હાર્ટ ઍટેક – અશ્વિન વસાવડા

(‘પુસ્તકાલય’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૫ ના અંકમાં થી)

પપ્પાએ કહ્યું : “સંયોગ, પરમ દિવસે મારો પંચોતેરમો જન્મદિવસ છે. મારે એ ઊજવવાની ઈચ્છા છે.”

સંયોગ અને સુવિધાને સુખદ આશ્ચર્ય થયું. “પપ્પા, આ તો ‘ટેલીપથી’ થઈ. હું જ તમને કહેવાની હતી કે તમારો ‘પ્લેટિનમ બર્થ ડે’ આપણે ઊજવીએ… પણ કદાચ તમને ન ગમે તો ? એટલે હું કહેતા ગભરાતી હતી.”

“ન શા માટે ગમે ?… અને એલી તું મારાથી ગભરાય છે શા માટે ? જે કહેવું હોય તે વિના સંકોચે કહી દેવું. આ તો તમારી સંમતિ લેવી જોઈએ એટલે મેં કહ્યું.”

સંયોગે કહ્યું : “અરે પપ્પા, તમારે અમારી સંમતિ લેવાની ન હોય, અમારે તમારી મંજૂરી લેવાની હોય.”

પપ્પાએ કહ્યું : “ના, બેટા, હવે ઘર તમારું છે. તમારા ગમા, અણગમા પ્રમાણે મારે કરવાનું હોય.” આ પહેલાં પપ્પાને ન ગમતું ઘરમાં થતું ત્યારે ગુસ્સે થઈ પપ્પાએ ઘણી વાર કહેલું હતું ‘ઘર મારું છે, હું કહું તેમ જ થવું જોઈએ.’

“હા, તો હું બજારમાં જાઉં છું, કેકનો ઑર્ડર આપી દઉં છું. સ્વાતિ રેસ્ટોરાંમાં ટેબલ બુક કરાવી લઉં છું. સુવિધા, તું બહેનને ફોન કરી દે જે સાંજે સમયસર આવી જાય. મંત્રના બાળવર્તુળને કહી દે જે. હું મારા ચાર મિત્રોને આમંત્રણ આપવાનો છું.” અને હસીને ઉમેર્યું “આપું ને ?” ત્રણેય હસ્યાં.

પપ્પા ગયા પછી સુવિધાએ કહ્યું, “હાર્ટઍટેક આવ્યા પછી પપ્પાના સ્વભાવમાં મોટું પરિવર્તન આવી ગયું છે.” પછી હસીને ઉમેર્યું : “મને તો લાગે છે ડૉક્ટરે પપ્પાનું હાર્ટ જ બદલી નાખ્યું લાગે છે !”

સુવિધાની મજાક યોગ્ય હતી. પપ્પા હાર્ટઍટેક પછી પહેલાં કરતાં તદ્દન બદલાઈ ગયા છે. પહેલાં જે જે વાતો તેને ન ગમતી તે હવે તેને ગમવા લાગી છે. ઘરમાં મંત્ર, સુવિધા અને મારી સાથેના વ્યવહારમાં ઘણી સહૃદયતા જોવા મળે છે. સતત જુદી જુદી ફરિયાદ કરતા તે હવે ફરિયાદ જ નથી કરતા. મંત્ર ટીવીમાં કાર્ટૂન જોતો તે તેમને ન ગમતું. પપ્પા ઘરમાં ન હોય ત્યારે બિચારો જોઈ લેતો. પપ્પા આવ્યાની જાણ થતાં જ ટીવી બંધ કરી દેતો. હવે પપ્પા જ મંત્રને કહે છે : ચાલ મંત્ર, ‘છોટાભીમ’ મૂક, ‘સોન ધ શીપ’ મૂક, ‘ટોમ એન્ડ જેરી’ મૂક,, અને પપ્પા મંત્ર સાથે કાર્ટૂન જોવા બેસે છે, બાળસહજ તાળીઓ પાડે છે, મંત્રને હસાવે છે, પોતે હસે છે. મંત્રના મિત્રવર્તુળ સાથે ક્રિકેટ મૅચ જુએ છે. બાળકો સાથે મોટે મોટેથી બૂમો પાડી આનંદ કરે છે. રાતે અમારી સાથે ‘સિરિયલ’ પણ જુએ છે.

અમે ભાઈબહેન નાનાં હતાં, મમ્મી અમારે માટે ચણીબોર, ચૉકલેટ લાવે. પપ્પા ઘરમાં ન હોય ત્યારે અમને ખવરાવી દેતાં. જો ઘરમાં ચણીબોર જોઈ જાય તો બાપ રે..! તેમનો ક્રોધ દુર્વાસા જેવો બની જતો.

મંત્રને તેની સાથે કદી મંદિરે કે બજારે ન લઈ જતા. હવે મંત્રને રમાડતાં કહે છે, ‘મંત્ર બેટા, મેં માંગનાથ મંદિરનો રસ્તો નથી જોયો, તેં જોયો છે ને ? મને બતાવવા મારી સાથે ચાલને.’ ‘મંત્ર, બજારમાં હું એકલો જાઉં છું ને તો ભૂલો પડી જાઉં છું. દાદાનો હાથ પકડવા બજારે આવીશને બેટા ?’ અને એ રીતે મંત્રને મંદિરે અને બજારે સાથે લઈ જાય છે.

મંત્રને ચૉકલેટ, ચણીબોર ખાતાં જુએ એટલે સુવિધા પૂછે : ‘તું દાદા પાસે જીદ કરી લેવરાવે છે ને ? હવે દાદા સાથે જવા નહીં દઉં.’

‘ના મમ્મી, હું કંઈ લેવાની જીદ નથી કરતો. દાદા જ મને લઈ દે છે. દાદા કેવા સારા થઈ ગયા છે ? પહેલાં તો હું દાદાથી બહુ ડરતો, હવે તો દાદા મારા ‘ફ્રેન્ડ’ બની ગયા છે.’

સુવિધા પણ પપ્પાથી બહુ ડરતી. તેની રસોઈમાં કંઈને કંઈ ખામી કાઢે. “આજે દાળ પાતળી બની છે.”, “આજે શાકમાં કંઈ ‘ટેઈસ્ટ’ જ નથી.” સુવિધાને માઠું લાગતું. હું સમજાવું, તેમનો સ્વભાવ જ એવો છે. મમ્મી સાથે પણ આવું જ કરતા. હવે તો પહેલો કોળિયો મોઢામાં મૂકતા જ કહે છે, “વાહ સુવિધા, દાળ મસ્ત બને છે.”, “પાઉંભાજી તો તારી જ.” સુવિધાને પણ દાદા તરફ વધુ લાગણી થઈ ગયેલી. આમ પપ્પાએ અમારા સૌનો પ્રેમ સંપાદન કરી લીધો.

આજે પપ્પાનો ‘પ્લેટિનમ બર્થ ડે’

કરસન કામવાળા પાસે ડ્રોઈંગરૂમ વચ્ચે ટેબલ મુકાવ્યું. રંગબેરંગી કાગળોનાં તોરણો સુવિધાની સૂચના પ્રમાણે ટંગાવ્યાં. ફુગ્ગાઓ ટાંગ્યા. સુવિધાએ રંગીન કાગળો કોતરી બનાવેલ તોરણ “HAPPY BIRTHDAY TO DEAR DADA”  ફેવિકોલથી ભીંતે ચોંટાડ્યું. કરસનને સુવિધાએ સૂચના આપી. “બધા આવે તે પહેલાં ‘એરફ્રેશનર’નો સ્પ્રે કરી નાખવો.”

“ટેબલ ઉપર કેક મીણબત્તી ગોઠવી દે જે.”

સાંજે બહેન કુટુંબ, મંત્રના ભાઈબંધો, પપ્પાના ચાર મિત્રો આવી ગયા. પપ્પાએ કેક કાપી. બાળકોએ તાળી પાડી, “હેપી બર્થ ડે ટુ ડિયર દાદા”થી રૂમ ગજવી મૂક્યો. ફુગ્ગા ફોડ્યા. પપ્પા બાળકો સાથે ‘ગેમ’ રમ્યા. સૌને ગિફ્ટ આપી.

મોડી સાંજે અમે સૌ ‘સ્વાતિ રેસ્ટોરાં’ના ‘ડાઈનિંગ ટેબલ’ ઉપર ગોઠવાયાં. પપ્પાના જૂના મિત્ર પુનિત અંકલે કહ્યું, “તમને ખબર છે આ નવરંગિયો હોટલનું અને બહારનું ખાવાનો વિરોધી, અમે તેને વેદીયો અને સોગિયો કહેતા. અમારી દરેક વાતમાં કંઈ ને કંઈ વાંધો હોય જ… પણ એના સ્વભાવમાં હમણાં હમણાં મોટું પરિવર્તન અમને જોવા મળે છે. જાણે પહેલાંનો નવરંગ જ નહીં ! જાણે હિમાલય દક્ષિણમાં આવી ગયો ન હોય !”

બધા હસ્યા.

હસતાં હસતાં પપ્પાએ કહ્યું, “તારી વાત સાચી છે, પુનિત. તમારી સાથે શું મારા કુટુંબ સાથે પણ હું અતડું, નકારાત્મક જીવ્યો છું. સંયોગની મા બિચારીએ તો મને સહન જ કર્યો છે. આ સુવિધા અને સંયોગ પણ મારાથી ડરી ડરીને તેના શરૂઆતનાં જીવનમાં આનંદ કરી શક્યાં નથી. મેં મારા ગમા-અણગમાનો જ સૌ પાસે આગ્રહ રાખ્યો. મારા ઘરમાં જાણે હું કહું તેમ જ થવું જોઈએ. અરે ! આ નાનકડા મંત્રનું બાળપણ પણ મેં બંધિયાર બનાવી દીધું હતું… પણ મને ‘ડિસ્ચાર્જ’ આપતાં ડૉક્ટરે મજાકમાં કહેલું, “જો કાકા, બીજો ઍટેક કાલે પણ આવે, એટલે મોજમજા અને પ્રેમથી જીવી લો.”

અને પછી અટકીને કહ્યું, “હાર્ટઍટેક થોડાં વર્ષ વહેલો આવી ગયો હોત તો સારું હતું. જિંદગીનાં વેડફાઈ ગયેલાં વર્ષો વેડફાતાં બચી જાત. બીજો ઍટેક કાલે પણ આવે. ભયથી નહીં પણ હવે દરેક આજ મારે મોજમજાથી, પ્રેમ આપી, પ્રેમ મેળવી મહાલવી છે એટલે હું તો ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું. મને આજ શક્ય તેટલી વધુ આપજે.”

– અશ્વિન વસાવડા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “હાર્ટ ઍટેક – અશ્વિન વસાવડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.