સાપના લિસોટા – રવજીભાઈ કાચા

(‘સોનેરી રાજહંસ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)

નટુની પાંચ-છ છોકરાને ટોળકી હતી. બધા મિત્રો લગભગ સાથે જ હોય. ભણવામાં, રમવામાં, તળાવે ધૂબકા ખાવામાં, તોફાન કરવામાં સાથે જ.

ટોળકીના એકાદ મિત્રની રાવ, ફરિયાદ આવે તો બાકીના તેના ઘરે પહોંચી મિત્રનો બચાવ કરતા ને ફરિયાદીની પટ્ટી પાડી નાંખતા. બધું થાળે પડી ગયા બાદ સૌ હાથતાળી આપી જંગ જીત્યા હોય એવો આનંદ લૂંટતા.

એક દિવસ ચંદુ ખબર લાવ્યો કે મુખીના દીકરાનાં લગ્ન છે. ધામધૂમથી લગન થવાનાં છે. મુખી સારો એવો ખર્ચ કરવાના છે. જમણવારની તો વાત જ પૂછો મા. શહેરમાંથી રસોયા બોલાવ્યા છે.

“અરે વાહ ! મુખીના દીકરાનાં લગન તો જોવા મળશે.” નટુએ આનંદ વ્યક્ત કર્યો.

“લગન જોયે શું વળે. કંઈક ખાણીપીણી થઈ જાય તો વધુ આનંદ આવે. પણ મુખી આપણને શા માટે બોલાવે ?” લાલાએ અફસોસ પ્રગટ કર્યો.

“આપણે કંઈ મુખીના છોકરાનાં મિત્રો નથી. મુખીના સગાંવાલાં નથી તે આપણને નિમંત્રણ આપે. આપણને ન બોલાવે એ સ્વાભાવિક છે.” નટુએ સમજાવતાં કહ્યું.

“પણ નટુ, ગામમાં જમણવાર હોય ને આપણને ખાવા ન મળે એ સારું કહેવાય ?” બીજા મિત્રોએ દલીલ કરી.

“નટુ, તું કંઈક કરને. લગનમાં આપણેય જલસો કરીએ.” મિત્રોએ નટુને વિનંતી કરી.

નટુ હતો સ્વમાની. તેને નિમંત્રણ વિના જમવા જવું ઠીક નહોતું લાગતું. પણ મિત્રોનો આગ્રહ હતો એટલે વિચારે ચડી ગયો. થોડી વાર પછી તેણે મિત્રોને કહ્યું, “જુઓ આવતીકાલે લગ્ન છે. હું કહું છું તેમ તમારે કરવાનું છે. જો એમાં કંઈ ચૂક થઈ કે કોઈ પકડાઈ ગયું તો આપણું આવી બનશે. પણ એટલું યાદ રાખજો કે જો કોઈ પકડાઈ જાય તો કોઈનાં નામ દેવાં નહિ. બોલો, છે કબૂલ ?” નટુએ યુક્તિ અને યોજના સમજાવતાં કહ્યું.

મિત્રોએ સંમતિ આપી. આવતી કાલે ભાવતાં ભોજન મળશે એ આશાએ બધા છૂટા પડ્યા. કેટલાંકને તો રાત્રે ઊંઘમાં પણ જમવાનાં સપનાં આવ્યાં.

બીજા દિવસે વરવિવાહ હતા. મોટો જમણવાર હતો. ગામ-પરગામથી સગાંવહાલાં, મિત્રો, વેવાઈવેલા બનીઠનીને આવ્યાં હતાં. મોટો મંડપ નાંખેલો. મહેમાનો પર સુગંધી અત્તર છંટાતું હતું. મુખી દરવાજે ઊભાઊભા સૌનું સ્વાગત કરતા હતા. ધીમુંધીમું સંગીત વાગતું હતું. મુખીનો દીકરો (વરરાજા) પણ મિત્રો સાથે આનંદથી વાતો કરતો હતો.

મંડપની બાજુમાં રસોડું હતું. રસોઈયાએ મન દઈને સરસ ચટાકેદાર રસોઈ બનાવી હતી. રસોઈની સુગંધ મોંમાં પાણી લાવી દેતી હતી. મીઠાઈના થાળ તૈયાર હતા. સમોસાં, કચોરી, દહીંવડાં, રાયતા, રોટલી, દાળભાત, શાક, કઠોળ વગેરે મૂકેલાં હતાં. મુખીનો આદેશ થયો ને બધા મહેમાનો જમણમાં જોડાયા. રસોઈનાં વખાણ કરતાં જાય ને ભાવથી જમતા જાય. જમણવારમાં સૌ મશગૂલ હતાં ત્યાં રસોડામાં રાડ પડી, “ભાગો ભાગો સાપ છે.” સાંભળતાંની સાથે જ રસોડામાંથી સૌ જીવ બચાવવા જ્યાં-ત્યાં ભાગવા લાગ્યા. એકાદ મિનિટમાં તો રસોડું ખાલી થઈ ગયું. કેટલાક તો લાકડી, પથ્થર લઈ દોડ્યા. પણ વડીલોએ રોક્યા. સાપનું જોખમ ન લેવાય. એને પકડીને દૂર મૂકી આવો. પણ જીવતા સાપને પકડવા કોણ તૈયાર થાય ? જીવનું જોખમ કહેવાય. ત્યાં એક ખૂણેથી અવાજ આવ્યો. “મુખી, ઓલા નટ્યાને બોલાવો. એને સાપ પકડતાં આવડે છે.”

બધાના જીવમાં જીવ આવ્યો હોય એમ એકસાથે બોલ્યા, “એ હા હો નટુ બહાદુર છે. સાપને પકડી રમાડે પણ છે. એને મન તો સાપ પકડવો રમત વાત છે.”
મુખીએ હુકમ કર્યો, “જાવ નટુને તાબડતોબ બોલાવી લાવો.”

બંદૂકની ગોળીની જેમ માણસો છૂટ્યા. નટુ પણ યોજના મુજબ તેની ટોળકીને લઈ મુખીનાં ઘર તરફ આવી રહ્યો હતો. માણસે કહ્યું, “નટુ જલદી ચાલ. મુખીના ઘરમાં સાપ નીકળ્યો છે. જમણવાર અટકી પડ્યો છે.”

નટુના ભાઈબંધ હરખાતા પણ ગંભીર બની બોલ્યા, “દોડ નટુ, મુખીબાપાનું કામ તો આપણે કરવું જ પડે.”

નટુની ટોળકી દોડતી મુખીના ઘરે પહોંચી. નટુને જોઈ બધાને હાશકારો થયો. જમણની થાળી હજી હાથમાં હતી. મોંનો કોળિયો અધૂરો હતો. બધાનાં મોંનું નૂર ઊડી ગયું હતું.

મુખી દોડ્યા, “નટુ બેટા, જલદી ચાલ. મારો વરો બગડશે. તારા સિવાય સાપ કોણ પકડી શકે ?”

મુખીબાપાની લાકડી નટુએ લીધી. ગયો રસોડામાં ગંભીર ને જોખમી કામ હોય એમ બધે જોવા લાગ્યો. આખું રસોડું ફરી વળ્યો. સાપ મળ્યો નહિ. હોય તો મળે ને ? એક જગ્યાએ નટુએ લાકડીથી સર્પાકાર લિસોટો કર્યો. તેણે સાદ કર્યો, “મુખીબાપા અહીં આવો.”

મુખી અને માણસો રસોડામાં ગયા. નટુએ પાસે બોલાવી કહ્યું, “મુખીબાપા, રસોડામાં ક્યાંય સાપ નથી. હતો જરૂર પણ જુઓ, અહીંથી બહાર નીકળી ગયો છે. આ રહ્યો સાપનો લિસોટો.”
માણસો બોલી ઊઠ્યા, “હાશ, ભગવાને લાજ રાખી.” મુખીએ ફરી જમવાનું શરૂ કરવાની વિનંતી કરી.

નટુ મુખીબાપાને કહે, “મુખીબાપા, ચાલો અમે જઈએ.”

નટુના માથે હાથ મૂકી મુખીબાપા બોલ્યા, “નટુબેટા, એમ તે જવાતું હશે. જમીને જા.”

“હા… હા… મુખીબાપ સાચું કહે છે. નટુ જમીને જ જા.” સાગરીતોએ મુખીને સાથ આપ્યો.

“નહિ મુખીબાપા. હું એકલો નથી. હું જમું ને મારા મિત્રો એમ જ જાય એ મને ન ગમે. અમે ઘરે જમીશું.”

“તે એમાં શી મોટી વાત છે ! તું ને તારા મિત્રો આજ મારા મહેમાન થાવ. બધા જમી લો.”

“તમારો આગ્રહ છે તો ના કેમ પાડવી ?” નટુએ મિત્રો તરફ ઈશારો કરી જમવા બોલાવ્યા.

ઘરે જતાં જતાં ચંદુ નટુને ધબ્બો મારતાં બોલ્યો, “વાહ નટુ ! તારો આઈડિયા એટલે કહેવું પડે હોં ! પેલી કહેવત સાચી કરી બતાવી.”

“કઈ કહેવત દોસ્ત !” નટુએ હસતાં હસતાં પૂછ્યું.

“સાપ મર્યો નહિ ને લાઠી તૂટી નહિ.”

“ઠીક છે હવે ઘરે જઈ નિરાંતે સૂઈ જાવ. કાલે મળીશું. પણ જો જો હોં, આપણા ભેદભરમની કોઈને કાનોકાન ખબર ન પડવી જોઈએ.” નટુએ સૌ મિત્રોને ચેતવી ઘરે વળાવ્યા.

– રવજીભાઈ કાચા

[કુલ પાન ૮૫. કિંમત રૂ. ૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન. (0૭૯) ૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “સાપના લિસોટા – રવજીભાઈ કાચા”

Copy Protected by Chetan's WP-Copyprotect.