ભગવાનને ગમશે ! – શૈલેશ શાહ

(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

એક દિવસ ચોથા ધોરણના વર્ગમાં ટીચરે ભગવાન વિશે વાત કરી.

વાત સાંભળી ગીતાએ પ્રશ્ન કર્યો, ‘ભગવાન ક્યાં છે ?’

ટીચરે કહ્યું, ‘ભગવાન તો બધે છે.’

‘તો આપણે કેમ જોઈ શકતા નથી ?’ મીરાંએ પૂછ્યું.

‘પાણીમાં સાકર ઓગળ્યા પછી પાણીમાં સાકર દેખાય છે ?’ ટીચરે પ્રશ્ન કર્યો.

‘ના.’

‘ભગવાન પણ પાણીમાં સાકર ઓગળે એમ બધે એકાકાર થઈ ગયો છે.’ ટીચરે કહ્યું, ‘આપણે જોઈ નથી શકતા પણ એ તો આપણને જુએ જ છે. એટલે આપણે ભગવાનને ગમે એવું કામ કરવું.’

આ સંસ્કાર વર્ગમાં ભણતી રાધાના મનમાં બરાબર બેસી ગયા. એ લખવા બેસે અને પછી વિચારે કે આવા ખરાબ અક્ષર ભગવાનને કંઈ ગમે ! અને એ સારા અક્ષર કાઢવા પ્રયત્ન કરે. ઘરે આવી મમ્મીને એણે વાત કરી.

‘મમ્મી, મારા અક્ષર જોને કેટકા ખરાબ આવે છે !’ રાધાએ રડતાં રડતાં કહ્યું, ‘આવા ખરાબ અક્ષર મને નથી ગમતા તો ભગવાનને ક્યાંથી ગમે !’

‘પ્રયત્ન કરીએ તો સારા અક્ષર આવે.’ મમ્મીએ એને સમજાવતાં કહ્યું, ‘જેમ તેમ લખીએ તો સારા અક્ષર ન આવે, પણ દરરોજ મન દઈને મરોડદાર અક્ષર કાઢવા પ્રયત્ન કરીએ તો જરૂર સારા અક્ષર આવે.’

મમ્મીની પ્રેરણા અને રાધાના પ્રયત્ને એના અક્ષર એક દિવસ ખૂબ જ સુંદર અને સુઘડ આવવા લાગ્યા, ત્યારે એ મનોમન બોલી, ‘હં, આવા અક્ષર તો ભગવાનને જરૂર ગમે.’ એ ખુશ ખુશ થઈ ગઈ.

એક દિવસ સ્કૂલમાં સુલેખન સ્પર્ધામાં એને પ્રથમ ઈનામ મળ્યું ત્યારે એનો ઉત્સાહ બેવડાઈ ગયો.

હવે એણે ચિત્રો દોરવામાં પોતાનું મન પરોવ્યું. ચિત્ર દોરાઈ રહે એટલે વિચારે કે આવું ચિત્ર ભગવાનને ગમશે ? અને દરેક વખત એના ચિત્રમાં કોઈને કોઈ ખામી દેખાતી. એણે ઊંડો રસ લઈને વધુ ને વધુ સુંદર ચિત્રો દોરવા મનને પરોવ્યું. એને એવું ચિત્ર દોરવું હતું જે શ્રેષ્ઠ હોય એમ નહિ, પણ ભગવાનને ગમે એવું શ્રેષ્ઠ…! રોજેરોજના પ્રયત્નોથી સુંદર ચિત્રો દોરાવા માંડ્યાં ત્યારે એનું મન આનંદથી ઝૂમી ઊઠ્યું.

૧૪ નવેમ્બર, બાળદિન નિમિત્તે બાળચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. એમાં જુદી જુદી સ્કૂલના બાળકોને આમંત્રણ અપાયું હતું.

એ બધાંયે બાળકોમાં રાધાના ચિત્રને પ્રથમ નંબર અપાયો ત્યારે રાધાનું મન ખુશખુશાલ થઈ ગયું. બીજી સ્કૂલનાં બાળકો પણ ઘણાં હોશિયાર હતાં, એમણે સુંદર ચિત્રો દોર્યાં હતાં, છતાં રાધાનું ચિત્ર મેદાન મારી ગયું હતું.

આવું કેમ ?

બીજાં બધાં બાળકો પોતાના હરીફો કરતાં સારું ચિત્ર દોરવા પ્રયત્ન કરતાં હતાં, પણ રાધાને તો કોઈ સાથે હરીફાઈ નહોતી. એને તો એવું ચિત્ર દોરવું હતું જે ભગવાનને ગમે. પરિણામે એનું ચિત્ર શ્રેષ્ઠ નીવડ્યું. સ્કૂલના ટીચર્સએ એની પર પ્રશંસાનાં ફૂલ વેર્યાં.

બધા વિષયોમાં એણે એ જ વિચાર્યું કે ભગવાનને ગમે એવું કરવું. ગણિતના દાખલા ગણવા બેસે ને જવાબ ખોટો આવે ત્યારે એ સાચો જવાબ મેળવવા પ્રયત્ન કરતી રહે. ખોટો જવાબ કંઈ ભગવાનને ગમે ! પ્રશ્નોના ઉત્તર પણ આ રીતે સાચા જ લખે. ગપ્પાં મારીને ખોટા ઉત્તર લખીએ એ ભગવાનને ક્યાંથી ગમે ? પરિણામે એ અભ્યાસમાં નિપુણ બની ગઈ.

વર્ગમાં ક્યારેક અસ્વચ્છતા લાગે, ગંદકી જણાય ત્યારે એ એમ ન વિચારે કે કોણે કર્યું ને કેમ કર્યું… આવી ગંદકી અને અસ્વચ્છતા ભગવાનને ગમતી હશે ! એટલે એ તરત સ્વચ્છ કરવા મંડી પડે.

વર્ગમાં એક તોફાની છોકરી. નામ એનું મીરાં. એનાં કપડાં કાયમ અસ્વચ્છ હોય, માથાના વાળ બરાબર ઓળેલા ન હોય, સ્કૂલમાં અવારનવાર મોડી આવે, સ્કૂલમાં ક્યારેક કોઈની નજર ચૂકવીને કંપાસ બૉક્સમાંથી પેન્સિલ, રબર કે ફૂટપટ્ટી ચોરી લે. વર્ગમાં આવીને બીજાના નાસ્તાના ડબ્બામાંથી નાસ્તો આરોગી જાય. ઘરે લેસન આપ્યું હોય તો મોટા ભાગે એણે કર્યું જ ન હોય. વારંવાર કોઈ ને કોઈ ફરિયાદ એના નામે ટીચર પાસે આવે. ટીચર એને હાથ પર ફૂટપટ્ટી મારે, છેલ્લી પાટલી પર આખો પિરિયડ ઊભી રાખે પણ એના પર સજાની કોઈ અસર જ થતી નહોતી. દરેક વિષયના ટીચર્સમાં એ પંકાઈ ગયેલી. બધા ટીચર્સ એનાથી કંટાળી ગયેલા.

રમતનો પિરિયડ હોવાથી બધાં મેદાનમાં હતાં. તે વખતે રાધા એના કામે વર્ગમાં આવી. રાધાને એકાએક આવેલી જોઈ મીરાં ચમકી ગઈ. મીરાં બધાની નજર ચૂકવીને છાનીમાની વર્ગમાં આવી ગયેલી. રાધાએ જોયું કે એનું નાસ્તાનું બોક્સ મીરાંના હાથમાં હતું. ને એ એનો નાસ્તો ખાઈ રહી હતી. રાધાને રોષ ચડ્યો. બે-ચાર તમાચા એના ગાલે મારવા એની પાસે ધસી ગઈ. ત્યાં જ એને વિચાર આવ્યો, હું એને મારીશ એ ભગવાનને ગમશે ! અને એના હાથ હેઠા પડ્યા. એનો રોષ શમી ગયો. એને તતડાવવા માટે હોઠે આવેલા શબ્દો એણે પાછા ખેંચી લીધા ને એની પાસે જઈ પ્રેમથી ઠપકો આપ્યો, ‘મીરાં, આવું કરાય ! પૂછ્યા વિના બીજાનો નાસ્તો આ રીતે ખાઈએ એ ભગવાનને ગમે ?’

‘ના…’ મીરાંએ ડોકું હલાવી ના કહી. ને નાસ્તાનું બૉક્સ રાધાને આપવા લાગી.

ત્યારે રાધાએ વહાલથી કહ્યું, ‘મીરાં, તને ભૂખ લાગી છે ને, તો ખાઈ લે. ઘરે જઈને હું મારી મમ્મીને કહીશ કે કાલથી મારી સાથે તારા માટે પણ નાસ્તો બૉક્સમાં મૂકે, દરરોજ હું તારા માટે નાસ્તો લાવીશ, હોં…. !’

રાધાના આ પ્રેમાળ શબ્દોથી મીરાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. કોઈની પાસેથી આવો પ્રેમ, આવી લાગણી મીરાંને મળ્યાં નહોતાં. બધાં પાસેથી જાકારો અને તિરસ્કાર સાંપડ્યાં હતાં મીરાંને.
મીરાંએ પોતાની મનની બારી રાધા સમક્ષ ઉઘાડી દીધી.

એની મમ્મી એના જન્મ સાથે જ મૃત્યુ પામી હતી. જન્મથી જ એને કોઈની પાસેથી કદી વહાલ મળ્યું નથી. ઘરમાં અપરમાનું શાસન ચાલે. પપ્પા ભણવાનાં પુસ્તકો ને નોટબુકો લાવી આપે પણ કોઈ ફરિયાદ કાને ધરે નહિ. અપરમા એની પાસે પુષ્કળ કામ કરાવે, ભણવા ન દે, લેસન ન કરવા દે, વધ્યું ઘટ્યું ખાવાનું આપે. ક્યારેક ભૂખ્યા સૂઈ જવું પડે. સ્કૂલ ડ્રેસની એક જ જોડ છે એટલે રોજેરોજ મેલોઘેલો ડ્રેસ પહેરવો પડે.
મીરાંની કથની સાંભળી રાધાની આંખો ભીંજાઈ ગઈ.

‘મીરાં, હું મારા પપ્પાને કહીશ, તને એક સરસ સ્કૂલડ્રેસ અપાવી દે. મારું ઘર અહીં સ્કૂલની નજીક છે એટલે દરરોજ સ્કૂલેથી છૂટીને આપણે મારા ઘરે જઈશું અને સાથે લેસન કરીશું. પછી તારા ઘરે જજે હોં…!’ ને ઉમેર્યું, ‘અને હવેથી કોઈનાં પેન્સિલ કે રબર જેવી ચીજ ન ચોરીશ. જરૂર પડ્યે મારી પાસે માગી લેજે, હું તને નવાં અપાવીશ.’

સ્કૂલ છૂટતાં મીરાંને પોતાની સાથે ઘેર લાવીને રાધાએ પોતાનાં મમ્મી – પપ્પાને મીરાંની વાત કરી. ત્યારે એમણે મીરાંને આવકારી, નવાં વસ્ત્રો અપાવ્યાં ને પ્રેમથી જમાડી.

એ દિવસથી રાધા અને મીરાં સખીઓ બની ગઈ. એ દિવસથી મીરાંનો કાયાકલ્પ થયો. રાધાની પાસે આ મંત્ર હતો : ‘ભગવાનને આ ગમશે ?’ આ મંત્ર એણે મીરાંના કાનમાં ફૂંકી દીધો.

હવે મીરાં કાયમ સુઘડ – સ્વચ્છ વસ્ત્રો પહેરી સ્કૂલમાં આવે. ભણવામાં ધ્યાન આપે. દરરોજ એ નિયમિત લેસન લાવે.

એક તોફાની છોકરીમાં થયેલું પરિવર્તન ટીચર્સથી અજાણ્યું ન રહ્યું. રાધાએ જ્યારે મીરાંની કથની તેમને કહી ત્યારે ટીચર્સને એની પ્રત્યે લાગણી ઊભરાઈ, એની પ્રત્યે વિશેષ સહાનુભૂતિ જાગી. બધાં પાસેથી હંમેશાં તિરસ્કારથી હડધૂત થતી મીરાં આ પ્રેમ, લાગણી ને હૂંફથી ભીંજાઈ ગઈ.

મીરાંમાં હવે ભણવાની ભૂખ ઊઘડી. ગણિતના દાખલા ને અંગ્રેજીના સ્પેલિંગ્સ કે પ્રશ્નો ન સમજાઈ ત્યારે એ રાધા પાસેથી શીખી લેતી ને રાધા પણ ઊલટથી એને શીખવતી.

ભણવામાં ઢ ગણાતી મીરાંએ પરીક્ષામાં જ્યારે પ્રથમ નંબર મેળવ્યો ત્યારે સૌને નવાઈ લાગી, ત્યારે મીરાંને સૌથી પહેલા અભિનંદન રાધાએ આપ્યા ને વહાલથી વળગી પડી. રાધાનો નંબર બીજો હતો, એનો એને કોઈ અફસોસ નહોતો.
ક્લાસમાં ભણતી ગીતાએ રાધા અને મીરાં પાસે આવીને જ્યારે રાધાને કહ્યું, ‘રાધા, મીરાં તારી હરીફ બની ગઈ, ચેતજે.’

ત્યારે રાધાથી ન રહેવાયું, ‘ગીતા, અમે એકબીજાનાં હરીફ નહિ, મિત્રો છીએ.’ ને ઉમેર્યું, ‘હરીફાઈ પરસ્પર ઈર્ષા પેદા કરે, ઈર્ષામાંથી દ્વેષ અને પછી વેર-ઝેર જાગે. અમારી વચ્ચે કોઈ હરીફાઈ નથી તેમ કોઈની સાથે પણ અમારે હરીફાઈ નથી. આવ ગીતા, તું પણ અમારી મિત્ર છે, તું પ્રથમ નંબર લાવીશ તો અમને ગમશે…’

રાધાની ઉદાત્ત ભાવનાથી ગીતા પણ ભીંજાઈ ગઈ.

ભણવામાં ઢ ગણાતી મીરાંનું પ્રથમ નંબર લાવવા બદલ સ્કૂલમાં બહુમાન કરવામાં આવ્યું ત્યારે મીરાં રડી પડી. જે ટીચર્સની નજરે સાવ ઊતરી ગયેલી, એની પર ટીચર્સ આજે અભિનંદનની વર્ષા વરસાવી રહ્યા હતા.

– શૈલેશ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “ભગવાનને ગમશે ! – શૈલેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.