સાત ફેરે – રોહિત શાહ

(‘ચક્રમ ચંદન’ સાપ્તાહિકમાંથી)

લગ્નની વિધિ માટે જેમ સપ્તપદી હોય છે એમ લગ્નસંબંધને આજીવન નિભાવવા માટે સાત વિઘ્નો પાર કરવાનાં હોય છે. એ સાત વિઘ્નો લગ્નજીવનને મજાની વિઘ્નદોડ બનાવે છે. એક ખાનગી વાત કરી દઉં કે લગ્નની વિધિ વખતે ઉચ્ચારાતી સપ્તપદીનો અર્થ તમને નહીં સમજાયો હોય તો કશો વાંધો નહીં આવે, પરંતુ લગ્નજીવનને નિભાવવાનાં આ સાત વિઘ્નોને પાર કરવાની સમજણ નહીં કેળવી હોય તો આજીવન વલોપાત અને બળતરા વેઠવા પડશે.

૧. અહમ : આપણા પુરુષપ્રધાન સમાજમાં ઘણા પુરુષોને જન્મથી જ પુરુષપણાનું અહમ્‍ હોય છે. પોતાને કેટલાક વિશેષ અધિકારો મળેલા છે એવા નશા સહિત તે દામ્પત્યજીવનની કેડીએ પગ મૂકે છે. બીજી તરફ આજની ભણેલી-ગણેલી અને સ્વાવલંબી બનેલી યુવતી પોતાને ઓશિયાળી, પરાવલંબી કે ઘરકૂકડી માનવા તૈયાર નથી. એક જમાનામાં પત્ની પોતાને દાસી અને પતિને પરમેશ્વર માનતી હતી. આજની સ્ત્રી એમ સમજે છે કે પતિ અને પત્નીમાં કોઈ આશ્રિત નથી અને કોઈ આશ્રયદાતા નથી, બન્ને મિત્રો છે અને પોતાનાં સુખ-દુઃખ માટે બન્ને સરખાં જ જવાબદાર છે. જ્યાં એક પાત્ર પોતાને ચડિયાતું અને બીજાને ઊતરતું મને ત્યાં અહંની ટકરામણ થયા વગર રહેશે નહીં. અહમ્‍ હશે ત્યાં આધિપત્ય હશે અને ત્યાં અધઃપતન હશે. પતિ-પત્ની વચ્ચે ક્યારેક મતભેદ-વિચારભેદ તો થાય. બે અલગ વ્યક્તિઓ અલગ પરિવારની આગવી જીવનશૈલી લઈને જોડાઈ હોય ત્યારે એમ થવું સ્વાભાવિકછે. ઊલટાનું એમ થવાથી પરસ્પરની આત્મીયતામાં ભીનાશ પ્રગટે છે. જો વચ્ચે અહમ્‍ પલાંઠી વાળીને બેઠું ન હોય તો લડાઈ-ઝઘડા પછી બન્ને પક્ષે પરસ્પરને માફ કરવાની ઉદારતા અને ઉત્કટતા હશે. ઉત્કટતા તેમને વધારે નિકટ લાવશે.

૨. અજ્ઞાન અને અંધશ્રદ્ધા : બીજું વિઘ્ન અજ્ઞાન અને અંધશ્રદ્ધાનું છે. લગ્નગ્રંથિથી જોડાયેલાં બન્ને પાત્રો જો સરખાં ધાર્મિક અને સમાન શ્રદ્ધાવાળાં હશે અથવા સરખાં નાસ્તિક અને સમાન વૈજ્ઞાનિક અભિગમવાળાં હશે તો તેમનું ગાડું બરાબર ચાલતું હશે. બન્ને કાં તો સાચા રસ્તે હશે અથવા તો બન્ને ખોટાં રસ્તે હશે, પરંતુ તેમની વચ્ચે કશી ટકરામણ નહીં હોય, એવું યુગલ કોઈ ઉન્નત જીવન નહીં જીવતું હોય. પણ તેમના જીવનમાં ઝાઝી ઊબડખાબડ પણ નહીં હોય. પરંતુ પતિ અને પત્નીમાંથી જો એક પાત્ર નાસ્તિક હશે અને બીજું પાત્ર વધુ પડતું ભગતડું હશે તો તેમની વચ્ચે સતત તણખા ઝર્યા કરશે.

૩. અસંતોષ : ત્રીજું વિઘ્ન અસંતોષનું છે. દામ્પત્યજીવનમાં અસંતોષ થવામાં સેક્સ સૌથી પ્રબળ અને મહત્વનું કારણ છે. સેક્સ બાબતનો અસંતોષ લાઈફ-પાર્ટનરને ખૂબ તડપાવે છે અને આખરે તેને ગુમરાહ કરે છે. ઘણાં દમ્પતીઓને લગ્નનાં અમુક વર્ષો પછી પણ સંતાનસુખ નથી મળ્યું હોતું. આ અસંતોષ પણ ભારે પીડાકારક બની રહે છે. ખાસ કરીને સ્ત્રીને માતૃત્વની પ્રબળ ઝંખના હોય છે. વળી આપણો પુરુષપ્રધાન સમાજ મોટેભાગે આવી બાબતમા સ્ત્રીને જ જવાબદાર સમજીને તેની સાથે દુર્વ્યવહાર કરે છે. ત્રીજો અસંતોષ આર્થિક બાબતોનો હોય છે. આર્થિક અસંતોષ બે પ્રકારના હોય છે : એક તો ઘર ચલાવવાની પણ ત્રેવડ નથી એટલે ડગલે ને પગલે મન મારીને જીવવું પડતું હોય છે. બીજામાં આર્થિક સ્થિતિ સારી હોય, પરિવાર સમૃદ્ધ હોય તો પણ મારા-તારાના પ્રશ્નો પજવતા હોય છે. આવા કોઈ પણ અસંતોષ વખતે પતિ-પત્નીએ પરસ્પરના પડખે રહેવું જોઈએ. પતિ-પત્ની માત્ર સુખનાં જ સહભાગી નથી હોતાં, દુઃખમાં પણ તેમણે સાથ નિભાવવાનો હોય છે. ખરેખર તો દુઃખમાં જ એકબીજાને વિશેષ સંભાળવાનાં-સાચવવાનાં હોય છે.

૪. અપેક્ષાઓ : લગ્ન પછી થોડા જ સમયમાં બન્નેની પરસ્પર માટેની અપેક્ષાઓનાં ઘોડાપુર ઊમટે છે – તું મારા પરિવાર માટે આટલું કર, તું મને દરરોજ ફરવા લઈ જા, તું મને અવારનવાર ગિફ્ટ આપ, તું મારી ભૂલોની ટીકા કરવાને બદલે માફ કર, તું પણ જૉબ કરવા જા અથવા તારે જૉબ કરવા નથી જવાનું. અપેક્ષાઓનાં આ વિઘ્નોનો ઉપાય એ જ હોઈ શકે કે પહેલાં સામેના પાત્રની અપેક્ષા પૂરી કરવાની અને પછી જ પોતાની અપેક્ષા આગળ કરવાની. દામ્પત્યજીવનની મધુરતા આવા સ્નેહથી વધુ ઘૂંટાતી હોય છે.

૫. અણગમો : સુખી લગ્નજીવનનું પાંચમું વિઘ્ન છે એકબીજાને માટેનો અણગમો. લગ્નના પ્રારંભિક તબક્કામાં પરસ્પર માટે જે વળગણ હોય છે એ ધીમે-ધીમે ઓગળી ચૂક્યું હોય છે. એકબીજાના સ્વભાવમાં તફાવત હોય, એકબીજાની સમજણમાં વધઘટ હોય ત્યારે પરસ્પર જાણે અણગમો ઘટ્ટ બનતો જતો હોય છે. સાવધાની રાખવામાં ન આવે તો એ અણગમો છેવટે દીવલ બની જાય છે. એક વાત યાદ રાખવી જોઈએ કે મનગમતું પાત્ર ન મળ્યું હોય એની પીડા કરતાં અણગમતા પાત્ર સાથે પડેલો પનારો નિભાવવાનું વધારે પીડાદાયક હોય છે. લગ્નજીવનમાં અણગમો ન પ્રવેશી જાય એ માટે બન્નેએ સાવધ રહેવું જોઈએ.

૬. અપલક્ષણ અને અવળચંડાઈ : છઠ્ઠું વિઘ્ન અપલક્ષણ કે અવળચંડાઈનું હોય છે. કોઈ એક પાત્ર રંગીન મિજાજનું હોય, પોતાનું જ ધારેલું કરવાની તીવ્ર વૃત્તિવાળું હોય ત્યારે બીજા પાત્રનું જીવતર ઝેર જેવું થઈ જાય છે. પતિ અને પત્ની એકબીજાને વફાદાર રહેવાને બદલે પોતાને મનગમતું સુખ ખાનગીમાં શોધી લેતાં હોય છે. આવાં પાત્રો પરસ્પર પ્રત્યે સતત વહેમાયા કરતાં હોય છે. એકબીજા પર વિશ્વાસ રાખવાને બદલે તેઓ એકબીજાનાં ચોકિયાત બની બેસે છે. એક બીજી વાત પણ યાદ રાખવી જોઈએ કે વિશ્વાસ રાખનાર કદાચ છેતરાઈ જાય છે, પરંતુ અવિશ્વાસ રાખનાર પાત્ર તો ચોક્કસ છેતરાય છે અને આજીવન મનોમન રિબાય છે.

૭. અલગ રહેવાની પરિસ્થિતિ : સાતમું વિઘ્ન અલગ રહેવાની પરિસ્થિતિનું છે. વ્યવસાય કે જૉબને કારણે પતિ-પત્નીને અલગ રહેવાના સંજોગો ઊભા થયા હોય અથવા પરસ્પર માટે ફુરસદ ન રહેતી હોય ત્યારે તેમના સંબંધમાં એક પ્રકારનું અંતર પેદા થવા લાગે છે. નાનકડો વિયોગ પરસ્પરને વધુ નજીક લાવવાનું કામ કરે છે, પરંતુ લાંબો વિયોગ પરસ્પરથી એકમેકને દૂર કરી મૂકે છે. બન્નેને પરસ્પર વગર ચાલતું અને ફાવતું થઈ ગયા પછી એકબીજાની જરૂર પણ રહેતી નથી. આવા વિઘ્નનો ઉપાય એ છે કે પતિ-પત્નીએ વ્યવસાય અને આર્થિક બાબતો કરતાં એકબીજાના સાંનિધ્યને વધુ મહત્વ આપવું જોઈએ. પરસ્પરથી દૂર રહેવાના સંજોગો શક્ય હોય ત્યાં સુધી ટાળવાના પ્રયત્નો કરવા જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સાત ફેરે – રોહિત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.