છાનું રે છપનું કંઈ થાય અહીં – વિજય શાસ્ત્રી

(‘સરનામું બદલાયું છે’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

અશક્તિ ઠીકઠીક લાગવા માંડી હતી, છતાં મન મક્કમ રાખીને ભાલચન્દ્રભાઈ હરતાફરતા રહેતા હતા. ઘરમાં કોઈને લાગવું ન જોઈએ કે કશી તકલીફ ઊભી થઈ છે. કોઈકમાં જોકે તેમનાં પત્ની ભાનુમતી જ ઘરમાં હતાં. દીકરો તો પરણીને નોકરીમાં મુંબઈ સૅટ થયો હતો એટલે ફક્ત ભાનુમતીથી જ જે કંઈ હોય તે બને ત્યાં સુધી છાનું રાખવાનું હતું. એક જ માણસને સાચવી લેવાનું હતું. થાળીમાં રોજની જેમ પાંચ રોટલી ભાનુમતી મૂકતાં ને કંઈ કામે આઘાંપાછાં થતાં એટલે ભાલચન્દ્ર બે રોટલી અતિશય ચપળતાપૂર્વક પાછી મૂકી દેતા અને તે પણ એટલી વ્યવસ્થિત રીતે કે ઉપરથી મુકાઈ છે એમ ન લાગે. ભાનુમતી ચકોર હતાં-પહેલેથી જ માળી બહુ હોશિયાર ! કંઈ પણ, કશે પણ, અવળું બન્યું હોય તો તરત એમને ગંધ આવી જતી ને ફંફોસ કરીને તેનું પગલું પકડી પાડતાં, પણ સદ્‍ભાગ્યે પોતે છેલ્લા થોડાક દિવસથી આ બે રોટલી પકડાયા વગર પાછી વાળી શકતા હતા. બધું સહીસલામત સંપન્ન થાય એટલે હનુમાનદાદાના ફોટા તરફ માથું નમાવ્યા વગર જોઈ લેતા. કેમ કે માથું નમાવવા જાય તોયે ભાનુમતી પકડી પાડે એમ હતાં ‘- અટાણે, કટાણે શાના પગે લાગો છો ?’ – કહીને…

બતાવવું પડશે. ડૉક્ટર સુમંત ભાલચન્દ્રભાઈનો દૂરનો સગો હતો. એનું દવાખાનું બે શેરી વટાવ્યા પછી ત્રીજી શેરીમાં હતું ત્યાં સુધી તો ભાલચન્દ્ર સવારે રોજ ચાલવા જતા જ હતા. તમાકુગુટખાનું પાઉચ વચ્ચે લારી પરથી લેવાતું. એક જ. તેમાંથી અડધું વાપરવાનું. બાકી અડધું લારીવાળાને પાછું આપવાનું. લારીવાળો હસીને એક મુકરર કરેલી જગાએ સંતાડી દે. સાંજે એ બાકીનું અડધિયું પૂરું કરવાનું. બગીચાના નળે કૉગળા કરી મોઢું સાફ કરી ઘેર આવવાનું. બધું નિર્વિઘ્ને ચાલતું હતું. ભગવાનની દયા હતી. પણ હમણાં-હમણાં થોડા દિવસથી મોં બરાબર ખૂલતું નહોતું. જરા-જરામાં થાક લાગતો હતો. ભાલચન્દ્ર તે છુપાવવા મથતા. ભાનુમતીને ખબર પડે તો બિચારી સુખિયો જીવ, દુઃખીદુઃખી થઈ જાય. ભાનુમતી માટે તેમને આ ઉંમરે પણ બહુ જ… પોતે કવિતા શાયરીના શોખીન હતા. ઘણી રચનાઓ તેમને કંઠાગ્રે હતી. સુરેશ દલાલની આ રચના –
‘કમાલ કરે છે, ડોસો ડોશીને હજુ વહાલ કરે છે !’

પોતાને કેવી સરસ રીતે બંધ બેસે છે તે જાણી આંખમાં પાણી આવી જતાં. એટલે જ તો થાક છુપાવવા બમણી સ્ફૂર્તિ દર્શાવતા પણ એમ કરવા જતાં બમણો થાક લાગતો. ખરા ફસાઈ ગયા હતા. એટલે થયું કે ડૉક્ટરને બતાવવું પડશે જ. સાંજે લાકડી લઈને ચંપલ પહેરતા પતિદેવને ભાનુમતીએ ઠમઠોર્યા : ‘જુઓ, અંધારું થતાં પે’લાં આવી જજો. કશે તડાકો મારવા ન બેસી જતા. હવે તો આ ફટફટિયાવાળા ટપોરીઓ બેફામ હાંકે છે. ક્યાંક ઉડાડી ન દે. તમે બહાર જલસા કરો ને અમારે અહીં બેઠાબેઠા ચિંતા કર્યા કરવાની’ કહીને બહારથી દબડાવ્યા પણ છેલ્લું વાક્ય બોલતાંમાં તો ભાનુમતીનો અવાજ તરડાઈ ગયો. ભાલચંદ્ર કઠોરકરડા શબ્દો પાછળ ઘૂઘવતું અપરંપાર વહાલ સમજી શકતા હતા એટલે એમણે પણ બહારથી છણકો કર્યો કે –
‘હવે રોજની ટેપ બંધ કર. એક ફેરા કહ્યું તે સાંભળ્યું. કોક ભટકાઈ જાય તો બેપાંચ મિનિટ આમતેમ થાયે ખરી. પેલે દહાડે તો તારાં જ સગલાં મળેલાં.’

પણ અંદરથી ખુશ થયા કે બિચારી મારો કેટલો ખ્યાલ રાખે છે ! આમ અંદર બહારના વિરોધી દેખાવો બંનેના જીવતરને જીવવું ગમે તેવું બનાવતા હતા. એટલે બનાવટી બબડાટ કરતા દાદર ઊતરી ગયા.

ડૉક્ટર સુમંતના દવાખાને પહોંચ્યા ત્યારે ડૉક્ટર એક વયસ્ક પુરુષ દર્દીને તપાસી રહ્યા હતા. આંખેથી જ ‘કેમ છો’ પૂછી બેસવા જણાવ્યું. ભાલચન્દ્રભાઈની પાછળ-પાછળ જ એક બીજો દર્દી પગથિયાં ચડી આવ્યો. પેલા વયસ્ક દરદીને તપાસવાનું પત્યું એટલે ડૉક્ટરે ‘આવો ભાલચન્દ્રભાઈ’ કહ્યું.

‘આમને લઈ લો ને, પછી નિરાંતે વાત કરવી છે.’

‘ઓ.કે.’ કહી ડૉક્ટરે છેલ્લા દરદીને તપાસી લીધો. તેના ગયા પછી ભાલચન્દ્રભાઈ ડૉક્ટરની પાસે ગયા. સ્ટૂલ ડૉક્ટરની નજીક ખસેડી, બેઠા.

‘બોલો.’

ભાલચન્દ્રભાઈ રસ્તે ચાલતાં-ચાલતાં, શું કહેવું, કેમ કહેવું એ બધું ગોઠવીને આવેલા તે બધું કડકડાટ બોલી ગયા અને છેલ્લે પૂછ્યું : ‘કંઈ મેલિગ્નન્સી જેવું તો ન હોય ને, કૅન્સરની શરૂઆત…?’

‘અરે શું કાકા, એમ કંઈ કૅન્સર થઈ જતું હશે. ખોટ્ટા ગભરાઓ છો, જલસા કરો’ આવું કંઈક સાંભળવાની અપેક્ષાથી ડૉક્ટર તરફ તાકી રહેલા ભાલચન્દ્રભાઈને ડૉક્ટરે કહ્યું : ‘હવે તો ફર્સ્ટ સ્ટેજમાં હોય ને સમયસર નિદાન કરીએ તો કૅન્સરથી પણ ડરવા જેવું રહ્યું નથી. આ જુઓ ફલાણા…’ કહી મટી ગયેલા કૅન્સરવાળા અને હરતાફરતા થઈ ગયેલા દરદીના કેસનું વર્ણન છટાપૂર્વક કરવા માંડ્યું.

ડૉક્ટરના શબ્દો ‘સમયસર નિદાન કરીએ તો બધું મટી જાય’ સાંભળીને ભાલચન્દ્રભાઈને ‘જોરોં કા ઝટકા મગર ધીરે સે’ આવી ગયો ! તેણે જન્માવેલો કમ્પ મનમાં છાનોમાનો ધરબી દેવની મથામણમાં ડૉક્ટરના બાકીના શબ્દો નર્યા અવાજ બની રહ્યા. તેમને રડવા જેવા થઈ ગયેલા જોઈ ડૉક્ટરે પ્રેમપૂર્વક ખભો થાબડ્યો અને બોલ્યા : ‘શું વડીલ તમે પણ, અત્યારથી ઢીલા થઈ જાઓ છો…’

ડૉક્ટરના આ શબ્દોએ તો ભાલચન્દ્રભાઈને ઓર ભડકાવ્યા. આનો અર્થ એ કે આ શરૂઆત તો છે જ…

‘વાજતેગાજતે માંડવે આવવા દો બધું. હજુ ક્યાં કશું ડિટેક્ટ થયું છે ? હમણાં આપણે આપણી ટ્રિટમેન્ટ કરી જોઈએ પછી એવું લાગે તો બીજો ટેસ્ટ કરાવીશું. હમણાં થોડા દિવસ…’

આ બધા શબ્દો સંદિગ્ધ હતા. કૅન્સર તરફ ઈશારો કરતા હતા, ન હોવાની શક્યતા પણ બતાવતા હતા. ભાનુમતીને આની ગંધ સુધ્ધાં આવી તો બાપડી ગાંડી થઈ જશે એટલે બોલ્યા : ‘જુઓ ડૉક્ટરસાહેબ…’

‘અરે તમે તો વડીલ, પિતાતુલ્ય, મને ‘સાહેબ’ નહીં કહેવાનું.’

‘જો સુમંત,’ કહી મોં કાન પાસે લાવી જનાન્તિકે બોલ્યા : ‘જુઓ, જે હશે તે. લલાટે લખ્યા લેખ કંઈ મિથ્યા થનાર નથી’ એક નવલકથામાં વાંચેલું જોરદાર વાક્ય આ ક્ષણે અચાનક આમ યાદ આવી ગયું તેનાથી ભાલચન્દ્રભાઈ અડધી ક્ષણ (જ) પોરસાઈ ઊઠ્યા પણ તેની પાછળ વધુ વખત ન બગાડતાં આગળ ચલાવ્યું : ‘જે હશે તે, મરવાનું તો એક જ વાર છે પણ ભલા થઈને મારે ઘેર આ વાતની ખબર નહીં પડવા દેતા. નહીં તો બિચારી…’ બોલતાં-બોલતાં ભાલચન્દ્રભાઈનો અવાજ ફાટી ગયો. તેમને ગળે ડૂમો બાઝ્યો :

‘અરે પણ…’

‘પણ ને બણ કંઈ નહીં. તમારે મને વચન આપવું પડશે’ કહી ડૉક્ટરનો હાથ પકડીને જોરથી દબાવી દીધો.

‘અરે, કાકા…’

‘કાકાનું કહ્યું માનવાના હો તો જ કાકા કહેજો. કેમ કે હું મરું તેનો વાંધો નથી. અબ ઘડી તૈયાર છું.’ (જોશમાં ને જોશમાં આવું નાટકમાં આવે એવું બોલતાં તો બોલાઈ ગયું પણ અંદરથી ઢીલાઢફ થઈ ગયા.) ‘પણ ઘરવાળાં મરતાં પહેલાં મરી જાય એ ઠીક નહીં. એણે બિચારીએ શો ગુનો કર્યો…’ કહેતાં-કહેતાં ભાલચન્દ્રભાઈને પાછો ડૂમો ભરાઈ આવ્યો ! ડૉક્ટર સુમંત બે ક્ષણ મૂગા રહી ગયા. પછી ઊભા થઈ દરવાજા સુધી મૂકવા પણ ગયા. દવાઓ લઈ બહાર નીકળ્યા.

ભાલચન્દ્રભાઈના ગયા પછી તરત ડૉક્ટરે ભાલચન્દ્રને ઘેર ફોન જોડ્યો.

‘હલો, હું ડૉક્ટર સુમંત’

‘હું ભાનુ.’

‘ભાનુબેન, જુઓ, શાંતિથી સાંભળજો. ભાલચન્દ્રકાકા હમણાં આવેલા. એમને ગળામાં ગાંઠ જેવું લાગે છે.’

‘હાય, હાય !’

‘સાંભળો. એમ ગભરાવાનું નહીં. એમણે મને, તમને કે કોઈનેય કહેવાની ના પાડી છે. વચન લીધું છે એટલે તમે કંઈ કરતાં કે કંઈ જાણતાં નથી એમ જ રહેજો. નહીં તો બિચારા વધુ નર્વસ થઈ જશે. જાણે કશું જ થયું નથી એમ રાખવાનું સમજ્યાં ? પછી નિરાંતે વાત કરીશ. હમણાં તો એઓ ઘેર પહોંચવામાં હશે.’

ખરેખર ભાનુમતીએ એક તરફ ફોન મૂક્યો ને બીજી તરફ ભાલચન્દ્રની લાકડીનો ઠપકારો પગથિયે સંભળાયો.

એક કલાક પહેલાં જ્યારે ભાલચન્દ્ર ઘરની બહાર જવા નીકળ્યા ત્યારે ભાનુમતીએ જે રોફરુઆબ ને દોરદમામથી તેમને દબડાવેલા ને ડૉક્ટરના ફોને ક્યાંય ઓગાળી દીધાં હતાં. ભાનુમતી ‘ગાંઠ’ શબ્દ સાંભળતાંવેંત જ ઢીલીઢફ થઈ ગઈ હતી. એના ગાઢ વછૂટી ગયા હતા. હવે ડૉક્ટરની સલાહ મુજબ કશું દેખાવા દેવાનું નહોતું. બહારથી તો જાણે પહેલાં જેવું જ રાખવાનું હતું.

બીજી તરફ ભાલચન્દ્રે પણ ગાંઠ વાળી હતી કે પ્રિય ભાનુમતીને દુઃખી કરવાનાં નથી. પહેલાંની જેમ જ, જાણે કશું બન્યું જ ન હોય તેમ હસતાં રમતાં રહેવાનું હતું.

‘હવે જ ખરી કસોટી છે’ ભાલચન્દ્ર મનમાં બોલ્યા. બીજી તરફ આ જ વાક્ય ભાનુમતીના મનમાં પણ ઘોળાતું હતું.

બીજે દિવસે સાંજે પાછા ભાલચન્દ્ર બહાર (આમ તો ડૉક્ટર પાસે જ) જવા તૈયાર થવા લાગ્યા. કપડાં પહેર્યાં. પાકીટ લીધું. પૈસા વધારે લીધા. દવા લેવાની હતી. લાકડી લીધી. ચંપલ પહેર્યાં. ભાનુમતીને થયું કે દબડાવું. રોજની જેમ જ રાખવાનું હતું. એટલે એ જોરથી ‘વહેલા આવજો પાછા’ કરીને કંઈક બોલવા ગઈ પણ બનાવટી રુઆબ ટક્યો નહીં. અંદરની ઢીલાશ આગળ આવી ગઈ. તરત થયું : ‘હવે એવા એ કેટલા દહાડા ? જેટલા કાઢ્યા એટલા તો નહીં જ ને ? …શા માટે ડામ દેવા ?’ એનો સ્વર ધીમો પડી ગયો : ‘મકુ, મોડું નહીં કરતા. મને ફિકર થાય.’ આ સાંભળી ભાલચન્દ્ર એક વાર તો આદતના જોરે રોજની જેમ ઉશ્કેરાઈ ગયા પણ લાગલું જ યાદ આવ્યું ‘બચારી મારે ખાતર કેટલો જીવ બાળે છે ! હવે એની સાથે જીભાજોડી કરીને શો ફાયદો ?’ ‘હવે’ શબ્દ પર પણ ભાર આવી ગયો. ‘હવે’ આખી બાજી પલટાઈ ગઈ હતી. ‘હા-હૂં’ કરીને દાદર ઊતરી ગયા. બંને પાત્રોમાં ગાંઠે (ગાંઠે નહિ, ગાંઠની ફક્ત શક્યતાએ જ !) ધરમૂળથી ફેરફારો આણી દીધા હતા. બંને અંદરથી બદલાઈ ચૂક્યાં હતાં. ફક્ત બહારનો નાટારંગ યથાવત્‍ રાખવાનો હતો. પણ એ જ તો કપરું કામ હતું !

*

એકાએક ભાલચન્દ્રના મગજમાં વસિયતનામાનો વિચાર સ્ફુર્યો. વસિયતનામું કરઆ અધીરાઈ પણ પ્રગટી. ન કરે નારાયણ ને અચાનક હરિનો ખેપિયો આવી ચડે ને કાંઈ તાકીદનો પયગામ લાવે કે ઉઠાવો વસુધાના મુકામ, તો શું ? કાવ્યસરિક ભાલચન્દ્રે ઊઠીને ઊભા થઈ ચોપડીઓના કબાટમાંથી કવિ કરસનદાસ માણેકની કવિતાની ચોપડી કાઢી ને આવે વખતે સ્મરણમાં ઊપસેલી રચના કાઢી –
ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો
ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો
લાવ્યો કાંઈ તાકીદના પયગામ
ઉપાડો ડેરો રે તંબુ આત્મા
વસુધાના વધાવો મુકામ.

– તો એવા સમયે પોતે ખુમારીપૂર્વક કહી શકે કે –
ભલે રે આવ્યો હરિના ખેપિયા !
ભલે લાવ્યો તાકીદના પયગામ
આવું જો ઊભાઊભ તારી સાથમાં
વસુધાનો વધાવું મુકામ.

આવી તૈયારી મનમાં હોય તો આ કવિતાઓ વાંચેલી સાર્થક, ભાલચન્દ્ર. પોતાને જ ઉદ્દેશીને સ્વગતોક્તિ કરી. નહીં તો ચોપડી ને પસ્તીમાં શો ફેર ! પોતે આખી જિંદગી નીતિથી જીવ્યા હતા. કશું આડુંતેડું, કાળુંધોળું કર્યું નહોતું. જે કંઈ ચાપુચપટી માલમિલકત હતી તે તો પહેલેથી જ શ્રીમતીજીને હસ્તક છે હવે ક્યાં કશું કોઈને ભળાવવા જેવું બાકી રહ્યું છે ! એટલે પછી નવી પંક્તિઓ વાંચવા માંડી –
નથી કંઈ કહેવું, નથી કંઈ કારવવું
નથી કોઈને સોંપવી સંભાળ
ઉઘાડા જિંદગીના મારા ચોપડા
નથી એમાં ઉકેલતાં આળ !

પણ આ ગાંઠ-વાળી વાત છાની રાખી હતી, રાખવાની હતી. ડૉક્ટરને પણ વચન માગી બાંધી લીધા હતા એટલે છેલ્લી પંક્તિઓ વાંચતાં સહેજ મનોમન ડગમગ્યા :
નથી કંઈ છાનું, નથી કંઈ છપનું
બધુંયે છે જુગતે જાહેર
આટોપું આ પળે મારી જાતરા
હાલું તારી હારે હરિને ઘેર.

ચોપડી બંધ કરી, કબાટમાં યથાસ્થાને મૂકી દીધી. વસિયતનામાનો નિર્ણય કાવ્યપઠને દ્રઢ બનાવ્યો.

છોકરો એકનો એક જ હતો પણ તેની સાથે ઝાઝું લેણું નહોતું રહ્યું. હોંસેહોંસે પરણાવ્યો પણ વહુ લોંઠકી નીકળી. એને જુદા રહેવાની ચળ હતી એટલે વરજીના કાન વીંધીવીંધી મુંબઈ બદલી કરાવી નાખી હતી. પણ મા સાથે કેવું બને છે ? હું નહીં હોઉં ત્યારે એની માને સાચવે એવો તો ખરો. ફોન આવે ત્યારે મારી જોડે ફોતરાં જેવી વાત કરી તરત બોલે કે – ‘મમ્મીને આપો.’ પોતે સહેજ રિસાઈને કહે ‘લો મૅડમ, દીકરાનો ફોન’ મમ્મી ફોન લ્યે પછી જે લખારા કરે ! અડધો કલાકે ફોન પૂરો થાય. છોકરા માટે સૌથી વધુ ઘસાયો હું, જીવ બાળ્યો મેં ને લહાવો લે એની મા !

ભાનુમતી સાંજે પાંચેકના સુમારે શાકપાંદડું લેવા જાય. વળતાં મંદિરે દર્શન કરતાં આવે એ અરસામાં કાચું વસિયતનામું તૈયાર કરવાનું ભાલચન્દ્રભાઈએ મનોમન નક્કી કરી દીધું. સરખે હિસ્સે રોકડા ને જણસ વહેંચવાનું લખી દીધું. ખરો પ્રશ્ન મકાનનો હતો. મકાન વેચવાની વાત શક્ય નહોતી. ભાનુમતી ક્યાં જાય ? દીકરો ભવિષ્યમાં નોકરી પૂરી કરીને આવે ત્યારે ક્યાં રહે ? એટલે મકાન તો રાખી જ મૂકવાનું. ભાનુમતી પણ ન હોય એ વખતે દીકરાને જ મળવાનું હતું ને ? પછી એને જે કરવું હોય તે કરે. આપ મૂએ પીછે ડૂબ ગઈ દુનિયા ! આ બધા જ વિચારોના ચકરાવામાં ભાલચન્દ્રભાઈનું કુટુમ્બવાત્સલ્ય કામ કરતું હતું. જોકે ડૉક્ટરે હજુ મગનું નામ મરી નહોતું પાડ્યું. ‘થોડી રાહ જોઈએ’, ‘ઉતાવળ કરવાની જરૂર નથી,’ ‘આ દવાનો કોર્સ પૂરો થવા દો’ ‘જરૂર લાગશે તો આગળ ઉપર બીજા ટેસ્ટ કરાવીશું.’ વગેરે.

‘પણ ત્યાં સુધી માથે ટૅન્શન તોળાયા કરે એનું શું ડૉક્ટર ?’

‘એવું ખોટું ટૅન્શન નહીં રાખવાનું. બી બ્રેવ. નિરાંતે ઊંઘવાનું. હું બેઠો છું ને.’

આ બધા શબ્દો એમને ગળે ઊતરતા નહોતા. ભાનુમતી સાથે બહુ સાલસતાથી વરતતા હતા. હવે હું કેટલા દહાડા ? બહુબહુ તો વરસદહાડાનો મહેમાન. એણે મારી બહુ સેવા કરી. બહુ વહાલ કર્યું. મેં એને બહુ પજવી. વાતેવાતે ઘાંટાઘાંટ ને બૂમાબૂમ કરી મૂકી. પેલે દહાડે ઑફિસેથી આવતાં અગિયાર વાગી ગયેલા. મેં ફોન પર જમી લેવાનું જણાવેલું તોપણ એ એમ જ, ખાધા વિના બેસી રહેલી. મારી ગઈ વરસગાંઠે તો હેપી બર્થ-ડેની પપી જ કરી દીધેલી ! એ તો ઠીક કે ઘરમાં અલો-અલી બે જ જણ હતાં, પણ આજુબાજુવાળાં કંઈ લેવામૂકવા ટપકી પડતે તો ? કેવો ફારસ થતે ? ભાલચન્દ્રને ભાનુમતીનો આટલાં બત્રીસ વર્ષના દામ્પત્યનો સમગ્ર વહાલલોક યાદ આવી ગયો. એમની આંખના ખૂણા ભીના થઈ ગયા. એમને એકાએક એવી લાગણી થઈ આવી કે હવે ભલે ગમે તે રિપોર્ટ આવે. મેં જેવું જીવવાનું હતું એવું જીવી લીધું છે. હવે શો અફસોસ ?

આ તરફ ભાનુમતીની જમાદારી પણ ડૉ.સુમંતે ખાનગીમાં કરેલા ફોન પછી સાવ બંધ જ થઈ ગઈ હતી જાણે ! ન કરે નારાયણ ને રિપોર્ટમાં કંઈ ગરબડ નીકળે તો ? એવા એને મેં ખોટેખોટા જ દબડાવ્યા કર્યા ને આટલો વખત ? વારતહેવારે મારે માટે વગર કહ્યે ગજરો લઈ આવે. ઓલા મહિને ઑફિસના કામે બહારગામ ગયેલા તે કેવી સરસ સાડી લેતા આવેલા ! એટલું જ નહીં, મારી વરસગાંઠ આવી ત્યાં સુધી સંતાડીયે કેવી રાખેલી ! એવા એને ભગવાને આ કેવું દુઃખ આપી દીધું ! પેલે દિવસે ટાઉનહૉલમાં કવિસંમેલનમાં કેવા લઈ ગયેલા ! ‘ચાલ, ચાલ, તું જો તો ખરી. બહુ મજા આવશે.’ પેલા ભાઈએ કેવું ગાયેલું –
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે હોય છે સારા એની દશા સારી નથી હોતી.

– આ એવું જ થયું ને ? ભલા જીવને ભગવાને વિપદામાં નાખ્યા. ભાનુમતીને ગળે ડૂમો બાઝી ગયો. ટી.વી. પર કૉમેડી-સિરિયલ ચાલતી હતી. પોતે સામે હાથમાં રિમોટ લઈને સૉફા પર બેઠી હતી, પણ વચ્ચે કશું સન્ધાન નહોતું. ટી.વી., ટી.વી.ની જગ્યાએ લવારા કરતું ને ભડક રંગો બદલતું હતું તો ભાનુમતી, ભાનુમતીની જગ્યાએ મનના રંગો બદલતી હતી. આખા ઘરનો અસબાબ જાણે ક્યાંક ઓગળી ગયો હતો. એમાં એકલી એક પોતે બચી ગઈ હતી.

રાત્રે પથારીમાં પડી. સ્વિચ ઑફ કરી. વદ આઠમના ચન્દ્રનું અજવાળું બારીમાંથી ઓરડામાં પ્રવેશતું હતું. ભાનુમતી સવારથી જ બેચેન હતી. એકલા પડી જવાની શરૂઆત ડૉક્ટરના ફોનથી થઈ ચૂકી હતી. એણે પડખું ફેરવ્યું અને ચિંતિત નિદ્રામાં ડૂબેલા પતિનો હાથ હળવે રહીને ઊંચકીને પોતાની છાતી પર મૂક્યો અને બીજે હાથે દબાવી રાખ્યો પછી જ સતન્દ્ર નિદ્રા આવી. ભયંકર આપત્તિના ઓળાએ દંપતીના સુષુપ્ત અને મૂર્છિત દામ્પત્યપ્રેમમાં જાણે નવો પ્રાણ પૂર્યો હતો. બંને એકબીજાને કેટલાં વહાલાં હતાં તેના મનોમન સાક્ષી થઈ રહ્યાં હતાં. ડોક્ટરના નાનકડા સંદેશાએ એક જબરદસ્ત વળાંક જીવનમાં આણી દીધો હતો.

હજુ નવો, પેટા વળાંક આવવાનો બાકી હતો. રાહ જોવડાવી-જોવડાવીને છેવટે ભાલચન્દ્રના આગ્રહને વશ થઈ ડૉક્ટરે બાયપ્સી કરાવી લીધી હતી અને આજે તેનો રિપોર્ટ આવવાનો હતો. આટલા દિવસ બધું છાનું રાખી શકાયું હતું (એમ ભાલચન્દ્ર માનતા હતા !) પરન્તુ હવે તો જે હશે તે, કંઈક અવળું હશે તો, વાજતેગાજતે માંડવે લાવવું પડશે. આવું ગણગણતા ભાલચન્દ્ર બને એટલા મોડા ડૉક્ટરને ત્યાં પહોંચ્યા.

‘કાકા, અભિનંદન !’ ડોક્ટરે, સ્ટૂલ ખસેડીને બેસવા જતા ભાલચન્દ્રની પીઠ થાબડતાં કહ્યું : ‘બાયપ્સી-રિપોર્ટ નૅગેટિવ છે. કોઈ મૅલિગ્નસી નથી, કેન્સરબૅન્સર કંઈ નથી, મેં શું કહેલું, નકામા અકળાતા’તા ને ? જાઓ, મજા કરો.’

આ સાંભળતાં જ ભાલચન્દ્રની આંખમાંથી આટઆટલા દિવસો સુધી ભેગા થઈને સ્તૂપીભૂત થઈ ગયેલાં અશ્રુઓ ઓગળીને દડદડ વહેવા લાગ્યાં. ડોક્ટર પણ થોડીક ક્ષણો કશું બોલી શક્યા નહીં. ભાલચન્દ્રના ગળે ડચૂરો બાઝી ગયો. તેમનાથી કશું બોલાયું નહીં. ફક્ત ડૉક્ટરનો હાથ જોરથી દબાવીને પગથિયાં ઊતરી ગયા. દેખાતા બંધ થયા ને ઘેર પહોંચ્યા એ પહેલાં ડૉક્ટરે ફોન પર ભાનુમતીને જાણ કરી દીધી કે ‘ભાનુબેન, ચિંતા કરતાં નહીં. રિપોર્ટ આવી ગયો છે. નોર્મલ છે. કંઈ નથી એમને.’

ભાનુને આંખો ભરાઈ આવી. આંસુનાં બુંદ ફોનના આંકડા પર દદડીને પડ્યાં. તૂટી ને પ્રસરી ગયાં. બીજી જ પળે, ભાલચન્દ્રની લાકડીનો ઠપકારો સંભળાતાં સ્વસ્થ થઈ ગઈ. હસુંહસું થઈ રહેલા પતિને નિહાળી ભાનુના મનમાં અસ્સલનો ઠસ્સો, છણકો, રોફરુઆબ એક ક્ષણ માટે ઊભરી આવ્યાં. જીભને ટેરવે શબ્દો પણ આવી જ ગયા હતા કે ‘કેમ, આટલું મોડું કર્યું, કોઈ સગલું ભટકાયેલું કે શું ?’ પણ છેલ્લા કેટલાય દિવસોથી પતિ માટેના વહાલે પોતાની સત્તા એટલી તો પ્રબળપણે જમાવી દીધી હતી કે ભાનુ એકે અક્ષર બોલી શકી નહીં. પતિના હાથમાંથી મૂંગે મૂંગા લાકડી લઈ લીધી, ખીંટીએ ટાંગી દીધી ને પતિની અડોઅડ થઈ રસોડા ભણી ચાલતાં-ચાલતાં અભાનપણે જ તેનું મસ્તક પતિના ખભે ઝૂકી ગયું. હાથનાં આંગળાં પણ પરસ્પરમાં જોરથી ભિડાઈ ચૂક્યાં હતાં.

(નવનીત સમર્પણ, દીપોત્સવી, ૨૦૧૦)

(કુલ પાન ૧૧૦. કિંમત રૂ. ૧૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન. (૭૯) ૨૨૧૪૪૬૬૩)

Leave a Reply to pratiksha vikani Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “છાનું રે છપનું કંઈ થાય અહીં – વિજય શાસ્ત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.