ઉપહાર – વિકાસ ઘનશ્યામ નાયક

(‘ઉપહાર’ પુસ્તકમાંથી સાભાર. પ્રસ્તુત પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ શ્રી વિકાસ નાયક અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાં જીવનમાં ઉપયોગી થાય તેવા વિચારો, સુભાષિત, બાબતોનો સારો ઉલ્લેખ કર્યો છે. અહીં તેમાંથી થોડી જીવનલક્ષી વાતો લીધી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.)

(૧) જીવન જીવવાની રીત

તમારા હ્રદયમાંથી તિરસ્કારને ટાટા કહી દો.
તમારા મનમાંથી ચિંતાઓને વાળી-જૂડીને સાફ કરી દો.
જીવો સાદગીથી.
સર્વત્ર, લેવા કરતા આપવાનું વલણ રાખો.
*

વીતી ગયેલી ક્ષણોને સુધારી નવી શરૂઆતની તક તો કોઈને મળતી નથી.
પણ આ ક્ષણથી પ્રારંભ કરીને નવો અંત મેળવવાની તક તો દરેક જણ મેળવી શકે છે !
*

ઈશ્વરે કદી કીધું નથી કે તમને પીડા વગરના દિવસો આપીશ.
દુઃખ નહીં ફક્ત હાસ્ય આપીશ. વાદળ વિનાનો સૂર્યપ્રકાશ આપીશ.
– પણ એણે એ જરૂર કીધું છે કે તમને પીડા સહન કરવાની તાકાત આપીશ.
રડીને હળવા થવાની રાહત આપીશ. રસ્તો સૂઝે એવો પ્રકાશ આપીશ.
*

નિરાશાઓ રોડ પર આવતા બમ્પ જેવી હોય છે :
તમારી ગતિ થોડીક વાર માટે રુંધાય જરૂર છે,
પણ પછીની સફરમાં તો આનંદ મળે જ છે…
માટે બમ્પ પર જ રોકાઈ ન જતા, આગળ વધતા રહેજો !
*

જ્યારે જોઈતું હોય એ ના મળે ત્યારે નિરાંતે જીવે બેસીને ખુશ થજો,
કારણ કે ઈશ્વર તમને કૈંક વધારે સારું આપવાનું પ્લાનિંગ કરી રહ્યા હશે !
*

માપ્યા વગરનો પ્રેમ કરશો
ત્યારે જ પ્રેમ કેટલો છે એ માપી શકશો !
જેને પ્રેમ આપવો ગમે અને જેને આપતા હો તેને પણ
તમારા પ્રેમનો પ્રતિસાદ આપવો ગમતો હોય એવી વ્યક્તિ મળી જાય ત્યારે મોં ધોવા ના જતા !
માનને ખાતર પ્રેમ ગુમાવવા કરતાં પ્રેમને ખાતર માન ગુમાવવાનું પસંદ કરજો.
પ્રેમ કરવા સંપૂર્ણ પાત્રની રાહ જોવા કરતાં પ્રેમ કરતાં હો એ પાત્રને સંપૂર્ણ પ્રેમ કરવાના પ્રયત્ન કરજો.
*

તમને જ્યારે કોઈની સાચી પરવા હોય ત્યારે તમે નથી જોતા એની ખામીઓ… તમે એને સ્વીકારી લો છો; નથી માંગતા જવાબો… એના બચાવોને સ્વીકારી લો છો.
નથી શોધતા ભૂલો… એ સુધારવાની મહેનતમાં લાગી જાવ છો.

(૨) આરોગ્યનાં સુભાષિતો

આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ,
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ.

ઉનાળે કેરી ને આમળા ભલાં, શિયાળે સૂંઠ, તેલ ભલા,
ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ.

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસું રોગીનું,
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું

બાજરીના રોટલા ને મૂળાનાં ખાય જો પાન,
હોય ભલે કો ઘરડા, મિતાહાર લૈ થાય જવાન.

રોટલા, કઠોળ ને ભાજી, ખાનારની તબિયત તાજી,
મૂળો, મોગરી, ગાજર, બોર રાતે ખાય તે રહે ન રાજી.

ફણગાવેલાં કઠોળ જે ખાય, લાંબો, પહોળો, તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરિયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય.

મધ, આદુ રસ મેળવી, ચાટે પરમ ચતુર
શ્વાસ, શરદી, વેદના, ભાગે જરૂર

ખાંડ, મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ લેવાય.

કજિયાનું મૂળ હાંસી અને
રોગનું મૂળ ખાંસી.

હિંગ, મરચું, આમલી, સોપારી ને તેલ
જો ગાવાનો શોખ હોય તો પાંચેય વસ્તુ મેલ

લીંબુ કહે હું ગોળ ગોળ, ભલે રસ મારો છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્તને મારું લાતો

ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,
ભીની દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય

મગ કહે હું લીલો દાણો ને મારે માથું ચાંદું,
બે-ચાર મહિના પ્રેમે ખાય તો માણસ ઉઠાડું માંદું.

આમલીમાં ગુણ એક છે, અવગુણ પૂરા ત્રીસ
લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પૂરા વીસ

કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી,
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી

સર્વ રોગોનાં કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ
ન હોય જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

(૩) વિચારમાળા

* જો તમને પહેરવા કપડાં, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો.
* આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે, કદાચ વર્ષે, બે વર્ષે કે પાંચ વર્ષે મળે. કદાચ આ જન્મે નહીં તો આવતા જન્મે મળે. કર્મની ગતિ અતિ ગહન છે.
* સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા અને જે સંબંધો સાચા હોય છે એમને સાચવવા નથી પડતા.
* જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે ! પણ ક્યારેક એ એક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી જાય છે…

[કુલ પાન ૧૩૪. કિંમત રૂ.૧૨૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ઉપહાર – વિકાસ ઘનશ્યામ નાયક”

Copy Protected by Chetan's WP-Copyprotect.