અધ્યાત્મની પદ્ધતિ – ભાણદેવ

(‘અધ્યાત્મ-રહસ્ય’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ભાણદેવજીના અધ્યાત્મ અને યોગને લગતાં બીજા ઘણા બધા પુસ્તકો હાલમાં પ્રકાશિત થયા છે. આ પુસ્તકો મેળવવા માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી.)

અધ્યાત્મની કોઈ પદ્ધતિ હોઈ શકે ? અધ્યાત્મની કોઈ પદ્ધતિ બની શકે ? અધ્યાત્મપથનું સ્વરૂપ એવું કોઈ છે કે અધ્યાત્મપથની કોઈ પદ્ધતિ (system) બનાવવાનું કામ ઘણું કઠિન છે, લગભગ દુષ્કર છે.
અધ્યાત્મપથનું સ્વરૂપ કેવું છે ?

આકાશમાં પક્ષીઓ ઊડે છે, તેનો કોઈ બાંધેલો નિશ્ચિત માર્ગ નથી. પ્રત્યેક વ્યક્તિ વિશિષ્ટ છે અને તદનુસાર પ્રત્યેક વ્યક્તિનો અધ્યાત્મપથ પણ વિશિષ્ટ હોવાનો જ. પ્રકૃતિ, રુચિ, અવસ્થા, સંસ્કારો આદિ અનેક પરિબળો અનુસાર વ્યક્તિનો પોતાનો અધ્યાત્મપથ નિર્ધારિત થાય છે.

અધ્યાત્મપથ તરલ છે તેથી કહેવાયું છે –
નકશા હુકુમ મકાન ચલે
વૃક્ષ ચલે નિજ લીલા.

મકાનનો નકશો બનાવી શકાય છે અને તદનુસાર મકાન બનાવી શકાય છે, પરંતુ વૃક્ષનો નકશો ન બનાવી શકાય. તે જ રીતે હિમાલયની યાત્રાનો કે ચારધામની યાત્રાનો નકશો અને કાર્યક્રમ બનાવી શકાય છે; પરંતુ અધ્યાત્મયાત્રાનો નકશો અને કાર્યક્રમ બનાવી શકાય નહિ.

તત્વજ્ઞાનની પદ્ધતિ હોઈ શકે; કારણ કે તેમાં બૌદ્ધિક વિચારણા પ્રધાન છે. વિજ્ઞાનમાં પદ્ધતિ હોઈ શકે એટલું જ નહિ; પરંતુ વિજ્ઞાનમાં તો પદ્ધતિ જોઈએ જ ! પદ્ધતિસરતા પર જ વિજ્ઞાન પ્રતિષ્ઠિત છે. તેથી વિજ્ઞાનમાં પદ્ધતિ છે જ. ચિકિત્સાપદ્ધતિ, ઈજનેરી વિજ્ઞાન આદિ શાખાઓમાં પણ લગભગ સર્વત્ર પદ્ધતિઓ અને પદ્ધતિસરતા છે અને તેમ જ હોવું જોઈએ.

અધ્યાત્મવિદ્યા અને અધ્યાત્મપથનું સ્વરૂપ જ એવું છે કે તેમાં કોઈ નિશ્ચિત પદ્ધતિ (system) તૈયાર કરવાનું કામ શક્ય નહિ તોપણ અશક્યવત્‍ છે.

અધ્યાત્મ વિષયલક્ષી કે વસ્તુલક્ષી વિદ્યા નથી. અધ્યાત્મ તો સ્વલક્ષી વિદ્યા છે. આમ હોવાથી અધ્યાત્મવિદ્યાની પદ્ધતિઓ બની શકી નહિ.

આ વિધાન એક સામાન્ય વિધાન છે અને આ સામાન્ય વિધાનમાં અપવાદ પણ હોઈ શકે અને છે જ. અધ્યાત્મપથની કોઈ પદ્ધતિ ન બની શકે. આ એક સામાન્ય વિધાન છે; પરંતુ સામાન્ય વિધાન કરતાં ભિન્ન ઘટના પણ બની શકે છે. અધ્યાત્મપથની કોઈ પદ્ધતિ ન બની શકે – આ એક નિયમ છે; પરંતુ કોઈ નિયમ અબાધિત નથી. પ્રત્યેક નિયમને અપવાદ પણ હોય છે. આવા અપવાદ દ્વારા નિયમ બાધિત નથી થતો, નિયમ સાબિત થાય છે !

અધ્યાત્મવિદ્યાની, અધ્યાત્મપથની કોઈ પદ્ધતિ બની શકે નહિ, આ નિયમમાં એક અપવાદ છે. એક સમર્થ અધ્યાત્મવિદ્‍ પુરુષે અશક્યવત્‍ કાર્યને શક્ય બનાવી દીધું. તેમણે અસંભવને સંભવ બનાવી દીધું. તેમણે અધ્યાત્મની એક પદ્ધતિ (system)ની રચના કરી છે. તેમણે અધ્યાત્મની એક પદ્ધતિ આ વિશ્વને આપી છે. અધ્યાત્મપથની આ પદ્ધતિનું નામ છે : અષ્ટાંગયોગ અર્થાત્‍ રાજયોગ અને આ અધ્યાત્મની પદ્ધતિના રચયિતાનું નામ છે – ભગવાન પતંજલિ.

ભગવાન પતંજલિ મહાસમર્થ યોગી અને અસાધારણ પ્રજ્ઞાવાન પુરુષ હોય તેમ જણાય છે. તેમણે પહેલી વાર આ પૃથ્વી પર અધ્યાત્મની એક પદ્ધતિની રચના કરી, અને અધ્યાત્મપથની, અધ્યાત્મવિદ્યાના ક્ષેત્રમાં એક વિરલ કહેવાય તેવી શાસ્ત્રીય પદ્ધતિની માનવજાતને ભેટ આપી.

ભગવાન પતંજલિએ આ અધ્યાત્મ પદ્ધતિ અર્થાત્‍ રાજયોગનો પ્રધાન ગ્રંથ છે યોગસૂત્ર. ભગવાન પતંજલિએ આપેલી આ અધ્યાત્મ પદ્ધતિ અર્થાત્‍ રાજયોગને અષ્ટાંગયોગ પણ કહેવામાં આવે છે, કારણ કે આ રાજયોગનાં આઠ અંગો છે.

ભગવાન પતંજલિપ્રણીત આ રાજયોગ અર્થાત્‍ અષ્ટાંગયોગની સોપાન શ્રેણી અર્થાત્‍ અધ્યાત્મ સાધનપદ્ધતિનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે :
૧. યમ – સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ.
૨. નિયમ – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન.
૩. યોગાસન
૪. પ્રાણાયામ
૫. પ્રત્યાહાર
૬. ધારણા
૭. ધ્યાન
૮. સમાધિ

યમ અને નિયમ દ્વારા સાત્વિક, સત્યપૂત જીવનપદ્ધતિ સૂચિત થાય છે. જીવનપદ્ધતિ સાત્વિક અર્થાત્‍ અધ્યાત્મને અનુરૂપ ન હોય ત્યાં સુધી કોઈ અધ્યાત્મસાધના ફળતી નથી. ઘડામાં કાણું હોય અને નળ નીચે મૂકીને નળ ચાલુ કરો તોપણ ઘડો ભરાઈ શકે નહિ. જીવનપદ્ધતિ વિશૃખંલ હોય તો અને ત્યાં સુધી કોઈ સાધન યથાર્થ સાધના બની શકતી નથી. તેથી યોગ અર્થાત્‍ અધ્યાત્મનો પાયો છે યમ અને નિયમ.

યોગાસન અને પ્રાણાયમ રાજયોગની બહિરંગ સાધના છે. યોગાસન પ્રાણાયામના સમુચિત અને પર્યાપ્ત અભ્યાસ દ્વારા પ્રાણસંયમ સિદ્ધ થાય છે. પ્રાણસંયમ દ્વારા ચિત્તસંયમ સિદ્ધ થાય છે અને ચિત્તસંયમ દ્વારા અંતરંગ યોગમાં પ્રવેશ થાય છે.
ધારણા, ધ્યાન અને સમાધિ – આ ત્રણ અંગો મળીને અંતરંગ યોગ બને છે. પ્રત્યાહાર બહિરંગ અને અંતરંગ યોગ વચ્ચેનું દ્વાર છે.

પ્રત્યાહાર એટલે ઈન્દ્રિયોનું વિષયોમાંથી પછા ફરીને સ્વસ્થાનમાં સ્થિર થવું. પ્રત્યાહાર એટલે ઈન્દ્રિયોનો સહજ સંયમ.
ધારણા એટલે ચિત્તનું કોઈ એક વિષયમાં સ્થિર અર્થાત્‍ એકાગ્ર બનવું.
ધ્યાન એટલે તે વિષયમાં ચિત્તનું તદાકાર થવું.
સમાધિ એટલે ચિત્તવૃત્તિના નિરોધ દ્વારા સ્વરૂપમાં પ્રતિષ્ઠિ થવું.

ભગવાન પતંજલિ યોગસૂત્રમાં સમાધિનાં અનેક સ્વરૂપોનું કથન કરે છે.
૧. સંપ્રજ્ઞાત સમાધિ
(૧) વિતર્કાનુગત સમાધિ
(૨) વિચારાનુગત સમાધિ
(૩) નિર્વિતર્કાનુગત સમાધિ
(૪) નિર્વિચારાનુગત સમાધિ
(૫) આનંદાનુગત સમાધિ
(૬) અસ્મિતાનુગત સમાધિ
૨. અસંપ્રજ્ઞાત સમાધિ
૩. નિર્બીજ સમાધિ
૪. ધર્મમેઘ સમાધિ

આ અંતરંગ યોગના પર્યાપ્ત અભ્યાસથી આખરે સાધક કૈવલ્ય પામે છે.

ભગવાન પતંજલિપ્રણીત રાજયોગ પદ્ધતિસરનો અધ્યાત્મપથ છે. યોગસૂત્રમાં સર્વત્ર એક વિશિષ્ટ વૈજ્ઞાનિક અભિગમ જોવા મળે છે. યમથી પ્રારંભીને એક-એક અવસ્થામાં વિકસતો વિકસતો સાધક ‘કૈવલ્ય’ સુધી પહોંચે. આ સમગ્ર અધ્યાત્મપથનું યોગસૂત્રમાં વિશદ અને શાસ્ત્રીય પદ્ધતિથી કથન થયું છે.

સાધનપથમાં આવતાં બધાં સોપાનો, વિઘ્નોના નિવારણના ઉપાયો આદિ સાધન વિષયક લગભગ બધા જ મુદ્દાઓ વિશે આ રાજયોગમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે.

પાતંજલ યોગસૂત્રના અભ્યાસ પરથી લાગે છે કે ભગવાન પતંજલિનો દ્રષ્ટિકોણ સાંપ્રદાયિક નહિ; પરંતુ વ્યાપક અને સમન્વયાત્મક છે. પ્રણવોપાસના, ક્રિયાયોગ, ઈશ્વરપ્રાણિધાન, અભ્યાસ, વૈરાગ્ય આદિ અધ્યાત્મપથના સહાયક એવાં અનેકવિધ સાધનોનો તેમણે સમાવેશ કરી લીધો છે. પરિણામે રાજયોગનો સાધનપથ સાંપ્રદાયિક નહિ; પરંતુ વ્યાપક અને સમન્વયાત્મક બની શક્યો છે.

આમ હોવાથી ‘રાજયોગ’નો સાધનપથ સર્વ સંપ્રદાયો માટે સ્વીકૃત બની શક્યો છે.

રાજયોગમાં પ્રયોજિત ‘રાજ’ શબ્દ વિશાળ અને શ્રેષ્ઠ – એમ બે અર્થમાં વપરાય છે. આ બંને તત્વો રાજયોગમાં છે. સાધન માર્ગ તરીકે રાજયોગ એક વિશાળ રાજમાર્ગ જેવો છે, જે બધા માટે ખુલ્લો છે. કોઈ પણ જિજ્ઞાસુ સદ્‍ગુરુના માર્ગદર્શન પ્રમાણે આ પથ પર ચાલી શકે છે. વળી સુવ્યવસ્થિત અને શાસ્ત્રીય સાધનમાર્ગ તરીકે તે શ્રેષ્ઠ સાધનમાર્ગ પણ છે.

રાજયોગની આ વૈજ્ઞાનિકતા, વ્યવસ્થિતપણું, પદ્ધતિસરતા અને શાસ્ત્રીયતાને કારણે તેને ‘રાજ’ જેવું ગૌરવવંતું વિશેષણ મળ્યું છે અને તેથી તે રાજયોગ બન્યો છે.

આમ આ પાતંજલ યોગસૂત્રથી અધ્યાત્મની એક સુવ્યવસ્થિત, વૈજ્ઞાનિક સાધનપદ્ધતિ (system) ની રચના કરી છે, અને તેમ કરીને અશક્યને શક્ય બનાવ્યું છે, અસંભવને સંભવ બનાવ્યું છે. અધ્યાત્મજગતમાં એક ચમત્કાર કરી બતાવ્યો છે.

– ભાણદેવ

[કુલ પાન ૧૪૨. કિંમત રૂ.૧૩૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “અધ્યાત્મની પદ્ધતિ – ભાણદેવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.