂલમાં ચિત્રો બનાવવા પૂરતો જ સીમિત હતો, પરંતુ હાથ ગુમાવ્યા બાદ હાથમાં પાટા સાથે મેં ટાઈમ પાસ માટે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું અને સૌથી પહેલાં ભગવાન ગણેશજીનું ચિત્ર બનાવ્યું હતું. તે વખતે હાથ ગુમાવ્યાની વેદનામાં સરી પડવાને બદલે મારા પરિવારે મને હિંમત આપી અને મારી માતાએ મને કળા પ્રત્યે રુચિ કેળવવા પીંછી અને પેન્સિલ પકડાવી. આજે હું અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યો છું. તેમજ કેટલાક રેકોર્ડ પણ મારા નામે કરી ચૂક્યો છું. હું કેટલાક ટેલિવિઝન શોઝમાં પણા ભાગ લઈ ચૂક્યો છું. મેં વિવિધ સેલિબ્રિટિઝના પોર્ટરેઈટ્‍સ પણ બનાવ્યા છે. અમદાવાદ, પુણે, વડોદરા, સુરત અને ભરૂચ જેવાં શહેરોમાં મેં પેઈન્ટિંગ્સના લાઈવ શો પણ યોજ્યા છે. ગુમાવેલા હાથે મને જીવનની નવી દિશા આપી છે. હું માનું છું જે થાય છે તે સારા માટે જ થાય છે. હું બેસ્ટ રીતે જીવન જીવી રહ્યો છું.’

ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સંદેશો આપીને ધવલ કહે છે, ‘તમે અસહાય નથી. તમે ગમે તે સ્થિતિમાં હો પણ જો મજબૂત મનોબળ ધરાવતા હો તો જીવનમાં અશક્ય લાગતી ચીજ પણ શક્ય બનાવી શકો છો.’ ૨૦૧૧માં સોની ચેનલના ‘એન્ટરટેનમેન્ટ કે લીયે કુછ ભી કરેગા’માં ભાગ લેનાર ધવલ ખત્રીના સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર ઘણાં ફોલોઅર્સ છે. એક મિનિટમાં ફાસ્ટેટ પેઈન્ટિંગનો વિશ્વ રેકોર્ડ રચનાર ધવલનું માજી રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ દ્વારા સન્માન થયું હતું.

એમ.એસ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના ‘પ્રેરણા’ કાર્યક્રમ હેઠળ મેડિકલ કૉલેજના ઓડિટોરિયમમાં યોજાયેલ ‘પ્રેરણા આર્કિટેક્ટ’માં ‘અનકોડેબલ ઈન્ડિયા’ થીમ હેઠળ ગણપતિ બાપ્પાનું પેઈન્ટિંગ રજૂ કરીને પ્રેક્ષકોની ભારે દાદ મેળવી હતી. કોઈકે ધવલ ખત્રીને પૂછ્યું કે તમારી ખ્વાઈશ શી છે તેના જવાબમાં ધવલ ખત્રી કહે છે, ‘મેં પેન્સિલ સ્કેચથી તૈયાર કરેલા મુખ્યમંત્રી (હાલ વડાપ્રધાન) શ્રી નરેન્દ્ર મોદીનું ચિત્ર મારે હાથે જ આપવાની ઈચ્છા છે અને બીજું ચિત્ર ફિલ્મ સ્ટાર સલમાન ખાનનું તૈયાર કર્યું છે તે સલમાન ખાનને હાથોહાથ આપવાની ઈચ્છા છે.’

ધવલની ઈચ્છા મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં પોતાનાં ચિત્રોના પ્રદર્શનની છે. તેણે જણાવ્યું કે રાજ્ય સરકાર પણ તેના જેવા કલાકારોને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે. કલાનગરી વડોદરામાં તેના કાર્યક્રમને રજૂ કરતાં તે અત્યંત આનંદની લાગણી અનુભવતો હતો.

દિવ્ય ભાસ્કર દ્વારા યોજાયેલ ‘ભાસ્કર ઉત્સવ’ની પેઈન્ટિંગ ઈવેન્ટમાં સૌથી મોટું આકર્ષણ ધવલ ખત્રી રહેલ હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ આ વિશિષ્ટ ઈવેન્ટમાં ધવલે કોઈ મોટા પ્રોફેશનલ આર્ટિસ્ટને શરમાવે તે ઝડપે ગણપતિનું ચિત્ર દોર્યું હતું. અગ્નિપથમાં શ્રી ગણેશ ગીત જેટલી એટલે કે ૫.૪૫ મિનિટમાં તેણે ચિત્ર દોરીને સૌને દંગ કરી દીધાં હતાં. ગણપતિના સૂપડા જેવા કાનથી શરૂઆત કરીને ધવલે ગણેશજીને દૂંદાળા બનાવ્યા હતા, તેમને પીતાંબર પહેરાવ્યું હતું અને છેલ્લે દાદાને મુગટ પણ અર્પણ કર્યો હતો. બધું જ તેની હામથી, હાથથી નહીં. ગીતની બીટ્‍સની સાથે ધવલના સ્ટ્રોક્સ મેચ થતા હતા. ધવલની આ અદ્‍ભુત કરામત જોઈને હાજર તમામ બાળકોએ તેને તાલીઓથી વધાવી લીધો હતો. ધવલની કળાને જોઈને બાળકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો અને તેમણે પણ કેન્વાસ પર કલ્પનાનાં ઘોડા દોડાવ્યા હતા. બાળકોએ જ્યારે તેને પૂછ્યું કે ‘તમને પેઈન્ટિંગ કરતાં તકલીફ ન પડી ?’ ત્યારે ધવલે જણાવ્યું કે, ‘શરૂઆતમાં હાથ વગર પેઈન્ટિંગ કરતાં તકલીફ પડતી. બ્રશની ગ્રીપ ન રહેતાં તે પડી જતાં. જોકે હિંમત ન હાર્યો અને કલાકો પ્રેક્ટિસ કરીને પ્રોફેશનલ આર્ટિસ્ટ બન્યો છું. ગુમાવેલા હાથે મને જીવનની નવી દિશા આપી છે. બાળકોએ મારા ઓટોગ્રાફ લેવા માટે જે ઉત્સાહ દાખવ્યો છે તે જોઈને સેલિબ્રિટી હોય તેવું લાગ્યું.’

સોની ચેનલના ‘એન્ટરટેનમેન્ટ કે લીયે કુછ ભી કરેગા’ના ઈન્ટરવ્યૂ સમયે ધવલે આપેલ કેટલાક પ્રશ્નોના જવાબો જાણશો તો જરૂરથી તમે ધવલની હિંમત અને તેની કળા માટે તેનો ખભો થાબડશો જ.

પ્ર. અકસ્માતમાં તેં તારા હાથ ગુમાવ્યા ન હોત તો તું કોઈ જુદી જ વ્યક્તિ બન્યો હોત તેવું લાગતું નથી ?
જ. અકસ્માત મારા જીવન માટે એક નિર્ણાયક પરિબળ બની રહ્યું. અભ્યાસમાં હું સામાન્ય વિદ્યાર્થી હતો આથી મને અકસ્માત ન નડ્યો હોત તો કદાચ હું મારો અભ્યાસ પૂરો કરી શક્યો ન હોત. મારો પરિવાર મને હંમેશાં પ્રોત્સાહન અને ટેકો આપતો રહ્યો. મેં એનિમેશન તેમ જ વેબ ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. છેલ્લાં આઠ વર્ષથી મને એવું નથી લાગ્યું કે મારામાં કોઈ ઊણપ હોય.

પ્ર. કમ્પ્યૂટર પર તું કેવી આસાનીથી કાર્ય કરી શકે છે ?
જ. હું કોઈ ખાસ પ્રકારના કી-બોર્ડ, પીસી કે લેપટોપનો ઉપયોગ કરતો નથી. સંભવિત છે કે હું લગભગ તમારા બધા કરતાં કી બોર્ડ તરફ નજર કર્યા વગર ઝડપથી ટાઈપ કરી શકું છું.

પ્ર. તારાં વ્યક્તિગત કામ તું કેવી રીતે નિપટાવે છે ?
જ. હું મારું કાર્ય જાતે જ કરી શકું છું. પણ ટાઈની ગાંઠ બાંધવી કે મારા ખમીસને સાંધવાનું કાર્ય મારાથી નથી થઈ શકતું.

પ્ર. શું તને ક્રિકેટ ગમે છે ?
જ. હા, ક્રિકેટનો હું ખૂબ ખોટો ફેન છું. અકસ્માત પહેલાં હું ક્રિકેટ રમતો હતો.

‘ટેલેન્ટ નોઝ નો બાઉન્ડઝ’ના ઉપક્રમે સ્નેહા શાહે લીધેલ ધવલ ખત્રીના ઈન્ટરવ્યૂના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.

પ્ર. કળા પ્રત્યેની તારામાં અકલ્પનીય અભિરુચિ જાગી છે. તે કેવી રીતે જાગી ?
જ. હું હૉસ્પિટલમાં હતો ત્યારે મારી માતાએ હાથમાં પેન કે પેન્સિલ પકડાવવાની પ્રેક્ટિસ પાડી. ધીમે ધીમે હું સ્કેચ દોરતો થયો અને પેઈન્ટિંગ કરતો થયો. છ મહિના મેં મારી જાતને તેમાં પરોવી દીધી અને મારા હાથમાં પક્કડ આવી ગઈ. આજે હું ખચકાયા વગર કે અટક્યા વિના સ્કેચ દોરી શકું છું અને પેઈન્ટિંગ્ઝ કરી શકું છું. તદ્‍ઉપરાંત મેં વૃક્ષોનાં પેઈન્ટિંગ્ઝ તેમજ ટેટૂ બનાવવાની કળા પણ હસ્તગત કરી દીધી છે.

પ્ર. કળાનો એક નમૂનો બનાવવામાં તને કેટલો સમય લાગે છે ?
જ. વધારેમાં વધારે બેથી ત્રણ કલાક લાગે છે.

પ્ર. શું તું લાઈવ શો કરે છે ?
જ. ઘણા બધા. ૨૦૧૨ના ફેબ્રુઆરીમાં તો સંપૂર્ણપણે હું વ્યસ્ત રહ્યો હતો. મેં સમગ્ર ગુજરાતમાં લાઈવ શો કર્યા છે અને મુંબઈ પણ ખરા. મને ઘણી ઓફર મળ્યા કરે છે ! પણ તેથી વધારે હું સલમાનખાનને વ્યક્તિગત રીતે મળવા આતુર છું. મેં તેનું પેઈન્ટિંગ બનાવ્યું છે અને સોની એન્ટરટેઈનમેન્ટના ‘એન્ટરટેઈનમેન્ટ કે લીયે કુછ ભી કરેગા’ શોમાં તે પેઈન્ટિંગ ભેટ આપવા ઈચ્છું છું.

પ્ર. તારી નિયમિત દિનચર્યા શી છે ?
જ. ઊઠીને હું પ્રાર્થના કરું છું. હું ભગવાનનો બધી ભેટ આપવા માટે આભાર માનું છું. મને ઘણાં બધા પ્રોજેક્ટો મળેલા છે. તેથી હું તે પૂરા કરવા લાગી પડું છું. મને વાંચવું ગમે છે અને તેથી મને ગમતાં પુસ્તકો વાંચવાનો સમય કાઢી લઉં છું. (હસે છે) આ ઉપરાંત મેં ગિટાર વગાડવાનું પણ શરૂ કર્યું છે. મેં કેટલાંક મિત્રો હસ્તગત કરી દીધા છે. અરે ! કસરતો હોં ! હું અબ્રાહમ જેવું બૉડી બનાવવા ઈચ્છું છું. (ફરીથી હસે છે)

પ્ર. તને કોના જીવન પરથી પ્રેરણા મળેલ છે ?
જ. મારા જીવનમાં ત્રણ વ્યક્તિ પ્રેરણાદાયક રહી છે. તેમાં પ્રથમ ક્રમાંકે આવે છે મહાત્મા ગાંધી. મને તેમની અહિંસા અને ઉપવાસની વિચારધારા ગમે છે. લોહીનું એક બિંદુ ટપકાવ્યા વગર કાર્ય કરાવવાની કળા હસ્તગત કરી હતી. તેમને મારી સલામ. બીજા ક્રમે મારા આદર્શ સમાન વ્યક્તિ છે ‘બીગ બી’. તેઓ પ્રૌઢ છે પણ દિલથી તેઓ યુવાન છે. આ ઉંમરે પણ એક પછી એક હિટ ફિલ્મ આપી છે. એક એવી વ્યક્તિ છે જેના પ્રત્યે કોઈને પણ માન થાય. મારા માટે પ્રેરણાદાયક ત્રીજી વ્યક્તિ જો કોઈ હોય તો તે ધોની છે. તે એવી વ્યક્તિ છે કે કોઈ પણ પરિસ્થિતિને હલ કરવા પૂરતો સક્ષમ છે પછી ભલે પુષ્કળ દબાવ હોય. મારા માટે તે માનનીય વ્યક્તિ છે.

પ્ર. વાચક માટે તું કોઈ સંદેશ આપવા ઈચ્છે છે ?
જ. હું ખરેખર માનું છું કે કોઈ બાબત અશક્ય નથી. સંકલ્પ કરો અને પછી તમે જે સિદ્ધ કરવા ઈચ્છો તે જરૂરથી સિદ્ધ કરશો જ.
ધવલની સિદ્ધિનું મૂલ્ય તેના પેઈન્ટિંગ જોઈને જ અંકાઈ જશે. પરમકૃપાળુ પરમેશ્વર તેની બધી જ મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના.

– ડૉ.જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ