- ReadGujarati.com - http://www.readgujarati.com -

પથદર્શક – આશા વીરેન્દ્ર

(‘ભુમિપુત્ર’ સામયિકમાંથી)

પોતાના સાયબર કાફેમાં બેઠા બેઠા ઊંડા વિચારમાં પડેલા આદિત્યને અચાનક એક પ્રશ્ન સંભળાયો, ‘માફ કરજો, શું હું આ કમ્પ્યુટર વાપરી શકું ?’

તેણે આગંતુક તરફ નજર કરી ૬૫-૭૦ વર્ષની ઉંમરના લાગતા એ પુરુષની ભાષા અત્યંત સૌજન્યભરી હતી, પણ એનાં ચોળાયેલાં કપડાં અમે અસ્તવ્યસ્ત વાળને કારણે જોનાર પર બહુ સારી છાપ નહોતી પડતી.

‘એક કલાકના ચાલીસ રૂ. ચાર્જ થશે.’ આદિત્ય કંઈક કડકાઈથી બોલ્યો. ‘ભલે, વાંધો નહીં. કયા કમ્પ્યુટર પર બેસું ?’

આદિત્યએ લંબાવેલા રજિસ્ટરમાં એણે વિશાલસિંઘ નામ લખીને પોતાની સહી કરી. આ હતી બંનેની પહેલી મુલાકાત. તે દિવસથી લગભગ રોજ વિશાલસિંઘ આવતા અને બપોરે ૩-૩૦ સુધી કમ્પ્યુટર વાપરતા. રોજના આ ગ્રાહકને આદિત્ય ધીમે ધામે કરતાં ‘અબ્બાજી’ કહીને બોલાવવા લાગ્યો. કોણ જાણે કેમ પણ જે દિવસે અબ્બાજી ન દેખાય તે દિવસે એને ચેન ન પડતું. મોટે ભાગે ચૂપ ચૂપ રહેતા અબ્બાજીને એ કોઈ ને કોઈ બહાને બોલાવવાની કોશિશ કરતો.

‘અબ્બાજી, તમે રોજ આટલા બધા કલાક કમ્પ્યુટર પર બેસીને શું કામ કરો છો ?’ ‘હવે હું બુઢ્ઢો થયો. બીજું તો શું કરી શકું ? આ થોડું શેરની લે-વેચનું કામ કરી બે પૈસા કમાઈ લઉં છું.’

કોઈ વાર વળી આદિત્ય ટૉપિક બદલીને અબ્બાજી પાસે વાત કઢાવતો, ‘અબ્બાજી, તમારા ઘરમાં કોણ કોણ છે?’

‘મારા ઘરમાં મારા સિવાય કોઈ નથી. સાવ એકલો છું.’ કહેતી વખતે અબ્બ્બાજીની આંખોમાં ઊંડી ઉદાસી દેખાતી. આવી વાત ઉખેળવા બદલ આદિત્યને પસ્તાવો થતો. એના મનમાં હવે અબ્બાજીએ આદરભર્યું સ્થાન લઈ લીધું હતું. એક દિવસ અબ્બાજી કંઈક સારા મૂડમાં હતા. પોતાનું કામ પતાવીને એમણે આદિત્યને કહ્યું,

‘ચાલ, આજે તો આપણે બંને કોઈ સારી હોટલમાં જમવા જઈએ.’

જમતાં જમતાં આદિત્યએ પોતાના મનનો બધો ઊભરો અબ્બાજી આગળ ઠાલવ્યો. ‘બહુ મુશ્કેલી પડે છે આ સાઈબર કાફે ચલાવવામાં. તમે જુઓ છો ને. આજુબાજુના બીજા કાફે પોતાના ગ્રાહકોને કેટલી સગવડ આપે છે ? એ.સી. રૂમ, લેટેસ્ટ કમ્પ્યુટર અને કેટલાક કાફેમાં ચા–નાસ્તાની પણ વ્યવસ્થા. આ બધું કરી શકવાની મારી હેસિયત નથી. ગળાકાપ સ્પર્ધામાં મારું આ નાનકડું કાફે કેટલો વખત ટકી શકશે, કોણ જાણે ?’

‘બેટા, એના સમયે બધું ય થઈ રહેશે. આમ નિરાશ ન થા.’

‘શું નિરાશ ન થાઉં અબ્બાજી ? મારી જિંદગીમાં આનંદ – ઉત્સાહ જેવું કંઈ જ રહ્યું નથી.’

‘તું મને તારો મિત્ર માનતો હોય તો તારી કોઈપણ મુશ્કેલીની વાત વિના સંકોચે કરી શકે છે.’ અબ્બાજીએ એના ખભે ઉષ્માભર્યો હાથ મૂકતાં કહ્યું.

‘અબ્બાજી કોલેજમાં ભણતો ત્યારે એક સુંદર યુવતી સાથે મારે મૈત્રી થયેલી. હું એની સાથે લગ્ન કરવાનું પણ વિચારતો હતો ત્યાં અચાનક કોઈ ખૂબ પૈસાદાર પાત્ર મળી જતાં મને જાણ સુધ્ધાં કર્યા વિના એ એની સાથે પરણી ગઈ. આ વાતનો મને એટલો ઊંડો આઘાત લાગ્યો છે કે…’

અબ્બાજીએ એની સામે પાણીનો ગ્લાસ ધરતાં પૂછ્‍યું, ‘તેં એની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો ?’

‘ના, એ વાત કરવા મારી જીભ જ ન ઉપડી.’

‘હં…’ અબ્બાજીએ મનોમન કશુંક વિચારતા ફક્ત હોંકારો ભણ્યો.

આટલા નજીક આવ્યા પછી અબ્બાજી એક દિવસ ઓચિંતા ગાયબ થઈ ગયા. આદિત્ય પાસે એમના વિષે કોઈ જ માહિતી નહોતી. તપાસ પણ ક્યાં કરે ? એ વાતને પાંચેક વર્ષ વીતી ગયાં હશે. જેમ તેમ કરી સાઈબર કાફે ચલાવી રહેલા આદિત્યને વાવાઝોડામાં સપડાઈને ફંગોળાઈ જવું પડે એવો અનુભવ એક દિવસ થયો.

ચાર મહિનાથી કાફેની જગ્યાનું ભાડું આપી નહોતું શકાયું. એના વાયદાઓથી કંટાળેલા મકાનમાલિકે કાયદેસર નોટિસ મોકલી હતી. – ‘જો પંદર દિવસમાં ચઢેલા ભાડાની રકમ વ્યાજ સહિત નહીં મળે તો જગ્યા ખાલી કરવી પડશે.’
અત્યંત હતાશ અને નિરાશ થઈને એણે રજિસ્ટર એ.ડીથી જ આવેલા બીજા કવર તરફ નજર કરી. શી ખબર આ કવરમાંથી શું નીકળશે ? મોકલનારનું નામ વિપિન ગોયેન્કા જોઈને થયું. આ નામની કોઈ વ્યક્તિને તો હું ઓળખતો જ નથી. પત્રમાં લખ્યું હતું –

પ્રિય આદિત્ય,

સૌથી પહેલાં તો તને જણાવ્યા વિના ચાલ્યા જવા બદલ અને તને મારું સાચું નામ ન જણાવવા બદલ તારી માફી માગી લઉં. મેં મારા વિષે તને બધી ખોટી માહિતી આપી હતી પણ એ મારી મજબૂરી હતી. મારા બે પુત્રો છે પણ એમના હાથમાં મારું વિશાળ ‘ગોયેન્કા ઈન્ડસ્ટ્રીઝ’નું સામ્રાજ્ય આવતાં જ તેલમાંથી માખી કાઢીને ફેંકે એમ મને ફેંકી દીધો. તારે ત્યાં આવીને મેં ધીમે ધીમે કરતાં ‘ગોયેન્કા ઈન્ડસ્ટ્રીઝ’ના ૪૮% શેર વિશાલ સિંઘના નામે ખરીદી લીધા. હું આમ કરી શક્યો કેમ કે, મારા હાથમાં થોડીક પ્રોપર્ટીઝ હતી એ મેં વેચી કાઢી. આટલું કર્યા પછી મેં મારા દીકરાઓને ધંધામાંથી ખદેડી મૂક્યા.

હવે થોડી વાત તારા વિષે. દીકરા, તું મનનો બહુ સાફ છે પણ આ સ્પર્ધાત્મક દુનિયામાં કેમ ટકી રહેવું એ તને આવડતું નથી. તારી પ્રિયતમાને કોઈ આંચકી જાય, આસપાસના કાફેવાળા તારા ગ્રાહકોને ઉપાડી જાય ને તું બેઠો બેઠો જોયા કરે ? તારે વળતી લડત આપવી જ જોઈએ. સિંહ ગમે તેટલો શક્તિશાળી હોય પણ હરણ દોડવામાં એનાથી આગળ નીકળી જાય છે. કેમ કે, સિંહ પોતાના ભોજન માટે દોડે છે જ્યારે હરણ પોતાનો જીવ બચાવવા દોડે છે. આશા રાખું છું તું મારી વાત સમજી શકશે. આ સાથે રૂ. એક કરોડનો ચેક મોકલું છું. તારું કાફે સજીધજીને તૈયાર થઈ જાય ત્યારે એ જોવા મને જરૂર બોલાવજે. લિ. તારા અબ્બાજી.

(અરિજિત રોયની ચૌધરીની અંગ્રેજી વાર્તાને આધારે)