માજી પ્રેમિકાને પ્રેમપત્ર – ડૉ. અમૃત કાંજિયા

(‘પોક મૂકીને હસીએ’ પુસ્તકમાંથી સાભાર)

[અહીં ‘માજી’ એટલે ‘ડોશી’ નહિ, પરંતુ ‘પદનિવૃત્તિના સન્માનસૂચક’ અર્થમાં સમજવું.]

સુશ્રી,

નિતાબહેન !

પત્ર જોતાં જ હસ્તાક્ષરોએ હૈયામાં કંઈક હલચલ મચાવી હશે. આપ ચોંકી ઉઠ્યા હશો. સંબોધનનું નામ વાંચતા પણ કંઈક ગડમથલ અનુભવી હશે. એ તો આપને પતિ મહાશયથી મુશ્કેલી ઊભી ન થાય એટલે જ નામમાંથી ‘સુ’ ઉપસર્ગનો ઈરાદાપૂર્વક છેદ ઉડાડ્યો છે. આપણા પ્રેમપત્રોની શરૂઆતમાં ઉપર એક ઈષ્ટમંત્ર લખાયેલો રહેતો – ‘લવ ઈઝ ગૉડ’ અહીં તેની ગેરહાજરી ખૂંચી હશે. જો કે મારી શ્રદ્ધા તો આજે પણ એમાં બરકરાર રહી છે. ગૉડ વિશે મારી કલ્પના કૃષ્ણથી જરાય આગળ નીકળી શકતી નથી. કૃષ્ણે કહ્યું છે ને કે ‘હજારો મનુષ્યોમાં કોઈક જ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે પામે છે.’ આપણે પ્રેમ માટે પ્રયાસ આદર્યો ખરો, પણ પામી શક્યા નહીં. તું ભલે એ માટે નસીબને દોષ દે, ખરેખર તો વાંક જેરામકાકા જ્યોતિષીનો છે. જેણે તારા પિતા દ્વારા રજૂ કરાયેલી મારી જન્મકુંડળીનો મેળ તારી જન્મકુંડળી સાથે ન કરાવ્યો. અરે, મને અગાઉથી સહેજ પણ જાણ થઈ ગઈ હોત તો જેરામકાકાને હું આગલે દિવસે મળી લેત ! ઠીક, જે થયું તે સારું ! તારી સાથે લગ્ન કરીને જિંદગીનું ‘સત્ય’ વહેલું સમજાય જાય તેવું ઈશ્વરને મંજૂર નહીં હોય ! લગ્ન વખતના તારા મિ.લાભુપ્રસાદને અત્યારના લાભુપ્રસાદ સાથે સરખાવતા મને વારંવાર ઉપરવાળાનો અભાર માનવાની ઈચ્છા થઈ આવે છે ! જો કે કહ્યાગરો કંથ સ્વયં ઈશ્વરનું વરદાન છે. જે તને પ્રાપ્ત થયું છે.

‘પ્રેમ’ વિશેની ખોટી કલ્પનાઓ, માન્યતાઓ અને અફવાઓથી આ દુનિયા વ્યાપ્ત છે. ‘પ્યાર કિયા નહિ જાતા, હો જાતા હૈ’ આવી માન્યતાઓએ તો યુવાવર્ગને કેવો ગુમરાહ કરી દીધો છે ! પ્રેમ થઈ નથી જતો, ઈરાદાપૂર્વક કરવામાં આવે છે ત્યારે જ થાય છે. એક વખત નહિ, વારંવાર સહેલાઈથી કરી શકાય છે. તારી જેઠાણીની વાત કરું તો એ મારી સાથે બી.એડ્‍.માં હતી. એક જ જ્ઞાતિની છે એમ જાણી હું લગભગ છ મહિનાની મહેનત પછી તેના પરિચયમાં આવી ગયો. પછી તો એક-બે વખત હૉટેલમાં સાથે જમવા પણ ગયેલા. ત્રણેક પિક્ચરો સાથે જોયેલાં. હા, પરીક્ષાના આગલા મહિને મને ખબર પડી કે તે ધ્યાનબેરી છે. એટલે મેં મન વાર્યું. મારું માનવું છે કે ગૃહસ્થીમાં પુરુષ બહેરો ચાલે, પત્ની નહીં… આમેય લગ્ન પછી પુરુષ બહેરો થઈ જ જવાનો હોય છે… તો થોડો વહેલો…!

તારી સાથેના પ્રણયની જ વાત કરું તો તે પણ ક્યાં કુદરતી હતો ? તારું ધ્યાન મારી તરફ ખેંચવા માટે મેં હાઈસ્કૂલના બબ્બે વર્ષ બગાડ્યાં હતા ! મારી તમામ આવડતો, કલા અને શરીર સૌષ્ઠવનું પ્રદર્શન કરવાની તક ક્યારેય જતી કરી નહોતી ! સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું એક માત્ર પ્રેરકબળ તું જ હતી. આખરે દશમાં ધોરણમાં હતા ત્યારની એક તરકીબ સફળ થઈ. તને એ દિવસ યાદ હશે જ. ચોમાસાના એ દિવસે તારી સાઈકલમાં પંચર પડ્યું. મેં તને મૂશળધાર વરસાદમાં સાઈકલ ઢસરડવાની મદદ કરી. એમાં ભીંજાયેલી તું મારા પર ભાવવિભોર થઈ ગઈ ! પછી તો સામે મળતી ને હસતી… વર્ગમાંયે પાછલી બેંચ પરની બહેનપણીઓ સાથે વાત કરવાને બહાને મને નિહાળી લેતી… મેં હિંમત કરીને તારી પાસેથી એક દિ’ નોટબુક માગી. પછી તો પુસ્તક આપ-લેનો વ્યવહાર બંધાયો. તું અત્તર છાંટીને પુસ્તક અર્પણ કરતી. એમાં વળી ‘લવલેટર’ પણ નીકળ્યો ! પછી તો આપણે સાવ બદલાઈ ગયા ને આપણી દુનિયા પણ બદલાઈ ગઈ !

હા, હું તને એમ કહેવા માગતો હતો કે તે ‘સાઈકલ પ્રકરણ’ મારું પૂર્વનિયોજિત ષડયંત્ર હતું. તું ને નિમિષા બે જ પાછળ રહી ગઈ હતી. મારી દૂરની બહેન નિમિષાને પ્રિન્સિપાલ પાસેથી જન્મતારીખનો દાખલો કઢાવવાનો હતો, ખરું ને ? તેને આ દાખલાની કંઈ જ જરૂર નહોતી. શાળા છૂટ્યા પછી તને પાછળ રાખી એકલી પાડવા માટે જ તેણે તેમ કરેલું. એ દરમિયાન હું ને સુખો આગળ જઈને આપણી સ્કૂલના રસ્તાના એક ચીલામાં કાંટા દાટી રહ્યા હતા. પછી થોડે આગળ જઈ હું મારી સાઈકલની ચેન ચડાવવાનું નાટક કરતો તારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. વળી, નિમિષા તારી સાથે હોવા છતાં અમારી યોજનાના ભાગ રૂપે તેણે જમણાં ચીલામાં સાઈકલ ચલાવવી એવું નક્કી થયેલું હતું. એટલે તારે ફરજિયાત ડાબે ચીલે ચાલી અમારી જાળમાં ફસાવાનું હતું. એ પણ એટલું જ નિશ્ચિત હતું કે વરસતા વરસાદમાં તમારી મદદે આવનાર ક્ષિતિજ સુધી નજર ફેરવો તોયે એક માત્ર હું જ મળી શકું તેમ હતો. આપણી વચ્ચેનું માધ્યમ બનવા નિમિષા તૈયાર હતી જ. પછી જે બનવાનું હતું તે બન્યું. મારો પ્રેમમાં પડવાનો ઈરાદો સફળ થયો. આ સફળતાએ મને પ્રોત્સાહન પૂરું પાડ્યું. પ્રેમ એ મનુષ્યના હાથની જ વાત છે એ સમજાઈ ગયું. એટલે જે પ્રેમનો કોઈ ધક્કો મારી જિંદગીમાં દિલ તોડી શક્યો નથી !

પિક્ચરોએ તો આપણને કેવાં રવાડે ચડાવી દીધા છે ! ‘જિંદગી મેં પ્યાર સિર્ફ એક બાર હી હોતા હૈ…’ એવું વારંવાર કહીને નિષ્ફળ પ્રેમીઓને જીવતા દોજખમાં ઉતારી દીધા છે ! પ્યાર એકવાર નહીં, અનેકવાર થઈ શકે છે. ફિલ્મોમાં એક પ્રેમપ્રકરણનો કંઈક અંજામ આવતા બે-અઢી કલાક નીકળી જાય છે. એટલે બાકી વધેલો સમય બહુ ટૂંકો હોવાથી ફરી આવું લફરું પૂર્ણ થઈ શકતું નથી. આ કારણથી ફિલ્મો માટે પ્રેમ ફક્ત એક જ વાર થાય છે એ સત્ય હોઈ શકે; જીવનમાં નહીં. જીવન તો વહેતી નદી જેવું છે. નીચાણ હોય ત્યારે ઝડપથી વહે છે. ખાડા-ટેકરામાં રોકાતું ચાલે છે. તેને ક્યારેક મોડું પહોંચ્યાનો કે પહોંચવાનો અહેસાસ થતો નથી. પ્રેમ પ્રકરણ માટે કદી ‘મોડું’ કે ‘છેલ્લું’ નથી હોતું !

તું ત્રણ સંતાનોની માતા થઈ ગઈ છો. હું બે બાળકોનો બાપ બની ગયો છું. હવે તો આપણે બંને સારી રીતે જાણીએ છીએ ક મનુષ્યે તેના જીવનમાં કરેલ તદ્દન ‘વાહિયાત દસ્તાવેજ’ એટલે તેના પ્રેમપત્રો. પ્રેમપત્રોમાં ‘સત્ય’ ફક્ત એટલું જ હોય છે કે તે અક્ષરશઃ મિથ્યા હોય છે. આ બોધપ્રાપ્તિ વહેલા થઈ ગઈ હોવાથી વડીલો આપણાં પ્રેમમાં વિઘ્ન કરતાં હોય છે. જે ત્યારે નથી સમજાતું હોતું !

યાદ કર એ દિવસો કે જ્યારે તું મને વડોદરા તરફ સાથે ભાગી નીકળવાનો આગ્રહ કરતી હતી ! હું બાપાની કમાઈને આશરે હતો અને વડોદરા મેં નકશા સિવાય ક્યાંય જોયેલું નહોતું ! વળી ત્યારે ઊડી નીકળવાની પ્રથા શરૂ જ થયેલી ! મારી શક્તિની મને ખબર હતી એટલે તારા ઠપકાંઓ અને મહેણાં સાંભળીને પણ હું ચલાયમાન ન થયો. જ્યારે આપણા માતા-પિતાની આપણા લગ્ન બાબતે કોઈપણ ઉપાયે સંમતિ મળે તેમ નહોતી ત્યારે તેં મારી સમક્ષ સાથે જ ડૂબી મરવાનો પ્રસ્તાવ મૂકેલો. ખરેખર તો મને મરી જવાની જરાય ઈચ્છા નહોતી એટલે આ કાર્યક્રમ ઉનાળા સુધી મુલતવી રાખી, પાણી નહોતું એવા બે ડેમમાં તને ફેરવી, પાછી લાવેલો. વળી, એ અરસામાં તો હજુ આવી ફેશન શરૂ પણ થઈ નહોતી. માત્ર ચલચિત્રોમાં જ અને નવરા લેખકોની વાર્તાઓમાં જ આવી ઘટનાઓ ઘટતી. આ જન્મમાં એક ન થવાય તો કંઈ નહીં, આવતા ભવે તો જરૂર ભેગા મળશું જ, એવો તારો ખ્યાલ આમાંથી જ બંધાયેલો ! જો આવતા જન્મે આ રીતે ભેગા થઈ શકાતું હોત તો કરોડો રૂપિયાનું દેવાળું કાઢી ઝેર પી લેનારાની પાછળ લાખો રૂપિયાના લેણદારો ટૂંપો ન ખાત ? યુવા વર્ગે માત્ર ફિલ્મોમાંથી ન શીખતા ફિલ્મો બનાવનારાઓ પાસેથી પણ કંઈ શીખવાની દરકાર કરવી જોઈએ. અભિષેકભાઈ અને ઐશ્વર્યાબેને પણ આપણી જેમ ‘એક જાન હૈ હમ’ કરી ડૂબી મરવાના બે-ચાર અવસરો જતા કરી દીધા ન હોત તો આપણે એનો પ્રભુતામાં પ્રવેશ જોઈ શકત ખરા ?

અને હા, આપણે જીવતા રહ્યાં તો શું ઓટ આવી ગઈ ? ‘શર સલામત તો પઘડિયાં બહોત’ એમ કોઈક ડાહ્યા માણસે આ માટે જ કહ્યું હશે ! આ દુનિયા જેટલી ધર્મના નામે છેતરાઈ છે એટલી જ પ્રેમના નામે છેતરાઈ છે. ધર્મના નામે બીજાને છેતરી શકાય છે જ્યારે પ્રેમના નામે માણસ પોતાની જાતને છેતરે છે. અને એ પણ એટલી જ સિફતથી કે તેને ખુદને જ છેતરાયાનું ભાન કદી થતું નથી ! હવે તો તને પણ મારી જેમ આત્મસાત્‍ થઈ ગયું હશે કે ‘પ્રેમલગ્ન’ કરતાં ‘લગ્નપ્રેમ’ ઊંચી બાબત છે. પણ ઈશ્વર જીવે છે ત્યાં સુધી આપણે આ દુનિયાની કાંઈ ચિંતા કરવાની જરૂર ખરી ?

લી. ઠરીઠામ થયેલો,

ઠાકરશી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “માજી પ્રેમિકાને પ્રેમપત્ર – ડૉ. અમૃત કાંજિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.