પારખાં – ઊર્વી પ્રબોધ હરિયાણી

(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

‘ક્યાં ખોવાઈ ગયા છો તમે લોકો ? આજકાલ તો કાંઈ દેખાતા જ નથી ને !’ સાફલ્ય બંગલામાં નવીનની હાંક ફરી વળી તો એનો અવાજ સાંભળી ધીરજ અને સમતા બંનેય જણાં એને આવકારવા દીવાનખંડમાં આવી ગયાં.

દીવાનખંડમાં નવીનની સાથે બીજા ત્રણ અજાણ્યાને જોઈ તેઓ નવાઈ પામ્યાં. બધાને સારી રીતે આવકારતાં એમને સોફા પર બેસાડ્યા.

નવીન અને ધીરજ વચ્ચેની મિત્રતા એ બંને કુંવારાં હતાં એ દિવસોની હતી. હાલ તો એ બંનેયના ઘરે પૌત્રો – પૌત્રી રમતાં હતાં.

સમતાએ આવેલા અતિથિઓના સત્કાર માટે એની મોટી વહુ મહિમાને ચા – નાસ્તો મોકલવા જણાવ્યું. ધીરજ મનોમન વિચારી રહ્યો કે નવીન આ લોકોને અહીં લઈને શા માટે આવ્યો હશે ? કોઈ ફંડ – ફાળા માટે તો નહીં હોય ને ? એને ખુલાસા માટે વધુ રાહ ન જોવી પડી. એની ઉંમરના આશરે પાંસઠેક વર્ષની વયના માણસે વાતની શરૂઆત કરી, ‘પહેલાં હું તમને મારો પરિચય આપું. હું જશવંત પૂજારા. થોડા સમય પહેલાં ખાનગી કંપનીમાંથી રિટાયર્ડ થયો. આપના મિત્ર નવીનભાઈ મારા મિત્રના સાળા થાય. અમે બધા અનાયાસે એક વાર ભેગા થઈ ગયા ત્યારે ઘરમાં નવી-જૂની પેઢી વચ્ચેના વિચારોમાં અંતર, એકબીજા પ્રત્યેના લાગણી વિનાના વ્યવહાર, સાસુ-વહુના કાયમી કંકાસ વગેરે બાબતો અંગે વાત નીકળી ત્યારે મેં એવો વિચાર રમતો મૂક્યો કે શા માટે આપણે અલગ ન રહી શકીએ ?

આપણાં સંતાનોને આપણે આડખીલીરૂપ – જુનવાણી અને ઘરના જૂના ફર્નિચર જેવાં લાગતાં હોઈએ તો પરાણે એમની જોડે રહેવાનો શું અર્થ ? ઘણી જગ્યાએ તો મા-બાપ ખુદ સંતાનોની બેમર્યાદ વર્તણૂકથી કંટાળીને એમને સામેથી અલગ થઈ જવાનું કહે છે. અરે, કેટલાક કિસ્સામાં તો એવું પણ બનતું જોયું છે કે એવાં સંતાનો નથી ઘર છોડતાં કે નથી એમની વર્તણૂક બદલાતાં. ઉપરથી મા-બાપને એમના જ ઘરમાં પોતાના કહ્યા પ્રમાણે રહેવાની ફરજ પાડતાં હોય છે. છતાં એ વરવી અને કડવી હકીકત છે કે મોટા ભાગના વડીલો એ બધું ય સહન કરીને પોતાનાં સંતાનોની સાથે રહે છે. કેમ કે આપણા સમાજમાં એના સિવાયનો વિકલ્પ એક માત્ર વૃદ્ધાશ્રમમાં જવાનો રહે છે. જેનો વિચાર સુધ્ધાં એમને કંપાવી દેવા માટે પૂરતો થઈ પડે છે.’ જશવંત પૂજારાના આટલા વક્તવ્ય પછી વાતાવરણમાં ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય એવી શાંતિ પથરાઈ ગઈ.

પછીની વાતનો દોર નવીને સંભાળ્યો, ‘આપણા જેવા જૈફોને બીજી એક મોટી તકલીફ ઉંમર વધતાં વધતી જતી જાતજાતની બીમારીઓની હોય છે. ત્યારે એમને કોઈ જાળવી-સંભાળીને લઈ જાય એવી સ્વસ્થ વ્યક્તિની જરૂર પડતી હોય છે. એમને નિયમિત દવાખાને લઈ જવાનું કામ પણ આજની પેઢીને કંટાળાજનક લાગે છે. એ બાબતે, વડીલો શ્રીમંત વર્ગના હોય કે મધ્યમ વર્ગના – બધાયનાં સંતાનોનો વ્યવહાર એકસરખો રહેતો હોય છે. મોટા ભાગના વૃદ્ધાશ્રમનું વાતાવરણ વડીલોને ગમે એવું હોતું નથી. ત્યાંની જિંદગી બીબાઢાળ હોવાની સાથે ન તો વડીલોને પોતાનો રૂમ પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે કે ન જરૂર કરતાં વધુ સામાન લાવવાની છૂટ. અરે, દીવાલના રંગ કે પડદાના રંગ સુધ્ધાં સ્વરુચિ પ્રમાણે પસંદ કરવાની સ્વતંત્રતા નથી હોતી. એવા વાતાવરણમાં સ્વાભાવિક છે કે તેઓ સતત પરાયાપણાની લાગણી અનુભવતા રહે છે.’

‘તો તમે કોઈ વધુ સારી સુવિધાવાળા વૃદ્ધાશ્રમ બનાવવા અંગે વિચારતા લાગો છો. નવીન કહે, એટલી રકમ તમે મારા તરફથી ફાળામાં લખી શકો છો.’ ધીરજે અસ્વસ્થતાથી કહ્યું.
એ બધાના ચહેરા પર ક્ષણ પૂરતું માર્મિક સ્મિત ફરકી ગયું. ત્યાં ચા-નાસ્તો આવતાં એમની વાત અટકી. આવેલા નવાગંતુકો ચા-નાસ્તો કર્યા બાદ ચાલ્યા ગયા. ફક્ત નવીન રોકાયેલો. એણે પૂરો એક કલાક રોકાઈ બધી વાત સવિસ્તર જણાવેલી.

એ રાત્રે ધીરજ ઊંડા વિચારોમાં હતો. સમતા પણ કંઈક મૂંઝવણ અનુભવી રહેલી. એ ધીરજને ઉદ્દેશતાં બોલી, ‘તમે નાહકના ખોટા વિચારો ન કરો. આપણા પરિવારના સંપ અને સ્નેહના લોકો દાખલા આપે છે. તમે શું ચિંતા કરી રહ્યા છો એ નથી સમજાતું. રાત ઘણી થઈ ગઈ છે. તમે સૂઈ જાવ.’ એમ કહી સમતા સૂઈ ગઈ. ધીરજને ઊંઘ આવી ન હતી. એને નવીને સવારે કરેલી બધી વાત યાદ આવી રહી હતી.

એ વાતને થોડા દિવસો પસાર થઈ ગયા. ધીરજ અને સમતા એ વાત વિસારે પાડી પાછાં એમના પરિવારની માયામાં ખોવાઈ ગયાં. બે પુત્રો-પુત્રવધુઓ અને એમનાં ત્રણ સંતાનોથી ભર્યા-ભર્યા ઘરમાં એમનો સમય ક્યાં પસાર થઈ જતો એની ખબર ન પડતી. મોટો પુત્ર અનિલ બિઝનેસ કરતો હતો. ડૉક્ટર થયેલો મિલન સ્વતંત્ર પ્રૅક્ટિસ કરતો હતો. ધીરજની રિટાયર્ડ જિંદગી શાંતિથી જઈ રહી હતી. ઓ.એન.જી.સી. જેવી કેન્દ્ર સરકારની માતબર કંપનીની નોકરીમાંથી રિટાયર્ડ થયેલા ધીરજને પી.એફ.-ગ્રેજ્યુઈટીની પ્રમાણમાં ઘણી સારી કહી શકાય એવી રકમ મળી હતી. એનું વ્યાજ અને દર મહિને આવતું પેન્શન એમ બંનેની થઈ મળતી કુલ આવક આખા પરિવાર માટે પૂરી થઈ પડતી. એણે ક્યારેય દીકરાઓ પાસે ઘરખર્ચ પેટે એક રૂપિયો સુધ્ધાં માંગ્યો ન હતો. ક્યારેક સમતા કહેતી, ‘પરિવારની જવાબદારીવાળા થઈ ચૂકેલા છોકરાઓ ઘરમાં કંઈક ઘરખર્ચ પેટે રકમ આપે તો તેમાં કંઈ ખોટું નથી.’ તો એ સમભાવપૂર્વક કહેતો, ‘જો સમતા, આપણું જે કંઈ છે તે આપણાં બાળકોનું જ છે ને ! હમણાં એમની પાછળ ખર્ચ કરીએ કે પછી આપતા જઈએ, એ બધું એકનું એક છે.’

થલતેજના હવા-ઉજાસથી ભરપૂર અને બગીચાવાળા સુંદર ‘સાફલ્ય’ બંગલામાં રહેવા આવતાં પહેલાં સમગ્ર પરિવાર નારણપુરાના ફ્લૅટમાં રહેતો હતો. એ ફ્લૅટ પણ સરસ અને વિશાળ હતો. પરંતુ અનુકૂળતા અને ઈચ્છા એ બંનેયનો સમન્વય થવાથી ધીરજે એ બંગલો લીધેલો. ધીરજ ને સમતા, એમનાં બે પુત્રોના પરિવાર સાથે છેલ્લાં ચાર વરસથી અહીં રહેતાં હતાં.

એક રવિવારની સવારે એમની અમેરિકા રહેતી સૌથી મોટી દીકરી ધૈર્યાનો ફોન આવ્યો. મહિના પછી એ અહીં દોઢ મહિના માટે આવી રહી હતી. બધાંય સાથે વાત થઈ શકે એ માટે ધૈર્યાએ તે બધાં સાથે ચા-નાસ્તો કરતાં એ સમય પસંદ કરેલો. ઘરનાં બધાં ધૈર્યાના એ કૉલ અને એના આગમનના સમાચારથી ખુશ થયાં હતાં. ધૈર્યાની બધાં સાથે વાત પૂરી થયા બાદ ધીરજની મોટી વહુ મહિમાએ એના પતિ અનિલને વાત કરવાનો બે વાર ઈશારો કર્યો.

અનિલે સહેજ ખોંખારો ખાધો. પછી બોલ્યો, ‘પપ્પા, દીદી આવી રહી છે એ બહુ સારી વાત છે, પણ આપણે એને અને એનાં બાળકોને આ વખતે કયો રૂમ આપીશું ?’ અનિલના આ પ્રશ્નથી વાતાવરણમાં ઘડીભર સોપો પડી ગયો.

બંગલામાં નીચે ડ્રૉઈંગરૂમ વત્તા ડાઈનિંગ હોલ-કીચન-પૂજારૂમ એક બેડરૂમ હતો. એ બેડરૂમ ધીરજ-સમતાનો હતો. ઉપરના માળે ત્રણ બેડરૂમ હતા. એક બેડરૂમ અનિલ-મહિમાનો હતો. બીજો બેડરૂમ મિલન-કાવ્યાનો હતો. એમને અગિયાર મહિનાની તાન્યા હતી. જે એમની સાથે સૂતી. ત્રીજો બેડરૂમ અનિલના દસ અને બાર વર્ષીય પુત્રો સૂર અને લય વાપરતા. અનિલની વાત તર્કબદ્ધ હતી. ધૈર્યા છેલ્લે ચાર વર્ષ પહેલાં મિલનના લગ્નમાં આવી ત્યારે એને મિલનવાળો બેડરૂમ અપાયેલો. એનાં બાળકોને અત્યારે જે બેડરૂમ અનિલનાં બાળકો વાપરી રહ્યાં હતાં તે અપાયેલો. તે રૂમ ત્યારે ખાલી રહેતો અને ગેસ્ટરૂમ તરીકે વપરાતો. કેમ કે ત્યારે અનિલનં બાળકો નાનાં હોઈ એમની સાથે સૂતાં.

‘અરે, ધૈર્યાને આવવા તો દો ભાઈ, ત્યારે થઈ પડશે.’ સમતાને ચાર વરસે દીકરી આવી રહી છે એનો આનંદ હતો. એને મન આ બાબત ક્ષુલ્લક હતી. પણ ધીરજે વેધક નજરે અનિલ તરફ જોતાં કહ્યું, ‘ભાઈ અનિલ, તેં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો તો એના ઉકેલ અંગે પણા વિચાર્યું હશે ને ! તું તારી વાત પૂરી કર.’

અનિલ થોડો અસ્વસ્થ થયો. તેણે પત્ની મહિમા તરફ જોયું. મહિમાએ એને આંખોથી હિંમત આપી. હજી જોકે એનામાં સીધી વાત કરવાની હિંમત તો ન જ પ્રગટી. એ બોલ્યો, ‘પપ્પા, આ પ્રશ્ન કંઈ ફક્ત દીદી આવે છે એટલા પૂરતો સીમિત નથી. આપણે ત્યાં સતત મહેમાનની અવર-જવર રહે છે. ગયા વર્ષે લંડનથી કાકા-કાકી આવેલાં. તેઓ અહીં વીસ દિવસ રોકાયેલાં તો મારાં બાળકોનો રૂમ એમને આપવો પડેલો. પરિણામે બાળકો પરેશાન થયેલાં અને કંટાળી ગયેલાં. દુબઈવાળાં ફોઈ પણ આવું-આવું કરી રહ્યા છે. એ આવશે એટલે ઓછામાં ઓછું મહિનો રોકાશે. પપ્પા, મારાં બાળકો મોટાં થઈ રહ્યાં છે. એમને આ રીતે વારે-વારે ‘ડિસ્ટર્બ’ કરવાથી એમના અભ્યાસ પર અસર પડે ને !’

ધીરજે અનિલનાં બેય બાળકો તરફ જોયું. સૂર અને લય બંનેયના ચહેરા જોતાં એમને આ વાત ખરેખર ખટકતી હોય એવું નહોતું લાગી રહ્યું. એણે પત્ની સમતા તરફ સાંકેતિક દ્રષ્ટિએ જોયું. પછી અનિલને સંબોધતાં બોલ્યા, ‘તારે જે કંઈ કહેવું હોય એ સ્પષ્ટ કહે. મને એમ લાગી રહ્યું છે કે તને દુઃખે છે પેટ ને કૂટે છે માથું.’ અનિલના મોઢા પર જાણે કાળી શાહી ઢળી ગઈ.
બરાબર એ સમયે મિલન બોલ્યો, ‘પપ્પા, એક કામ કરીએ. હું, કાવ્યા અને તાન્યા નારણપુરાવાળા ફ્લૅટમાં રહેવા જતાં રહીએ. અહીં અમારો બેડરૂમ ખાલી પડતાં કાયમી ગેસ્ટરૂમની સગવડ થઈ જશે અને આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવી જશે. શું કહે છે મોટા ?’

જે વાત એ અનિલ દ્વારા કહેવડાવવા માંગતી હતી એ વાતનો સીધો પ્રસ્તાવ મિલન તરફથી મુકાતાં મહિમા ભડકી ગઈ, ‘ના… ના મિલનભાઈ, તમારે અહીંથી શા માટે જવું પડે ? અમે ત્યાં જઈએ તો બે બેડરૂમ ખાલી પડશે. તમારાં કરતાં અમે જ અહીંથી જઈએ તો વધુ યોગ્ય રહેશે.’

ધીરજ અને સમતા સ્તબ્ધ થઈ ગયાં. પછી તો નાસ્તો-નાસ્તાના ઠેકાણે રહ્યો અને ડાઈનિંગ ટેબલ પર એમના બે દીકરા અને વહુઓ વચ્ચે નારણપુરાના ફ્લૅટ પર જવા માટે વાક્‍યુદ્ધ જામ્યું. સમતાની આંખોમાંથી સરરર્‍ અશ્રુઓ વહી નીકળ્યાં. એ સામે જોવાની કોઈને ફુરસદ ન હતી. એકાએક ધીરજ બરાડ્યો, ‘એક મિનિટ શાંત રહેશો બધાં ? એ ફ્લૅટમાં કોણ રહેવા જશે એનો નિર્ણય હું કરીશ. ધૈર્યા આવતાં પહેલાં એ વાતનો ફેંસલો થઈ જશે.’

‘શું વિચારો છો ધીરજ તમે ?’ સામે સમતાએ વિચારોમાં ખોવાઈ ગયેલા ધીરજને પૂછ્યું હતું.

‘સમતા, એ કડવું સત્ય પચાવવાની કોશિશ કરે રહ્યો છું કે આપણા દીકરાઓને આપણા માટે કોઈ માયા નથી રહી. આપણને છોડી અલગ સ્વતંત્રપણે રહેવા જવાની વાત એમણે કેટલી સહજતાથી કરી દીધી. એટલું જ નહીં, આપણાથી અલગ થઈને રહેવા જવા માટે બેય વચ્ચે હોડ લાગી છે. એનો અર્થ એ થયો કે બેયમાંથી એકેયને આપણી સાથે નથી રહેવું.’ ભડ જેવો ધીરજ તૂટી ગયો હતો.

સમતાને પોતાના કરતાં વધુ ધીરજની ચિંતા થઈ રહી. જે જાણતી હતી કે ધીરજ અતિ સંવેદનશીલ છે. ધીરજને કઈ રીતે સાંત્વના આપવી, શું કહેવું એ એને સમજ નહોતી પડી રહી. અસ્પષ્ટ સ્વરે એ મનોમન લવી રહી, ‘આ દીકરા ? જેમને નાનેથી મોટા કર્યા, ભણાવ્યા, નોકરી-ધંધે લગાડ્યા, પરણાવ્યા. એટલું જ નહીં હજી પણ એમનો ઘરખર્ચ એમનો બાપ ભોગવે છે, છતાં એમને જુદા રહેવું છે.’ કંઈક મનમાં વિચાર આવતાં એ બોલ્યાં, ‘ધીરજ, આપણે ક્યારેય છોકરાઓ પર નથી કડક થયાં કે નથી કડવાં બન્યાં. માનવજાતને એની પામરતા સમજાવવા જેમ સૌમ્ય કુદરત પણ ધરતીકંપ, ત્સુનામી, જ્વાળામુખી સર્જી રૌદ્રરૂપ બતાવે છે એમ આપણે પણ એમને કંઈક ચમત્કાર બતાવીએ. એવું કંઈક કરીએ જેથી એમને સમજ પડે કે સાથે રહેવાની ગરજ કે જરૂરિયાત ફક્ત આપણી નથી.’

ધીરજ ફિક્કુ હસ્યો, ‘શું કરીએ ?’

‘અરે, આ જડની મૂળ જેવા નારણપુરાના ફ્લૅટને જ વેચી નાખો. જોઈએ પછી ક્યાં જશે એ બેય ?’ સમતા બોલી.

‘સમતા, તું એ જાણતી હોઈશ કે મન, મોતી અને કાચ તૂટ્યાં પછી નથી સંધાઈ શકતાં. પરિવાર પણ કાચ જેવો હોય છે અને એ કાચમાં તિરાડ પડી ચૂકી છે. હવે પરિવારમાં પહેલાં જેવો પ્રેમ અને શાંતિ ન રહે. સાચું કહું તો હવે મારી ખુદની એમની સાથે રહેવાની ઈચ્છા મરી પરવારી છે.’ ધીરજના સ્વરમાં રહેલી વેદનાથી સમતા થરથરી ગઈ.
એ બોલી, ‘તો એમ કરીએ કે આપણે નારણપુરાના ફ્લૅટમાં રહેવા જતાં રહીએ.’

‘હું કંઈક બીજું વિચારી રહ્યો છું, સમતા. પણ હું જે કોઈ પગલું લઈશ એમાં તારો સાથ હશે કે એ માટે મારે તને પહેલાં વિશ્વાસમાં લેવી પડશે ?’ ધીરજે પૂછ્યું. એ સ્વરમાં દર્દ હતું.
સમતાની આંખો ભીની થઈ ગઈ. એ બોલી, ‘એમ કેમ પૂછો છો ધીરજ ? અત્યાર સુધી તમારી કઈ વાતમાં મેં તમને સાથે નથી આપ્યો ?’ પછી ટટ્ટાર થતાં એણે ઉમેર્યું, ‘તમારી જો હિમાલયે હાડ ગાળાવા જવાની ઈચ્છા હશે તો એમાં પણ હું તમને સાથે આપીશ બસ ?’ લાગણીશીલ બની ગયેલ ધીરજે સમતાની હથેળીઓને પોતાના હાથ વચ્ચે દાબી દીધી.

સમતાએ ઉમેર્યું, ‘ધીરજ, મારા-તમારા સાથને થોડા સમયમાં પચાસ વર્ષ પૂરાં થશે. તમે મને વીતેલાં બધાં વરસોમાં હંમેશાં સુખી કરવાની જ કોશિશ કરી છે, તો કદાચ હવે પછીનાં વરસોમાં થોડી-ઘણી તકલીફ પડે તો એ સહન કરી લેવાની મારી તૈયારી છે. મારા માટે તમારાથી વધારે કોઈ નથી. આપણાં સંતાનો પણ નહીં.’

‘બસ સમતા, તારા આ શબ્દોથી મને જે હિંમત અને સાંત્વના મળી છે, એનાથી મારું અડધું દુઃખ હળવું થઈ ગયું છે. હવે તું જો કે હું કેવો ચમત્કાર કરું છું.’ ધીરજનો સ્વર આત્મવિશ્વાસની બુલંદીને સ્પર્શી રહ્યો.

પછીના દિવસોમાં સમતા પુત્રી ધૈર્યાના આગમનની તૈયારીમાં પડી ગઈ. ધીરજ એની રીતે વ્યસ્ત થઈ ગયો. ઘરમાં બંનેય પુત્રો સાથે ધીરજની નજર એક થતી તો એમની નજરો ઢળી જતી. એ સમયે કશું બોલ્યા વગર ધીરજ ફક્ત હસતો.

અનુભવીઓએ એમ અમસ્તું જ નથી કહ્યું કે દીકરા આપણા પરણે ત્યાં સુધી, દીકરી આપણી-આપણો દેહ મસાણ ભેગો થાય ત્યાં સુધી. ધીરજ-સમતાના બે દીકરા એ વીસરી ગયેલા કે મહિના પછી એમનાં માતા-પિતાનાં લગ્નજીવનને પચાસ વરસ પૂરાં થઈ રહ્યાં છે, પણ દીકરી ધૈર્યા ભૂલી ન હતી. એ ફક્ત એટલા માટે લાખ રૂપિયાનો ઉપરનો ખર્ચ કરી માતા-પિતાને સપરિવાર મળવા આવી રહી હતી. ધૈર્યાએ આ વાત એની બંનેય ભાભીઓને ફોન પર જણાવી હતી. એ બંનેય પણ વાત જાણી ઉત્સાહમાં આવી ગઈ હતી. આમ તો બંનેય વચ્ચે છૂપો તણાવ તો એ દિવસથી પ્રસરી ગયેલો જે રવિવારની સવારે બંનેયના પતિદેવોએ અલગ રહેવા જવા માટેની ઈચ્છા પ્રસ્તુત કરેલી. બંનેય ટેન્શનમાં હતી કે કોને એમનાં સાસુ-સસરા અલગ રહેવા જવાની પરમિશન આપશે અને કોને એમની જોડે રહેવું પડશે. તેમ છતાં અત્યારે તો એ બંનેય વ્યાવહારિક બની જઈ ધૈર્યાની દોરવણી પ્રમાણે સાસુ-સસરાને સરપ્રાઈઝ પાર્ટી આપવા માટેની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયેલી.

એક રાતે ધીરજ પાસે એના બંનેય દીકરાઓ આવ્યા હતા. ધીરજને ઉપકૃત કરતા હોય એમ બંનેએ કહેલું, ‘પપ્પા, આ વખતે તો દીદી આવી રહી છે તો બધા ભેગા જ રહીશું. થોડી ઘણી સંકડાશ અને તકલીફ પડશે પણ ચલાવી લઈશું. દીદી ગયા પછી તમે જેને કહેશો એનો પરિવાર નારણપુરાના ફ્લૅટમાં રહેવા જશે.’ ધીરજના બંનેય દીકરાઓને કંઈ રાતોરાત ડહાપણની દાઢ નહોતી ફૂટી. એ તો ચાર વરસે પિયર આવી રહેલી નણંદ પાસે બેમાંથી એકેય ભાભીને ખરાબ નહોતું દેખાવું એટલે એમણે એમના પતિદેવોને પઢાવીને ધીરજ પાસે મોકલ્યા હતા.

ધીરજે બંનેય દીકરાઓ સામે જોઈને કહેલું, ‘કાશ ! મારી પાસે એકને બદલે બે ફ્લૅટ હોત તો સારું થાત. હું તમને બંનેયને એક-એક ફાળવી શકત ખરું ને ?’ ધીરજનો ટોણો સમજી ગયેલા બંનેય દીકરાઓ શરમથી માથું નીચું કરી ગયેલા.

માતા-પિતાની પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે ધૈર્યાએ લાંબું રોકાણ લગ્નતિથિના દિવસ પહેલાં ગોઠવ્યું હતું. ઉજવણી થઈ ગયા પછીના બીજા દિવસે એ પરત ન્યૂયોર્ક જવા નીકળી જવાની હતી.

પૂરી ધામધૂમ સાથે ઉત્સાહસભર વાતવરણમાં ધીરજ-સમતાની પચાસમી લગ્નતિથિ ઊજવાઈ હતી. ધૈર્યા કોઈને પણ નિમંત્રિત કરવાનું ભૂલી નહોતી. તમામ સગાં-સ્નેહીઓ, અડોશ-પડોશ અને મિત્રવર્તુળની હાજરીથી પ્રસંગ ખરેખર દીપી ઊઠેલો. એમાંય જ્યારે ધીરજે હાજર આમંત્રિતોનો આભાર માનતાં, ખુદનાં સંતાનો માટે જે સરપ્રાઈઝ ગિફ્ટની જાહેરાત કરેલી એનાથી દીકરા-વહુઓનો આનંદ બેવડાયેલો, અલબત્ત બીજાઓએ નવાઈ અનુભવેલી.

એ પાર્ટીમાં ધીરજે બધાંને સંબોધતાં કહેલું, ‘સૌપ્રથમ જે હાજર છે એ બધા આમંત્રિતોએ સમય કાઢી હાજરી આપી છે અને અમારા પર યથોચિત ભેટ-ઉપકારની વર્ષા વરસાવી છે એ બદલ ખૂબ આભાર. અમારા દામ્પત્યજીવનના પચાસ વરસ સુખરૂપ રીતે પૂરાં થયાં છે એ બદલ મને સતત સહકાર આપનાર મારી ધર્મપત્ની સમતાનો સાચા દિલથી આભાર માનું છું. એણે મને આપેલે આજના દિનની ભેટ પણ વિશિષ્ટ છે. આજે એણે મને ભેટમાં એ વચન આપ્યું છે કે તે ભવિષ્યનાં વરસોમાં પણ મારો સાથ આ જ રીતે નિભાવશે. અમારાં સંતાનોએ જે રીતે આજે અમને અમારા લગ્નજીવનનાં પચાસ વરસ પૂરાં થઈ રહ્યાં છે એ નિમિત્તની સરપ્રાઈઝ પાર્ટી આપી છે, એ જ રીતે અમે આજના દિનને એમના માટેય યાદગાર બનાવવા સરપ્રાઈઝ જેવી રિટર્ન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. મારાં ત્રણેય સંતાનોને હું ભેટરૂપે રૂપિયા ત્રીસ-ત્રીસ લાખનો ચેક આપી રહ્યો છું.’ અનિલ-મિલન અને એમની પત્નીઓને સુખદ આશ્ચર્ય થયું હતું. બધાની સાથે એમણેય ધીરજની આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી હતી.

એ પછીના બે દિવસ પાણીના રેલાની જેમ વહી ગયેલા. ધૈર્યા સપરિવાર પાછી ન્યૂયોર્ક ચાલી ગઈ હતી. એ પછીના રવિવારની સવારે ધીરજે ચા-નાસ્તાના સમયે ડાઈનિંગ હૉલમાં બધાની હાજરીમાં વાત છેડી હતી.

‘જુઓ અનિલ-મિલન, મારા ખાતામાં-તમારા બંનેયના ખાતામાં રૂપિયા ત્રીસ-ત્રીસ લાખ જમા થઈ ગયાની ઍન્ટ્રી પડી ગઈ છે. મતલબ કે તમારા એકાઉન્ટમાં એ રૂપિયા જમા થઈ ગયા છે. બરાબરને ?’

બંનેય જણાએ ચૂપચાપ ડોકી ધુણાવી હા પાડી હતી. હવેની પળ ખૂબ નાજુક હતી. જે કાચમાં તિરાડ પડી હતી, એ કાચને પૂરો તોડવાનો હતો. સમતાએ ધીરજને આંખોથી હામ આપી હતી. ધીરજ આગળ બોલ્યો, ‘એ રૂપિયા આપણા નારણપુરાના ફ્લૅટના વેચાણમાંથી મળ્યા છે, જે તમને ત્રણેય ભાઈ-બહેનને મેં સરખે ભાગે વહેંચી આપ્યા છે.’

ઘડીભર વાતાવરણમાં સોપો પડી ગયો. અનિલ-મિલન અને એમની પત્નીઓના ચહેરા વિલાઈ ગયા. મિલન-અનિલ વિચારી રહ્યા કે પરિવાર અખંડ રહે એ માટે પપ્પાએ આબાદ સોગઠી મારી.

ધીરજ પુત્રોના ચહેરાના ભાવ જોવા માટે ફક્ત પળભર અટક્યો હતો. એ આગળ બોલ્યો, ‘તો હવે આપણા ઘરે મહેમાન આવે ત્યારે તમને બધાંને સંકડાશ વેઠવી પડે છે એ સમસ્યા તો ઊભી ને ઊભી રહે છે. એથી મારું તમને એ સૂચન છે કે મેં તમને આપેલા રૂપિયામાંથી તમે બંનેય અલગપણે સ્વપસંદગીનો સ્વતંત્ર ફ્લૅટ લઈ લ્યો.’ અનિલ-મિલન એકબીજાનાં મોઢાં તાકવા માંડયા. ક્યાં નારણપુરાનો રૂપિયા એક કરોડની કિંમતનો ત્રણ બૅડરૂમ-હૉલ-કીચનનો આલિશાન-લકઝુરિયસ ફ્લૅટ અને ક્યાં રૂપિયા ત્રીસ લાખ ! એટલામાં તો પોશ એરિયામાં માંડ એક બેડરૂમ-હૉલ-કીચનનો ફ્લૅટ માત્ર આવે, ફર્નિચર-રંગરોગાનના તો જે થાય એ જુદા.

એકદમ ઠાવકાઈ ધારણ કરી મહિમા બોલી, ‘રહેવા દો પપ્પા, એવી કંઈ અમને અલગ રહેવા જવાની જરૂરત નથી લાગતી. અમે અહીં તમારી જોડે રહીશું.’

કાવ્યા પણ બોલી ઊઠી, ‘હા, પપ્પા, અમેય તમારી સાથે જ રહીશું.’

‘પણ હવે તો આ બંગલો પણ આપણો નથી રહ્યો. નારણપુરાના ફ્લૅટની માફક આ બંગલો પણ વેચાઈ ગયો છે, બેટા ! આવતી પહેલી તારીખે નવા માલિકને એનો કબજો આપી દેવાનો છે.’ ધીરજે ધડાકો કર્યો. ખરેખર એ ધડાકો જ હતો. જે સાંભળી અનિલ-મિલનને જાણે કાનમાં ધાક્‍ પડી ગઈ હોય એવું અનુભવાઈ રહ્યું. એમના લાગણીશીલ પિતા આ હદે જઈ શકે છે એમ વિચારવું જ એ બંનેય માટે અશક્ય હતું.

‘તો આપણે બધાં ક્યાં રહીશું ?’ એ આંચકામાંથી સૌપહેલાં મહિમા સ્વસ્થ થઈ હતી. એ વિચારી રહેલી કે એના સસરાએ આ અચાનક શું કર્યું હતું ? મહિનાભરમાં તેમની પાસે બબ્બે ઘર હોવા છતાં ખુદની સાથે અમને બધાંને પણ બેઘર કરી દીધાં હતાં. બંગલો કેમ વેચી નાખ્યો ? વેચી નાખ્યો તો એના પૈસા ? એમ પૂછવાની એનામાં તો ઠીક, અનિલ-મિલનમાં ય હિંમત ન હતી. એમના ચહેરા તો એવા ગરીબડા બની ગયેલી કે જાણે આંખોમાં પાણી આવવાનાં જ બાકી રહ્યાં હતાં.

ધીરજે શાંતિથી કહ્યું, ‘આપણે બધાં હવે સાથે રહી શકીએ એ શક્યતા પર મેં પેલા રવિવારે તમે બે ભાઈઓ નારણપુરાના ફ્લૅટમાં સ્વતંત્ર રહેવા જવા માટે ઝઘડી પડેલા ત્યારે જ ચોકડી મૂકી દીધી હતી. તમારા બંનેયની ઈચ્છા સ્વતંત્ર રહેવાની છે એ જાણ્યા પછી મને થયું કે તે દિવસે જશવંત પૂજારા આવ્યા હતા, ત્યારે સાચું કહેતા હતા કે જો આપણાં સંતાનોને આપણે નડતરરૂપ-જુનવાણી અને ઘરના જૂના ફર્નિચર જેવાં લાગતાં હોય તો શા માટે આપણે એમની સાથે રહેવાનો મોહ રાખવો જોઈએ. કદાચ આ સમસ્યાને નિવારવા માટે જ શાસ્ત્રોએ પચાસ વરસની ઉંમર પછી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમનો આદેશ આપ્યો હોય તો નવાઈ નહીં. એ વખતના સમયમાં અમુક ચોક્કસ ઉંમરમર્યાદા પછી ગૃહસ્થને ગૃહ ત્યાગીને વનમાં જીવન પસાર કરવાનો ચાલ પ્રચલિત હતો. ઘર અને ઘરનાંની મોહ-માયા મૂકીને, વનમાં આવેલા એ વયસ્કોનો સમય સમાનવયની વ્યક્તિઓ સાથે શાંતિથી-આનંદપૂર્વક વ્યતીત થતો હશે. વનનાં ચોખ્ખાં હવા-પાણી સાથેનો નૈસર્ગિક આહાર એમનાં તન-મનની તામસિકતા દૂર કરી આધ્યાત્મિક માર્ગના સાધનાપંથે પ્રયાણ કરવા પ્રેરતો હશે. જશવંતભાઈ ત્યારે આવો જ એક ઉમદા વિચાર લઈને આવેલા કે શહેરની ભીડ-ભાડ, ઘોંઘાટથી દૂર, પ્રકૃતિની ગોદમાં આપણે એવી વસાહત બનાવીએ કે જ્યાં આપણી સમાન વયના મિત્રો, સગાં અને સ્નેહીઓ પ્રેમપૂર્વક શાંતિથી રહેતા હોય. દીકરાઓ પર આધારિત ગરીબ મા-બાપનો તો વૃદ્ધાશ્રમમાં પાછલા દિવસો ખોલી જેવા રૂમમાં ગુજાર્યા સિવાય છૂટકો નથી, પણ આપણે તો આપણને ગમે એવી સુંદર જગ્યાએ પસંદગી પ્રમાણે પૂરી સગવડ અને વ્યવસ્થાવાળા આવાસ બનાવી, કોઈની ઊપેક્ષા સહન કર્યા વગર, સાથે રહી શકીએ છીએ ને ! મારા મિત્ર નલીન અને એની પત્નીને એમનાં સંતાનો અમેરિકા રહેતાં હોઈ આ યોજના ખૂબ પસંદ આવી. એમાં જોડાવાનો નલીને મને ખૂબ આગ્રહ કર્યો. હું તો ત્યારે બિડાઈ ગયેલા કમળમાંના ભ્રમરની જેમ પરિવારની મોહ-માયામાં જકડાયેલો હતો. મને તો ક્યારેય સ્વપ્નેય એવો વિચાર ન આવેલો કે તમે બેય અમારાથી અલગ થવાનું વિચારતા હશો.’ ધીરજ શ્વાસ લેવા થોભ્યો. સમતાની આંખો ભીની હતી. અનિલ-મિલન અને મહિમા-કાવ્યાના ચહેરા પર ભોંઠપ હતી.

‘તમને અત્યારે નહીં સમજાય કે વિભક્તપણે રહેવા કરતાં સંયુક્તમાં રહેવાના ફાયદા અનેકગણા વધારે છે, પણ એ તમને સમય શીખવશે. અનિલ-મિલન, તમે કમાવાનું શરૂ કર્યું ત્યારથી મેં તમારી પાસેથી ઘરખર્ચ પેટે એક રૂપિયો સુધ્ધાં નથી લીધો. કેમ કે મને એવી જરૂરત ન હતી. તો તમારી એ બચત પંદર-વીસ લાખથી ઓછી નહીં હોય. તમને તમારી સગી બહેન ત્રણ-ચાર વરસે ઘેર આવતી હોય ત્યારે પણ જો સંકડાશ અને અગવડ અનુભવાતી હોય તો તમારા ઘરમાં ગેસ્ટરૂમની જરૂરત જ ક્યાં છે ? મારી આપેલી ત્રીસ લાખની રકમ જે મેં તમને તમારી લાયકાત કરતાં વધારે આપી છે. એમાં તમારી બચત ઉમેરી તમે આરામથી તમારી જરૂરિયાત મુજબનો બે બેડરૂમ-હૉલ-કીચનનો ફ્લૅટ લઈ શકશો. તમે એટલા નસીબદાર જરૂર છો કે તમારે લોનના હપતા નહીં ભરવા પડે. બાકી મેં તો મારી બંનેય પ્રોપર્ટી-ફ્લૅટ અને બંગલો લોન લઈને, હપતા ભરીને બનાવી હતી.’ ધીરજે જ્યારે સ્પષ્ટપણે બંનેયને જાતે ફ્લૅટ લેવાનું કહી દીધું તો અનિલ-મિલન બંનેયની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ. બંનેયના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. માંડ અનિલ બોલી શક્યો, ‘માફ કરી દો પપ્પા, મારી બહુ મોટી ભૂલ થઈ છે.’ એ જ શબ્દોનું મિલને પણ પુનરાવર્તન કર્યું.

‘ભૂલ તમારી નહીં દીકરાઓ મારી થઈ. તમારી બહેન ધૈર્યાએ મને કહ્યું કે પપ્પા તમે એ ભૂલ કરી કે બંનેય પર તમે ઘરની જવાબદારી નાંખી જ નહીં. સમતા પણ ક્યારેક મને આ બાબતે કહેતી. મેં ધૈર્યાને કહ્યું કે બેટા, મેં જે વેઠ્યું એ બધું એમને ન વેઠવું પડે એટલે બધું કર્યું. મેં ઘણો સંઘર્ષ વેઠયો છે. એ સમયમાં મારા માથે ઘણી જવાબદારી હતી. મા-બાપની દવા-દારૂના ખર્ચ, તમારા અભ્યાસના ખર્ચા, ઘરની લોનના હપતા અને મારી મોટા ભાગે કરવી પડેલી બહારગામની નોકરીને લીધે બીજા ઘરનો થતો ખર્ચ એમ બધી બાજુએથી સારી આવક હોવા છતાં ભીંસાઈ રહેતો. હું અને સમતા યુવાનીમાં સતત ખેંચને લીધે જ મોજ-શોખ ભોગવી ન શક્યાં, એ તમે છૂટથી માણી શકો, બે પૈસા બચાવી શકો એટલા માટે મેં ક્યારેય તમારી પાસે ઘરખર્ચ ન માંગ્યો. મારી ઓ.એન.જી.સી.ની નોકરી ટ્રાન્સફરેબલ હતી. પહેલાં પંદર વરસ મારાં માતા-પિતાને લીધે અને પછીનાં દશ વરસ તમારા બધાના અભ્યાસને કારણે મેં અને સમતાએ અમારા દામ્પત્યસુખનું બલિદાન આપ્યું છે. મિલન ડૉક્ટર થયો અને એણે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી. પણ અનિલ તને લાઈફમાં સ્થિરતા મળે એટલે મેં તને બિઝનેશ કરાવી આપ્યો. એ શરૂઆતના તબક્કામાં મેં તને તન-મન-ધનથી કરેલી મદદને તું નહીં ભૂલ્યો હોય. મિલન, તું પણ તારું દવાખાનું ખરીદવા આપેલ રૂપિયા નહીં ભૂલ્યો હોય. ખેર ! ધૈર્યાએ મને એક બીજી સમજ એ આપી કે પશ્ચિમની સંસ્કૃતિમાં બાળકો સોળ-સત્તર વરસની ઉંમરથી સ્વતંત્ર રહેતાં-કમાતાં થઈ જાય છે. ત્યાંનાં મા-બાપ કે સંતાનો એકમેક પર નથી આધારિત હોતાં કે નથી પાંગળાપણું અનુભવતાં. પપ્પા, તમે પણ પાંગળાપણું, ખાસ તો લાગણીઓનું પાંગળાપણું છોડી દો. અનિલ-મિલનને હવે અમારી જરૂરત નથી રહી, પણ ધ્યાનથી આજુબાજુ નજર ફેરવશો તો ખબર પડશે કે બીજાં કેટલાં બધાંને તમારી જરૂરત છે ! ધૈર્યાની આ વાત મને સ્પર્શી ગઈ. નવીને પણ મને આ વાત સમજાવી હતી. એને મને કહેલું કે તું જો માનતો હોય તે, પણ આજકાલનાં મોટા ભાગનાં સંતાનો ખાસ તો પુત્રવધૂઓનું જુદા રહેવા જવાનું વલણ વિશેષ હોય છે. તું કફ્ત ટ્રાયલ લેવા પૂરતું પણ સામેથી પૂછીશ કે તારા નારણપુરાના ફ્લૅટમાં કોને રહેવા જવું છે ? તો હું ગેરંટીથી કહું છું કે તારાં બંનેય પુત્રો એ માટે તૈયાર થઈ જશે. ત્યારથી હું સંતપ્ત હતો. નવીનના વિશ્વાસે મને ડગાવી દીધો હતો. એણે કહ્યું હતું એ રીતે ત્યારે મારી તમારાં પારખાં કરવાની હિંમત જ ન થઈ. પણ બહુ થોડા સમયમાં તમે જ્યારે સામેથી આ વાત કહી ત્યારે મને થયું કે ન ઈચ્છવા છતાં તમારાં પારખાં થઈ ગયાં. તમારાં બંનેયની સ્વતંત્ર રહેવાની ઈચ્છા જાણ્યા પછી મેં ફ્લૅટ અને બંગલો વેચી દેવાનો નિર્ણય લીધો. નિર્ણય લેવાઈ ગયા બાદ પણ એને અમલમાં મૂકતાં મેં ઘણી માનસિક તંગદીલી અનુભવી. ત્યારે તમારી મમ્મી સમતાએ મને કહ્યું એ ધીરજ, દીકરા આપણા નથી રહ્યા તો જડની શું માયા રાખવી ? અંતે અમે હવે બધી અહીંની માયા સંકેલી લીધી છે. નવીન સાથે અમે પેલી યોજનામાં જોડાઈ ચૂક્યાં છીએ. અમે અમારી બાકી રહેલી જિંદગી અને મૂડી, એવા વૃદ્ધ અને ગરીબ મા-બાપ માટે ખર્ચીશું કે જેમને એમનાં ખુદનાં સંતાનો ભારરૂપ ગણી ત્યાગી ચૂક્યાં હોય, જેઓ કોઈના આર્થિક-માનસિક સહારાની રાહ જોઈ રહ્યાં હોય.’

મહિના પછી એ ‘સાફલ્ય’ બંગલામાં રહેતો પરિવાર ત્રણ અલગ દિશાઓમાં વહેંચાઈ ગયો. છૂટા પડતી વેળાએ અનિલ-મિલનની આંખોમાં પશ્ચાત્તાપનાં અશ્રુઓ ટપકી રહેલાં. એમની પત્નીઓની આંખોમાંય આંસુ હતાં, જે પશ્ચાત્તાપનાં ઓછાં અને બંગલો અને સસરાની મરણોત્તર મૂડી ગુમાવ્યાના દુઃખનાં વધારે હતાં. આંખો તો ધીરજ-સમતાની પણ ભીની હતી. જોકે એમાંથી સંતાનો પ્રત્યે કોઈ અભાવ કે ફરિયાદ નહીં, ફક્ત આશીર્વાદ વરસી રહેલા. કેમ કે માવતર તો ક્યારેય કમાવતર નથી થઈ શકતાને !

– ઊર્વી પ્રબોધ હરિયાણી
(સંપર્કઃ ૭૫-બી, નંદનવન-૧, પ્રેરણાતીર્થ બંગલોઝ-૨ પાછળ, જોધપુર, સેટેલાઈટ, અમદાવાદ – ૩૮૦ ૦૧૫ મો. ૯૭૨૫૦ ૨૪૫૭૦)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “પારખાં – ઊર્વી પ્રબોધ હરિયાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.