દરિયાની દીકરી – રવજી કાચા

(‘પુસ્તકાલય’ સામયિકના ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાંથી)

પૂર્વમાં અરૂણોદયની લાલીમા પથરાણી. સીબર્ડઝનો કલશોર ઉઠ્યો. દરિયાનાં મોજા દરિયાખેડૂને આવકારવા ને સાબદા થવા અધીરાં બન્યા. મોં સુજણું થઈ ચૂક્યું હતું. દરિયાકાંઠાનું વાતાવરણ હજી શાંત હતું. ઝૂંપડાંઓ ધીરે ધીરે સજીવન થઈ આળસ મરડી બેઠાં થતાં હતાં. દીવાના ઝાંખા ઉજાસમાં ખારવા અને ખારવણો પ્રાતઃક્રિયા ઉતાવળે આટોપવામાં ને ઢાંકાઢૂબો કરવામાં વ્યસ્ત હતી. ક્યાંક ક્યાંકથી બાળરૂદન સંભળાત હતા. તો કેટલાક ઉતાવળિયા સાગરખેડુ ખભે હલેસા ને જાળ લઈ ધંધે જવા રવાના થતા હતા. ત્યાં સાગર કિનારાને ભેદી નાંખે એવી ચીસ ઊઠી. જેમણે જેમણે ચીસ સાંભળી એ બધા ચીસની દિશામાં દોડવા લાગ્યા. તો કેટલાંક ઝૂંપડામાંથી પડતા આખડતા બહાર નીકળ્યા.

કિનારે જોતજોતામાં ટોળું વળી ગયું. ટોળાને વચ્ચે એક નાકડું માનવબાળ લૂંગડામાં લપેટાયેલું પડ્યું હતું. દરિયાના મોજા એનું રક્ષણ કરવા ધારતા હોય એમ તેની નજીક આવી પાછા વળી જતા હતા. તો દરિયો પણ વારેવારે ઘૂઘવાટા દેતો કહેતો ન હોય, ‘આ બાળકને બચાવી લો.’

ન સમજી શકાય ને ન પામી શકાય એવો ગણગણાટ ટોળામાં શરૂ હતો. પણ કોઈ હિંમત કરીને બાળકની પાસે કે વહારે જવા તૈયાર નહોતું. તેમ કોઈ દયાવાન દયા ખાવાની સ્થિતિમાં નહોતું. કદાચ સૌને પોલીસના લફરાનો ભય ડરાવતો હતો.

સૌથી છેલ્લે પ્રૌઢ નાથુ ટોળાને ભેદી ચકરાવામાં આવી પોગે છે. તેના આવવાથી ટોળામાં હાશકારો થયો. ટોળુ બોલ્યું : ‘બાપા ! આ અખાણ્યું ને નોધારું બચ્ચું કાંઠે આવી પોગ્યું છે એનું શું કરીશું ?’

નાથુ જવાબ દેવાને બદલે ધીરા પણ મક્કમ ડગ માંડતો પેલા બાળક પાસે જાય છે. કરુણાસભર નેત્રોથી બાળકને નિહાળે છે. તેની આંખો સામે દેવલો તરવરી ઊઠ્યો. હૈયામાં પ્રેમ અને કરુણાનાં ધોધ છૂટ્યા. તેનું મન પોકારી ઊઠ્યું. ‘આ પહુડાનું કોણ ?’ અનાયાસે જ તેના હાથ લંબાણા ને પળવારમાં બાળકને ઉપાડી લીધું. ભીનું કપડું કોરે કરતાં નાથુ દરિયા સામે જોઈ બોલ્યો : ‘હે દરિયાદેવ, તે આપેલ દીકરી આજથી મારી. હું તારી અમાનત જિંદગીભર સાચવીશ. એનું રક્ષણ કરજે. એનું નામ ‘દરિયાની દીકરી દેવલી.’ ટોળામાં નવું ચેતન પ્રગટ્યું. નાથુનાં શબ્દો ટોળાએ દોહરાવ્યા. ‘દરિયાની દીકરી દેવલી.’

ખારવાનો દેવ દરિયો. જીવાડે, મારે દરિયો. દરિયાના ખોળે રમતાં રમતાં ખારવા મોટાં થાય. માછલાંની ખેતી કરે. ખારવાના બાળકનું પારણું દરિયો ને સાથરો ય દરિયો. તેમ છતાં જીવાતી જિંદગીની મજા ખારવા દરિયા સાથે જ લૂંટતા હોય છે. બાળક જન્મે ને ખારવા દરિયે આવી પગે લાગી પ્રાર્થના કરે. ‘હે દરિયાદેવ, આજથી આ તારું બચ્ચું, અમે તો એના રખેવાળ. તું એનું રક્ષણ કરજે.’

નાથુની માએ પણ એમ જ દરિયાને સોંપેલો. આજ ત્રણ સાડાત્રણ દાયકા વટાવી ચૂકેલા નાથુને ઝૂંપડું અને દરિયો ખાવા ધાય છે. એક સમે નાથુનું ઝૂંપડું ને પરિવાર કિલ્લોલ કરતા હતા. દેવનો દીધેલ કનૈયાકુંવર જેવો દીકરો દેવલો, પત્ની અને નાથુ. નાથુ ભગવાનનું માણસ. નાથુ માણસવલો માણસ. હોય ન હોય મોં કટાણું કર્યા સિવાય એના ઝૂંપડેથી કોઈ હાથ એંઠા કર્યા સિવાય જતું નહિ. નાથુનું બસ એક જ રટણ, ‘ભાઈ, આપણે ક્યાં કંઈ લઈને આવ્યા હતા. એનું છે તે એને ધરવાનું છે. આપણે કોણ ?’ આવી અગમનિગમની વાણી નાથુ બોલતો ત્યારે ખારવાકોમ તેના પગમાં પડતી. એટલે જ તો નાથુને સૌ ભગવાનનું માણસ ગણી માનસન્માન આપતા હતા.

દીકરો દેવલો સમજણો થયો ને બાપની ભેગો દરિયાખેતીમાં હાથવાટકો બનવા લાગ્યો. પછી તો તેવતેવડા છોકરાંઓ ભેગા મળી નાનીનાની હોડી લઈ માછલા પકડવા નીકળી પડતો. જોતજોતામાં તો દેવલો બાપનો કંધોતર બની ગયો. એની મા એને વારતી, ‘બેટા, તું હજી નાનો છે. જાજી ખેપ રે’વા દે.’ ત્યારે દેવલો વળતો જવાબ દેતો. ‘મા, મારા બાપુ ને તે ઘણી ખેપો મારી. હવે મારું કામ. હું ખેતી કરું. ખેપ મારું ને તમે એનું રખોપું કરો.’ માબાપના બત્રીસેય કોઠે ટાઢક વળતી. પતિપત્ની દરિયાદેવને એક જ પ્રાર્થના કરતા, ‘હે દરિયાદેવ, અમારા દેવલાને સાજોનરવો રાખજો.’

આભને ટેકો દે તેવો દેવલો પચ્ચીસીએ પોગ્યો. તલવારછાપ મૂછો, ભરાવદાર અને ગુચ્છાદર છાતી, બાહુબળિયો, એકલે હાથે સાગર ખેડનારો, એક ખેપમાં અઢળક માછલાં ભરીને દેવલો આવતો હોય ત્યારે તેનાં માબાપ અમીનો ઓડકાર ખાતા પણ એ અમીના ઓડકારમાં વિષ ક્યારે ભળી ગયું એનો અણસાર કે ઓહાણ રહ્યું નહિ. નાળિયેરી પૂનમે દરિયાદેવની પૂજા કરી, માથે ચૂંદડીનો ફટકો બાંધી ‘જય દરિયાદેવ’ બોલી હલેસું વીજ્યું ને હોડી દરિયામાં સેલારે ચડી. બસ એ દિવસ ને આજની ઘડી દેવલાનાં દર્શન થયા નહિ. માબાપે છાતીફાટ રૂદન કર્યું. પથ્થર એટલા દેવ પૂજ્યા પણ દેવલાનો આછોપાતળો પત્તો ના લાગ્યો.

દેવલાના વિરહમાં મા પાગલ જેવી બની ગઈ. જાતને સંભાળી શકી નહિ ને એક અંધારી રાત્રે દેવલાથી છેટું પડી જતું હોય એમ, તેને મળવા માએ દરિયો વહાલો કરી લીધો. દરિયે એના કોઈ સગડ ન આપ્યા.

બસ ત્યારથી નાથુ ઘરબાર વિહોણો બની ગયો. પેટને ટકાવી રાખવા પૂરતી તેને શુદ્ધિ હતી. સવારસાંજ દરિયા સામે મોં વકાસી કલાકો સુધી ઉભો હોય, જાણે કહેતો ન હોય, ‘હે દરિયાદેવ, હું ક્યાં તારો ગુનેગાર હતો કે મારો સંસાર રફેદફે કરી નાખ્યો ? પડોશીઓ તેનું બાવડુ પકડી ઝૂંપડે લાવે. ખવડાવે ને પછી સુવડાવી દે. આ નિત્યક્રમ હતો નાથુનો.

આજે પણ એ જાગ્યો પેલી ચીસ સાંભળીને.. નાથુ એ દરિયાદેવને કરેલી વિનંતીનાં પડઘારૂપે નાનું પહુડું એના ખોળે મૂક્યું. નાથુમાં પિતૃત્વ જાગૃત થયું પણ માતૃત્વ ક્યાં લેવા જાય ? પણ નાથુએ બેય ફરજ નિભાવી. પડોશીઓએ એમાં રંગ પૂર્યા.
બાપના ખોળે ને ઉંબરે, દરિયાનાં સેલારે રમતીકૂદતી પતંગિયા જેવી દેવલી પંદરેક દિવાળી વળોટી ચૂકી. નાથુ માનતો હતો કે દરિયાદેવે મારા દેવલાને જ પાછો મોકલ્યો છે. દેવલી પણ દેવલાને આંટી જાય એવી બળુકી, હિંમતવાળી ને જોશીલી હતી. દેવલો જ જોઈલોને. આમ દેવલી ધીરે ધીરે દરિયાદેવનાં ગીતડાં ગાતીગાતી બાપની સાથે દરિયાખેતીમાં વાળોટતી ગઈ.

નાથુમાં એક કુદરતી દિવ્યશક્તિ હતી. તે દરિયાનાં મોજા જોઈ ભવિષ્યવાણી ભાખતો કે આજે દરિયો શાંત રહેશે કે તોફાને ચડશે. નાથુની ભાખેલી વાણી ક્યારેય ખોટી પડતી નહિ. તેમ છતાં તેને અવગણી કોઈ દરિયો ખેડવા નીકળે ત્યારે તેમણે જિંદગીથી હાથ ધોયા હતા.

રોંઢાટાણું થયું હશે. નાથુ અને દેવલી દરિયાકાંઠે ક્ષિતિજે જોતા ઉભા છે. નાથુ બોલ્યો, ‘બેટા, આજે દરિયો તોફાને ચડે તો કંઈ કહેવાય નહિ.’

‘બાપુ, તમારી ભાખેલી વાણી ક્યારેય ખોટી પડી નથી. જો દરિયો તોફાને ચડે તો આપણાં જાતભાયુ વેલા પાછા વળે તો સારું. નાહકનો દરિયો…’

‘પણ બેટા, એમાં આપણે શું કરીએ. એમને ક્યાં બોલાવવા કે સંદેશો દેવા જઈશું ? જોકે કોઈ વહાણ સામે દેખાતું નથી. બધા પાછા વળી ગયા લાગે છે.’

જીણી નજરે જોતી દેવલી બોલી, ‘બાપુ, ત્યાં ક્ષિતિજે એક વહાણ દેખાય છે. એ જલદી આવી પોગે તો સારું.’

‘પણ એને બોલાવવા જાય કોણ ? વળી કેટલું દૂર છે. જેવી દરિયાદેવની મરજી.’

‘ના બાપુ, એમ કોઈ વિના કારણે મરે એ ન ચાલે. એને ખબર તો પહોંચાડવી જ જોઈએ. એને બચાવવા જોઈએ.’

‘પણ ત્યાં કોઈ પોગે એ પહેલાં તો…’

‘દરિયા પહેલાં આપણે ત્યાં પોગવું પડે બાપુ.’

‘આપણે ?’

‘હા, આપણે. હું હોડી છોડું છું. તમે હલેસું મારો એટલે ઝટ પોગાય.’

‘નહિ, જિંદગીમાં બે જોખમ ખેડ્યા છે. ને બેયમાં હું હાર્યો છું. હવે તને ખોવા નથી માંગતો બેટા.’

‘બાપુ, તમે બોલ્યા ન હોત તો હું જવાનું કહેત નહિ. પણ આપણી સામે વહાણને દરિયો ગળક કરી જાય તો તો આપણે પાપમાં પડીએ. વધુ વખત નથી. જલદી સાબદા થાવ.’ કહેતાની સાથે દેવલીએ ઘાઘરીનો માર્યો કછોટો. માથે ચૂંદડીનો ફટકો બાંધ્યો. ને હોડી લેવા દોડી.

છોકરી માનશે નહિ. દયાવાનની સાથે જીદ્દી પણ છે. દેવલને એકલી પણ ન મોકલાય. જવું તો પડશે જ. છતાં એક છેલ્લો દાવ નાથુએ નાંખ્યો, ‘બેટા, હલેસા મારી હું પોગી જાઉં પણ પછી મારાથી પાછા નહિ વળી શકાય.’

ચિંતા ન કરો બાપુ. હલેસા હું મારીશ. તમે પવનની રૂખ મુજબ શઢ અને સુકાન સંભાળતા રહેજો. હાલો જલ્દી કરો, મોડું થાય છે.’

દેવલે હલેસુ પાણીમાં વીજ્યું. નાથુએ શઢ અને સુકાન સંભાળ્યા. આજ બાપદીકરી કુદરત સાથે બાથ ભીડવા મેદાને પડેલ હતા. નાથુએ મનોમન વિચાર્યું કુદરત કરે તે ખરું.

નાથુની હોડી ક્ષિતિજે દેખાતા વહાણની દિશામાં ઝડપથી આગળ વધી રહી હતી. નાથુ હાથમાં સફેદ વાવટો ફરકાવી રહ્યો હતો. મોજાની ગતિ, ઉંચાઈ વધવા લાગ્યા છે. ધીરે ધીરે સાગરનું ગર્જન ડરામણું અને બિહામણું બનતું જાય છે. એકાદ મોજું બંનેને પલાળી ભયભીત કરી ગયું. નાથુ સુકાન મજબૂતીથી પકડી રાખી દેવલને પાનો ચડાવી રહ્યો છે. તો દેવલ પણ પોતાનાં બાહુબળને કામે લગાડી કસોટી દેવા કટીબદ્ધ બની છે.

મહામહેનતે હોડી વહાણને લગોલગ પોગી. પેલા વહાણમાં ખામી આવતા આગળ ચાલી શકે તેમ નહોતું. એટલે ખલાસીઓ બચવા માટે મથી રહ્યા હતા. આવેલ હોડીને જોઈ જીવમાં જીવ આવ્યો. લાંબા હાથ કરીને હોડીને પકડવા અધીરા બન્યાં હતાં. હોડી હાથમાં પકડાય એટલી જ વાર હતી ત્યાં એક વિશાળ મોજું આવ્યું ને નાથુની હોડીને ઊંચેથી પછાડી નીચે. હોડી એક ગડથોલિયું ખાઈ ગઈ. બાપદીકરીએ હોડીને મડાગાંઠની જેમ પકડી રાખી. મોંએ આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો. વહાણના ખલાસીઓને હવે બચવાની કોઈ આશા રહી નહિ. પોતાનું વહાણ તો ડૂબશે કે ડૂબ્યું થતું હતું.

વળી નાથુ અને દેવલીએ હામ ભીડી. હતું એટલું જોર ને હિંમત એકઠા કરી સામે તાણે હલેસા માર્યા. તાણ એટલું હતું કે હોડી બે ડગલાં આગળ ચાલે ને ચાર ડગલા પાછી પડે. દેવલીએ મનોમન પ્રાર્થના કરી. ‘હે દરિયાદેવ, હું તમારી દીકરી. જીવ બચાવવા આવી છું ને તું જીવ લે છે ? મને મદદ કરો.’

દરિયાદેવે દીકરીની પ્રાર્થના સાંભળી હોય એમ પાછા ફરતા મોજાનાં એક ધક્કે નાથુની હોડી વહાણ સાથે અથડાવી. ખલાસીઓએ હોડીને પકડી લીધી. કૂદીને હોડીમાં પડ્યા. બધા એકી અવાજે બોલ્યા, ‘ચાલો, દરિયો વધુ તોફાની બને તે પહેલાં નીકળી જઈએ.’ નાથુએ સુકાન અને સઢ ફેરવ્યા. દેવલી હલેસુ મારવા જાય છે ત્યાં ડૂબતા વહાણમાંથી કોઈએ હાથ ઉંચો કરી રાડ પાડી. દેવલી બોલી, ‘બાપુ, વહાણમાં હજી કોઈક છે.’

વહાણની દશા જોઈ નાથુ અને ખલાસીઓએ કહ્યું, ‘હવે એને બચાવવાનો સમય નથી. દરિયો ઘૂઘવાટા મારે છે. એને બચાવવામાં ક્યાંક….’

‘નહિ બાપુ, આટલું આપણે મોત સામે ઝઝૂમ્યા છીએ તો થોડું વધુ. એ જીવતા જીવને આંખ સામે મરવા ન દેવાય.’ કહેતીકને દેવલે માર્યો કૂદકો. પેલી લથડિયા ખાતી વ્યક્તિને ખેંચી હોડીમાં પહોંચાડી ને હોડી ભગાડી મૂકી. અંધારું થવા આવ્યું હતું. કાંઠે ઊભેલા ભાયાતુ નાથુની હોડેને આવકારવા અધીરા બન્યા હતા. જોતજોતામાં હોડી કાંઠે લાંગરી. બધા કૂદીને કાંઠે આવ્યા. પેલી અચેત પડેલી વ્યક્તિને કળ વળતા આંખો ખોલી. તેનામાં ચેતન પ્રગટ્યું. તે જણ બેઠો થયો. ચારે બાજુ નજર કરી. સામે ઉભેલા નાથુને જોઈ બોલ્યો, ‘બાપુ ! હું તમારો દેવલો.’

બાપદીકરાની ચાર આંખો મળી. બંને ભેટી પડ્યા. જોનારાની આંખોમાં ઘોડાપુર વહેવા લાગ્યા. ‘બાપુ, આજ તમે ન આવ્યા હોત તો અમે બધા મોતને ભેટ્યા હોત.’ દેવલો બોલ્યો.

‘ના બેટા, મને લાવનાર, હિંમત આપનાર, દરિયાને પડકાર ફેંકનાર, બચાવનાર જો કોઈ હોય તો એ આ તારી બેન દેવલી છે.’ ભાઈબહેન ભેટીને રડી પડ્યા.

‘એલા દેવલા, તારું તો અમે.’ ટોળામાંથી કોઈ બોલ્યું.

‘નાહી નાખેલું એમ જ ને ! પણ બાપુ, જે દિ હું ખેપે ગયો ત્યારે માછલાં વધુ મેળવવાની લાલચમાં આઘે નીકળી ગયો. પાછા વળતાં દરિયો ગાંડોતૂર બન્યો. હોડી ડૂબી. મેં જય દરિયાદેવ કહી જંપલાવ્યું. કોઈ અજાણ્યું વહાણ મળતાં ચડી બેઠો. મને કોઈ અજાણ્યા મલકમાં લઈ ગયા. એ ભલા માણસો હતા. એમને આ દશે આવવાનું થયું. મને ભેગો લીધો. પણ અમારા કમભાગે વહાણમાં ખોટકો આવ્યો. જળસમાધિ જ લેવાની હતી. ત્યાં તમે વહારે આવી ઉગારી લીધા.’
‘આને કહેવાય દરિયાદેવની મહેર. પહેલા દીકરી ને પછી દીકરો આવ્યો. આજ તારી માને હરખ માતો નહિ હોય.’ નાથુ દીકરા અને દીકરીને ભેટી બોલ્યો.

– રવજી કાચા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “દરિયાની દીકરી – રવજી કાચા”

Copy Protected by Chetan's WP-Copyprotect.