અણધાર્યો અકસ્માત – ડૉ. નવીન વિભાકર

(‘કુમાર’ સામયિકમાંથી)

ફિલાડેલ્ફિયાની, આલ્બર્ટ આઈન્સ્ટાઈન યુનિવર્સિટીના મૉસ રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટને ડેનિયેલા સજલ નયનોથી જોઈ રહી. કેવા સંજોગોમાં તે પાછી ફરી હતી ! એ પણ રિહેબિલિટેશન ફિઝિશ્યન – ડૉ. ઍસ્કવેનેઝીની જેમ જ ! એક વર્ષ પછી.
ધીરે રહી તે ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશી. સ્ટાફ ને પૅશન્ટસ બધા તેને સત્કારવા ઊભા હતા. આજે તે બધાંને ઉદાસીભરેલ આનંદિત વાર્તા કહેવાની હતી.

લેક્ચર થીએટરમાં તે પ્રવેશી ત્યારે જરાય ખોડંગાઈ નો’તી. પણ બધા તેના બન્ને લોખંડના હાથ ને આંગળાની જ્ગ્યાએ હુક્સ હતા તે જોતાં, ડેનિયેલાના આત્મબળથી છલકાતા ચહેરાને આભા બની, મંત્રમુગ્ધ બની જોઈ રહ્યાં.
તેની સાથે આવેલી ફિઝિકલ થૅરપિસ્ટ મારિયા લુકાસ બોલી, ‘તમે શું ગુમાવ્યું છે તેનો અફસોસ ન કરો. હવે પછી જીવનમાં શું મેળવવાના છે એનો વિચાર કરો. એવું ડૉ. ડેનિયેલા ગાર્સિયા તમને કહેવા માગે છે.’…

*

ઉનાળો આવી રહ્યો હતો.

સાઉથ – દક્ષિણ અમેરિકાના ચીલી (Chile) દેશના પાટનગર સેન્ટિયાગોમાં છેલ્લી પરીક્ષાઓ આવી રહી હતી. રિકાર્ડો બોલ્યો, ‘ડેનિયેલા ! જવું જ છે ? ફાઈનલ પરીક્ષાઓ આવી રહી છે છતાં ?’

‘શું કરું રિકાર્ડો ! દરસાલની જેમ ઇન્ટર – મૅડિકલ – સ્કૂલની ગેમ્સ છે. બધા ખૂબ જ દબાણ કરે છે.’

ડેનિયેલા ગાર્સિયા મેડિકલ સ્કૂલમાં હતી. પિતા ક્રિશ્ચયન ગાર્સિયા (PUC) પૉન્ટિફિસિયા યુનિવર્સીડાડ કૅટોલિકા ડ ચીલેના પિડિયાટ્રિક રેડિયોલૉજિસ્ટ ને પ્રોફેસર હતા. માતા લીઓનાર દાંતના ડૉક્ટર હતાં. જિંદગી સ્વસ્થ રીતે પસાર થતી હતી. ત્યાંની મેડિકલ સ્કૂલમાં ફાઈનલ વર્ષમાં ડેનિયેલા હતી. ખૂબ જ હોંશિયાર હતી. બાવીસ જ વર્ષની હતી. તેનો ફિયાન્સે રિકોર્ડો સ્ટૂબે બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન કરતો હતો. બન્નેને સાઈક્લિંગનો ખૂબ શોખ હતો.

ખુશનુમા દિવસ ને રજા હોવાથી બન્ને સાઈકલિંગ માટે નીકળી પડ્યાં હતાં. ‘રિકાર્ડો ! વૉલીબૉલ, બાસ્કેટબૉલ, સ્વિમિંગ, ટેનિસ, ફૂટબૉલ કેટલી હરીફાઈઓ ! સ્વિમિંગમાં તો હું ચૅમ્પિયન છું. તેથી સ્કૂલ તરફથી મને આ હરીફાઈમાં ભાગ લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આખા દેશની બધી મેડિકલ સ્કૂલોની હરીફાઈ છે. મારી સ્કૂલનું નામ રાખવા મારે ભાગ લેવો જ પડશે.’

‘અહીંથી ચારસો માઈલ દૂર ટેમુકો ગામે જવાનું છે. વળી, તારે માથે પરીક્ષાઓ છે. મન પર દબાણ લઈ તું ભાગ લઈ શકીશ ?’

‘શું કરું ? અવઢવ તો છે જ. નવ કલાકની ટ્રેનની સફર છે. પણ બીજાં બધાં ભાઈબંધો ને બહેનપણીઓ છે તેથી વાંધો નહીં આવે.’

જ્યારે તે સ્ટેશન પર આવી ને ટ્રેનના હાલ જોઈ તે ખચકાણી. ઘણાબધા વિદ્યાર્થીઓ જવાના હતા તેથી જૂના પૅસેન્જર રેલકારના ડબ્બા જોડવામાં આવ્યા હતા. ડબ્બા જૂના હોવાથી બારીઓ પણ તૂટેલી હતી ને અંદરની લાઈટ્સ પણ તૂટેલી ને બળેલી હતી. પણ બધા વિદ્યાર્થીઓ સાથે હોવાથી વાંધો નહીં આવે તેવો વિચાર આવતાં તે ટ્રેનમાં ચડી.

ટ્રેન ઊપડી ને બધાં વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયાં. ગિટાર લઈ ડૅન્સ કરતાં કરતાં સ્પેનિશ ગાયનો ગાઈ રહ્યા. રાતનું અંધારું ઊતરી રહ્યું હતું. ડેનિયેલા બારીમાંથી બહાર પસાર થતાં વૃક્ષો ને હરિયાળી જોઈ રહી હતી. રાતના દસેક વાગ્યા ને ડેનિયેલાના બે મિત્રો આવ્યા, ‘ડેનિયેલા ! ચાલ ! બાજુના કોચમાં બીજા મિત્રો શું કરી રહ્યા છે તે જોઈ આવીએ.’

‘પણ લાઈટ્‍સ બળી ગઈ છે. અંધારામાં જશું કેવી રીતે ?’ ડેનિયેલા બોલી.

‘આપણે ત્રણ છીએ ને ! એકબીજાના હાથ પકડીને જઈએ.’

બીજા કોચ પાસે આવતાં જોયું કે બે કોચને જોડતાં સ્ટૅપ્સ વચ્ચે ઘણી જગ્યા હતી. આગળનો વિદ્યાર્થી ડિયેગો લાંબો હોવાથી, લાંબી ફલાંગ ભરી કૂદી ગયો. ત્યાં જ વળાંક આવ્યો. બે કોચ વચ્ચેની જગ્યા વધુ પહોળી થઈ ગઈ જે અંધારામાં કોઈએ ન જોઈ. ડેનિયેલાએ પગલું ભર્યું ને તે જાણે નીચે ખેંચાઈ ગઈ તેવું તેને લાગ્યું. પાછળના મિત્રનો હાથ છૂટી ગયો. એક મિનિટમાં તો ડેનિયેલા ટ્રેન નીચે ગરક થઈ ગઈ. એકે પેસેન્જર બાજુની બારીમાંથી જોઈ બોલી ઊઠ્યો, ‘અરે ! પેલી છોકરી પડી ગઈ.’
*
ભયંકર સ્વપ્નમાંથી જાણે જાગી હોય તેમ ડેનિયેલાએ જોયું કે તે વળાંક પર પાટા વચ્ચે અંધારી રાતે પડી હતી. કોઈ દર્દ તેણે ન અનુભવ્યું પણ તેનું મોં ચીકણું તેને લાગ્યું. ડાબી આંખ પાસે મોટો કાપો પડ્યો હતો. તે લોહી મોં પર ચોંટી ગયું હતું. ડાબો હાથ તે લોહી કાઢી નાખવા તેણે હલાવ્યો, આંખોમાં હવાથી ઊડીને આવતા વાળ પણ દૂર કરવા. પણ કંઈ થયું નહીં. પાછો પ્રયત્ન કર્યો પણ જાણે હાથ હવામાં તરતો લાગ્યો. તેણે મહામહેનતે માથું ઊંચું કર્યું ને આઘાતની મારી જોઈ રહી. આખા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. તેનો હાથ ત્યાં હતો જ નહીં. કોણીની નીચેનો ભાગ ઊડી ગયો હતો.

તેણે જમણી બાજુ જોયું. એ બાજુથી પણ કોણીની નીચેનો ભાગ છૂંદાઈ ગયો હતો. વળાંક હોવાથી ટ્રેનના પૈડાં તેના હાથો પર ફરી વળ્યાં હતાં. હવે ડેનિયેલા ગભરાઈ. તેણે ખસવા પ્રયત્ન કર્યો તો ખબર પડી તેનો ડાબો પગ પણ સાથળ પાસેથી કપાઈ ગયો હતો. જમણો પગ ઘૂંટણ નીચેથી કપાઈ ગયો હતો. તે થરથરી ઊઠી. પણ મેડિકલ વિદ્યાર્થિની હોવાથી હોશ ન ખોયા.

કેટલો બધો રક્તસ્રાવ થયો હશે ? બીજી ટ્રેન ગમે ત્યારે આવતી હશે. તેણે પાટા પરથી નીકળી જવું પડશે. કોઈની મદદ નહીં મળે તો મૃત્યુ નિશ્ચિત છે જ. વળાંક પર હતી. બીજી ટ્રેઈન આવશે તો હવે શરીરના મધ્યે જ ફરી વળશે. એક બાજુ ફેન્સ હતી ને બીજે બાજુ ખેતર હતું. દૂર નજર કરતાં લાઈટ દેખાઈ. પેટ્રોલ સ્ટેશન જ હશે. ઢસડાઈને ત્યાં સુધી પહોંચાશે ? હાથપગ તો નો’તા. ઢસડાશે કેવી રીતે ? મનને દ્રઢ કર્યું ને ગોઠીમડું ખાઈ તે પાટામાંથી બહાર પડી. તેની બંને બાજુ પાટાઓ હતા. એક ટ્રેનને આવવાના ને બીજી ટ્રેન જવાના. હવે ? ગોઠીમડાં કેવી રીતે ને ક્યાં સુધી ખાવાં ?

તે બૂમો પાડવા લાગી, ‘બચાવો ! પ્લીઝ ! મને કોઈ બચાવો.’ એ જ વખતે એક ખેડૂત ‘વૉક’ લેવા નીકળ્યો હશે. તેણે વિદ્યાર્થીઓથી ભરેલી ટ્રેન પસાર થતી જોઈ હતી. ત્યાં તેણે ડેનિયેલાની બૂમો સાંભળી. તે દોડ્યો. જોઈને સ્તબ્ધ થઈ ગયો. બોલ્યો, ‘જરા પણ હલતાં નહીં. હું મદદ લઈને આવું છું.’ કહી તે પેટ્રોલ સ્ટૅશન ભણી દોડ્યો.

*
ખેડૂત મોરાલેસનો કૉલ આવતાં પૅરામેડિક્સ વિક્ટર સોલીસ દોડતો પહોંચી ગયો. જે રીતે મોરાલેસે અકસ્માતનું ને ડેનિયેલાનું વર્ણન કર્યું તેથી ડેનિયેલા અત્યાર સુધી જીવતી રહે તે માનવા તે તૈયાર નો’તો. બીજા પૅરામેડિક્સ પૅટ્રિક હરેરા પણ આવી ગયો. બંને ડેનિયેલાને આવી હાલતમાં જીવતી જોઈ નવાઈ પામી રહ્યા. ડેનિયેલા દર્દથી કણસતી હતી પણ પૂરા ભાનમાં હતી. તેણે તુરત પોતાનું નામ, માતાપિતાનું નામ, તેમનાં સરનામાં, ફિયાન્સેનું નામ-સરનામું તથા બધા ટેલિફોન નંબર્સ આપી દીધા.

હરેરા પાછળથી આવેલી તેથી પૂછી બેઠો, ‘જીવે છે ?’

ડેનિયેલા બોલી ઊઠી, ‘હા, હા, હું જીવું છું.’ તેના સ્વરની દ્રઢતા જોઈ બધા છક્ક થઈ ગયા. તુરત ટુર્નીકેટ બાંધી વહેતું લોહી બંધ કરી દીધું. પાણી ચડાવવા બૉટલ કાઢી ત્યાં પાટાનો ધ્રુજવાનો અવાજ બધાએ સાંભળ્યો. બીજી ટ્રેન આવતી હતી. આટલી નાની જગ્યામાં ટોળે વળી ઊભવું સલામત ન હોવાથી બધા પાટા ઓળંગી ખેતર તરફ જતા રહ્યાં.

‘મને મૂકીને ન જાઓ !’ ડેનિયેલાએ ચીસ પાડી.

ત્યાં તો પવનનો મોટો ફૂંફાડો ડેનિયેલાએ અનુભવ્યો. ટ્રેન જોતજોતામાં તેની બાજુમાંથી પસાર થઈ ગઈ. ડેનિયેલાએ આંખો બંધ કરી દીધી. ત્યાં તો બધા પેરામૅડિક્સ પાછા આવી ગયા. તેને હજી જીવતી જોઈ રાહત પામ્યા. દસ મિનિટમાં આઈ.વી. – બૉટલ ચડાવી, ડેનિયેલાને ઍમ્બ્યુલન્સમાં સુવડાવી. થોડી મિનિટોમાં બધા હૉસ્પિટલ પહોંચ્યા. આખે રસ્તે ડેનિયેલા પૂછી રહી, ‘હું ઠીક છું ને ? ઠીક રહીશ ?’

નર્સો બધી હાથપગ વગરની ડેનિયેલાને જોઈ આભી થઈ ગઈ. ‘આ જીવશે કેવી રીતે ? જીવશે તો અપંગ બનીને ?’ તાબડતોડ તેને ઑપરેશન થીએટરમાં લઈ જવામાં આવી. ગાઉન પહેરેલા ડૉક્ટરનો સ્નેહાળ ચહેરો ડેનિયેલાએ તેની પર ઝળૂંબી રહેલો જોયો. તે સ્નેહે તેને વધુ ચેતના આપી. તે બોલી, ‘ડૉક્ટર ! હું સાજી થઈ જઈશ ?’

‘ચોક્ક્સ વળી !’

સાંત્વનાથી ડેનિયેલામાં જીવવાનું જોમ પ્રગટ્યું.
*

જેવા ફોનથી સમાચાર મળ્યા ડેનિયેલાના માતાપિતા, ભાઈઓ ને ફિયાન્સે રિકાર્ડો મારમાર ત્યાં પહોંચવા નીકળ્યાં.

ટ્રેનના હાથપગ પર વળતાં એવાં છુંદાઈ ગયા હતા કે લબડતાં અંગોને પાછાં જોડવાનું કામ દુષ્કર હતું. તેના ઘા સાફ કરવામાં આવ્યા. રૂઝવાની રાહ જોતાં બે દિવસ ડેનિયેલાને ઘેનમાં રાખવામાં આવી. આઈ.સી.યુ.માં તે જાગી ત્યારે રિકાર્ડોનો ઝળૂંબી રહેલો ચહેરો જોઈ, ખુશીની મારી તેને વળગવા તેણે હાથ લાંબા કર્યા, પણ તે પાછા પછડાયાં. રિકાર્ડોએ નીચા વળી તેને ચૂમી, આશ્લેષમાં લીધી.

હાથપગ તો એવા છુંદાણા હતા કે જ્ઞાનતંતુઓ – બધા જીવંત થઈ ગયા હતા. એવી બળતરા ઊપડતી કે જાણે અંગોમાં આગ લાગી ન હોય ! જાણે ‘ફેન્ટમ પેઇન સિન્ડ્રોમ’ જેવું દર્દ થતું. પણ પેઇન કિલર્સથી દર્દ શમાવવા પ્રયત્નો થતા. હવે સારામાં સારું રિહેબિલિટેશન સેન્ટર શોધવાનું હતું. ને ડેનિયેલાના પિતા ગાર્સિયા ડેનિયેલાને આલ્બર્ટ આઇન્સ્ટાઇન યુનિવર્સિટી, ફિલાડેલ્ફિયા – પેન્સીલવેનિયાના મૉસ રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટમાં લઈ આવ્યા. છ અઠવાડિયાં ત્યાં રહેવાનું હતું. કેમ ચાલવું, કેમ કપડાં પહેરવાં, કેમ જમવું ને બીજી બધી પ્રવૃત્તિઓ બનાવટી અંગો – આર્ટીફિશ્યલ લિબ્ઝથી કામ ચલાવતાં શીખવાનું હતું.

આવ્યા પછી ચાર દિવસે ફિઝિકલ થૅરપિસ્ટ મારિયા લુકાસ તેના બનાવટી પગ લઈ આવી. પ્લાસ્ટિક ને મૅટલ પગ ! એક પગમાં તે બાંધવામાં આવ્યા ને તેને ઊભી કરવામાં આવી. અકસ્માત પછી પહેલી વાર તે અઠવાડિયાંઓ પછી ઊભી થઈ હતી. ડેનિયેલાના શરીરમાંથી આનંદનું મોજું ફરી વળ્યું. તેના મોં પર જોમ પ્રગટ્યું. તેનું દ્રઢ મનોબળ જાણે તેને સહાય કરવા લાગ્યું. ધીમે ધીમે ફિઝિકલ થૅરપિ ને બનાવટી પગોથી ડગમગ થતી તે ચાલવા લાગી. બનાવટી અંગોથી કામ કરવું કેટલું દુષ્કર હોય તે તેણે જાણ્યું. જાણે નાના બાળકને બધું શીખવીએ તેમ તે શીખવા લાગી. અને ચાલવામાં હવે તો ઝડપ વધી પણ ખરી. આ બધા પાછળ પણ ઉત્સાહપ્રેરક હતા ત્યાંના ડૉ. આલબર્ટો એસ્ક્વેનેઝી. તેઓ સ્પૅનિશ બોલતા તેથી ડેનિયેલાને ઘર જેવું લાગતું. બીજું તેઓ સમદુઃખિયા હતા. લૅબોરેટરીમાં કમ કરતા, એક્સપ્લોઝનથી તેમનો પણ એક હાથ ઊડી ગયો હતો. તેની જગ્યાએ રૂપેરી હૂકવાળો બનાવટી હાથ હતો. એવા જ બે હાથ ડેનિયેલાને પણ મળ્યા. ડૉ.એસ્ક્વેનેઝીને બનાવટી હાથે કામ કરતાં જોઈ ડેનિયેલા પણ તેના બંને હાથથી કામ કરતાં શીખવા લાગી. જમણા હાથના હૂકમાં પેન ભરાવી તેણે લખવાનું પણ શીખી લીધું.

તેનામાં એક આશા જાગી. તેણે તેના વર્ગના વિદ્યાર્થીઓને પત્ર લખ્યો, ‘રાહ જોજો. પાછી આવું છું. મેડિસીન ભણવા.’ અને હવે તો બનાવટી હાથોથી મેકઅપ પણ કરવા લાગી હતી.

એકે એક નવી વસ્તુ શીખતા તેને અનેરો આનંદ આવવા લાગ્યો હતો. પણ હૉસ્પિટલમાં બધાંને એમ હતું કે બનાવટી અંગો કુદરતી અંગોની જેમ બધાં કાર્યો ન કરી શકે તે જાણતા ડેનિયેલા હતાશ થઈ જશે તો ? પણ આત્મબળ ને દ્રઢ મનોબળથી ડેનિયેલાએ તેના જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. હજી તો તે તેવીસ વરસની જ હતી. ઍક્સિડન્ટ પછીના એક વરસમાં તો તે માનસિક ને શારીરિક રીતે ખૂબ આગળ વધી ગઈ હતી. હવે તેને જીવવું હતું. ડૉક્ટર બનવું હતું. ડૉ. એસ્કેવેનેઝીની જેમ. રિહેબિલિટેશન ફિઝિકલ ડૉક્ટર. તેમના શબ્દો તે કદી ભૂલી શકી નો’તી : ‘તમારા અંગોની ખોડનો તમે અહેસાસ કરશો જ. તમે જે ખોયું છે તે પાછું આવવાનું નથી. તમારી પાસે બે પસંદગી છે. કાં તો ખૂણામાં બેસી રડી રહો અથવા જે ક્ષણો જીવન જીવવું છે તે દ્રઢ મનથી જીવી જાઓ. તમારું જીવન તમારું છે. તેની સાથે શું કરવું એ તમારે વિચારવાનું છે.’ અને ડેનિયેલા જીવી ગઈ. છ અઠવાડિયાં પછી ડેનિયેલા ઘરે ગઈ. રિકાર્ડો ને માતાપિતા ઍરપોર્ટ પર લેવા આવેલાં. બનાવટી પગો સાથે તે ફાંકડી રીતે ઍરમાંથી ઊતરી ચાલીને તેઓ તરફ આગળ વધી. તેના ચહેરા પર એક ખુશી ચમકતી હતી.

એક વરસ પછી તે મેડિકલ સ્કૂલમાં પાછી જોડાઈ ગઈ. ને ડૉ. એસ્કેવેનેઝીથી પ્રોત્સાહિત રિહેબિલિટેશન ફિઝિકલ ડૉક્ટર થઈ ગઈ. તેના જીવનનું ધ્યેય હતું અપંગ લોકોને કામ આવવાનું. ધામધૂમથી તેનાં લગ્ન રિકાર્ડો સાથે થયાં. અને તેણે તુરત મૉસ રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટમાં જૉબ માટે અપ્લાય કર્યું…
*
લૅક્ચર આપવાનું પેપર ઉપાડ્યું. જે દક્ષતાથી તેણે બનાવટી હાથ ચલાવ્યો, સભા આખી દંગ બની જોઈ રહી, ને સાંભળી રહી : ‘આજે તમને એક ઉદાસ કહાનીના ખુશીભર્યા અંતની વાર્તા કહેવી છે.’

અને પોતાની જ આખી વાર્તા પૂરી કરી તે બોલી, “જીવનમાં કદી ન ભુલાયેલાં ને મનમાં ઉતારી લેવાં વાક્યો જે ડૉ. એસ્ક્વેનેઝીએ મારા રોમરોમમાં ઉતારી દીધા તે તમને બધાને લાગુ પડે છે. તે પાછાં કહેતાં હું અત્યંત ખુશ છું : ‘તમે જે ખોયું છે તે પાછું આવવાનું નથી, તમારી પાસે બે પસંદગી છે. કાં તો ખૂણામાં બેસી રડી રહો અથવા જે ક્ષણો જીવન જીવવું છે તે જીવી જાઓ. તમારું જીવન તમારું છે. તેની સાથે શું કરવું એ તમારે – ફક્ત તમારે જ – વિચારવાનું છે.’”
અને આખો સભાખંડ ઊભો થઈ ગયો ને તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો.

– ડૉ. નવીન વિભાકર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “અણધાર્યો અકસ્માત – ડૉ. નવીન વિભાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.