- ReadGujarati.com - http://www.readgujarati.com -

લાવણ્યના સાક્ષાત્કારની એ બપ્પોરી વેળા – અભિજિત વ્યાસ

(‘અખંડ આનંદ’ સામયિકના દીપોત્સવી વિશેષાંક, ૧૯૯૬માંથી સાભાર)

રાજસ્થાન, એ મને હંમેશ આકર્ષાતો પ્રદેશ છે. રાજસ્થાનમાં અનેક સ્થળોએ હું અનેક વાર ગયો છું અને હજી પણ ત્યાં જવાનું પસંદ કરું છું. મને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે. અને આ પ્રદેશે મને ઘણાં સુંદર ફોટોગ્રાફ્સ આપ્યા છે જેણે મારી યશકલગીમાં વધારો કર્યો છે. મારા જેવા બીજા પણ અનેક ફોટોગ્રાફરોને રાજસ્થાન હંમેશ આકર્ષતો રહ્યો છે. સહેલાણીઓ પણ રાજસ્થાન ફરવા ખૂબ જાય છે. આજે તો પ્રદેશ ટૂરિસ્ટ કેન્દ્ર તરીકે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે. પણ સામાન્ય રીતે જે સહેલાણીઓ રાજસ્થાન જાય છે તે બધાં ત્યાંનાં જયપુર, ઉદયપુર કે ચિતોડગઢ જેવાં મોટાં શહેરોમાં જ ફરે છે. ત્યાં જોવાલાયક સ્થળો છે. આધુનિક હોટલો છે અને ખરીદી માટે મોટું બજાર પણ છે. પણ મને આ મહાનગરો કરતાં પણ વિશેષ બીજાં અનેક નાનાં ગામો તથા ગામડાંઓનું આકર્ષણ વધુ રહ્યું છે. અને મેં એ જ બધાં નાનાવિધ સ્થળોએ વધુ ફરવા, ખૂંદવાનું પસંદ કર્યું છે. ફોટોગ્રાફી કરવા રાજસ્થાન જતા ફોટોગ્રાફરો પણ મોટે ભાગે ભરતપુર ઉપર તેમની પસંદગી ઉતારે છે. ભરતપુર એ લીલોછમ પ્રદેશ છે અને પંખીઓનું અભયારણ્ય છે. પણ મેં હંમેશ રેતીના ઢગલાઓને જ મારા ફોટોગ્રાફ્સના વિષય માટે પસંદ કરેલા છે. શહેરોમાં મને એક જેસલમેર ખૂબ ગમ્યું છે. બાકી તો નાનાં ગામડાંઓનું ફરવાનું આયોજન રાજસ્થાન જતાં કર્યું છે. ઉદેપુરની તાજ ગ્રૂપની લેક પેલેસ હોટલ એક જોવા જેવું સ્થળ છે. પણ સમ કે બીજાં નાનાં ગામડાંઓની ઝૂંપડીઓ મને વધુ આકર્ષક લાગી છે. હોટલોમાં એટીકેટી ભરેલું આતિથ્ય કે જમવાનું ભાવ્યું છે તેથી વિશેષ આ ગામડાંઓમાં વસતા રાજસ્થાનીઓને ત્યાં વધુ ઉષ્માભર્યું આતિથ્ય પ્રાપ્ત થયું છે. તેઓની સાથે બેસીને આરોગેલું ખાવાનું વધુ ભાવ્યું છે.

એક વખત અમે પાંચસાત ફોટોગ્રાફર મિત્રો રાજસ્થાની ફોટોગ્રાફિક સફરે સાથે નીકળેલા. અમારો ઉતારો જેસલમેરમાં હતો. ડિસેમ્બર મહિનાની ઠંડીના દિવસો. રણની રાત તો આમ પણ ઠંડી. દિવસ પણ વહેલો આથમી જાય. એટલે ફરવાનું ખૂબ આયોજનપૂર્વક. ત્રણેક દિવસ અમે જેસલમેરમાં ફર્યા. આખું જેસલમેર એટલું બધું દ્રશ્યમય (પિક્‍ચરસ્ક) છે કે જ્યાં નજર કરીએ ત્યાં ક્‍લીક કરી સ્નેપ લઈ શકાય. જેસલમેરની માટી કેવી સરસ સોનેરી. જાણે સોનું જ જોઈ લો. આ માટી જોઈને જ સત્યજિતરાયને ‘સોનારકેલા’ની વાર્તા અને ફિલ્મ સર્જવા પ્રેરણા મળી હશે. સવારના સૂર્યોદય સમયે કૂણા તડકામાં કે સંઘ્યાના મદમસ્ત થઈ ચૂકેલા અજવાળામાં જેસલમેરના કિલ્લાને જોવો કે તેની આસપાસ ફરવું તે જાણે સોનાની ખાણમાં ફરવા જેવું લાગે. તડકાથી કિલ્લો નહીં પણ તડકો કિલ્લાથી શોભતો હતો. અદ્‍ભુત કોતરણીથી શોભતા ઝરૂખા, ફક્ત કિલ્લામાં જ નહીં જેસલમેરનાં અનેક ઘરોમાં જોવા મળે. પથ્થરોમાં થયેલી કોતરણી એક એક ઘરને શોભાવે. કોઈ રસ્તો કે ગલી એવી નહીં જ્યાં આંખ માંડીને જોવું ન પડે. અને આંખ માંડી એટલે જાણે સ્થિર થઈ ગઈ તેમ સમજવું. જેમ આંખમાં દ્રશ્યો વસે તેમ તેમ કૅમેરા દ્વારા તે સૌંદર્ય કેદ થતું જાય. પણ હૃદયમાં ઊઠતો ભાવ કંઈ થોડો જ કૅમેરા દ્વારા ઝડપી શકાય ! જેસલમેરમાં આવેલી પટાવાઓની હવેલીઓ તો વળી કેવી સરસ છે. પણ આપણા લોકોએ એને બગાડી પણ એટલી જ છે.

એક દિવસ સવારથી સાંજ જેસલમેરનાં આજુબાજુનાં નાનાં ગામડાંઓ ખૂંદવા નીકળ્યા. એક સ્ટેશન વૅગન ભાડે કરેલી. આમ તો જેસલમેરથી આજુબાજુનાં કેટલાંક ગામ અને ત્યાંનો મશહૂર રણ પ્રદેશ જોવા જવા માટે ‘કેમ સફારી’ પણ મલે. સાંઢિયા (ઊંટ) ઉપર બેસીને બે દિવસ ફરવાનું – આ સફર આહ્‍લાદક હોવા છતાં અમે જે ફોટોગ્રાફી કરવાના ઉદ્દેશથી અહીં આવ્યા હતા તેમાં કેમલ સફારી અનુકૂળ ન રહે. એટલે સ્ટેશન વૅગન કરેલું. એક તો બે ગામની વચ્ચેનો રસ્તો મોટર રસ્તે વધુ ઝડપથી પસાર કરી શકાય. તે ઉપરાંત બપોર પછીનો, ખાસ તો સૂર્યાસ્તનો સમય અમારે રણ પ્રદેશમાં ઢૂવાઓ ઉપર ગાળવો હતો. આમ મોટરરસ્તે ફરવા નીકળ્યા. રણમાં ફરવું હતું એટલે શક્ય હતો તેટલો પાણીનો પુરવઠો અને થોડો સૂકો નાસ્તો સાથે લીધો હતો.

ફરતાં ફરતાં સમ ગયા. સમ એ ચાળીસ-પચાસ ખોરડાનું નાનકડું ગામ. ગામડું જ કહેવાય. કોઈ મહાનગરની સોસાયટી પણ આ ગામથી મોટી લાગે એટલું નાનું ગામ. આપણા દેશના પશ્ચિમ ભાગનું એ છેલ્લું ગામ. પછી થોડા માઈલનું અંતર કાપો એટલે પાકિસ્તાનની સરહદ આવે. સમનાં બધાં ઘરો માટીનાં. ગાર લીંપેલાં અને માથે એકદમ ઢળતાં છાપરાં વાળાં. પણ ગામનું સૌંદર્ય જ અલૌકિક. ક્યાંય વૃક્ષો તો જોવા જ ન મળે. કોઈ કોઈ ઘરના આંગણામાં ઊંટ, ઘેટું કે બકરું જોવા મળે, બહારથી તો આ બધાં ઘરો એકસરખાં લાગે. પણ અંદરથી પ્રત્યેક ઘર એક બીજાથી તદ્દન ભિન્ન. ગાર લીંપેલી દીવાલો ઉપર ચિત્રો દોરી તેનાં પર આભલાં, બંગડીઓ, પાંચીકા વગેરે અનેક વસ્તુઓ ચોડીને જે રીતે દીવાલને મઢાવી હતી તે અદ્‍ભુત હતું.

આમ તો આ અજાણ્યા ગામમાં કોઈ અજાણ્યાને કોઈના ઘરમાં પ્રવેશીને કોઈ થોડા ફોટા પાડવા દે. તેમાં પણ આ તો સાવ ગામડાના અણપઢ લોકો. આમ પણ આપણા ઘણા રૂઢિચુસ્ત ઘરોના વડીલો યુવાન બહુબેટીઓના ફોટાઓ પાડવા ન દે. આવા સંજોગોમાં અમારા ગળામાં ટિંગાતા કૅમેરા જોઈને કોઈ પણ માણસ ભડકે. રાજસ્થાનના લગભગ બધા ભાગોમાં વિદેશી સહેલાણીઓનો ધસારો ખૂબ રહે છે. તેમાં પણ ફ્રેંચ ટૂરિસ્ટો સૌથી વધુ આવે. જેસલમેરમાં ઘણા વિદેશી અને તેમાં પણ વિશેષ કરીને ફ્રેંચ સહેલાણીઓને મળવાનું થયેલું. આ બધા સહેલાણીઓ ઘણા ફોટાઓ પાડતા હોય છે. એટલે તેઓથી ત્રાસીને પણ અમારા જેવા ફોટોગ્રાફરો અણગમતા થઈ જતા હશું. ગામમાં પુરુષો નહીંવત્‍. કામે ગયા હશે. એટલે મોટા ભાગનાં ઘરોનાં બારીબારણાં બંધ. પણ અમારે તો એ ઘરોની અંદરનું સૌંદર્ય જોવું જ હતું. આ સમયે અમારા વાહનનો ચાલક કામે આવ્યો. એ આ પ્રદેશનો જ ને. એણે એક ઘરના વડીલ બહેનની સાથે વાત કરીને અમને તેમના ઘરમાં પ્રવેશ અપાવ્યો. એ ઘરની સજાવટથી અમે તો આભા જ બની ગયા.

અમારો ઉદ્દેશ આ પ્રકારનાં કેટલાંક ઘરોનાં સૌંદર્યને ઝડપવાનો હતો. પણ એ ઘરોમાં રહેતી નારીઓયે સૌંદર્યવતી હતી. રાજસ્થાની સ્ત્રીની વાત જ કંઈક જુદી. ઊંચી, પહોળા ખભા વાળી, તાંબાવર્ણી સ્ત્રીઓ હાથ, પગ અને ડોકે અનેક ઘરેણાં પહેરીને તૈયાર થઈ હોય ત્યારે તેનો ઠસ્સો જ કંઈક જુદો જ. પણ એમ કોઈનો ફોટો પાડવો એ તો અજુગતું કહેવાય. એટલે કોઈના સૌંદર્યથી પ્રભાવિત થયા હોવા છતાં તેમના સન્માનને ઠેસ ન પહોંચે તેવી કાળજી રાખીને જે દીવાલોના ફોટા પાડવાનું કહી ઘરોમાં ગયા હતા ત્યાં અમારી વાતને વફાદાર રહ્યા. બધાં ઘરોમાં જુદી જુદી ભાત. બધાંના કંઈ ફોટા પાડવા શક્ય ન હોય. પણ છતાં કેટલાંક ગમતાં સુશોભનોના ફોટાઓ પાડ્યા અને પછી રણપ્રદેશ જોવા નીકળ્યા. ફરતાં ફરતાં બપોરના બે વાગી ગયા હતા તેનો ખ્યાલ પણ ન હતો. ભૂખ પણ લાગી હતી. પણ ફોટોગ્રાફી કરવામાં એવા મશગૂલ હતા કે ભૂખ તરફ ધ્યાન નહોતું ગયું. હવે અહીં જ ક્યાંક છાયામાં બેસીને થોડુંક શિરામણ કરી લઈએ તેવું સૌએ નક્કી કર્યું.

સમના સીમાડાના એક ઘરના ઓટલા ઉપર સારો છાયો હતો. આમ પણ ઠંડી એવી કાતિલ હતી કે બપોરનો તડકો પણ મીઠો લાગતો હતો. ત્યાં એક પથ્થર ઉપર એક પાંત્રીસેકનો યુવાન બેઠો હતો. આ એનું ઘર હશે એમ માનીને ઓટલા ઉપર બેસવા માટેની મંજૂરી માંગી. અમે બેસીને સાથે લીધેલા નાસ્તાનાં પડીકાંઓ છોડવા લાગ્યા. અમારી પાસે કેટલોક સૂકો નાસ્તો અને બ્રેડ-બટર હતાં. આમ તો આપણે ગુજરાતીઓ દાળ-ભાતિયા એટલે બપોરે સૂકો નાસ્તો કરવાની આદત નહીં. પણ ભૂખ એવી લાગી હતી કે ભાવતું ન ભાવતું બધું ચાલતું હતું. ત્યાં અમને આ રીતે નાસ્તો કરતાં જોઈ પેલો યુવાન એના ઘરમાં ગયો.

ઘરમાંથી એક વીસ-પચીસ વરસની લાગતી સ્ત્રી બહાર આવી. એના હાથમાં એક મોટું ટોપિયું હતું. પેલા યુવાનની પત્ની હશે એમ લાગ્યું. આ સ્ત્રીએ એમના હાથમાંનું ટોપિયું અમારી પાસે મૂક્યું. એ છાસથી ભરેલું હતું. અને એ બાઈ… શ્યામવર્ણી કાયા, પણ એનું રૂપ અનેરું. આંખો મોટી અને મોહિત કરતી. રોંદા કે બીજા કોઈ કુશળ કલાકારના હાથમાંથી જાણે કોઈ અદ્‍ભુત શિલ્પ ઘડાયું હોય અને પછી તેની સામે આવીને ઊભા હોઈએ તેવું લાગે તેવી તેની કાયા. આ શું જોઈ રહ્યા છીએ. એ બાઈ જેટલી સૌંદર્યવતી હતી તેટલી જ લાગણી ભરેલી. અને એ લાગણી જ વરતાતી હતી તેના હાથમાંના તપેલામાં. અમને સૌને તો જાણે સ્વર્ગમાંથી કોઈ પરીએ આવીને અમૃતનો કુંભ આપ્યો હોય તેવું લાગ્યું. એની છાસથી અમારું ગળું કૂણું થયું હતું તેમ અમારાં હૃદય પણ લાગણીભીનાં થયાં હતાં.

નાનપણમાં મારા દાદાએ વાતમાં ને વાતમાં એક ઉપમા આપેલી, ‘એ ભેંસ કેવી રૂપાળી છે.’ ત્યારે બહુ નાનો. તે આ વાતનો અર્થ નહોતો સમજ્યો એટલે હસી પડ્યો હતો. મનમાં થયું હતું કે આવી કાળી, ગંદી ભેંસ તે કંઈ રૂપાળી કહેવાય ! આજે એ વાત અચાનક યાદ આવી ગઈ. આ સ્ત્રી કેવી રૂપાળી છે. મનમાં ને મનમાં હું બોલી ઊઠ્યો, ‘જુઓ દુનિયાવાલોં સૌંદર્ય કોને કહેવાય ? હજારો સ્ત્રી-પુરુષોની વચ્ચે અર્ધનગ્નદશામાં ફરવું અને ચબરાકિયા જવાબો આપવા તે કંઈ સૌંદર્ય નથી. સૌંદર્ય તો આવીને અહીં વસ્યું છે આ કન્યામાં. પણ આ સ્ત્રીને તો કોણે જોશે ? મેં પણ એનો ફોટો ન પાડ્યો; કેમ કે જે લાગણીથી એણે છાસ પાઈ અમને તૃપ્ત કર્યા હતા એ લાગણીની નીરને ડહોળવાં નહોતાં. એ યૌવનાની તસવીર દીલમાં જ કેદ કરી. આજે જ્યારે સુસ્મિતા સેનને કે ઐશ્વર્યા રાયને જોઉં છું ત્યારે મનમાં પેલી કન્યા યાદ આવી જાય છે. અને એને યાદ કરતાં જ સૌંદર્ય સામ્રાજ્ઞી મને ફિક્કી ફિસ્સી લાગી છે.

નાસ્તો કરીને ઊઠતાં અમારામાંના એકે એમને પ્રતીક ભેટ આપવા પર્સ ખોલ્યું. આ જોતાં જ સમજી ગયો હોય તેમ પેલા યુવાને હાથ પકડી લીધા. ‘આવો શિષ્ટાચાર નહીં’ની વિનવણી સાથે. એ દિવસ પછી એ લાવણ્યમયીની લાગણીના કારણે ખૂબ સુંદર ગયો. ક્યાં ખબર હતી કે દેશના સીમાડે આવેલા કોઈ નાના ગામની સ્ત્રીઓ આમ અચાનક જ લાગણીથી ભીંજવી જશે. આવા પ્રસંગો ક્યાં વારંવાર બને છે તે આ બધું ભુલાય. આજે પણ સૌંદર્યની વાત ક્યાંય થતાં એ લાવણ્યમયી સ્ત્રી યાદ આવે છે. પણ દુનિયા કેમ જાણશે, સૌંદર્ય કેવું હોય છે !

– અભિજિત વ્યાસ