- ReadGujarati.com - http://www.readgujarati.com -

વેચવામાં નહિ વહેંચવામાં લિજ્જત છે… – જયવતી કાજી

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર)

‘ભાભી, શું થયું ? તમે ગુસ્સામાં લાગો છો !’

‘થાય શું ? તમારા મિત્ર શૈલેશને તમે ક્યાં નથી ઓળખતા ?’

એ આગળ કંઈ બોલે તે પહેલાં શૈલેશે કહ્યું, ‘રવિ શું થયું તે હું જ તને કહું – હમણાં થોડી વાર પહેલાં મારા મિત્ર અનિલનો ફોન હતો. એનાં પત્ની આશાબહેનને કૅન્સરનું નિદાન થયું છે. તેઓ રાજકોટ રહે છે. એણે મને પૂછ્યું હતું, ‘શૈલુ, આશાને ટાટા હૉસ્પિટલમાં બતાવવું પડશે. તારે ઘેર અમે રહી શકીએ ? બે-ત્રણ દિવસનો સવાલ છે.’ મેં તો સ્વાભાવિક રીતે ફોન તરત કહી દીધું, એમાં પૂછવાનું શું ? જરૂર અહીંયાં રહેજે બસ ! પછી તો થઈ રહ્યું. વિશુનો સ્વભાવ શું છટક્યો ! કોઈકનું નાનું સરખું કામ કરીએ – જરાતરા ઉપયોગમાં આવીએ તો શું થઈ ગયું ?’

‘રવિભાઈ ? તમ સાચું જ કહો કે શું એમનાં કોઈ સગાં કે મિત્ર જ અહીં નથી ? જાય એમને ઘેર. પછી શરૂ થશે અનિલભાઈ સાથે હૉસ્પિટલના ધક્કા. હું એટલે જ કહું છું કે સહુ સૌનું ફોડે. આપણે શું કરી શકીએ ? આપણાં પોતાનાં જ કામમાંથી – મુશ્કેલીઓમાંથી ઊંચા નથી આવતા, ત્યાં બીજામાં ક્યાં ઝંપલાવીએ ?

રવિભાઈ ! તમારી હાજરીમાં જ હું શૈલુને કહી દઉં છું કે આ બધું હવે હું ચલાવી નહિ લઉં. અનિલભાઈ અને આશા – એ બધાંની પળોજણ મારાથી નહિ થાય…’

‘તું પણ શું વિશુ ! રાઈનો પહાડ કરે છે ! અરુણાબહેન માંદા છે. અતુલ મૂંઝવણમાં છે. હું એ ડૉક્ટરને ઓળખતો હતો, એટલે એમને ડૉક્ટર પાસે લઈ ગયો. એમાં મેં શું મોટું કામ કરી નાંખ્યું ? મારા મિત્ર ગુપ્તાના દીકરા આશયને ટ્રેઈનિંગ માટે દિલ્હીથી મુંબઈ આવવાનું છે. એને મુંબઈમાં કોઈને ઘેર પેઈંગ ગેસ્ટ તરીકે રહેવું હતું. વિનોદભાઈનો એક રૂમ ખાલી હતો, મેં એની ઓળખાણ કરાવી. આશયને રહેવાને ઘર મળ્યું અને વિનોદભાઈને પેઈંગગેસ્ટ મળ્યો. બંનેનું કામ થયું. આમાં મેં શું મોટી ઘાડ મારી છે ?’

અમે શૈલેશ-વૈશાલીને ઘેર શનિવારની સાંજે મળવા ગયાં ત્યારે વૈશાલીભાભી ગુસ્સામાં હતાં. ઘરના વાતાવરણમાં ટેન્શન હતું.

જ્યારે અમારો પ્રકાશ વૈશાલીથી સાવ ઊંધો. એ અમારા મિત્રનો દીકરો થાય, પણ અમારે માટે તો દીકરા જેવો જ. આપવાની બાબતમાં – અન્યની ચૂપચાપ મદદરૂપ થવાની બાબતમાં અને તે પણ સહજ રીતે એના સ્વભાવમાં વણાયેલું છે. હું એને પ્રેમથી ‘એવર રેડી બૅટરી’ કહું છું.

કોઈ પુસ્તક વાંચ્યું અને ગમી ગયું તો એની બે-ત્રણ કોપી ખરીદી મિત્રોને મોકલે. એ દ્રઢતાથી માને છે :
‘વેચાઈ જવા કરતાંયે વધુ
વહેંચાઈ જવામાં લિજ્જત છે.’

આપવામાં જેટલો આનંદ છે – ખુશી છે એટલી બીજા કશામાં નથી. અરે ! કોઈને નાની-અમથી પણ ખુશી આપવી એ કેટલી બધી મહત્વની છે. એનાથી અનેક ગણી ખુશી આપણને મળે છે. આપવામાં પછી ભલે કોઈ ચીજવસ્તુ હોય – ધન હોય – સાધનસામગ્રી કે સાધનસગવડ હોય ! હું તો એટલે સુધી કહીશ કે ભલે એ પછી લાગણી કે સ્નેહનું પ્રતીક હોય…

હકીકતમાં ‘લેવું’ અને ‘દેવું’ બંને એક જ સિક્કાની બે બાજુ છે. જે માણસ બીજાને થોડું પણ આપી શકતો નથી તે કેટલો બધો આનંદ અને સંતોષ ગુમાવે છે ? પરંતુ આજે કોણ જાણે કેમ આપણે બધાં મોટેભાગે ધૃતરાષ્ટ્રની માફક ‘મારું અને મારાં’માં ખોવાતાં જઈએ છીએ !

જે માણસો માત્ર પોતાના સુખમાં રચ્યા-પચ્યા રહે છે તેઓ સ્વયં શત્રુ છે ! જીવનમાં સ્વાર્થપરાયણતાની હિમવર્ષા નીચે એમની માનવતા-એમનો અંતરાત્મા ઠીંગરાઈ જાય છે.

ઉપનિષદોમાં જીવન માટેનો આદર્શ બતાવ્યો છે – ત્યક્તેન ભુંજિથા ! મેળવતાં રહીએ અને સાથે આપતાં રહીએ – ગમતી વસ્તુઓને ગાંઠે બાંધી રાખવાની ન હોય પણ શ્રી મકરન્દ દવેએ કહ્યું છે તેમ એનો તો ગુલાલ કરવાનો હોય..
‘તારા સુખમાં તું સૌને નોતરજે
ને દુઃખમાં તું ખમી લેજે એકલો.’

આપણાં દુઃખ આપણા એકલાંએ જ સહી લેવાનાં હોય, આપણી ભારતીય સંસ્કૃતિનો આ મંત્ર છે.

આ જ વાત શાયર અમૃત ઘાયલના શબ્દોમાં :
‘વેચાઈ જવા કરતાં ય વધુ
વહેંચાઈ જવામાં લિજ્જત છે,
હર ફૂલ મહીં ખુશ્બૂ કહે છે કે
ખોવાઈ જવામાં લિજ્જત છે !’

આ સત્ય જ વાસ્તવિકતાનું રહસ્ય છે, સંસ્કૃતિનું મૂળ છે.
આ લખતી વખતે ઘણા સમય પહેલાં વાંચેલો આ પ્રેરક સંવાદ યાદ આવે છે. વિશ્વ વિખ્યાત ચિંતક સ્વેટ માર્ડનની કૃતિ ‘ઓપ્ટીમિસ્ટીક વ્યુ ઑફ લાઈફ’નો અનુવાદ મારા વાંચવામાં આવ્યો હતો. જીવનના આ મહાન સત્યનું ખૂબ જ સુંદર દ્રષ્ટાંત એમાં આપ્યું છે. ‘ગુલાબની કળી અને ફૂલ’ વચ્ચે સંવાદ થાય છે.

ગુલાબની એક કળી બોલી ઊઠી, ‘હું મારી પાંખડીઓને મારી અંદર જ સમેટી રાખીશ. હું એને ક્યારેય નહિ ખોલું.’
‘શા માટે ?’ ફૂલે પૂછ્યું.
‘કારણ કે મારી સુગંધ મારામાં જ સમાયેલી રહે, ઊડી ન જાય અને કોઈના સુધી ન પહોંચે એટલા માટે.’
‘એ તારો ભ્રમ છે !’
‘શાનો ભ્રમ ?’ કળીએ પૂછ્યું.
‘જો તારી પાંખડીઓ નહિ વિકસાવે તો સુંદરતા કેવી રીતે ઊઘડશે ? જો તું તારા પરાગને મહેકાવીશ નહિ તો કોઈ તને ગુલાબ નામથી કેમ પોકારશે ?’ ફૂલે પૂછ્યું.
‘પરંતુ કોઈ લાપરવાહી વટેમાર્ગુ માટે ખુશ્બૂ લૂંટાવી દેવામાં તો નરી મૂર્ખાઈ જ છે.’
‘તારી સુગંધ તું તારામાં જ રાખશે ? તારી સુગંધ પછી કોને કામ આવશે ?’ ફૂલે ડાળીને પૂછ્યું.

‘મને તું મૂર્ખી માને છે ?’ કળીએ ગુસ્સે થઈને પૂછ્યું.

‘નહિ તો શું ? અરે મૂર્ખ કળી ! તારી સુવાસ – તારી મહેક… તારું સૌંદર્ય કે તારી કોઈ સંપત્તિ ફક્ત પોતાના પૂરતી જ મર્યાદિત રાખવાથી એનો નાશ થાય છે. મારી તરફ જો. હું ખીલેલું ગુલાબ છું. લોકો મને પુષ્પરાજ કહી નવાજે છે. હું મારું સર્વસ્વ લોકો માટે ખુલ્લું રાખું છું. જેને ખુશ્બૂની જરૂર છે એ મને સૂંઘે છે, જેને સૌંદર્ય દર્શન કરવું છે, એ મને નજર ભરી નિહાળે છે. જે દિવસે મેં મારી પાંખડીઓને ખુલ્લી કરી અને જગતને સૌંદર્યની રસલહાણ આપી તે દિવસથી સૂર્યકિરણો મને વધુ ને વધુ સૌંદર્ય અને પ્રકાશ આપી રહ્યાં છે. પોતાની તમામ શક્તિ મને પ્રદાન આપી રહ્યાં છે. આપતાં જ વધુ પ્રાપ્ત થતું હોય છે.’

ઘરની તિજોરીમાં કે અંતરમાં સંઘરી રાખેલું ક્યારેય વૃદ્ધિ પામતું નથી. જે ધન થોડું પણ પરકાજે વપરાય નહિ તે કાંકરા બરાબર છે. જે વિદ્યા, જે જ્ઞાન, કુશળતા કે વૈભવ અને ઐશ્વર્ય અન્ય સુધી પહોંચે નહિ એનો અર્થ શો ? એ હોય તોયે શું અને ન હોય તોય શું ?

ઉદારતાની અને અન્ય સુધી પહોંચવાની – ‘reaching out’ ની આદત પાડવી પડે છે. હ્રદયની સંતુલિત બંધ કળીને ધીમે ધીમે સમજપૂર્વક ખીલવવી પડે છે કે જેથી એ સ્નેહ, સહાનુભૂતિ અને સંવેદનાનું સુંદર વિકસિત ફૂલ આપણા જીવનમાં પાંગરી ઊઠે. આપણી આસપાસ એની સૌરભ ફેલાય. એના સૌંદર્યથી આજુબાજુ પ્રસન્નતા ફેલાય. એક વખત આપવાની શરૂઆત કરીએ છીએ એ પછી ધીમે ધીમે એ આપણા પ્રત્યેક વ્યવહારમાં વણાતું જાય છે. જીવનચર્યામાં ગૂંથાઈ જાય છે. જીવનમાં એનાથી કોઈ અદકેરું કે અધિક સુખ કે સંતોષ નથી. હ્રદયના કેટલાયે સ્નેહસંબંધો સર્જાતા જાય છે. જીવન ભર્યું ભર્યું બની રહે છે. આપણું અંતર સ્નિગ્ધ અને હરિયાળું બને છે. આપણને એનાથી કેટલી ચાહના, કેટલો પ્રેમ સાંપડે છે ! આ ધરતી પર જન્મીને એનાથી વધુ મૂલ્યવાન શું પ્રાપ્ત કરવાનું હોય ?

આ સંદર્ભમાં મેં વાંચેલું એક સુંદર દ્રષ્ટાંત મને યાદ આવે છે. વર્ષો પહેલાં ઍથેન્સનો સેનાપતિ પેરિકિલસ હતો. પોતાનાં પરાક્રમો અને શૌર્યને કારણે એ ખૂબ જ લોકપ્રિય હતો. એ મૃત્યુશૈયા પર હતો. સગાં-સ્નેહી-મિત્રો અને બીજા કેટલાયે ઍથેન્સવાસીઓ અને છેલ્લા દિવસોમાં એને મળવા આવતા અને એ જલદી સાજો થાય એ માટે પ્રાર્થના કરતા. માંદગી વધતી ચાલી અને વૈદે કહી દીધું હવે પેરિકિલસની સાજા થવાની કોઈ આશા નથી.

આ સાંભળી લોકો ગમગીન બની ગયા પછી તેના એક મિત્રે કહ્યું કે ‘મૃત્યુ તો દરેક માટે નિશ્ચિત જ છે, પણ પેરિકિલસે જે રીતે જીવન વિતાવ્યું છે એ માટે તેનું નામ અમર થઈ જશે.’ એકે કહ્યું, ‘સારું શાસન કેવું જોઈએ તે પેરિકિલસે બતાવ્યું છે.’ બધાંએ જાતજાતનું કહ્યું ત્યારે પેરિકિલસે કહ્યું, ‘આ બધું તો ઠીક, બીજાં ઘણાંએ કર્યું પણ હશે પણ મને દુનિયાની વિદાય લેતા વખતે એ વાતનો સંતોષ છે કે મેં લોકોને દુઃખ પહોંચે એવું કોઈ કાર્ય કર્યું નથી. મારે કારણે કોઈ પણ ઍથેન્સવાસીઓને પીડા પહોંચી નથી. પોતાને કારણે કોઈને દુઃખ ન પહોંચે એટલું કરનારનું જીવન સફળ કહેવાય !’

આપણી આસપાસ રોજ ને રોજ કંઈ કેટલીય ઘટનાઓ બનતી રહે છે. ભલાઈનું કામ કરવા માટે, મદદરૂપ થવા માટે પ્રસંગો શોધવા પડે તેમ નથી. જ્યાં જાવ ત્યાં આવા અવસર તો મળવાના જ. ભલે મોટી આર્થિક મદદ ન કરી શકીએ પણ બે મીઠા શબ્દો અને મધુર સ્મિત આટલું તો જરૂર આપી શકીએ.

જિંદગી એ કંઈ બહુ મોટા ત્યાગમાંજ નથી. એ નાની નાની વાતોમાં જ રહી છે. મધુર સ્મિત, દયા અને પ્રેમાળ શબ્દો પણ ઘણા ઉપયોગી થતા હોય છે. કવિ વર્ડવર્થે કહ્યું છે તે પ્રમાણે નાના-નાના માણસોનાં ઉમદા કાર્યોથી જ જીવન મોહક બને છે.
સાચું સુખ ત્યાગમાં છે. સંગ્રહમાં નથી, કારણ કે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે અહીંથી જવાનું છે. એટલે સતત યાદ રાખીએ :-
‘પ્રભુ પાસેથી પામ્યો જે
પ્રભુ ચરણ ધરી દેવું
સમર્પણ કેરી સૌરભથી
જીવન ખુશખુશાલ લાગે છે.’

– જયવતી કાજી