શ્રી શંકરાચાર્ય પાસેથી યુવાનોએ શું શીખવાનું છે? – હિમા યાજ્ઞિક

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર)

મહાપુરુષોના ચરિત્રોથી પ્રજાવર્ગ ઉપર નીપજતી અસરના સંબંધમાં પ્રખ્યાત અંગ્રેજ ગ્રંથકાર સ્માઈલ્સે પોતાના ‘કેરેક્ટર’ નામના સુપ્રસિદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે ‘એક મહાપુરુષ મરી જાય છે અને અદ્રશ્ય થાય છે, પણ તેના વિચારો અને કાર્યો પાછળ હયાત રહે છે, અને પોતાની જાતિ ઉપર અને દેશ ઉપર ન ભૂંસાય તેવી છાપ પડી જાય છે. તેમના ચૈતન્યનો પ્રકાશ ભવિષ્યના સઘળા જમાનાઓ ઉપર પડતો રહે છે. તેમનું દ્રષ્ટાંત તેમની પરંપરાને સર્વ સામાન્ય વારસો છે. તેમના વિચારો, તેમના મહાન કાર્યો મનુષ્યજાતિને મળતી સર્વોત્કૃષ્ટ પૂંજી છે.’

કેવા પુરુષનું ચરિત્ર લખાવું જોઈએ ? કવિ ટોમ્સન કહે છે, ‘જેણે જનસમાજના કલ્યાણ અને ઉન્નતિ માટે તન, મન, ધનનો સર્વથા ભોગ આપી માત્ર વિશુદ્ધ કર્તવ્યબુદ્ધિથી જ કરેલાં અનેક પરોપકારી કૃત્યો વડે પોતાનું નામ અમર કરી મૂક્યું હોય, જેમને તેમના સમયની સમગ્ર પ્રજાએ પોતાના નેતા અને શુભચિંતક માન્યા હોય, અને પ્રસંગોપાત જેના શુભ નામ યશનું પૂજ્યભાવપૂર્વક ગાન થતું હોય.’

શ્રી શંકરાચાર્ય જ્યારે પ્રગટ થયા ત્યારે દેશમાં અશાંતિ હતી, લોકો દુઃખી હતા. સનાતન ધર્મનો વિનાશ થઈ રહ્યો હતો. શ્રી શંકરાચાર્ય પોતાના અદ્‍ભુત અદ્વૈત દર્શન દ્વારા સમગ્ર દેશને પરિપ્લાવિત કરીને ધર્મમાં યુગાન્તરકારી સુધારણા લાવ્યા. બ્રહ્મસૂત્ર, અગિયાર મુખ્ય ઉપનિષદો અને ભગવદ્‍ ગીતા ઉપર ભાષ્ય લખીને અમર બન્યા. વિવેકચૂડામણિ, અપરોક્ષાનુભૂતિ વિ. ગ્રંથો દ્વારા એમના અગાધ જ્ઞાન અને અપરિમિત કલ્પનાશક્તિનું પ્રમાણ મળે છે. એમણે રચેલાં અદ્વિતીય સ્તોત્રો ભક્તિ અને વૈરાગ્યભાવનાથી એટલાં બધાં પરિપૂર્ણ છે કે એનાથી પાષાણહૃદયી માનવ પણ દ્રવી ઊઠે.

સ્વામી વિવેકાનંદે યુવાનોને ખાસ ઉદ્દેશીને ઉપદેશો, સંદેશાઓ, વ્યાખ્યાનો આપેલા છે. પરંતુ શ્રી શંકરાચાર્યે માત્ર યુવાનોને જ દીવાદાંડીરૂપ થાય તેવું કોઈ અલગ માર્ગદર્શન આપેલું નથી. માટે, યુવાનોએ પોતાના બહુલક્ષી ઉત્કર્ષ માટે તેમના જીવનદર્શન દ્વારા જ પ્રેરણા મેળવવી પડે.

જગદ્‍ગુરુ આદિ શંકરાચાર્ય મહારાજે તેમના પ્રસિદ્ધ ગ્રંથ ‘વિવેક ચૂડામણિ’માં ત્રણ વસ્તુઓને પરમ ગણાવી છે : ૧. મનુષ્ય દેહ, ૨. સત્સંગ, ૩. મોક્ષ.
મનુષ્ય દેહને સાર્થક કરવા ત્રણ વાનાં ખાસ કરવાનાં કહે છે,
૧. શ્રીમદ્‍ ભગવદ્‍ગીતા અને વિષ્ણુસહસ્રનામનો હંમેશાં પાઠ કરવો.
૨. શ્રીપતિ એટલે વિષ્ણુના સ્વરૂપનું હંમેશાં ધ્યાન કરવું.
૩. દીન-દુઃખીયાને અન્ન, દ્રવ્ય વિ.થી મદદરૂપ થવું.
દેહ મળ્યો છે તો સાથે ગુણ-અવગુણ પણ આવવાનાં જ. તેમનાં ચરિત્રમાંથી આપણે ઉન્નતિ સાધી શકીએ.

દેહની ક્ષણભંગુરતા :
યુવાવર્ગ આજે ભૌતિકતા તરફ ઢળતો જાય છે તેવી ચારે કોરથી આલોચના થઈ રહી છે. કપડાં-વાળની ટાપટીપ, શરીરે વિવિધ ટેટૂમાર્ક, સુગંધી દ્રવ્યોના અતિરેક, વિષયલોલુપતા, ધન પાછળ આંધળી દોડ, વિ. યુવાવર્ગ માટે સહજ સામાન્ય બન્યાં છે. ત્યારે શ્રી શંકરાચાર્યનું ‘ચર્પટપંજરિકા’ સ્તોત્ર મમળાવવા જેવું છે. તેમની વાણી કેવી પ્રાસાદિક છે ! એમાં કેવું માધુર્ય, લાલિત્ય અને સૌંદર્ય છે ! ‘ભજ ગોવિન્દમ્‍’ની કડીઓ લલકારવી ગમે તેવી છે. ‘શરીર ગળી ગયું, માથાના કેશ ધોળા થઈ ગયા, મોઢું બોખું થઈ ગયું અને ડોસો લાકડીના ટેકે ચાલે છે, તોય એ આશાના પિંડને છોડતો નથી. રાત પછી દિવસ, પછી પખવાડિયું, પછી માસ, પછી ઉત્તરાયણ, દક્ષિણાયન અને પછી વર્ષ ફરી ફરી આવે જ જાય છે, તોયે માણસ આશાની અશાંતિને છોડતો નથી. ભજ ગોવિંદમ્‍ ભજ ગોવિંદમ્‍ ભજ ગોવિંદમ્‍ મૂઢમતે !’

અહંકારશૂન્યતા અને આત્માનુભૂતિ :
યુવાવર્ગ અશાંતિના અગ્નિમાં શેકાઈ રહ્યો છે તેવું પણ કેટલાક કહે છે. શેની અશાંતિ ? શેનો અસંતોષ ? ક્યાંક કશીક અપર્યપ્તતાની ઝંખનાની પીડા છે. સેક્સ, ધનપ્રાપ્તિ, પદ પ્રતિષ્ઠા દ્વારા પર્યાપ્ત થવાની ઝંખના છે, પણ તે ભોગવ્યા પછીથી પણ તૃપ્તિ નથી થતી. ઊલટાનું એ આપણને ગુલામીનો, પામરતાનો, લાચારીનો અને બિનસલામતીનો અનુભવ કરાવે છે. એમાંથી જન્મે છે મુક્ત થવાની, સ્વસ્થ થવાની, અમર થવાની અને પૂર્ણતા પ્રાપ્ત કરવાની ઝંખના. આ ઝંખનાનું અનોખું કાવ્ય તે શ્રી શંકરાચાર્યનું ‘નિર્વાણશટકમ્‍’ સ્તોત્ર. એમાં પંચમહાભૂતમાંથી બનેલા શરીર, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્તથી પર એવા નિરાકાર, નિર્વિકલ્પ આનંદસ્વરૂપ આત્મતત્વનો મહિમા છે. યુવાનો ‘ચિદાનંદરૂપઃ શિવોહમ્‍ શિવોહમ્‍’ મમળાવશે તો અહંકાર નષ્ટ થઈ સાચી શૂન્યતાનો અનુભવ થવામાં મદદરૂપ થશે.

નિરભિમાનીપણું :
શાક્તો, પાશુપાતો, જૈનો, કાપાલિકો, વૈષ્ણવો અને એવા જ બીજા હઠાગ્રહી ધર્માંધોએ ઉચ્છિન્ન કરી નાખેલા વેદમાર્ગનું રક્ષણ કરવા માટે જ શ્રી શંકરાચાર્યે ઉગ્રવાદીઓને હરાવ્યા હતા, પોતાનું માન વધારવા નહીં. કારણ કે સર્વજ્ઞ શ્રી શંકરાચાર્યને માનની આકાંક્ષારૂપ ભૂત વળગ્યું નહોતું.

નમ્રતા :
શ્રી શંકરાચાર્યે સાંખ્ય, ન્યાય વૈશેષિક, બૌદ્ધ, જૈન, ભાગવત વિ.ના ભૂલભરેલા સિદ્ધાંતોનું ઘણી સમર્થ રીતે ખંડન કર્યું છે. અનેક પ્રકારની દલીલો વડે, શાસ્ત્રનાં વિવિધ પ્રમાણો વડે, મર્યાદાપૂર્વક, અન્ય મતાનુયાયીઓના ખોટા મતનું ખોટાપણું સિદ્ધ કરી આપ્યું છે. વિરુદ્ધમત ધરાવનારા વિદ્વાનો તરફ ઉદારતા જ બતાવી છે, કેમ કે ગાળાગાળી કરીને નહિ, પણ શાસ્ત્ર અને તર્કનો આધાર રાખીને તેઓને નિરુત્તર બનાવ્યા છે. શ્રી શંકરાચાર્યની વાણી અતિ સરળ, સુંદર, સાદી અને તેથી જ વિશેષ જુસ્સાદાર અને મીઠાશવાળી લાગે છે. આપણે આ આવકારીશું ને ?

ખેલદિલી :
શ્રી શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે થયેલા શાસ્ત્રાર્થની આ વાત છે. મંડનમિશ્ર પ્રખર કર્મકાંડી હતા. તેઓ સંન્યાસને ધિક્કારતા હતા. તેમને ખાત્રી હતી કે વાદમાં હું જ જીતવાનો છું. તેથી તેમણે કહ્યું, ‘જે હારે તે જીતનારનો ચેલો બને.’ શ્રી શંકરાચાર્યે શરત કબૂલ કરી, પણ કોણ હાર્યું, કોણ જીત્યું તેનો નિર્ણય કોણ કરે ? મંડનમિશ્રની પત્ની ભારતી વિદુષી હતાં. શ્રી શંકરાચાર્યે તેમને જ આ ચર્ચાનું અધ્યક્ષસ્થાન આપ્યું અને નિર્ણાયક બનાવ્યાં. ચર્ચાને અંતે તેણે પોતાનો ચુકાદો શ્રી શંકરાચાર્યની તરફેણમાં આપ્યો. બંને જણે શ્રી શંકરાચાર્યનું શિષ્યત્વ સ્વીકાર્યું.

બંને પક્ષે કેટલી બધી ખેલદિલી ? શરૂઆતમાં તો ભારતીએ મધ્યસ્થ થવા ના પાડેલી, કારણ કે એક પક્ષે પતિ હતા. વળી, કદી વાદમાં પતિનો જય થાય અને યોગ્ય સમજી પોતે તેમ જણાવે તો લોકો તરફથી પોતાને પક્ષપાતનો દોષ લાગે; જો શ્રી શંકરાચાર્યનો જય થયો તેવું જાહેર કરે તો પોતાને પતિદ્રોહનું કલંક લાગે. આ બાજુ શ્રી શંકરાચાર્યને પણ ભારતીની તટસ્થતાની કેવી પૂર્ણ શ્રદ્ધા હશે ? પ્રતિસ્પર્ધીની પત્નીને જ નિર્ણાયક રાખ્યાં !
આવી ખેલદિલી આપણે જીવનમાં કેળવી શકીએ !

તીર્થયાત્રા :
શ્રી શંકરાચાર્ય વેદાંતનો સંદેશો જગતને સંભળાવવા તીર્થયાત્રાએ નીકળ્યા. તેમના જેવા જ્ઞાનનિષ્ઠ આચાર્ય કેટલા હજાર કિલોમીટર ચાલ્યા તેનો વિચાર કરવા જેવો છે. જ્યારે સડકો નહોતી અને સાધનો નહોતાં ત્યારે તેમણે કાશ્મીરથી કન્યાકુમારી અને જગન્નાથપુરીથી દ્વારકા સુધીના વિસ્તારોની ત્રણ વાર પદયાત્રા કરી. આ આધ્યાત્મિક દિગ્વિજય દ્વારા તેમણે ધર્મમાં નવો પ્રાણ પૂર્યો અને તેમાં ઘૂસી ગયેલાં દૂષણો દૂર કર્યાં.

આજે તો ઘેર ઘેર ઈન્ટરનેટ ઉપલબ્ધ છે. તીર્થાટનની પળોજણમાં પડ્યા વિના જ ઈન્ટરનેટના માધ્યમથી જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય સાધી જીવનપદ્ધતિ અને જીવનદ્રષ્ટિમાં આપણે ઉચિત ફેરફાર લાવી શકીએ.

માતૃભક્તિ :
એક શ્રી શંકરાચાર્ય જ એવા છે જેણે સંન્યાસ લીધા પછી પણ માની સેવા કરી છે. (જોકે મહાભારતમાં ઉલ્લેખ છે કે મહર્ષિ વેદવ્યાસે માતા સત્યવતીને વચન આપેલું કે જ્યારે પણ યાદ કરશો ત્યારે હું આવી પહોંચીશ.) માનું ઋણ જ્ઞાની હોય, ભગવદ્‍ભક્ત હોય, સાધુ હોય- બધા ઉપર છે. છોકરો ભગવદ્‍ભક્ત હોય તો પિતા પુત્રને વંદન કરે છે. પણ જ્ઞાની સંતો માને વંદન કરે છે. માના અનંત ઉપકારો આ શરીર ઉપર છે એ સંતો યાદ રાખે છે. શ્રી શંકરાચાર્ય જ્ઞાની છતાં માની સેવા કરવાનું ભૂલતા નથી. સંન્યાસ લીધા પછી, જગદ્‍ગુરુ થયા પછી પણ, શ્રી શંકરાચાર્ય માને ગુરુ માની સેવા કરે છે.

શ્રી શંકરાચાર્ય તત્વજ્ઞાની હોવાની સાથે મહાયોગી હતા. એક દિવસ દિવ્યદ્રષ્ટિથી એમને ખબર પડી કે એમનાં માતા મૃત્યુશૈયા પર છે. એટલે માતાને આપેલા વચન પ્રમાણે તેઓ તરત જ કાલડી પહોંચી ગયા.

માતાની આખરી ઈચ્છા સંતોષવા શ્રી શંકરાચાર્યે આઠ કડીનું ‘કૃષ્ણાટક’ રચી માતાને સંભળાવ્યું. પહેલી કડી પ્રમાણે, ‘શંખ, ચક્ર, ગદા અને વિમલ વનમાળા જેણે ધારણ કર્યાં છે એવા સ્થિર કાંતિવાળા, લોકેશ્વર કૃષ્ણ મારી આંખો સામે પ્રગટ થાઓ !’ માતાના મનમાં કૃષ્ણની છબી રમી રહી. માતાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. જેમ સ્તોત્ર બોલાતું ગયું તેમ કૃષ્ણનું સ્વરૂપ વધારે ને વધારે પ્રત્યક્ષ થતું ગયું. ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરતાં માતાએ દેહ છોડ્યો.

આમ, શ્રી શંકરાચાર્યને માતા પ્રત્યે અપૂર્વ ભક્તિ હતી. તેથી જ તેઓ કહે છે, ‘તેં પ્રસુતિ સમયે અસહ્ય વેદના ભોગવી તે ધ્યાનમાં ન લઉં, જન્મ્યા પછી એક વર્ષ સુધી મળ-મૂત્રવાળી શૈયા પર તે તારું શરીર સૂકવી નાખ્યું એ વાત પણ લક્ષ્યમાં ન લઉં, પણ જન્મ પહેલાં તેં મારા સ્થૂળ દેહનો ભાર વહન કરીને જે કષ્ટ વેઠ્યું, એ તારા એટલા ઉપકારનો બદલો વાળવા હું બ્રહ્મવિદ્‍ થયો હોવા છતાં સમર્થ નથી. આવી માતાને નમસ્કાર હો !’

પોતાના ભાષ્યમાં માતાની વ્યાખ્યા આપતાં કહ્યું છે : ‘પુત્ર પર સમ્યક્‍ અનુશાસન કરે તે માતા. એટલે કે માતા જ પુત્રની શ્રેષ્ઠ ગુરુ છે.’

શ્રી શંકરાચાર્ય આ પ્રમાણે આપણને માતાપિતા પ્રત્યેનું ઋણ-ફરજ અદા કરવાનું શિખવે છે.

રૂઢિબંધનોથી પર :
શ્રી શંકરાચાર્ય રૂઢિ કે નિયમને વળગી રહેનારા નહોતા. સંન્યાસી થઈને શ્રી શંકરાચાર્ય માતાના દેહનો અગ્નિસંસ્કાર કરે એ ન્યાતીલાઓને ગમ્યું નહિ. તેથી કોઈ જ તેમને મદદ કરવા આવ્યું નહિ. શ્રી શંકરાચાર્યે એકલાએ ઘર આગળ જ માતાની ચિતા રચી; પછી પોતાની યોગશક્તિથી અગ્નિ પ્રગટાવી માતાને અગ્નિદાહ દીધો.
આપણે પણ રૂઢિચુસ્તતા છોડીએ તો કેવું ?

સત્સંગ :
શ્રી શંકરાચાર્ય કહેતા ‘સાધુ પુરુષોનો સંગ કરવામાં જ ચિત્તને પ્રેરવું.’ આજકાલ લોકોમાં સત્સંગ વિશે બહુ સંકુચિત ખ્યાલ પ્રવર્તે છે. તેમના મતે સત્સંગ એટલે કથાઓમાં જવું, સાધુસંતોની સોબતમાં રહી તેમની સેવા કરવી, તેમના પ્રવચનો સાંભળવા, ભજન કીર્તન કરવા, ભાગવત સપ્તાહ કે રામકથામાં હાજરી આપવી વિ. પરંતુ, સત્સંગ આથી વિશેષ છે. સત્સંગ એટલે સત્યનો સંગ-શુભનો સંગ. હંમેશાં સત્યની પડખે જ ઊભા રહેવું, ગમે તેટલું ભૌતિક નુકસાન થતું હોય તો પણ સત્યનો સાથ ન છોડવો, સન્માર્ગે ચાલવું. સત્સંગ નાત, જાત અને ધર્મના ભેદ અને બંધનથી પર છે.

સત્સંગ કરતાં કરતાં અસંગ માટે મથવાનું છે, કુસંગથી બચવાનું છે. અસંગ એ અધ્યાત્મમાર્ગની સૌથી ઊંચી અવસ્થા છે.

આ ઘોર કળિયુગમાં જ્યારે ચારે તરફ નૈતિક મૂલ્યોનો હ્રાસ થતો જોવા મળે છે ત્યારે ફક્ત સત્સંગ જ આપણને બચાવશે, તારશે. શ્રી શંકરાચાર્યનો આ સંદેશ આપણે જીવનમાં ઉતારવા જેવો છે.

જ્ઞાની શ્રી શંકરાચાર્ય :
એક અડધા શ્લોકમાં તેમણે પોતાની વાત કહી દીધી છે : ‘બ્રહ્મ સત્યમ્‍ જગત્‍ મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપરમ્‍’. એટલે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે; જીવ બ્રહ્મ જ છે, બીજું કશું નથી.

આજનો યુવાવર્ગ આવી અઘરી ફિલસૂફી સમજી શકે તે માટે સાદું, સરળ દ્રષ્ટાંત સ્વ.પૂ.ડોંગરે મહારાજ આપે છે.

‘સિનેમાના પડદા ઉપર અનેક ચિત્રો દેખાય છે. ક્યારેક પડદા ઉપર વર્ષા થાય છે, ક્યારેક અગ્નિજ્વાળાનું દ્રશ્ય આવે છે. વર્ષા છતાં પડદાનો ધાગો પણ ભીંજાતો નથી. અગ્નિજ્વાળા છતાં પડદાને કંઈ થતું નથી. સંસાર પણ એક ચિત્ર છે. સંસાર ચિત્ર-વિચિત્ર છે. બ્રહ્મતત્વ એક સત્ય છે.’

મનુષ્યનું કર્તવ્ય :
શિષ્યોની જિજ્ઞાસાના જવાબમાં શ્રી શંકરાચાર્ય કહે છે : ‘હું કોણ છું ?’, ‘આ સંસારમાં ક્યાંથી આવ્યો છું ?’ અને ‘મારે શું કરવું જોઈએ ?’ આ વિચાર મનુષ્યે નિરંતર કરવો જોઈએ. સુખદુઃખમાં સમતા જાળવવી, ધર્મનું રક્ષણ કરવું, તમોભાવ ન રાખવો, શાસ્ત્રવચનોમાં વિશ્વાસ રાખવો, મનમાં કપટભાવ ન રાખવો, કહેવું કંઈ અને કરવું કંઈ એવી દાંભિકવૃત્તિ ન રાખવી, સત્પુરુષોના સમાગમમાં, સત્‍શાસ્ત્રના શ્રવણ મનનમાં અને સદ્‍વિચારમાં જ સમય ગાળવો. સત્ય, ક્ષમા, દયા, સંતોષાદિ સદ્‍ગુણોનું સેવન કરવું. વિવેક વૈરાગ્યની સાથે પરમ મિત્રતા રાખવી અને નિરંતર આત્મચિંતન કરવું. જેથી સચ્ચિદાનંદરૂપ પરબ્રહ્મ પરમાત્માની સહજમાં પ્રાપ્તિ થશે.’

આ જ શિખામણ તદ્દન સંક્ષેપમાં એક શ્લોકમાં તેમણે આવરી લીધી છે. આપણે સૌએ તેનું મનન કરવા જેવું છે.

‘સાચો ગુરુ કોણ ? જે હિતનો ઉપદેશ આપે.
શિષ્ય કોણ ? જે ગુરુનો અનન્ય ભક્ત હોય.
મહારોગ કયો ? પુનર્જન્મ એ મહારોગ.
અને તેનું ઓસડ શું ? ‘તે’નું (પરમાત્માનું) ચિંતન કરવું તે.’

આવા શ્રી શંકરાચાર્ય આઠમા વર્ષે ચાર વેદના જાણનાર થયા, બારમા વર્ષમાં સર્વ શાસ્ત્રવેત્તા થયા, સોળમે વર્ષે દિગ્વિજય કરનારા અને બત્રીસમા વર્ષે સ્વધામમાં પધાર્યા !

દરેકની જીવનયાત્રામાં એક ‘શ્રી શંકરાચાર્ય’ રૂપી પીઠબળ આવે છે. અણઘડ શિખાઉ તરુણમાંથી મહાત્મા બનવાની દિશાનો પ્રવાસ અહીંથી જ શરૂ થાય છે.

જેમણે ઉત્તર ભારતમાં આવેલા બદરિનાથ તેમ જ પોતાની શક્તિપીઠમાં છેક દક્ષિણ ભારતના નામ્બુદ્રિપાદ બ્રાહ્મણોને જ પૂજનવિધિ કરવાનો અધિકાર આપીને ભારતવર્ષની ઐક્યતા સિદ્ધ કરી છે તેવા જગદ્‍ગુરુને કોટિ વંદન.

– હિમા યાજ્ઞિક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “શ્રી શંકરાચાર્ય પાસેથી યુવાનોએ શું શીખવાનું છે? – હિમા યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.