હોંશના હલેસા (પ્રેરણાસભર વાર્તાઓ) – શૈલેષ સગપરિયા

(‘હોંશના હલેસા’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં પ્રેરણાસભર ૧૦૧ વાર્તાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ અહીં રજૂ કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

Honsh na halesa(૧) મારી ઈચ્છા કરતા હરિ ઈચ્છા વધુ સારી

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઈ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઈને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખૂબ ગમ્યું. જાણે કે આખા દિવસનો થાક ઊતરતો હોય એમ લાગતું હતું.
વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચૉકલેટની બરણી મંગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યું, “બેટા, તારે જેટલી ચૉકલેટ જોઈતી હોય એટલી તારી જાતે લઈ લે.” છોકરાએ જાતે ચૉકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચૉકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો.
બાળકની મા દૂર ઊભી ઊભી આ ઘટના જોઈ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાંખીને એક મૂઠી ભરીને ચૉકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચૉકલેટ લઈ લીધી. વેપારીનો આભાર માનીને કૂદતો કૂદતો પોતાની મા પાસે જતો રહ્યો.

દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને પૂછ્યું, “બેટા, તને પેલા કાકા ચૉકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચૉકલેટ કેમ નહોતો લેતો ?” છોકરાએ પોતાનો હાથ મોં ને બતાવતા કહ્યું, “જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે મેં મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચૉકલેટ લીધી હોત તો મન બહુ ઓછી ચૉકલેટ મળી હોત પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે મૂઠી ભરીને ચૉકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઈ ગયો.”
આપણા હાથ કરતા ઉપરવાળાનો હાથ અને હૈયું બહુ મોટા છે માટે માંગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવું જોઈએ. આપણી જાતે લેવા જઈશું તો નાની મૂઠી ભરાય એટલું મળશે અને એના પર છોડી દઈશું તો ખોબો ભરાય એટલું મળશે.

(૨) વિધિ-વિધાનો શા માટે ?

એકવાર ગૌતમ બુદ્ધ પસાર થતા હતા ત્યારે તેણે એક સજ્જનને સ્નાન બાદ દિશાઓને વંદન કરતા જોયો. બુદ્ધ ઊભા રહીને આ સજ્જન શું કરે છે તે જોવા લાગ્યા. પેલી વ્યક્તિએ પૂર્ણ ભાવ સાથે છ દિશાઓ (ચારે દિશાઓ, ઉપર આકાશ અને નીચે ધરતી)ને વંદન કર્યા.
વંદન વિધિ પૂર્ણ થઈ એટલે બુદ્ધ એમની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ, તું આટલા ભાવથી આ છ દિશાઓને વંદન કરતો હતો પણ તને ખબર છે કે દિશાઓને શા માટે વંદન કરવામાં આવે છે ?” પેલા સજ્જને કહ્યું, “આપણા શાસ્ત્રોમાં કહ્યું છે માટે હું વંદન કરું છું પણ સાચું પૂછો તો મને એ ખબર નથી કે આ વંદન શા માટે કરવામાં આવે છે ?” બુદ્ધે કહ્યું, ‘તું જે કાર્ય કરે છે તેની પાછળ રહેલા ઉદ્દેશની તને ખબર જ નથી તો પછી આવું કાર્ય તો માત્ર યંત્રવત જ બની જાય ! એમાં કોઈ ભાવ ના હોય.” સજ્જને બુદ્ધને જ પ્રાર્થના કરતા કહ્યું, “આપ વિદ્વાન છો. આપ જ કૃપા કરીને મને સમજાવોને કે આ દિશાવંદનનું રહસ્ય શું છે ?”

ગૌતમ બુદ્ધે દિશાવંદનના રહસ્યને ઉજાગર કરતા કહ્યું, “માતા અને પિતા પૂર્વ દિશા છે, ગુરુ અને શિક્ષક દક્ષિણ દિશા છે, જીવનસાથી (પતિ-પત્ની) અને સંતાનો પશ્ચિમ દિશા છે, મિત્રો ઉત્તર દિશા છે, માલિક (જેના કારણે મારું જીવનનિર્વાહ ચાલે છે) ઊર્ધ્વ દિશા/આકાશ છે અને નોકર (આપણા કાર્યમાં સહાય કરનારા) અધોદિશા – ધરતી છે. આ છ દિશાઓને પ્રણામ કરવા પાછળ એવી તમામ વ્યક્તિઓને પ્રણામ કરવાની ભાવના રહેલી છે જે આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે.”
તથાગત બુદ્ધની આ સ્પષ્ટતા પછી એવું નથી લાગતું કે આપણે પણ રોજ છ દિશાઓને વંદન કરવા જેવું છે. દિશાઓ સાથે સાંકળવામાં આવેલ તમામ વ્યક્તિઓ આપણા જીવનમાં ન હોત તો શું થાત ? એની કલ્પના પણ કરી શકીએ તેમ નથી.

(૩) માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.
બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, “તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ.” બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, “હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી.” આંબાએ કહ્યું “તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે.” બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.
ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, “હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી.” આંબાએ કહ્યું, “ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા. એમાંથી તારું ઘર બનાવ.” યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.

આંબો હવે તો સાવ ઠૂંઠો થઈ ગયો હતો. કોઈ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો. તેણે આંબાને કહ્યું, “તમે મને નહીં ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા.” આંબાએ દુઃખ સાથે કહ્યું, “પણ બેટા હવે મારી પાસે એવું કંઈ નથી જે હું તને આપી શકું.”
વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું, “આજે કંઈ લેવા નથી આવ્યો. આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે.” આટલું કહીને એ રડતાં રડતાં આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફૂટ્યા.

વૃક્ષ એ આપણાં માતા-પિતા જેવું છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવું ખૂબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દૂર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થઈ કે કોઈ સમસ્યા આવી. આજે પણ એ ઠૂંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે. આપણે જઈને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફૂટે.

(૪) અરીસામાં જોઈને આમ પણ વિચારવું

એકવાર સોક્રેટીસ પોતાના રૂમમાં અરીસાની સામે ઊભા રહીને પોતાના ચહેરાને જોઈ રહ્યા હતા. અચાનક એક શિષ્ય રૂમમાં દાખલ થયો. અરીસાની સામે સોક્રેટીસને ઊભેલા જોઈને એને હસવું આવ્યું.
સોક્રેટીસનું એ તરફ ધ્યાન ગયું અને શિષ્યને હસતા જોયો એટલે સોક્રેટીસે એમને કહ્યું, “ભાઈ, તું કેમ હસે છે એ મને સમજાય છે. મારો ચહેરો એકદમ કદરૂપો છે અને છતાંય હું અરીસામાં જોવ છું એટલે તને હસવું આવે છે. પણ દોસ્ત તને જાણીને આશ્ચર્ય થશે કે આ માત્ર આજની ઘટના નથી. હું તો રોજ અરીસામાં મારા આ કદરૂપા ચહેરાને ઘણા સમય સુધી જોયા કરું છું.”
આ સાંભળીને પેલો શિષ્ય તો વિચારમાં પડી ગયો. એણે સોક્રેટીસને પૂછ્યું, “પોતાનો સુંદર ચહેરો અરીસામાં જોવાની મજા આવે પણ કદરૂપો ચહેરો જોઈને દુઃખી શા માટે થવું ?”

સોક્રેટીસે છણાવટ કરતા કહ્યું, “હું મારા કદરૂપા ચહેરાને એટલા માટે રોજ અરીસામાં જોઉં છું જેથી મને સતત યાદ રહ કે હું કદરૂપો છું. મારે કંઈક એવા સારા કામ કરવાના છે કે લોકો મારા એ કામને લીધે મારા કદરૂપા ચહેરાને સાવ ભૂલી જ જાય. એને માત્ર મારા એ કામો જ દેખાય, ચહેરો નહીં. અને એના કારણે એ મને પ્રેમ કરે.”
શિષ્યએ કહ્યું, “તો પછી જે લોકો સુંદર હોય એમણે શું કરવાનું ?”
સોક્રેટીસે કહ્યું, “સુંદર શરીર અને ચહેરાવાળાએ પણ રોજ અરીસામાં જોવું જોઈએ અને વિચારવું જોઈએ કે ભગવાને કૃપા કરીને કેવું સુંદર મજાનું શરીર આપ્યું છે હું ધ્યાન રાખીશ કે મારાથી કોઈ એવાં ખરાબ કામો ન થાય કે જેથી લોકો મારા એ ખરાબ કામને લીધે મારા સુંદર ચહેરાને સાવ ભૂલી જ જાય અને મને નફરત કરે.”
તમારો ચહેરો કદરૂપો હોય તો પણ ભલે અને સુંદર હોય તો પણ ભલે, રોજ અરીસામાં જોતી વખતે સોક્રેટીસની આ વાતને યાદ કરજો. ચોક્કસ લોકોનો આદર અને પ્રેમ પ્રાપ્ત થશે.

(૫) પૂજા મૂર્તિની કરીએ છીએ કે ભગવાનની ?

એક ભાઈ ખૂબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનું મંદિર બનાવેલું. એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર-સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા.
એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી. એણે ઘરમંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી. સમાસ્યાનો નિવેડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી. દિવસે દિવસે આ ભાઈને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી.
ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ એટલે એણે નક્કી કર્યું કે જે મારી મુશ્કેલીના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ? ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા. હવે એ ભગવાન રામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો.

એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિની પહેરાવેલા કપડા પર એ ભાઈ અત્તર છાંટતા હતા. અત્તર ખૂબ સારું હતું. અત્તર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિરમાંથી દૂર કરેલી અને ઘરના ખૂણામાં રાખી મૂકેલી કૃષ્ણની મૂર્તિ તરફ ગયું. એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો, “કંઈ કામ તો કરતા નથી તો પછી આ અત્તરની સુગંધ મફતમાં નહીં મળે.”

ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિમાંથી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઈ જ રહ્યો. એણે ભગવાનને ફરિયાદ કરી, “આટલાં વર્ષોથી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી આપ્યાં અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધાં ?” ભગવાને હસતાં હસતાં કહ્યું, “અત્યાર સુધી તું મને માત્ર મૂર્તિ જ સમજતો હતો પણ આજે પહેલી વાર મને પણ અત્તરની સુગંધ આવતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવંત સમજ્યો.”
આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિરમાં આપણે માત્ર મૂર્તિનાં દર્શન કરવા જઈએ છીએ કે સાક્ષાત પ્રભુને મળવા જઈએ છીએ ?

– શૈલેષ સગપરિયા

[પૃષ્ઠ સંખ્યા.૨૧૬, કિંમત રૂ.૨૦૦/-, પ્રાપ્તિસ્થાનઃ વન્ડરલેન્ડ પબ્લિકેશન, ૪૦૧/બી, સર્વોત્તમ કૉમ્પલેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન (૦૨૮૧) ૩૦૫૩૫૭૭]

Leave a Reply to Dr.Tejas Chaudhari Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “હોંશના હલેસા (પ્રેરણાસભર વાર્તાઓ) – શૈલેષ સગપરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.