થીક હાટ હાન્હ – ડૉ. પ્રફુલ્લ દવે

(‘ગાંધીની કૂંપળો’ પુસ્તકમાંથી સાભાર)

“લોકો વધુ ઉપભોગ કરવાને અને પૈસાદાર થવાને સુખ ગણે છે. પરંતુ એ ભ્રમ દૂર થવો જોઈએ. તેઓને સાચા સુખની જાણ કરાવવી જોઈએ. જો તેઓને સાચા સુખની જાણ થશે તો વિનાશકારી પ્રવૃત્તિઓથી દૂર રહેશે.”- થીક હાટ હાન્હ (Thich Nhat Hanh)

વિએટનામનો આ બૌદ્ધ ભિક્ષુ વિશ્વભરમાં ઝેન માસ્ટર, બૌદ્ધ ધર્મનો ઊંડો અભ્યાસી, લેખક-કવિ અને શાંતિ માટેના કર્મશીલ તરીકે જાણીતો છે. તેમની બૌદ્ધધર્મ વિશેની સરળ રજૂઆતને લીધે પશ્ચિમના દેશોમાં અગ્રણી બૌદ્ધ ઉપદેશક તરીકે ખ્યાતિ પામ્યો છે. તેઓએ અધ્યાત્મ આધારિત સામાજિક કર્મ પોતાના આચરણ દ્વારા વિશ્વને દર્શાવ્યું છે.

વિએટનામમાં તેને બધાં પ્રેમથી ‘થાય’(Thay) તરીકે સંબોધે છે. ૧૧ ઓક્ટોબર, ૧૯૨૬માં સેન્ટ્રલ વિએટનામના નાના ગામડાંમાં જન્મેલ ‘થાય’નું બચપણ તેની પ્રેમાળ માતાને લીધે સુખી રહ્યું. સોળ વર્ષની ઉંમરે સાધુ બનવામાં આનંદ આવશે એમ માનીને બૌદ્ધ ભિક્ષુ તરીકે દીક્ષા લીધી. તેને થીક હાટ હાન્હ નામ અપાયું. Thich નો અર્થ શાક્ય (બુદ્ધના કુટુંબનું નામ) થાય છે. Nhat Hanh નો અર્થ – One action.

ભિક્ષુ બન્યા પછી સાધનાના એક ભાગ તરીકે તેઓએ શરીર – મનની દરેક ક્રિયા પ્રત્યે જાગૃતિ કેળવી, આંતરનિરીક્ષણની ટેવ પાડી. વર્તમાનમાં જ જીવવા માટેનું ધ્યાન કરતા. તેઓ આધુનિક પ્રવાહો તથા વિકસતા વિજ્ઞાન અંગે માહિતગાર હતા – જ્યારે મઠમાં પ્રાચીન સમયની જ તાલીમ અપાતી હતી. તેઓએ મઠના ઉપરીઓને સૂચવ્યું કે ભિક્ષુઓના શિક્ષણમાં પાશ્ચાત્ય તત્વજ્ઞાન, વિજ્ઞાન, સાહિત્યનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ મઠે તેનો અસ્વીકાર કર્યો. આથી તેઓ તેના મિત્રો સાથે મઠ છોડીને એક તજી દેવાયેલા ખંડેર મંદિરમાં રહેવા જતા રહ્યા.

આ સમયગાળામાં થાયએ કેટલુંક સાહિત્ય પ્રકાશિત કર્યું. તેઓએ વિએટનામના છ મોટા બુદ્ધિષ્ટ સંગઠનોના માસિકની જવાબદારી સંભાળી. ૨૦ વર્ષની ઉંમરે ચાર પુસ્તકો લખ્યાં જેમાંનું એક ‘Buddhism for Today’ હતું. ભિક્ષુઓને નવલકથા વાંચવાની મનાઈ હતી ત્યારે તેઓએ નવલકથાઓ અને નવલિકાઓ લખી. ‘The Autumn Flute’ અને ‘Buddhist Teachings In Folk Poetry From’ નામના બે કાવ્યસંગ્રહો બહાર પાડ્યા.

૧૯૫૦માં તેઓએ વિએટનામમાં પ્રથમ બુદ્ધિષ્ટ હાઈસ્કૂલ શરૂ કરી. જેમાં ફ્રેંચ સંસ્થાન દ્વારા અપાતા શિક્ષણને વિકલ્પે અલગ શિક્ષણ આપવું શરૂ કર્યું. સેન્ટ્રલ વિએટનામમાં તેઓએ મઠની સ્થાપના કરી. થોડાં વર્ષો પછી મઠના આગેવાનોને થાયએ સૂચવેલા અભ્યાસનું મહત્વ સમજાયું અને તેઓએ થાયને સાયગોનમાં Van Hanh Buddhist University સ્થાપવામાં સહાય કરવા નિમંત્ર્યા.

૧૯૬૧માં પ્રથમવાર વિએટનામ છોડીને અમેરિકામાં પ્રિન્સટન અને કોલંબિયામાં ધર્મના તુલનાત્મક અભ્યાસ માટે આવ્યા. તેમાં તેઓને ખૂબ રસ પડ્યો પરંતુ અઢી વર્ષ પછી તેમના મિત્રો દેશમાં શાંતિ સ્થાપવાના કામ માટે પાછા ફરવા વિનંતી કરી તેથી તેઓ યુદ્ધમાં ફસાયેલા સ્વ-દેશમાં પાછા ફર્યા.

૧૯૬૩માં તેઓએ Engaged Buddhism લખ્યું. જેમાં શાંતિ અને સામાજિક ન્યાય માટે બુદ્ધના ઉપદેશ આધારિત અહિંસક સામાજિક કર્મ વિશે લખ્યું. એ સમયે ભિક્ષુ-ભિક્ષુણીઓમાં એક આંતરિક સંઘર્ષ ચાલતો હતો કે મંદિરની બહાર ઘાયલ થયેલા કે મરતા લોકોને સહાય કરવા બહાર જવું કે તેની ઉપેક્ષા કરીને મંદિરમાં બેસીને ધ્યાન ધરવું ? થાયએ બન્ને માટે સંમતિ આપી. તેમણે કહ્યું કે બીજાને સહાય કરતી વખતે ધ્યાનની અવસ્થામાં રહેવું.

૧૯૬૪માં તેઓએ સામાજિક સેવા માટે યુવાનોની એક સંસ્થા શરૂ કરી. ૧૯૭૫માં તેના દશ હજાર સભ્યો હતા. આ યુવાનોએ સમાજમાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સેવા આપી. યુદ્ધમાં ઘવાયેલાઓની કાળજી લીધી. ગામડાં ફરી બેઠાં થાય તે માટે સહાય કરી. એક ગામડું ચાર વખત બાંધ્યું અને દરેક વખતે બોમ્બમારાથી નાશ પામ્યું.

૧૯૬૬માં યુ.એસ.એ.ની Fellowship of Reconciliation and Cornell University એ અમેરિકનોને વિએટનામ યુદ્ધની પરિસ્થિતિ વિશે તથા આ સંઘર્ષનો અંત લાવવાના ઉપાયો ક્યા હોઈ શકે તે વિશે વકતવ્યો આપવા નિમંત્ર્યા. આ મુલાકાત દરમિયાન તેઓ સંરક્ષણમંત્રી રોબર્ટ મેકનામારા, સેનેટર ફુલબ્રાઈટ, સેનેટર એડવર્ડ કેનેરી તથા માર્ટિન લ્યુથર કિંગ-જુનિઅરને મળ્યા. આ મુલાકાતના ફળ સ્વરૂપે ‘Vietnam : Lows in a Sea of Fire’ પુસ્તક પ્રકાશિત થયું. તેનાથી અમેરિકનોને ખ્યાલ આવ્યો કે વિએટનામની પ્રજા યુદ્ધનો શાંતિમય ઉકેલ ઈચ્છે છે. આ મુલાકાતથી માર્ટિન લ્યુથર કિંગ-જુનિઅર સાથેના સંબંધો વિકસ્યા અને માર્ટિઅન લ્યુથર કિંગ વિએટનામ યુદ્ધની વિરોધમાં જાહેરમાં બોલ્યા. આથી તેમના મિત્રોએ માર્ટિન લ્યુથર કિંગ ‘નાગરિક અધિકારો’ માટેની લડતથી આડે માર્ગે ફંટાઈ રહ્યા છે તેવી ટીકા કરી, વિરોધીઓએ અમેરિકાના ગદ્દાર કહ્યા. પરંતુ માર્ટિન લ્યુથર કિંગ જરાપણ ડગ્યા નહીં, ઊલટું તેઓએ તો થાયના નામની શાંતિ માટેના નોબેલ પારિતોષિક માટે ભલામણ કરી. તેમણે કહ્યું કે વિએટનામમાં આ નમ્ર બૌદ્ધ ભિક્ષુથી ચડિયાતો બીજો કોઈ માનવી નથી પરંતુ અમેરિકા-યુરોપમાં પોતાના નિખાલસ સ્પષ્ટ વિચારો રજૂ કરવા માટે તથા પોપ પોલ-૪ ને મળવાને લીધે તેને વિએટનામ સરકારે દેશમાં દાખલ થવાની બંધી ફરમાવી. જો દાખલ થશે તો ધરપકડ થશે. તેથી તેઓએ ફ્રાંસમાં આશરો લીધો.

યુદ્ધ પછી વિએટનામમાં રહેલા નિરાધાર લોકો, ભૂખ્યાં બાળકો અને દેશ છોડી જવા ઈચ્છતા લોકોને વિવિધ રીતે મદદ પહોંચાડે. તે માટે બુદ્ધિષ્ટ સામાજિક કર્મશીલોનું ભૂગર્ભ મંડળ રચ્યું. આ પછી પણ સહાય પહોંચાડવામાં ઘણી અડચણો આવતી રહી. આથી તેઓએ પાંચ વર્ષ માટે ફ્રાંસના એક આશ્રમમાં એકાંતમાં રહી ધ્યાન ધર્યું, બાગકામ કર્યું, લખ્યું. માનવઅધિકારોના ભંગ અંગે સતત લખ્યું.

૧૯૮૨માં ફરી એક કોન્ફરન્સમાં ભાગ લેવા અમેરિકા આવ્યા. તેઓએ જાણ્યું કે અમેરિકનોને બૌદ્ધધર્મ વિશે ખૂબ રસ છે. તેથી તેઓએ ધ્યાનશિબિરો તથા પ્રવચનોનું આયોજન કર્યું. આથી પશ્ચિમના દેશોમાં અને એશિયાના લોકોમાં Engaged Buddhism અંગે રસ વધ્યો. અહીંથી થાયના જીવનનો બીજો મહત્વનો તબક્કો શરૂ થયો. તેઓએ જીવનની રોજબરોજની પ્રવૃત્તિ સમયે જાગૃતિ કેવી રીતે રાખવી, ધ્યાનસ્થ અવસ્થામાં કેમ બેસવું, ચાલવું, જાગૃતિપૂર્વક શ્વાસોચ્છવાસ કેમ લેવા વગેરેનું શિક્ષણ આપ્યું. તેઓ કહેતા, ‘The real miracle is not walk on water or in thin air, but to walk on the Earth.’

થાય કહે છે કે, ‘લોકોની અહિંસા વિશેની સમજણ બહુ ઉપરછલ્લી હોય છે. લોકો અહિંસાને એક ટેક્‍નિક તરીકે સમજે છે. પરંતુ તે શક્તિનો સ્રોત છે. હિંસા-અહિંસા વચ્ચે તથા હિંસક અને અહિંસક લોકો વચ્ચે ભેદ પાડવા પર વધુ ભાર મૂકાય છે. પરંતુ કોઈ એકનો પક્ષ લેવો તે સહેલું નથી. કારણ કે વ્યક્તિ સંપૂર્ણપણે અહિંસક કે હિંસક હોતી નથી. જ્યારે હું શાકાહારી ભોજન લઉં છું ત્યારે હું અહિંસક હોવાનું ગૌરવ અનુભવું છું. પરંતુ ઊંડાણથી તપાસશું ત્યારે ખ્યાલ આવશે કે હું સંપૂર્ણપણે અહિંસક નથી. જ્યારે શાકભાજી રાંધુ છું ત્યારે ઘણાં સૂક્ષ્મ જીવો મરી જાય છે. જો કે શાકાહારી બનવાથી હું અહિંસાની દિશામાં જઈ રહ્યો છું પરંતુ હું સંપૂર્ણપણે અહિંસક છું તેમ નહીં કહી શકું. અહિંસા એ કોઈ વિભાજિત રેખા નથી. તે એક દિશા છે. શાંતિ એ માર્ગ છે. તે ઉદ્દેશ નથી, અંત નથી. જેઓ ગુસ્સામાંથી બળ મેળવે છે તેઓ અહિંસક નથી. અશાંત સાધનોથી શાંતિ આવતી નથી. પ્રેમ, કરુણા, સમજણના આધાર પર શાંતિની ચળવળ ચાલવી જોઈએ. વ્યક્તિએ લખતાં, વાંચત, કામ કરતાં – સતત પોતાની અંદર નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.

જો ગાંધી અહિંસક ચળવળમાં સફળ થયા ન હોત તો શરૂઆતમાં હું તેનાથી આકર્ષાયો ન હોત. જો કે સફળતા-અસફળતાના માપદંડ પર કોઈનો ન્યાય તોળી શકાય નહીં. તમારે ‘કર્મ’ને ‘કર્મ’ તરીકે જ મૂલવવું જોઈએ. ઘણીવાર સફળતા ન પણ મળે. અમે વિએટનામમાં શાંતિ માટે અહિંસક લડત ચલાવી, દુઃખો સહ્યાં, બલિદાનો આપ્યાં, છતાં અમે સફળ ન થયાં. અમે બે મહાન સત્તાઓ વચ્ચે ફસાયા હતાં. સફળતા માટે બીજા ઘણાં પરિબળોની સહાય જરૂરી છે.

વિશ્વ સામે ઘણાં પડકારો ઊભા થઈ રહ્યા છે. પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. વિનાશના શસ્ત્રો ધરાવતાં રાષ્ટ્રો એકબીજા સાથે સંઘર્ષમાં છે. બીજી બાજુ ધાર્મિક શ્રદ્ધાને સાથે કટ્ટરતા પણ વધતી જાય છે. આ પડકારો વચ્ચે વિશ્વનું ભાવિ શું હશે ? થાય કહે છે કે આપણે વર્તમાનમાં જ જીવવું જોઈએ. ભવિષ્ય વર્તમાનમાં છુપાયેલું છે. અત્યારે આપણે જે રીતે જીવીશું તેવું આપણું ભવિષ્ય બનશે. જો આપણે લોકોને આશા આપીશું કે ભવિષ્ય સારું છે તો તેઓ એ આશામાં કંઈ કરશે નહીં અને જો કહીશું કે ભવિષ્ય સારું નથી તો નિરાશ થઈને કંઈ કરશે નહીં. તેથી એમ જ કહેવું યોગ્ય છે કે ભવિષ્ય વર્તમાનમાં છે.

લોકો વધુ ઉપભોગ કરવાને અને પૈસાદાર થવાને સુખ ગણે છે. પરંતુ એ ભ્રમ દૂર થવો જોઈએ. તેઓને સાચા સુખની જાણ કરાવવી જોઈએ. જો તેઓને સાચા સુખની જાણ થશે તો વિનાશકારી પ્રવૃત્તિઓથી દૂર રહેશે. થાયએ ડ્રાઈવીંગ મેડિટેશન, સબ-વે મેડિટેશન તથા વોકિંગ મેડિટેશન શીખવ્યું. ડ્રાઈવીંગ કરતી વખતે, ચાલતી વખતે, રસ્તો ઓળંગવા માટે ઊભા છો ત્યારે જાગૃત રહો, વર્તમાનમાં રહો, બિનજરૂરી ઉતાવળ – અકળામણને ટાળો. તેઓએ ટેલિફોન મેડિટેશન પણ કહ્યું છે. તે કહે છે કે, ‘ત્રણ રીંગ વાગે પછી જ ટેલિફોન ઉપાડો. ત્યાં સુધી શાંતિથી શ્વાસ લો, ચિત્તમાં હળવાશ અનુભવો. આથી તમારો પ્રતિભાવ હકારાત્મક બનશે.’

ઘણાં લોકો સતત પ્રવૃત્ત રહે છે અને તેને સારું ગણે છે. પરંતુ જો તેઓ શાંત-આનંદિત નહીં હોય તો તેની પ્રવૃત્તિથી તકલીફો વધશે, ગુસ્સો વધશે, પરિસ્થિતિ વધુ વણસશે. આપણે લોકોને કહીએ છીએ, ‘Don’t sit there, do something.’ થાય કહે છે, ‘Don’t just do something, sit there.’ તેથી આપણે વધુ શાંત-સ્પષ્ટ-સ્વસ્થ-કરુણાસભર થશું.

– ડૉ. પ્રફુલ્લ દવે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “થીક હાટ હાન્હ – ડૉ. પ્રફુલ્લ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.