લિફ્ટ કરા દે… – પરાગ મ. ત્રિવેદી

(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

અમારે ફ્લેટ ખરીદવાનો હતો. એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ જોવા ગયા. સ્વાભાવિક છે કે ફ્લેટ જોતા પહેલાં બેઝમેન્ટમાં નજર કરીએ. અમે તો આનંદમાં આવી ગયાં- ‘અહીં તો બે-બે લિફ્ટ છે… કશી ચિંતા નહિ, એક બગડે તો બીજી તો છે જ…’

જેને પાસેથી અમારે ફલેટ લેવાનો હતો તે ભાઈએ પણ અમારું મન વાંચી લીધું. તે બોલ્યા, ‘અરે, અહીં તમારે કંઈ ફિકર નહિ… બબ્બે લિફ્ટ… એકાદી ખરાબ થાય, તો બીજી તો છે જ…’ અમને ફલેટ ગમી ગયો એટલે લઈ લીધો અને રહેવા પણ આવી ગયાં.

પણ રહેવા આવ્યા ને એકાદ મહિનો થયો, ત્યારે ખ્યાલ આવ્યો કે ‘બીજી તો છે જ’ – એમ નહિ, પણ ‘બીજી જ છે !’ એટલે કે પહેલી લિફ્ટ તો મોટાભાગે બંધ જ રહે છે… બીજે લિફ્ટ ઉપર જ આધાર રાખવો પડે છે… જે ગણો તે બીજી લિફ્ટ જ છે. પહેલી તો હોવા છતાં પણ નથી.

એપાર્ટમેન્ટના જાગ્રત રહેવાસીઓએ પ્રમુખ પાસે રજૂઆત કરી અને પહેલી લિફ્ટ રિપેર કરવાના ખર્ચનો અંદાજ કઢાવવા માટે મિકેનિકને બોલાવ્યો. તેના મત પ્રમાણે લગભગ પંચોતેર હજારનો ખર્ચ થાય એમ હતો. ‘આટલાં બધાં વર્ષ ચાલવાથી લિફ્ટ ઘસાઈ ગઈ છે, આટલો ખર્ચ તો થાય જ. અને હા, ત્યાર પછી પણ કેટલું ચાલે તે નક્કી નહિ, કારણ કે સાવ ઘસાઈ ગઈ છે.’ આટલી મોટી રકમ અને તે પણ રિપેરિંગમાં ? તેને વિદાય કરવામાં આવ્યો. પહેલી લિફ્ટ આવી રીતે સાવ બંધ પડી. ‘અત્યારે આટલી રકમ ખર્ચી રિપેર થોડી કરાવાય ? પછી નવી લિફ્ટ જ લઈ લઈશું.’ આવું સર્વાનુમતે નક્કી થયું.

બીજી લિફ્ટ એકલપંડે બોજ ઉઠાવતી રહી. થોડા મહિના સરસ ચાલ્યું. બધાને રૂપિયા પંચોતેર હજાર બચાવ્યાનો આનંદ હતો. પણ એક દિવસ બીજી લિફ્ટ પણ બગડી.. ફરી પેલા મિકેનિકને બોલાવવામાં આવ્યો. બધાએ કહ્યું, ‘જુઓને, એકાદ લાખનો ખર્ચ ભલે થઈ જાય, પણ બંને લિફ્ટ રિપેર થઈ જતી હોય તો !’

મિકેનિકે લિફ્ટ ચેક કરી, ‘કેટલાં વર્ષ થયાં આ બંને લિફ્ટને ?’ ‘અઢાર-ઓગણીસ વર્ષ થયાં.’

‘અહીં સર્વિસ કરવા કોણ આવે છે ?’

‘જુઓ ભાઈ, આ એપાર્ટમેન્ટમાં ઘણા ફ્લેટ છે. એમાંના અડધોઅડધ લોકો સર્વિસ કરે છે. એ બધા સર્વિસ કરવા બહાર જાય છે. કોઈ ગામમાં તો કોઈ બહારગામ. પણ અહીં એપાર્ટમેન્ટમાં સર્વિસ કરવા કોઈ આવતું નથી. કદાચ ટ્યૂશન કરાવવા કોઈ આવતું હોય, તો એ તો એકલદોકલ હોય, એની અવરજવરથી લિફ્ટ ઘસાઈ જાય કે નુકસાન થાય એવું બનવાની સંભાવના નહિ.’ ભૂતપૂર્વ પ્રમુખે વિશાળ રણમાંના છૂટાછવાયા થોર જેવા, મોટી ટાલમાં રહેલા વાળના ઝૂમખા પર હાથ ફેરવતા ફેરવતા મિકેનિકને પરિસ્થિતિથી વાફેક કર્યો. ‘એમના માથા પર થોડાક જ વાળ હતા એટલે તેઓ વાળ પર હાથ ફેરવતા હતા કે કાયમ હાથ ફેરવતા હતા એટલે થોડાક જ વાળ હતા ?’ – આવું હું વિચારી રહ્યો. બીજી શક્યતા સત્યની વધુ નજીક જણાતી હતી, કારણ કે તેઓના હાથ જ્યાં અડે ત્યાં બધું સાફ થઈ જતું. તેઓ પ્રમુખ હતા ત્યારે એપાર્ટમેન્ટની તિજોરી સાફ થઈ ગઈ હતી, તો વાળની શી વિસાત ? પણ તેમણે ઉપર મુજબ આપેલી સફાઈથી મિકેનિકનું મોં ઊલટું બગડી ગયું… ‘અરે, હું એવા સર્વિસવાળાની વાત નથી કરતો… અહીં લિફ્ટની સર્વિસ કરવા કોણ આવે છે ?’

હવે વર્તમાન ઉપપ્રમુખે મોરચો સંભાળ્યો – ‘જુઓ ભાઈ, અહીં ક્યારેય લિફ્ટ બગડતી નહોતી એટલે સર્વિસ કરવા કોઈ આવતું નથી.’

‘પણ બગડે નહિ એટલે સર્વિસ નહિ કરાવવાની ? થોડા થોડા ટાઈમે સર્વિસ તો કરાવવી જોઈએ ને ?’

‘…’

‘સર્વિસ કરાવતા હોય તો લિફ્ટ વરસોનાં વરસો ચાલ્યા કરે… ઘસાય નહિ. તમારી આ બંને લિફ્ટ ઘસાઈ ઘસાઈને ઠેકાણે થઈ ગઈ છે.’

‘લિફ્ટની સર્વિસ કરાવવાનું આટલાં વર્ષ કોઈને સૂઝ્યું નહિ ?’ જેમના ગોઠણના સાંધા ઘસાઈ જવાથી એક પગ પર હાથ મૂકીને ચાલતા અને એપાર્ટમેન્ટની શરૂઆતથી જ કારોબારીમાં રહેલા એક કારોબારી સભ્યે આક્રોશ વ્યક્ત કર્યો. તેઓ કારોબારી સભ્ય હોવા છતાં અવારનવાર મેઈન્ટેનન્સ ચાર્જ ભરવાના ધાંધિયા કરતા હતા. લિફ્ટ બગડવી શરૂ થઈ ત્યારથી તેઓ નિયમિત મેઈનેટેનન્સ ચાર્જ ભરવા લાગ્યા છે, કારણ કે દાદરા ચડવામાં સૌથી વધુ તકલીફ તેમને પડે છે.

જેવા તેઓ આક્રોશથી બોલ્યા કે તેમના આક્રોશ કરતા અનેકગણા રોષથી બધા તેમની સામે જોવા માંડ્યા. તેમનું મોં વસાઈ ગયું. વાતવરણ શાંત થઈ ગયું. સૌ એકબીજાની સામે જોવા લાગ્યા. ટોપ ફ્લોર પર રહેતા એક ઠીંગણા રહેવાસીએ પગના અંગૂઠા પર ઊંચા થઈ બાજુમાં ઊભેલ લંબૂસના કાનમાં કહ્યું, ‘પ્રમુખ જ બધા એવા બને છે ને… કંઈ કરતા જ નથી… મારું તો મગજ ઘસાઈ જાય છે… લિફ્ટ તો ઘસાઈ જ જાય ને…’

‘મેં તો એટલે જ કારોબારીમાંથી રાજીનામું આપી દીધું…’ લંબૂસે મોં બગાડતાં કહ્યું.

એપાર્ટમેન્ટમાં નવા રહેવા આવેલા, સર્વિસ પર કાયમી મોડા જતા એક સરકારી અધિકારી બોલ્યા, ‘આટલાં-આટલાં વરસોમાં કોઈને સમયસર સર્વિસ કરાવવાનો ખ્યાલ ન આવ્યો ?’

‘હવે તમે તો હમણાં આવ્યા… તમને શું ખબર હોય ? એટલું બધું આવડતું હોય તો બનો લ્યો પ્રમુખ… કાલથી તમે પ્રમુખ ! સંભાળો વહીવટ ને કરાવો બધું સમયસર.’ વર્તમાન પ્રમુખ સાથે ઉપર ઉપરથી સારા સંબંધ રાખતા, પણ તેના કટ્ટર વિરોધી એવા એક વેપારીએ ચશ્માંની સાઈડમાંથી ત્રાંસી આંખે પ્રમુખ સામે જોતાં રોકેટ છોડ્યું. પ્રમુખનું મોં ઝડપી બોલરનો બાઉન્સર લાગ્યો હોય એવું થઈ ગયું.

ઘણી સ્ત્રીઓ પણ ત્યાં સુધીમાં આવી ગઈ હતી. ‘આપણે ઘર દર વર્ષે કેવાં સાફસૂફ કરીએ છીએ. આ જેન્ટ્સને કોઈને આટલાં વર્ષ લિફ્ટ સર્વિસ કરાવવાનું સૂઝ્યું નહિ ?’

‘તો શું ? ઘરનું તો એક કામ નથી કરી શકતા. પણ આવી વસ્તુમાંય ધ્યાન ન પડે તો શું કામનું ?’

‘માર હસબન્ડ શાક લેવા, દળણું દળાવવા, છોકરાને લેવા-મૂકવા, ભંગાર/પસ્તી આપવા, ઈસ્ત્રીનાં કપડાં લેવાં-આપવાં, કચરો ફેંકવા – એમ કોણ જાણે કેટલી વાર લિફ્ટમાં જતા હશે, પણ એમને ક્યારેય એવો ખ્યાલ ન આવ્યો કે આ લિફ્ટની સર્વિસ કરાવવી જોઈએ… હવે કેવા હેરાન કરે છે ! દળણું દળાવવા જાય તો કેટલી વારે પાછા આવે… ૨૦-૨૫ પગથિયાં ચડે, વળી પોરો ખાય, વળી ૧૫-૨૦ ચડે ને આરામ કરે. ઘરમાં છોકરાં ‘ભૂખ લાગી ભૂખ લાગી’ કરતાં હોય પણ આ લોટ લઈને આવે, તો રોટલી માંડું ને !’ એક બહેને પોતાના કમભાગીપણાની વાત પોતાની પડોશણને જ સંભળાય એવા ધીમા અવાજે કહી. અત્યારે તેમણે એટલા ધીમા અવાજે વાત કરી કે તેમની બાજુમાં ઊભેલ પડોશણા સિવાય કોઈને સંભળાયું નહિ. પણ ક્યારેક ઘરમાં તેમની બાજુમાં જ ઊભેલ તેમના પતિને તેઓ એવી રીતે આજ્ઞા કરતા કે પડોશણ તેના પોતાના ઘરમાં જ બેઠા બેઠા સાંભળી શકતી. ત્યારે તેને નજીક હોવાની જરાપણ જરૂર રહેતી નહિ.

સ્ત્રીઓના ટોળામાંથી એક અવાજ સંભળાયો – ‘તમારા જેન્ટ્‍સથી શેક્યો પાપડ નથી ભાંગતો, તો પછી આ કમિટીઓ બનાવીને શું કામ બેઠા છો ? વિખેરી નાખો કમિટીઓ… રદ કરો બધા હોદ્દા.’ બધા પુરુષોની નજર સ્ત્રીઓના ટોળા તરફ ખેંચાઈ. ઘરના સભ્યોની અનિચ્છા છતાં પ્રમુખ બનેલા વર્તમાન પ્રમુખશ્રીના પત્નીનું આ મધુર વાક્ય હતું.

બીજી અમુક વ્યક્તિઓને પ્રમુખ બનવા ન દેવા માગતા અને આથી જ વર્તમાન પ્રમુખને ચાલુ રાખવામાં ખૂબ રસ ધરાવતા એક કમિટી મેમ્બર તાડૂક્યા, ‘હા, હા, તો આપી દો બધો વહીવટ આ લેડિઝ ડિપાર્ટમેન્ટને… પછી જુઓ કેટલી વીસે સો થાય છે… અરે, તમે લોકો તો ગેલેરીમાંથી કચરો ફેંકવાનું ને બીજા પર એંઠવાડના તપેલા ઊંધા વાળવાનું બંધ કરો ને, તોયે બને ! આખો દિવસ જાતજાતના પાણી ને રગડા આ ફેંક્યા નીચે…’

પોતાની પત્નીની વાત કાપનાર તે ભાઈ તરફ પ્રમુખશ્રી માનની નજરે જોઈ રહ્યા, ‘કાશ પોતે પણ એવું કરી શકતા હોત !’

પેલા ભાઈના ટેકામાં માથામાં મેંદી નાખેલ એક પ્રૌઢ બોલ્યા, ‘હા, સાચી વાત છે… આ ગઈ કાલે જ હું દુકાને જતો હતો, કે ઈડલીનું ખીરું પડ્યું મારે માથે, બોલો !’

ખૂણામાં ઊભેલા બે યુવાનમાંથી એકે બીજાના કાનમાં કહ્યું, ‘એ કંજૂસે તો ઈ ખીરુંય દુકાને જઈ વેચી નાખ્યું હશે…’ બંનેએ હસીને એકબીજાને તાળી આપી.

ઈડલીના ખીરાને વાત સાંભળતાં જ પરમદિવસે ઈડલીનું ભોજન પામીને ધન્ય થનાર એક યુવાનનું મોં પાન ખાતાં થંભી ગયું. તેણે સ્ત્રીઓના ટોળામાં ઊભેલી તેની પત્ની સામે જોયું. તેની પત્નીએ પણ ઉપરનું વાક્ય સાંભળી તેના પતિ ભણી નજર ફેંકી. યુવાને પ્રશ્નસૂચક નજરે જોયું. તેની પત્નીએ તોફાની સ્મિત કરી હકારમાં ધીમેથી ડોકું હલાવ્યું ! યુવાને ડોળા તતડાવ્યા. યુવતીએ નારાજ થઈ નજર ફેરવી લીધી.

‘અમે લેડિઝ જેમ ઘર સંભાળી શકીએ ને, એમ એપાર્ટ્મેન્ટનો વહીવટ પણ સંભાળી શકીએ. હા, એમાં કોઈ શંકા નથી. પણ અત્યારે નહિ. અત્યારે તો તો તમારા કરેલા તમે ભોગવો. લિફ્ટનું બધું સરખું કરાવો. પછી આપો અમને વહીવટ… બતાવી દઈએ…’

‘ભાઈઓ તથા બહેનો, જુઓ, જુઓ… શાંતિ… શાંતિ… આમ એકબીજા પર દોષારોપણ કરવાથી કંઈ નહિ વળે. આપણે બીજા પર રોષ ન ઠાલવવો જોઈએ. આ પ્રશ્ન આપણો છે અને આપણે જ એને ઉકેલવો જોઈએ.’ પોતાને શરદી થાય તોયે બીજા ડૉક્ટર પાસે દવા લેવા જતા (તેઓની દવાથી કોઈને સારું થતું નથી એની ખબર હોવાથી) ડૉક્ટરસાહેબે બધાની વચ્ચે ઊભા રહી બોધ આપ્યો. ‘આપણે અંદરોઅંદરની વાતચીતથી અને દલીલોથી વાત આગળ નહિ વધારી શકીએ. આપણે મિકેનિકને જ પૂછીએ કે કેમ ભાઈ, આનો શો ઉપાય છે ?’ પોતાને કોઈ ગ્રહ નડે છે એવું માનતા કોઈ જાતક જ્યોતિષને પૂછે એવો પ્રશ્ન મિકેનિકને પૂછવા સૌ અધીર બન્યા. મિકેનિકને પૂછ્યું, ‘શો ઉપાય છે ?’

મિકેનિક ક્યારનો બધાની ચર્ચા સાંભળાતો હતો. તેના મગજના સ્ક્રૂ હલબલવા માંડ્યા હતા. તેનું મગજ બગડે તે પહેલાં સમયસર તેના ભણી સૌ ફર્યા અને તેના જવાબની રાહ જોઈ રહ્યા.
‘એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના તમને પહેલા નંબરની, અગાઉની બંધ પડેલી લિફ્ટ ચાલુ કરી આપું તો ?’ લિફ્ટનો મિકેનિક બોલ્યો.

પ્રમુખશ્રીનું ભારે શરીર આ વાક્ય સાંભળી ખુરશીમાંથી અચાનક ‘લિફ્ટ’ થઈ ગયું… એ ઊભા થઈ ગયા ! ‘શું… શું વાત કરો છો ? એક પણ રૂપિયાના ખર્ચ વિના પહેલી લિફ્ટ ચાલુ ?’

‘હા.’

‘કેવી રીતે ?’

‘બીજી લિફ્ટ આમ ઘસાઈ ગઈ છે, પણ એમાંની અમુક વસ્તુઓ ચાલે એવી છે, જે પહેલી લિફ્ટમાં બગડેલી છે… સમજી ગયા ને ? આટલી વસ્તુ બીજી લિફ્ટમાંથી પહેલી લિફ્ટમાં નાખીએ એટલે એક લિફ્ટ અફલાતૂન બની જાય.’

સૌ હર્ષાવેશમાં આવી મિકેનિકને ધન્યવાદ આપવા માંડ્યા. બીજા જ દિવસે બેમાંથી એક લિફ્ટ બનાવી નાખી. એટલે કે બીજી લિફ્ટના સારા-સારા પાટ્‍ર્સ કાઢી પહેલીમાં નાખી દીધા. લિફ્ટ થઈ ગઈ ચાલુ… નવા અરીસાની ખરીદી થઈ, લાઈટ-પંખા ફિટ થયાં અને એપાર્ટમેન્ટ આખામાં ખુશી છવાઈ ગઈ.

લિફ્ટનો ઉપયોગ સરખી રીતે થાય તે માટે લિફ્ટમેન રાખવામાં આવ્યો – કેટલો મોટો ખર્ચ બચી ગયો,તો આટલો ખર્ચ કરવામાં શું વાંધો ?

થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. પરંતુ એક દિવસ ત્રીજા અને ચોથા માળ વચ્ચે લિફ્ટ અટકી પડી. લિફ્ટમેન અને ત્રણ રહેવાસીઓ સલવાયા. અંદર અકળાયા, બફાયા, ગૂંગળાયા. મહામહેનતે તેઓને બહાર કઢાયા. બહાર નીકળી તેમણે બારણું જેવું બંધ કર્યું કે લિફ્ટ ચાલુ ! સમી સાંજે કોઈ રૂપાળા યુવાનને જોઈ યુવતીની આંખો થંભી જાય એમ બે દિવસ પછી સમી સાંજે લિફ્ટ આખી ને આખી થંભી ગઈ. તે પણ અઢાર-ઓગણીસની જ હતી ને ! પણ તે કોને જોઈ થંભી ગઈ તે ખ્યાલ ન આવ્યો. તેને થંભેલી જોઈને ઘણાને પોતાનું હૃદય થંભી જશે એમ લાગ્યું –ખાસ કરીને સૌથી ઉપરના માળવાળાને. તરત બે જણ મિકેનિકને બોલાવવા ગયા. તેનું ઘર બંધ હોવાથી બાજુવાળાને પૂછતાં જણાયું કે તે તો બહારગામ નોકરી મળવાથી ચાલ્યો ગયો છે. અન્ય જગ્યાએ પૂછપરછ કરી. બીજા મિકેનિકને બોલાવવામાં આવ્યો. તેણે લિફ્ટ ચેક કરી પૂછ્યું, ‘આ એક કંપનીની લિફ્ટમાં બીજી કંપનીના પાટ્‍ર્સ કેમ છે ?’ અમે બધી વાત કરી.

તે બોલ્યો, ‘એટલે જ આવું થાય છે. ગમે ત્યારે લિફ્ટ અટકી પડે ને ગમે ત્યારે ચાલુ થાય ! એક કંપનીની લિફ્ટમાં બીજી કંપનીના પાટ્‍ર્સ ક્યારેય ન નખાય…’

તેણે મહેનત કરી લિફ્ટ ચાલુ તો કરી પણ જતા જતા કહેતો ગયો, ‘આમાં થોડી થોડી તકલીફ તો રહેશે જ…’

એક દિવસ ફરી લિફ્ટ પહેલા અને બીજા માળ વચ્ચે અટકી. આ વખતે અંદર ફસાવામાં એક જાડા ભાઈ અને બાળકો હતાં હા, લિફ્ટમેન તો ખરો જ ! પેલા જાડા ભાઈ લિફ્ટ અટકવાથી બેબાકળા બની, ઊભા ઊભા જ પગથિયાં ચડવાના ખ્યાલ માત્રથી હાંફવા માંડ્યા. બંને બાળકો ચીસો પાડી કૂદવા લાગ્યા. લિફ્ટમેનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. પેલા ભાઈ હલબલવા માંડ્યા ને જગ્યા ઓછી પડતાં લિફ્ટમેનને ધમકાવવા લાગ્યા. બંને બાળકો ઊછળી-ઊછળી લિફ્ટમેનના પગ ઉપર પડતા હતા. તે અધમૂઓ થઈ ગયો. માંડ માંડ બારણું ખોલી બધાએ તેમને બહાર કાઢ્યાં. એ દિવસે ૧૫ તારીખ હતી. પણ લિફ્ટમેન કોઈને કહ્યા સિવાય, પંદર દિવસનો પગાર માગ્યા વિના જ ચાલ્યો ગયો. અવારનવાર ‘લિફ્ટ’માં ‘ફિટ’ થઈ જવાથી અને આવી રીતે હેરાન થવાથી તેને ડર લાગી ગયો હશે કે ક્યાંક એ જ ‘ઉપર’ લિફ્ટ ન થઈ જાય !

બીજો લિફ્ટમેન તરત મળી ગયો. પણ જેટલી વાર લિફ્ટમાંથી માણસો બહાર નીકળે એટલી વાર એ પોતાના મોઢામાંથી બીડીનો ધુમાડો બહાર કાઢતો હતો. આથી તેને લિફ્ટની એટલે કે એપાર્ટમેન્ટની બહાર કરી દેવાયો.

બેકારી એટલી છે કે ત્રીજો લિફ્ટમેન ત્રણ દિવસમાં મળી ગયો. પણ તેને ચાર જ દિવસમાં છૂટો કરવાનો થયો કારણ કે તે લિફ્ટમાં ઊભો રહેતો ત્યારે ત્રણ માણસની જગ્યા રોકાઈ જતી !
વાત બધે ફેલાઈ ગઈ છે. અત્યારે કોઈ લિફ્ટમેન તરીકે રહેવા તૈયાર નથી. મિકેનિક પણ આવવાનું ટાળે છે. લિફ્ટ આમ તો ચાલે છે, માત્ર થોડા મુદ્દા એપાર્ટમેન્ટવાસીઓએ યાદ રાખવા પડે છે :
(૧) છઠ્ઠે માળે લિફ્ટ ઊભી રહેતી નથી. તે માળના રહેવાસીઓએ પાંચમે માળેથી લિફ્ટમાં બેસવાનું અને સાતમે માળે ઊતરી એક માળનાં પગથિયાં ઊતરી ઘરે પહોંચવાનું.
(૨) સાતમે માળે લિફ્ટનો દરવાજો બહારથી નથી ખૂલતો. તેમણે પણ બેસવા પાંચમે માળે જવાનું, સાતમે માળે ઊતરી શકે.
(૩) ચોથા માળે અંદરથી લિફ્ટ નથી ખૂલતી. તેઓ ચોથા માળેથી બેસી શકે, ઊતરવાનું પાંચમા માળે.
(શું પૂછો છો ? પાંચમા માળવાળો ક્યાંથી બેસે-ઊતરે એમ ? અરે એમને તો પોતાના જ માળેથી-પાંચમા માળેથી જ બેસવા-ઊતરવાનું… ફૂલ ફેસિલિટી ! માત્ર પોતાનો વારો આવે એની રાહ જોઈ ટોળામાં (ચોથા, છઠ્ઠા, સાતમા માળવાળાનું સ્તો) ઊભું રહેવું પડે. આનાથી કંટાળી ક્યારેક તેઓ પગથિયાં ઊતરવા માંડે છે.)
(૪) એકથી ત્રણ માળના લિફ્ટના બટનમાં લાઈટ નથી થતી, લાઈટ ન થાય એટલે બટન બરાબર દબાયું કે નહિ તે પાકું ન થાય. બધાએ વારંવાર બટન દબાવ્યા કરવાં.
ઉપરના બધા જ મુદ્દા જેને યાદ હોય તે એપાર્ટમેન્ટમાં ‘પૂછવાયોગ્ય’ માણસ ગણાય છે, બધા એના પ્રત્યે માનની નજરે જુએ છે.

કોઈ મહેમાન અમારા એપાર્ટમેન્ટમાં આવવાના હોય તો તેમને ચેતવી દેવામાં આવે છે- ‘તમે આવો, જરૂર આવો, પણ લિફ્ટ ગમે ત્યારે બંધ થઈ જાય છે. એટલે અહીં પહોંચો ત્યારે કદાચ બંધ હોય. તો એકસો દશ પગથિયાં ચડી શકો એમ છો ને ?’

આવું સાંભળી આવનારાઓને શંકા ઊપજે છે કે ‘આને આવવા જ નથી દેવા લાગતા. વહેવાર ન રાખવો હોય તો સીધી રીતે ના પાડતા હોય તો…’ ઘણા વળી આવું સાંભળી વિચારે ચડી જાય છે ને સમજીવિચારી આવવાનું બંધ રાખે છે. ઘણા વળી નીચે સુધી આવી, લિફ્ટ બંધ જોઈ, ફોન પર વાત કરી પાછા વળી જાય છે; પછી બીજી વખત આવવાની જલદી હિંમત કરતા નથી. તો અમુક મહેમાન લિફ્ટ બંધ જોઈ, પગથિયા ચડવાની શરૂઆત પણ કરે છે, હાંફ ચડવાથી પાછા ઊતરી જાય છે.

આમ, અમારા એપાર્ટમેન્ટના રહેવાસીઓને ત્યાં ચા-ખાંડ-શરબતનો વપરાશ ઓછો થઈ ગયો છે. ઘઉં પણ ઓછા જોઈએ છે – બહારગામથી કોઈ ફરવા/રોકાવા નથી આવતું. અમારા બધાનાં, એટલે કે એપાર્ટમેન્ટના રહેવાસીઓનાં શરીર સપ્રમાણ અને સુદ્રઢ બની ગયાં છે. કોઈને વધારાની કસરતની જરૂર પડતી નથી, લગભગ રોજ એકાદી વખત ત્રીસથી માંડીને એકસો દસ પગથિયાંની કસરત થઈ જાય છે.

મને મળેલી માહિતી મુજબ અદનાન સામીના ફ્લેટની લિફ્ટ બંધ થઈ ત્યારે તેણે પેલું ગીત ગાયેલું-
લિફ્ટ કરા દે, લિફ્ટ કરા દે,
મુજકો ભી તૂ લિફ્ટ કરા દે.

પણ મને એની પછીની લીટી સામે વાંધો છે – ‘થોડી સી તું લિફ્ટ કરા દે.’ અમારી લિફ્ટ તો આ કામ ઘણી વાર કરે જ છે… ‘થોડી સી’ લિફ્ટ થઈને તે અધવચ્ચે અટકી જાય છે. તેના માટે વળી ગીત ગાવાની શી જરૂર ! પણ વધારે વિચાર કરતાં મને સમજાયું કે અદનાનનો ક્લેટ ફર્સ્ટ ફ્લોર પર હશે. તેનું એ સમયનું ભારે શરીર જોતાં તે એટલા પણ દાદરા ચડી શકે એ વાતમાં માલ નહિ ! એટલે એણે ગાયું હશે – બલકે પ્રાર્થના કરી હશે–
‘લિફ્ટ કરા દે, મુજ કો ભી તૂ લિફ્ટ કરા દે.
થોડા સા તૂ લિફ્ટ કરા દે’

એટલે કે ‘મને પહેલા માળ સુધી ‘લિફ્ટ’ કરી દો, લિફ્ટને પહેલા માળ સુધી પહોંચાડી દો. પછી વધારે ઉપર લિફ્ટ ન જાય તો કંઈ નહિ !’

ઓહ ! આ કલાકારો પણ સ્વાર્થી થવામાંથી બચી ન શક્યા, નહિ ?

લિફ્ટની તકલીફ વધ્યા પછી ઘણાએ પોતાનો નિવાસ બીજે શિફ્ટ કરી નાખ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “લિફ્ટ કરા દે… – પરાગ મ. ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.