સિલેક્ટિવ મેમરી – કાજલ ઓઝા વૈદ્ય

(‘જનકલ્યાણ’ સામયિકના ફેબ્રુઆરી-૧૫ના અંકમાંથી સાભાર)

મૃગેશભાઈ અવારનવાર ફરિયાદ કર્યા કરે, ‘કશું યાદ નથી રહેતું. અગત્યનાં કામો ભૂલી જવાય છે.’

એટલી હદ સુધી કે એ ન્યૂરોલોજિસ્ટ પાસે જઈ આવ્યા. મેમરી ટેસ્ટ પણ કરાવી જોયો. બધું જ નોર્મલ અને પરફેક્ટ. કોઈ પ્રોબ્લેમ નહીં. એક દિવસ અકળાઈ ગયા, ‘આમ તો કેમ ચાલે, ફોન નંબર, માણસોનાં નામ અને એ ક્યાં મળ્યાં હતાં – કોઈ બાબત યાદ નથી રહેતા. હું ગાંડો થઈ જઈશ.’

‘આજથી દસ વર્ષ પહેલાં તમારે તમારાં સાળી સાથે ઝઘડો થયો ત્યારે તમારા સાઢુભાઈ શું બોલેલા ?’

‘બોલે શું ? મને માની ગાળ દીધેલી. ઉપરથી કહે છે કે હું સરકારી નોકરીમાં પૈસા મારી ખાઉં છું. બાંય ચઢાવીને મારી સાથે લડવા આવી ગયેલા.’ મૃગેશભાઈ અત્યારે પણ કહેતાં કહેતાં ઉશ્કેરાઈ ગયા.

‘દસ વર્ષ પહેલાંની વાત યાદ છે, ખરું ?’ મેં પૂછ્યું. મૃગેશભાઈ ઝંખવાઈ ગયા. એમને મારી વાત બરાબર સમજાઈ. થોડીક ક્ષણો શાંત રહ્યા પછી એમણે મને પૂછ્યું, ‘આવું કેમ થતું હશે ? બબ્બે દાયકા પહેલાંની વાત એટલી બધી તાજી લાગે, જાણે ગઈ કાલે જ બની હોય અને બે દિવસ પહેલાં મળેલા માણસનું નામ કે વિગતો યાદ ન રહે…’

આને સિલેક્ટેવ મેમરી કહે છે. આપણા સૌના મગજ પાસે પસંદગીનો અવકાશ હોય છે. મગજ પોતે જ નક્કી કરે છે કે એને શું યાદ રાખવું છે અને શું યાદ નથી રાખવું… મગજના આ નિર્ણયનો આધાર સ્વાભાવિક રીતે આપણી પોતાની પ્રકૃતિ અને સ્વભાવ ઉપર હોય છે.

બહુ નવાઈની વાત એ છે કે માણસ માત્રને કડવી, નેગેટિવ, દુઃખભરી વાતો યાદ રાખવામાં એક જાતની મજા પડે છે. કોઈ પોતાને શું બોલ્યું હતું એનાથી પોતાને કેટલું દુઃખ થયું હતું એ વાત કહેતાં કહેતાં માણસ આજે પણ આંખમાં આંસુ આવતાં રોકી શકતો નથી ! ભલેને વાત દસ વર્ષ જૂની હોય અને કહેનારો હયાત પણ ન હોય !

એની સામે આનંદની કે સુખની ક્ષણો, કોઈ પોતાના માટે શું કર્યું હતું કે કોઈ પોતાની સાથે કેટલી સારી રીતે વર્ત્યું હતું એ વાત યાદ રાખવામાં એના જ્ઞાનતંતુઓ ઢીલા પડે છે. આખી વિગતો પૂછો તો એણે મગજ પર ભાર આપીને, યાદ રાખીને કહેવું પડે છે.

આ પ્રકારની પ્રક્રિયાને સિલેક્ટિવ મેમરી કહેવાય છે. માણસનું મન કે મગજ ધીમે ધીમે એક જ પ્રકારની યાદને ભેગું કરતું થઈ જાય છે. જો નેગેટિવ દિશા તરફ કે નકારાત્મક ભાવના તરફ એ વળતો જાય તો એને દરેક વાતમાંથી નકારાત્મકતા પસંદ કરવાની ટેવ પડી જાય છે. મોટા ભાગના લોકો સાથે આવું જ બને છે.

નકારાત્મક યાદ કે સ્મૃતિ માણસની અંદર ઘૂંટાઈ ઘૂંટાઈને કડવાશ અને નકારાત્મકતામાં ઉમેરો કરે છે. આને લીધે એને પડતું દુઃખ અને પીડા જિંદગીની સારી બાજુ જોવા પરત્વે ધીમે ધીમે ઉદાસીન થઈ જાય છે. પોતાની સાથે શું સારું બન્યું કે પોતાના આખા દિવસમાંથી સારી ક્ષણો કઈ હતી એ તારવીને કાઢવાને બદલે કયાં કયાં કામ ન પત્યાં ? કોણે પોતાની સાથે ખરાબ વાત કરી, ટ્રાફિકમાં કેટલી તકલીફ પડી અને ટિફિનમાં પોતાને ભાવતું શાક નહોતું એવી વાતને એને માટે વધુ મહત્વની બની જાય છે.

‘સિલેક્ટિવ મેમરી’ એટલે પસંદ કરાયેલી સ્મૃતિ.

આ પસંદગીનો આધાર તમારા ઉછેર અને અનુભવ પર તો રહેલો છે જ, સાથે સાથે તમારી આસપાસના વાતાવરણની પણ આ પસંદગી પર ઊંડી અસર થાય છે. સતત ટેલિવિઝન જોયા કરતી સ્ત્રીઓ એમાં આવતાં સ્ત્રીપાત્રનાં ષડયંત્રોને જોતાં જોતાં ધીરે ધીરે દરેક વ્યક્તિના વર્તનમાં કોઈ ને કોઈ પ્રકારની શંકાસ્પદ હિલચાલ શોધતાં શીખી જાય છે. પોતાના પતિને કોઈકની સાથે લફરું હશે એવો વિચાર જો એક વાર મગજમાં પ્રવેશે તો એના દરેક વર્તન પર શંકા વ્યક્તિની સ્વાભાવિક આદત બની જાય છે.

માણસ માત્રને, પોતાની પાસે જે નથી તેના વિશે અફસોસ કરવાની આદત હોય છે. આ આદતમાંથી બહુ ઓછા લોકો બાકાત રહી શકે છે. પોતાની પાસે જે છે તેનો આનંદ નહીં માણતા જે નથી તેના વિશે દુઃખી થયા કરતા માણસો આખી જિંદગી એમને જે નહોતું મળ્યું અથવા નથી મળ્યું એને યાદ રાખીને આજે જે મળ્યું છે તેનું સુખ પણ માણી શકતા નથી. બાળપણમાં એમની પાસે સ્કૂલની ફીના પૈસા નહોતા, તેથી આજે પ્ણ ઘરમાં બબ્બે ગાડીઓ હોવા છતાં સ્કૂટર પર ફરીને આવા લોકો દુઃખદ સ્મૃતિને પંપાળ્યા કરવામાં એક અજબ પ્રકારની મજા માણે છે.

પોતાનાં સંતાનોને બાળપણ કે ઉછેરની વાત કહેતી વખતે કેટલી મજા કરતા હતા કે આનંદ હતો એ વાત કરવાને બદલે એમના જીવનના અભાવોની ચર્ચા કર્યા કરે છે. આવી વ્યક્તિઓ ‘આજ’માં જીવવાને બદલે ‘ગઈ કાલ’માં જીવીને દુઃખદ સ્મૃતિને છાતીએ વળગાડે છે.

એક જાણીતા ન્યૂરો સર્જને બહુ મજાની વાત કહી, ‘આપણું મગજ એક કમ્પ્યૂટર જેવું છે. એમાં નિશ્ચિત મેમરીને જગ્યા છે. અમુક જી.બી.ના કમ્પ્યૂટરમાં તમે એની કેપેસિટીથી વધારે માહિતી ભરવાનો પ્રયત્ન કરો તો એ હેન્ગ થઈ જાય. બરાબર એ જ રીતે તમારા મનના કે મગજના કમ્પ્યૂટરમાં બિનજરૂરી માહિતીનો સંગ્રહ કરવાને બદલે કડવી અને દુઃખદ સ્મૃતિને ભૂંસી નાખશો તો સારી અને સુખદ સ્મૃતિ માટે આપોઆપ જગ્યા ઊભી થશે.’

યાદ રાખવાની આ આખીય બાબત આપણા રુધિરાભિસણ તંત્ર સાથે પણ જોડાયેલી છે. બેઠાડું અને આળસુ જીવન જીવતા લોકોની સ્મૃતિ ઉપર ભૂલવાના હુમલા વહેલા અને ઝડપથી થાય છે. વારંવાર ક્રોધ કરતા, ચિંતા કરતાં, ઉશ્કેરાઈ જતી વ્યક્તિઓને પણ યાદ રાખવાની બાબતમાં તકલીફ પડતી જોવા મળે છે. વિટામિન બી-૧૨ની ખામીને લીધે પણ સ્મૃતિભંશ થતો જોવા મળે છે.

ખાસ કરીને સ્ત્રીઓની સ્મૃતિમાં કડવી બાબતો ઝડપથી સંગ્રહાય છે એવું એક જાણીતા મનોવૈજ્ઞાનિક હંસેલ ભચેચે એમના પુસ્તક ‘પણ હું તો તને પ્રેમ કરું છું !’માં નોંધ્યું છે. એમણે લખ્યું છે કે, ‘ગમે તેટલી સારી રીતે મનાવવામાં આવેલી અને માની ગયેલી સ્ત્રી પણ જ્યારે ફરી વાંકું પડે અને રિસાય ત્યારે એના માનસપટ પર જૂનાં રિસામણાં ફિલ્મની પટ્ટીની જેમ ફરતાં હોય છે.’ કદાચ સ્ત્રીની સંવેદનશીલતા દુઃખની બાબતમાં જુદી હશે. જેને કારણે સ્ત્રીઓ પોતાને પડેલી પીડા કે તકલીફ બાબતે પ્રમાણમાં વધુ સંવેદનશીલ હોય એમ બને. પુરુષો પોતાના પ્રશ્નોને કે અંગત જીવનની સમસ્યાઓને વારંવાર વાગોળતા નથી. જ્યારે સ્ત્રીઓ માટે અંગત જીવન – ખાસ કરીને લગ્નજીવન કે પ્રેમને લગતી સમસ્યાઓ એમના જીવનની સૌથી મોટી બાબત હોય છે. એમને માટે પુરુષે કરેલી બેવફાઈ કે નાનકડું જુઠ્ઠાણું પણ જીવનભર યાદ રાખવા જેવી બાબત બની જાય છે. એની સામે પુરુષ માટે ધંધામાં પડેલો ફટકો, મિત્રે કરેલો દગો કે પોતાના અહમ્‍ પર થયેલો ઘા જીવનભર યાદ રાખવાની – રહી જતી બાબત બની રહે છે.

આપણે સૌ સિલેક્ટિવ મેમરીનો ભોગ છીએ. ઓછેવત્તે અંશે સમાજની દરેક વ્યક્તિ એને જે યાદ રાખવું હોય છે તે યાદ રાખે છે અને, ભૂલવું હોય એને અત્યંત સહજતાથી ભૂલી શકે છે. મોટા ભાગના લોકોને એ જ યાદ રાખવું હોય છે, જે બાબતથી એમને વધુમાં વધુ દુઃખ પહોંચ્યું હોય.

અહીં એક સવાલ સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે, ‘જે પ્રસંગથી તમને દુઃખ પહોંચ્યું હોય કે જે પ્રસંગ યાદ કરતા આજે પણ દુઃખ થતું હોય એને સ્મૃતિમાં સાચવી રાખીને કોને અને શો ફાયદો થતો હોય છે ?’

રજનીશે પોતાન એક વક્તવ્યમાં કહ્યું છે કે, ‘વ્યક્તિ, વસ્તુ કે વિચારને જો માતમ કર્યા વિના (રડારોળ કર્યા વિના) દફનાવી શકાય તો આપણા જીવનની સમસ્યાઓ આપોઆપ અડધી થઈ જાય છે. વીતેલા પ્રસંગોની લાશને ખભે લઈને ફરનારો માણસ ભૂલી જાય છે કે લાશનું વજન ઉત્તરોત્તર વધતું જવાનું છે અને ગમે તેટલું કરવા છતાં એ લાશ ક્યારેય જીવતી થવાની નથી.’

આપણે સૌ એવા સમાજમાં જીવીએ છીએ, જ્યાં સૌને માથે કોઈ ને કોઈ પ્રકારની સમસ્યા ઝઝૂમે છે. હરીફાઈના આ યુગમાં દરેકને ટેન્શન, સ્ટ્રેસ, હતાશા કે સમસ્યાનો સામનો કરવો જ પડે છે. આવા સમયે જો મન શાંત રાખીને આ પરિસ્થિતિનો સામનો કરવામાં આવે તો સ્મૃતિભંશનો ભય ઓછો રહે છે. કેટલાંક તારણોમાં એવું જોવા મળ્યું છે કે સતત ટેન્શનમાં રહેતા અને સ્ટ્રેસમાં રહેતા લોકોની સ્મૃતિ પ્રમાણમાં ઓછી થતી જાય છે અને ધીમે ધીમે વિસ્મૃતિનો વિસ્તાર વધતો જાય છે.

સિલેક્ટીવ મેમરીનો એક બીજો પ્રકાર જે આપણું મન જાતે જ ઊભો કરે છે તે જીવનની ભયાનક દુઃખની કે અસહ્ય પીડાની ક્ષણને કેટલીક વાર એ પોતાની જાતે જ સ્મૃતિમાંથી ભૂંસી નાખે છે. રત્નાબહેનના યુવાન પુત્રના અવસાન પછી એમને માત્ર એટલું જ યાદ છે કે એમનો પુત્ર ઘરેથી નીકળ્યો ત્યારે એમણે પાણી પીવડાવ્યું હતું. ત્યાર પછી એનો મૃતદેહ ઘેર લાવવામાં આવ્યો ત્યાંથી શરૂ કરીને એ પછીના ચાર દિવસ દરમિયાન બનેલી ઘટના રત્નાબહેનને યાદ જ નથી. એમના મને કે મગજે સાથે મળીને એ ભયાનક દુઃખની સ્મૃતિને એવી રીતે ભૂંસી કાઢી કે રત્નાબહેન યાદ કરવા ઈચ્છે તો પણ એમને એ વાત યાદ જ ન આવે ! આ આપણી સર્વાઈવલ ઈન્સ્ટિક્ટ – જીવનશક્તિનો એક ભાગ છે. જે બાબતથી આપણને ખૂબ ઈમોશનલ ઘસારો પહોંચવાની સંભાવના હોય એ બાબતને આપણું મન આપણા અસ્તિત્વમાંથી આપોઆપ બાદ કરી નાખે છે. જેમ શરીર પર ઘા પડે અને આપોઆપ રુઝાય એવી જ રીતે આવી સ્મૃતિઓ મનમાંથી આપોઆપ નીકળી જઈને આપણને સેલ્ફ હિલિંગ કે જાતે જ સાજા થવામાં મદદરૂપ નીવડે છે.

મેમરી અથવા યાદ પારિજાતનાં પુષ્પો જેવી હોવી જોઈએ. કોઈ પ્રયાસ વિના આપોઆપ ખરી પડે અને સુગંધ ફેલાવે તેવી દુઃખદ સ્મૃતિઓ સંઘરેલા સાપ જેવી હોય છે. ગમે તેટલા લાડથી પાળીપોષીને સાચવીએ તો પણ સાપનો સ્વભાવ ડંખ મારવાનો છે અને તે પોતાના સ્વભાવ મુજબ વર્ત્યા વિના રહેવાનો નથી એ નક્કી છે.

સિલેક્ટીવ મેમરી આપણા બધામાં હોય જ છે. મોટા ભાગના લોકો જ્યારે ફરિયાદ કરતા હોય કે ‘યાદ નથી રહેતું’ ત્યારે ખરેખર એ માણસો એ બાબત યાદ રાખવા જ નથી માગતા. તમારું મન કે મગજ આપોઆપ નક્કી કરી લે છે જે તે બાબત કામની છે અથવા નથી. લોન્ડ્રીમાંથી કપડાં લાવવાના, કાગળ પોસ્ટ કરવાનો કે કોઈને ટેલિફોન કરવાનો તમે ભૂલી જાઓ તો એવું માની લેજો કે તમારા મને જાતે જ નક્કી કરી લીધું છે કે એ બાબત બહુ અગત્યની નથી ! પરંતુ જો તમને કોઈની વર્ષગાંઠ, કોઈ ફોન નંબર કે કોઈએ આપેલી માહિતી સચોટ રીતે યાદ રહી જાય તો માનજો કે તમારા મને જાતે જ એ વાતને મહત્વની ગણી છે.

મન શાના પરથી આ નિર્નયો લે છે એ પણ સમજવા જેવું છે. વિજ્ઞાન માને છે કે મગજ બે ભાગમાં કામ કરે છે. એક ભાગમાં નંબર, આંકડાકીય કે ગાણિતિક માહિતી સંગ્રહાય છે. જ્યારે બીજી બાજુ ભાષા કે શબ્દોની, સંવેદનાની માહિતીનો સંગ્રહ થાય છે. મોટા ભાગના લોકોમાં બેમાંથી એક જ બાજુ વધુ તીવ્ર રીતે કામ કરતી હોય છે. તમે જો ગણિત કે નંબરો સાથે વધુ સરળતાથી કામ પાડી શકતા હો તો તમને એ બધી બાબતો જલદી યાદ રહી જાય છે. તમે સંવેદનશીલ હો તો કવિ સંમેલનમાં સાંભળેલી આખેઆખી કવિતા તમે મોઢે બોલી શકો છો.

એવી જ રીતે તમે જો નેગેટિવ માણસ હો તો કડવી ખરાબ બાબતો તમારું મન ઝડપથી સંગ્રહે છે. એને સામે જો તમે તમારા મનને પોઝેટિવ કે હકારાત્મક બનવાની ટ્રેનિંગ આપો તો ઝઘડા કે મ્હેણાં-ટોણાં એ બહુ આસાનીથી ભૂલી જાય છે અને સારી, આનંદની બાબતો એ યાદ રાખવા લાગે છે.

સારી સ્મૃતિ હંમેશાં સારો વર્તમાન લઈને આવે છે. એવી દરેક બાબત, જે યાદ કરવાથી આનંદ થાય કે સુખ મળે એને યાદ રાખશો તો જીવનમાં સુખ કે આનંદનો અનુભવ થશે. સામે પક્ષે કડવી કે નકારાત્મક બાબતો ફિક્સ ડિપોઝિટની જેમ વ્યાજનુંય વ્યાજ આપતી દુઃખદ બાબતો બની રહેશે.

નક્કી કરો તમારે શું કરવાનું છે અને તમારા મન કે મગજને એ પ્રમાણે વર્તવાની ટેવ પાડો.

– કાજલ ઓઝા વૈદ્ય


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પથદર્શક – આશા વીરેન્દ્ર
લાવણ્યના સાક્ષાત્કારની એ બપ્પોરી વેળા – અભિજિત વ્યાસ Next »   

16 પ્રતિભાવો : સિલેક્ટિવ મેમરી – કાજલ ઓઝા વૈદ્ય

 1. B.S.Patel says:

  Most of people get selected memories after age 55.

 2. dayaram jansari, Bhuj Kutch says:

  very nice.

 3. sandip says:

  “સારી સ્મૃતિ હંમેશાં સારો વર્તમાન લઈને આવે છે. એવી દરેક બાબત, જે યાદ કરવાથી આનંદ થાય કે સુખ મળે એને યાદ રાખશો તો જીવનમાં સુખ કે આનંદનો અનુભવ થશે. સામે પક્ષે કડવી કે નકારાત્મક બાબતો ફિક્સ ડિપોઝિટની જેમ વ્યાજનુંય વ્યાજ આપતી દુઃખદ બાબતો બની રહેશે.

  નક્કી કરો તમારે શું કરવાનું છે અને તમારા મન કે મગજને એ પ્રમાણે વર્તવાની ટેવ પાડો.”

  અદભુત્………….
  આભાર્……………..

 4. વાત તો સો ટકા સાચી છે – પણ એનું અમલીકરણ કરવાનો રસ્તો કયો?

 5. pragnaju says:

  કાજલ ઓઝાનાં પ્રત્યેક પુસ્તક અને દરેક પેરેગ્રાફમાં પ્રતીતિની પ્રામાણિકતાનો અનુભવ થાય છે જે પંચ આવે છે એ જ તેમની મૌલિકતા છે. ટ્રાન્સપેરન્સી એ લેખનનો વિશેષ ગુણ છે અને તે ચુંબકીય તત્વની જેમ કામ કરે છે. બિન્દાસ અને ખુલ્લામનથી પોતાની વાત રજુ કરવી તે ઘણી મોટી વાત છે. સત્ય સાથે ટ્રાન્સપેરન્ટ રહેવાની તાકાત કાજલ ઓઝા પાસે છે.

 6. priyank says:

  Great…

 7. mahesh.paleja says:

  Excellent.thans for showing reality.We need to choose what we want to remember and what not.

 8. SHAIKH FAHMIDA says:

  Good one.
  “The selective memory is not selective enough.”

 9. kushal Maharaja says:

  i am big fan of kajal oza vaidya….i feel like she always talks about reality and same as woman feels in their lives.

 10. Our attitude towards life should be changed.A knowledge aricle.Thanks to the author

 11. કાજલ ઓઝા એલ ‘ વિશેષ નામ ” …”બિન્દાસ અને ખુલ્લા મનથી પોતાની વાત રજુ કરવી…” બોલ્ડ અને બેઝીઝક ,પરિણામોની ફિકર -ચિન્તા વગર બેબાક તરીકાથી રજૂઆત એમની શૈલી છે

  ” સત્ય સાથે ટ્રાન્સપેરન્ટ રહેવાની તાકાત ” એક વિશિષ્ઠ કૃપા-આશીર્વાદ દેન
  સેલેકટેડ જૂજ વ્યક્તિઓને નસીબ થતી હોય છે !

  પોતાના વિષે “ઊંચા અભિપ્રાય” “પર્ફેકેકટનીઝમનો આગ્રહ”,”આદતો-ટેવો-હેવા તો પાડવા ચાહો તેવા પડી શકે ” એવી માન્યતા ધરાવતા લોકોમાંના એ એક લાગે …

 12. pjpandya says:

  કાજલ ઓઝા વૈદ બહુ જ સારિ વસ્તવિક વાતો તેમના લખ્ાનોમા કરેચ્હે

 13. kavisha says:

  very very nice

 14. Arvind Patel says:

  Sometimes people use to keep their mind like a garbage beg !! Storing the bitterness or negative incidents more rather than keeping bliss & happy moments in mind. This is nature default.
  We should cultivate our mind not to keep any bitterness in mind. Look to small kids. They are fresh every day morning. They never remember yesterday what happend wrong. We should be like child. Erase your hard disc if any bitterness there. Another thing, Don’t keep any past hang ups in mind of yestyears. Have practice to live in present only, utter present. No worry also of tomorrow.
  This is the way, we can remain fresh, positive all the time. We can make our surrounding atmosphere also happy with us.

 15. Darsha Kikani says:

  The article is good. We can select to be selective! It is in our interest to be selective. Practice makes a men perfect.

  Most of the times, we hear what we want to hear and we see what we want to see! And that is why same story has so many versions!

 16. Very nice article, I have many gujarati books written by Kaajal Oza vaidya and read many articles by her, all are giving some or the other information/inspiration/motivation…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.