- ReadGujarati.com - http://www.readgujarati.com -

કથાસ્ય કથા રમ્ય – નગીન દવે

(‘નવચેતન’ સામયિકના જુલાઈ-૨૦૧૪ના અંકમાંથી સાભાર)

અખા ભગતે ભલે કહ્યું, “કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” પરંતુ અમે તો પહેલેથી જ કથા રસિયા. અમારા ગામમાં કોઈ પણના ઘરે સત્યનારાયણની કથા હોય એટલે બીજા કોઈ શ્રોતા હોય કે ન હોય પરંતુ હું, અંબાલાલ, રતુ માસ્ટર, દોલતગર, અભેસંગ અને ગફાર આટલા તો ચોક્કસ હાજર હોઈએ જ. જશુ ભટ્ટ પાંચ અધ્યાય પૂરા કરે ત્યાં સુધી કોઈ ખુરશી, ખાટલા કે બૂંગણ પર બેઠાં બેઠાં વાતોના તડાકા માર્યા કરે, તમાકુ ચોળ્યા કરે કે બીડીઓ ફૂંક્યા કરે ત્યાં થાળ ગવાતો શરૂ થાય અને એકદલ શાંતિ છવાઈ જાય. હવે પ્રસાદી આવી સમજો. માણસના મોંમાં ન મૂકી શકાય એવો ધગધગતો શીરો ભટ્ટજી ભગવાનને છલોછલ છલિયું ભરીને ધરાવી દે. ભલે હિન્દુ નહોતો પણ આરતી દેવા તો ગફાર જ જાય. કારણ કે એ ભરોસાપાત્ર અને હાથનો ચોખ્ખો. ભૂતકાળમાં દોલતગર અને અભેસંગે થોડા આરતીના પૈસા તફડાવી લીધેલા પણ ગફારને ખુદાનો ડર હતો. અજવાળી બીજ, અગિયારસ અને પૂનમ એ કથાના દિવસોમાં અમે બહારગામ જવાનું ટાળીએ કારણ કે શીરાનો પ્રસાદ ગુમાવવાનું પાલવે નહીં. અમારી આ મંડળીને ઘણાં “પરસાદીયા ભગત” કહેતાં. શીરાનો પ્રસાદ વહેંચવામાં અંબાલાલ પાવરધો. ગમે તેટલા ભક્તોની સંખ્યા હોય તે બધાને પ્રસાદ પહોંચાડી દે અને એકાદ – બે બૂકડા મોંમાં પણ પધરાવી દે તોપણ છેવટે શીરો વધે તેમાં પણ કામની કદર રૂપે તેને થોડો વધારે શીરાનો પ્રસાદ મળે એમાંથી અમને પણ થોડોઘણો ભાગ આપે એટલો એ ઉદાર પણ ખરો.

આપણા દેશમાં માન્ય ભાષાઓ ભલે ૧૮ ગણાતી હોય પરંતુ ૧૬૫૨ જેટલી ભાષાઓ બોલાય છે જે બધી જ માતૃભાષાની વ્યાખ્યામાં આવે છે. આ તમામે તમામ ભાષાઓમાં કથાઓ મોજૂદ છે. આ કથાઓ એટલે આખ્યાન, આખ્યાયિકા, કથા – વાર્તા, ગાથા, શ્રુતિ, જનશ્રુતિ, કિંવદંતી, દંતકથા, પુરાણકથા, લોકકથા સ્વરૂપે કહેવાતી અને સંભળાવવામાં આવતી કથા વાંચવામાં સાંભળવા જેવી મજા આવતી નથી.

કહે છે કે આ કથાયુગ ચાલે છે. પહેલાં તો ઘણાં લાંબા સમયે ગામમાં સપ્તાહ બેસતી. કથા બેસે એટલે વહુઓ રાજીનાં રેડ. અત્યારે પાર્ટ ટાઇમ કથા-પારાયણ થાય છે પણ તે સમયે ફૂલટાઇમ કથાવાંચન થતું. સવારે ૯ થી ૧, સાંજે ૩ થી ૬. એ જમાનામાં કથાઓ તો ઘરડાંને સાંભળવાની હોય તેવો મત. સાસુઓ કથામાં જાય સાથે પાણીનો લોટો ભરીને લેતી જાય. ત્યારે શીશાપ્રથા નહોતી. કથા સાંભળવા ગયા અને જમનાબા ઝોલે ચડી ગયા અને પાણીનો લોટો પીત્તળનો લાવેલા તે કોઈક ઉપાડી ગયું. કથા પૂરી થઈ અને માજી ઝોલામાંથી જાગ્યા તો લોટો ન મળે. ઘણો શોધ્યો, આજુબાજુવાળાને પૂછ્યું પણા લોટો મળ્યો નહીં. માજી તો ઊભાં થઈને તાળીઓ પાડી ગાવા માંડ્યાં : “મેં તો સુનને કો ગઈ’તી પારાયણ, મેરા લોટા લે ગયા નારાયણ.”

ધનાબાપા લાકડીના ટેકે કથા સાંભળવા આવતા. તેમણે સીતાજીના હરણની કથા સાંભળી. કથાવિરામ સમયે પુરાણીને ઊભા રાખીને પૂછ્યું, “હેં મહારાજ ! આ સીતાનું હરણ તો થયું પછી હરણમાંથી સીતા થયાં એ ક્યારે ?” પુરાણી મૌન રહ્યા પણ ધનાબાપાને હજી એ સવાલ મૂંઝવે છે કે હરણમાંથી સીતા કેમ થયાં હશે ?

સાહિત્યમાં નવરસ વર્ણવેલા છે : શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્‍ભુત અને શાંત. આ નવે નવ રસ કથામાં હાજર. એ સમયે કથાઓનું પારાયણ થતું તે રામાયણ અને ભાગવત પુરાણનું. કોઈ કોઈ સમયે હરિકીર્તનકારો આવતા. તેઓ રાત્રે ૯ થી ૧૨ માણ અને અન્ય વાંજિત્રો સાથે મહાભારત અને અન્ય પૌરાણિક કથાઓનાં આખ્યાનો કરતાં. શૃંગારરસ આ બધી કથામાં હાજર. ગોપીઓનાં વસ્ત્રાહરણ, ગોપીગીત, રુક્મણીહરણ, સુભદ્રાહરણ આ બધી કથાઓ શૃંગારરસથી ભરપૂર. આ વર્ણનો વખતે ઘરડાં શ્રોતાઓ પણ રસતરબોળ થઈ જતાં અને ભવ્ય ભૂતકાળની સોનેરી યાદોમાં ખોવાઈ ચશ્માં લૂછી આજુબાજુ નજરો કરી લેતાં.

કવિ પ્રેમાનંદનાં આખ્યાનો હાસ્યરસથી ભરપૂર. તેમના પછી થયેલા બીજા આખ્યાનકારો પણ એ આખ્યાનોમાં હાસ્યરસની રસલહાણ કરી શ્રોતાઓને ખુશ કરી દેતા. વીર ભીમસેનનું પાત્ર એટલે વીરરસ સાથે હાસ્યરસની પણ છોળો ઉડાડાતું પાત્ર. આ ભીમનો કોળિયો કરી જવા હિડિમ્બ રાક્ષસ સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે તેની એકની એક બહેન હિડિમ્બા જ તેનાં વાલી, માબાપ, ફ્રેન્ડ, ફિલૉસોફર ગાઈડ જે કહો તે હતી તે ભીમના પ્રેમમાં પડેલી. હિડિમ્બ જીવ ખોઈ બેઠો અને હિડિમ્બા જે ભીમની પ્રેયસી હતી તે પત્ની બની ગઈ. સમય જતાં તેને ઘટોત્કચ નામનો મહાબળવાન પુત્ર થયો. આ માયાવી ઘટોત્કચનાં પરાક્રમો હાસ્યરસથી ભરપૂર છે. ઘણા શૂરવીરોને ગલગલિયાં કરી તેણે મહાત કરી દીધેલા, દુઃશાસન સામે વાનર જેવું મુખ કરી તેને હસાવેલો અને પછી ઢીબી નાખેલો. આવી કથાઓ હરિકીર્તનકાર હીરા મહારાજ કહેતા. ઈન્દ્રપ્રસ્થના આંગણામાં જળ અને સ્થળ નહીં પારખી શકનાર દુર્યોધન પાણીમાં ખાબકેલો અને દિયરની દયનીય દશા જોઈ દ્રૌપદી સહેલીઓ સાથે ખડાખડાટ હસી પડેલી અને મહેણું પણ મારેલું કે અંધના પુત્રો અંધ જ હોય ને ! દુર્યોધનની દશા કાપો તો લોહી ન નીકળે એવી થયેલી.

કરુણ રસ તો કથાનો મુખ્ય રસ. રામ-વનવાસ, દશરથ રાજનું મહાપ્રયાણ, સીતાહરણ, રામવિલાપ આ કથા કહેતાં કહેતાં ગિરધર મહારાજ પણ માંડે હીબકા ભરવા… સાથે સાથે એમ પણ બોલતા જાય કે ભગવાનનેય આવું થતું હોય તો આપણું શું ગજું ? મહારાજ સાથે માજી અને બાપાઓ પણા ઢીલાં થઈ જાય અને આંસુ પણ ટપકી પડે. ભાગવત કથામાં શ્રીકૃષ્ણ-બલરામનું મધુરાગમન, ગોપીઓનો વિરહ, યશોદા માતાની વેદના… આ કથાપ્રસંગોમાં પણ કથાકાર ધ્રુસકે ધ્રુસકે રડે અને શ્રોતાઓને પણ રડાવે.

દરેક ધર્મકથાઓમાં વીર રસ એ અગત્યનો રસ. અઢારેય પુરાણો અને તમામ ધાર્મિક ગ્રંથોમાં મુખ્ય કથા છે યુદ્ધોની જ. પૌરાણિક કાળમાં દેવો અને અસુરોના સંગ્રામ સતત થતા રહેતા અને તે પણ સત્તા માટે જ. આજે સત્તાપક્ષ અને વિરોધપક્ષમાં ભીષણ વાક્યુદ્ધ ચાલી રહ્યાં છે તે પણ સત્તા માટે જ છે ને ! વીરરસની કથા કહેતાં જ ગિરધર મહારાજના સાંઠી-ડાંખળા જેવા દેહમાં ચેતનનો સંચાર થઈ જતો. તે જોરથી કરતાલ વગાડતાં ગોઠણિયાભેર પણ થઈ જતા અને સાજિંદાઓ પણ રણભેરી અને બૂંગિયાના પ્રચંડ અવાજો તેમનાં વાજિંત્રોમાં પ્રગટ કરતા અને સભામંડપમાં વીરરસ છવાઈ જતો. બાપાઓમાં પણ શક્તિનું ધોડાપૂર ઊમટતું. તે ટટ્ટાર થઈ જતા અને ધ્રૂજતાં માજીઓ પણ ઊભાં થઈને જોરથી કરતાલો વગાડતાં.

વીરરસ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે રૌદ્રરસ પ્રગટે. લોકશાહીમાં લોકસભામાં, ધારાસભામાં વિપક્ષના કર્ણભેદી સૂત્રોચ્ચાર થાય છે. ઘણાં વટ પાડવા ફાઈલો ફાડે છે, ફેંકાફેંકી કરે છે અને ક્યારેક એવા રૌદ્રરસમાં સરી પડે છે કે મુક્કાબાજી સુધી પહોંચી જાય છે. અધ્યક્ષના કહેવાથી સંત્રીઓ બળિયાઓને બહાર કાઢે છે તેમ કથામાં પણ રૌદ્ર રસની જમાવટ થાય છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પુત્રી પાર્વતીનું અપમાન થાય એટલે તે યજ્ઞમાં કૂદી પડી આત્મવિલોપન કરે અને તરત જ વીરભદ્ર પ્રગટ થઈ યજ્ઞનો ધ્વંસ કરે અને શિવજી ત્રીજું લોચન ખોલે ત્યારે પણ સંગીત એવું જ સંભળાય અને કથાકાર ઉગ્ર સ્વરે એ પ્રસંગનું વર્ણન કરે ત્યારે મંડપમાં સ્તબ્ધતા છવાઈ જાય. નજર સામે જ આ પ્રસંગ બનતો હોય તેવું લાગે. કથા છૂટ્યા પછી અમુક શ્રોતાઓ શેરી, બજારો અને ઘરમાં પણ રૌદ્ર રસ પ્રગટાવતા જોવા મળે.

ભયાનક રસ વગરની કથા અધૂરી ગણાય. મંથરાની ચડવણીથી કોપભુવનમાં બેઠેલાં કૈકેયી એ દ્રશ્યની કલ્પના જ ભયાનક લાગે. ભયાનક રસની જમાવટ શિવજીના વરઘોડામાં થાય. શિવજીનો અદ્‍ભુત વેશ અને જાનમાં ભૂતપ્રેત, પિશાચ, જંતર, ડાકિની, શાકિની, વૈતાળ, જીન, ખવીસ, મામા તમામ સૂક્ષ્મ યોનિઓની હાજરી. કોઈને શિંગડાં તો કોઈ માથા વગરનાં. કોઈ કોઈના વિકૃત ચહેરા જોઈને જ ફાટી પડાય અને તે પાછા તેમની મસ્તીમાં ચીસો પાડતા નાચતાં હોય, આળોટતાં હોય. કથાકાર આ વર્ણન કરે ત્યારે સભામંડપમાં ભયનું એક લખલખું પસાર થઈ જાય.

આ દ્રશ્ય ભયાનક તો ખરું જ, સાથે બીભત્સ પણ ખરું. આ સૂક્ષ્મ યોનિઓને કોઈ સામાજિક બંધનો નથી નડતાં હોતાં. છતાં પણ આજે ચોવીસે કલાક ચાલતી ન્યૂઝ ચૅનલોમાં, ક્યારેક બળાત્કાર જેવી ઘટનાઓ વર્ણવાય છે, તેવાં દ્રશ્યો તો સૂક્ષ્મ સૃષ્ટિમાં નહોતાં જ.

આપણા દેશ સહિત વિશ્વનાં તમામ દેશોમાં નાચગાન થાય છે. ગીતના શબ્દોમાં તફાવત હોય છે, પરંતુ ઘોંઘાટિયું સંગીત તો બધે જ હાજર હોય છે. ક્યાંક લગ્ન પ્રસંગે તો ક્યાંક ઈસુના નવા વર્ષે કે વેલેન્ટાઈન ડે જેવા તહેવારોએ પશ્ચિમી ઢબના સંગીત સાથે જે નાચગાન થાય છે તે ડિસ્કો ડાન્સ એ શિવજીના વરઘોડામાં સૂક્ષ્મયોનિઓએ કરેલા નાચગાનની જ નકલ છે. એટલું તો ચોક્કસ કે પશ્ચિમી સંગીતને આપણે સારું ગણીએ કે ખરાબ પરંતુ તેનાં મૂળિયાં તો ભારતમાં જ છે.

કથા એટલે અદ્‍ભુત રસનો ભંડાર. પ્રસંગો તો અનેક છે, પરંતુ જેવી કથાકારની કહેવાની કળા. રાવણનાં દશ માથાં અને વીસ હાથ, બ્રહ્માજીનાં ચાર મુખ, અસુરોનાં માથે શિંગડાં, તેમના ચિત્ર-વિચિત્ર ચહેરાઓ. લડાઈમાં ઊતરેલા વાનરવીરો આ બધાંને શોભે એવી વસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરનાર કોસ્ચ્યુમ ડિઝાઈનર અને તે વસ્ત્રો સીવી શકે એવા દરજી તો આજે દુર્લભ પરંતુ કદાચ તે સમયે સીવેલાં વસ્ત્રો પહેરવાને કે બાલદાઢી સેટ કરાવવાની પ્રથા નહીં હોય.

લંકાદહન, વાનરસેનાનો યુદ્ધમાં તરખાટ આ બધાંનાં વર્ણનો અદ્‍ભુત રસથી ભરપૂર છે. શ્રોતાઓ મોંમાં આંગળાં નાંખી જાય. વાહ ! ગિરધર મહારાજ, વાહ ! શી જમાવટ કરી છે ? શ્રોતાઓને રાત્રે સપનાં પણ અદ્‍ભુત આવે. ઘણાં તો બીજા દિવસે કથામાં ઝોકાં ખાતા હોય ત્યારે ધોળા દિવસે સપનાંમાં સરી પડે.

કથાનો પ્રવાહ મંદ મંદ વહેતી મંદાકિની જેમ વહી જતો હોય એ શાંતરસ એટલે જ કથાની ફળશ્રુતિ. આપણી કથાઓનો અંત સુખદ હોય છે. ગિરધર મહારાજ અને બીજા કથાકારો એ શાંતરસમાં શ્રોતાઓને રસતરબોળ કરી દે. રામાયણમાં ભરત મિલન, રાવણ વધ, સીતા મેળાપ, રામરાજ્યની સ્થાપના અને ભાગવતમાં શુકદેવજીની કથાના અંતે પરીક્ષિત રાજાની મુક્તિમાં શાંત રસનો અનુભવ થાય.

હવે તો પાર્ટ ટાઈમ કથામાં વિરામ પછી પ્રસાદરૂપે મિષ્ટ ભોજન મળે છે. આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષો સૌ સપરિવાર આવે છે. કથાના બે શબ્દો કાને પડે ન પડે પણ બાળકોને સભામંડપ વચ્ચે રમવાનું ગમે છે. ઘણાં બાળકો એટલી સાંકડી જગ્યામાં પણ લખોટીઓ રમે છે. ફુગ્ગા ફુલાવે છે, વેફર ખાય છે. મમ્મી પાસે હઠ કરે છે. નથ્થુસિંહ કથામાં એક કરતાલ લઈને આવે છે. કથાકાર ધૂન લેવડાવે કે કોઈ પંક્તિઓ ગાય ત્યારે તે સાથેની કરતાલ ખણખણાવ્યા કરે છે અને રાજી થાય છે, પરંતુ બાજુમાં બેઠેલાઓનું નાકનું ટીચકું ચડી જાય છે ને તેની સામે ઘૂરકે છે. કનુ રિક્ષાવાળા મિત્ર હસમુખ સાથે ગૅસના અને પેટ્રોલના ભાવ વધારાની ચર્ચા કરે છે. મનસુખ અને ધનસુખ ‘સત્તાધીશ રાજકારણીઓ – નેતાઓ હવે મોંઘવારી વધારવાનાં કયાં પગલાં લેશે’ તેની ચર્ચા કરે છે. કવિતા અને સરિતા તેમની સાસુના શૌર્યની ગુણિયલ ગાથા વર્ણવે છે. તો નમિતા અને સ્મિતા તેમના સસરાની વિવશતાની વાતો કરે છે. કથાશ્રવણ કરતાં કરતાં બેઠા બેઠા જ શ્રોતાઓ મનખાનો મેળો માણે છે.

કથાના રસપ્રવાહ સાથે પોતાનો રસપ્રવાહ પણ વહેતો રાખતા શ્રોતાઓ માંહેની બહેનો ધૂનકીર્તન આવતાં જ ઊભી થઈ જઈ બંને હાથે કરતાલ એવી ઘુમાવે છે કે કથાકારનું ધ્યાન ત્યાં ગયા વગર રહેતું નથી, જોકે તેમને વિક્ષેપ થાય છે, પણ ભક્તિનું ઘોડાપૂર એમ થોડું અટકે ?

કથા પીરસતા સમયે કથાકારનાં ચરણસ્પર્શ થઈ જાય તો બેડો પાર થઈ જાય એવું મોટા ભાગનાં માને છે એટલે ત્યાં ધક્કામુક્કી થાય છે. કથાપુરાણીને પાછળથી નીકળી જવું પડે છે. ઘણાંને કથારસ એવો માફક આવી ગયો છે કે કોઈ પણ જગ્યાએ હોય પણ કથાકારની કથા બેસે એટલે તે ત્યાં પહોંચી જ ગયા હોય. કથાકાર હવે પછી શું કહેશે તેની રજેરજની માહિતી તેમના મગજમાં ભરી હોય છે. ભોજનરૂપી મહાપ્રસાદનો લહાવો લઈ તે ધન્યતા અનુભવે છે. આ કળિયુગને કથાયુગ કહીએ તો કાંઈ ખોટું નથી. કથાસ્ય કથા રમ્ય !

– નગીન દવે