પુનિતકથા – સંત પુનિત

(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

(૧) સબળ સ્વ-શ્રદ્ધા
‘કેમ ભાઈ ! આમ ગુમસુમ કેમ બેઠો છે ? શું કંઈ અવનવું બન્યું છે ? કે પછી ક્યાંયથી માઠા સમાચાર સાંભળવા મળ્યા છે ?’

વિષાદઘેર્યા વદને બેઠેલા એ યુવાનને ખભે હાથ મૂકી, એ કોલેજિયને સ્નેહભર્યે સ્વરે પૂછ્યું.

‘ભાઈ, બીજું તો કંઈ બન્યું નથી, પણ ચાર-પાંચ દિવસમાં જો ફી નહિ ભરી શકું તો મારે કોલેજને આખરી અલવિદા કરવી પડશે.’

લમણે હાથ દઈને કોલેજના ગાર્ડનના બાંકડા પર બેઠેલો આ વિદ્યાર્થી બોલ્યો.

‘ભાઈ ! તું કોલેજ છોડી દે તો આપણી તો ભણવાની મજા જ મારી જાય. શું બીજે ક્યાંયથી ફીનો પ્રબંધ થઈ શકે એમ નથી ?’

‘ના, ભાઈ, બીજે ક્યાંયથી ફીનો પ્રબંધ થાય એમ નથી. ને ખરું પૂછે તો, કોઈની પણ પાસે હાથ લાંબો કરતાં મને શરમ આવે છે. માગવા કરતાં મરવું વધારે સારું લાગે છે મને. આપણે કોઈની પાસે કંઈ માગીએ છીએ ત્યારે એની દ્રષ્ટિએ આપણી કિંમત ઘટી જાય છે.’

એ યુવાન વિદ્યાર્થીએ પોતાના મનના ઉમદા વિચારો વ્યક્ત કર્યા.

‘ભાઈ ! તને ફી ભરવાની નોટિસ મળી છે, એટલે કંઈ મૂંઝાવાની જરૂર નથી. નોટિસ મળ્યા પછી પણ કોલેજના સંચાલક તરફથી ફી ભરવાની મુદત વધારી આપવામાં આવશે. ત્યાં સુધીમાં ક્યાંકથી ફીના પૈસાની જોગવાઈ થઈ જશે.’

‘ભાઈ, ફી ભરવાની આ કંઈ પહેલી જ નોટિસ મળી નથી; આ તો પાંચમી તારીખની છેલ્લી મુદત મને આપવામાં આવી છે. પહેલી ટર્મના પૈસા તો ટ્યુશનમાં મળેલા પૈસામાંથી ભરી દીધા. પણ હવે ક્યાંય કરતાં ક્યાંય વેંત નથી ખાતો.’

‘હા, તો તો તારે માટે આ પ્રશ્ન ગંભીર વિચારવા જેવો ખરો જ. પણ કાલે ફીનો પ્રબંધ નહિ થઈ શકે તો તું શું અભ્યાસ છોડી દઈશ ?’

‘ના, મારે અભ્યાસ અધૂરો છોડવો નથી. વિદ્યાભ્યાસ તો મારો શ્વાસ-પ્રાણ છે. મારે તો હજી બહુ જ ભણવું છે. જગતના મહાન અર્થશાસ્ત્રી બનવાની મારી મહત્વકાંક્ષા છે. કોઈ પણ ભોગે તે હું પૂરી કરીશ જ.’

‘પણ કાલે ફીની રકમ ક્યાંયથી નહિ મળે તો વિદ્યાભ્યાસ કઈ રીતે પરિપૂર્ણ કરીશ ?’

‘કાલે પ્રિન્સિપાલ સાહેબને રૂબરૂ મળીશ. ફીની રકમ મેળવવા માટે એક જ ઉપાય રહ્યો છે. મને શ્રદ્ધા છે કે એ ઉપાય અવશ્ય કારગત નીવડશે.’

આમ કહી, એ યુવાન બાંકડા પરથી ઊભો થઈ ચાલ્યો ગયો.

બીજે દિવસે અગિયાર વાગ્યે એ યુવાન પ્રિન્સિપાલની ઓફિસમાં દાખલ થયો. એને આવકારતાં પ્રિન્સિપાલ બોલ્યા : ‘આવો ભાઈ ! બોલો, શું કામ છે ?’

એ વિદ્યાર્થીને આપેલી નોટિસ બરાબર વાંચી પ્રિન્સિપાલ બોલ્યા : ‘ભાઈ, તને પાંચ પાંચ વાર તો નોટિસ મળી ગઈ છે. હવે તને જરાયે મહેતલ મળશે નહિ.’

‘સાહેબ, બહુ લાંબી મુદત માગતો નથી; માત્ર પંદર દિવસની જ મુદત માગું છું. ઓગણીસમી તારીખે ફીની રકમ અચૂક ભરી દઈશ.’

‘૧૯મી તારીખે તું ચડેલી ફી કઈ રીતે આપી શકીશ ?’

‘સાહેબ, મેં નિબંધ-સ્પર્ધામાં ભાગ લીધો છે. મને શ્રદ્ધા છે કે સ્પર્ધામાં મારો નંબર પહેલો જ આવશે. મને ઈનામમાં મળેલી રકમ હું ચડેલી ફી પેટે જમા કરાવી દઈશ.’

વાત સાંભળીને પ્રિન્સિપાલ બોલી ઊઠ્યા : ‘ભાઈ, તમે તો શેખચલ્લીની માફક તરંગ કરવા લાગ્યા. તમે શા માટે એવું ધારી લ્યો છો કે નિબંધ-સ્પર્ધામાં તમને જ પહેલો નંબર મળશે ?’

‘સાહેબ ! મેં દિલ દઈને નિબંધ લખ્યો છે. એના પરિણામ અંગે મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ફીની રકમની આજે મારી પાસે બિલકુલ સગવડ નથી. મારે તો નિબંધની નાવડીએ તરવું છે.’

‘મને તો આશા નથી કે નિબંધની નાવડીએ તું તરી શકે. કદાચ તું એમ માનતો હોય કે નિબંધ લખવામાં મારા જેવો બીજો કોઈ હોશિયાર નથી, તો તું ખરેખર ખાંડ ખાય છે. ‘બહુરત્ના વસુંધરા !’ તારા કરતાંય ચડિયાતા છોકરાઓ આપણી કોલેજમાં પડ્યા હશે. તારાથી આજે ફી ભરી શકાય તેમ ન હોય તો બહેતર છે કે તું આજે જ કોલેજ છોડી દે.’

‘સર ! બહુ નહિ, માત્ર અઢારમી તારીખ સુધી રાહ જુઓ. આટલી મુદત નહિ આપો તો મારી કારકિર્દી ધૂળમાં મળી જશે. નિબંધ-હરીફાઈનું પ્રથમ ઈનામ પંચોતેર રૂપિયાનું છે. બાકી નીકળતી ફી પણ પંચોતેર રૂપિયા જ છે. સ્પધામાં પ્રથમ આવીશ કે તુરત ભરી દઈશ.’

‘ભલે ભાઈ, તું કહે છે એમ ૧૯મી તારીખ સુધી રાહ જોઈશ. જોકે કાયદો કહે છે કે આટલી મુદત અપાય નહિ. પણ તું આટલી આત્મશ્રદ્ધાથી વાત કરે છે એટલે મારેય ચકાસણી કરવી છે કે તારામાં કેટલું હીર છે, કેટલું જવાહીર છે !’

ને… અઢારમી તારીખે નિબંધ-સ્પર્ધામાં પહેલે નંબરે આવી, પંચોતેર રૂપિયાનું ઈનામ એ તેજસ્વી વિદ્યાર્થી ખરેખર જીતી ગયો.

પ્રિન્સિપાલે એની પીઠ થાબડી એની આત્મશ્રદ્ધાને બહુ જ બિરદાવી એનું બહુમાન કર્યું.

એ યુવાને ભવિષ્યના મહાન અર્થશાસ્ત્રી બનવાનું સ્વપ્ન પણ સાકાર કર્યું.

એ યુવાન હતા ‘લોટસ ટ્રસ્ટ’ના સંસ્થાપક અને ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’નાં ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વર્ગીય મનુ સૂબેદાર.

(૨) મોટા મનના માનવી

‘થૂ… થૂ… થૂ… અરર, આ તે ચા છે કે નર્યું ઝેર ? આ શંકરિયાનું મગજ ઠેકાણે લાગતું નથી. આજે સાહેબ એની રેવડી દાણાદાણ કરી નાખશે. ઘાણીએ ઘાલીને તેલ કાઢશે તેલ…’ ગૃહિણીએ જેવો ચાનો પહેલો ઘૂંટડો ભર્યો કે એના રુંવે રુંવે અગનઝાળ લાગી ગઈ.

એના ચહેરાની શિકલ જ જાણે ફરી ગઈ.

‘શું થયું બા ?’ નાનો દીકરો હાથ-મોં ધોઈને ચા-નાસ્તો લેવા આવ્યો એ દરમ્યાન બાએ ચાનો ઘૂંટડો ભર્યો હતો ને એમના મોંમાંથી રાડ નીકળી ગઈ એ જોઈ પૂછવા લાગ્યો : ‘કેવી ચા બની છે ?’

‘નરી ઝેર જેવી.’ આ બબડ્યાં ને દીકરા માટે ભરીને તૈયાર રાખેલો ચાનો કપ પાછો ખેંચી લેતાં બોલ્યાં : ‘આજે તારાં પિતાજીનો પિત્તો છટકવાનો છે. આ રસોઈયો ક્યારે સુધરશે ? કોઈ કશું કહેતું નથી એટલે માથે ચડી વાગ્યો છે. આટલી બધી બેદકારી તે શી રીતે ચલાવી લેવાય ?’

‘પણ આટલી બધી અકળાય છે શાની ?’ દીકરાએ બાને શાંત પાડતાં ઠાવકાઈથી કહ્યું : ‘ખાંડ ઓછીવત્તી પડી ગઈ હોય તેથી આટલા બધા અકળાઈ જવાની શી જરૂર છે ?’ આમ કહીને બાએ ખેંચી લીધેલો ચાનો કપ પાછો લીધો ને એક ઘૂંટડો ભર્યો ત્યાં એય થૂ… થૂ… કરવા લાગ્યો.

બાનો ક્રોધ હવે શમી ગયો હતો. દીકરાની દશા જોઈને એ અનાયાસે જ ખડ ખડ હસવા લાગ્યાં ને બોલ્યાં : ‘કાં, ચાખી જોયોને સ્વાદ ? હવે કહે કે ક્યારેય આવી ભૂલ થઈ હશે ? ‘પરોપદેશે પાંડિત્યમ્‍’ ન ચાલે, દીકરા !’

‘બા, આમાં તો ખાંડને બદલે સારી પેઠે મીઠું ધબકાર્યું છે.’ દીકરો ભોંઠો પડી જતાં બોલ્યો : ‘મને એમ કે ખાંડ…’

‘એ બધું તો ઠીક છે બેટા, પણ તારા પિતાજી થાક્યાપાક્યા આવી ચા પીશે ત્યારે શંકરના શા હાલહવાલ કરશે એની કલ્પનામાત્રથી હું તો ધ્રૂજી ઊઠું છું.’

‘એ તો હમણાં શંકર આવે એટલે ખબર પડે કે એના માથે કેવી પસ્તાળ પડી છે !’ દીકરો હસતો હસતો બોલ્યો.

મા-દીકરો શંકર રસોયાના આગમનની કાગડોળે રાહ જોવા લાગ્યાં.

સર મનુભાઈ વડોદરા રાજ્યના દીવાન હતા ત્યારની આ વાત છે.

મનુભાઈનું નિવાસ કચેરીની નજીકમાં જ હતું. બપોરની ચા પીવા એ ઘેર આવતા નહિ, પણ રસોયા મારફતે કચેરીમાં જ મંગાવીને ચા પી લેતા હતા, જેથી મનુભાઈનો આવવા-જવાનો સમય બગડે નહિ અને કામમાં વિક્ષેપ પડે નહિ.

મનુભાઈ કડક દીવાન તરીકે જાણીતા હતા. રાજ્યનું દરેક કામ વિના વિલંબે થાય એના ચુસ્ત આગ્રહી હતા. કોઈ કર્મચારીની જરા સરખી ભૂલ આવે તો ખબર લઈ નાખતા.

આવા કડક સ્વભાવના દીવાન સાહેબ મીઠું નાખેલી ચાનો ઘૂંટડો ભરતાં જ શી દશા કરશે એની કલ્પનામાત્રથી દીવાન-પત્ની અને પુત્ર ફફડી રહ્યાં હતાં ત્યાં શંકર ખાલી કપ-રકાબી અને કીટલી લઈને આવી પહોંચ્યો.

રાબેતા મુજબ શંકર તો સીધો રસોડામાં ગયો અને ખાલી પાત્રો યથાસ્થાને મૂકીને પોતાને કામે વળગી ગયો. હંમેશની જેમ પ્રસન્ન મુદ્રાએ એને કામ કરતો જોઈને મા-દીકરો ભારે વિસ્મય પામ્યાં ને ધીરજ કાબૂમાં ન રહેતાં દીકરાએ જ બૂમ પાડી : ‘શંકરભાઈ, ઓ શંકરભાઈ, અહીં આવો, બા બોલાવે છે.’

‘શું કામ છે, બા ?’ શંકર રસોડામાંથી દોડી આવ્યો ને આદેશની પ્રતીક્ષા કરતો ખભે નાખેલા અંગોછાના છેડાથી હાથ લૂછતો ઊભો રહ્યો.

‘કચેરીએ ચા આપી આવ્યો ?’ બાએ જુદી રીતે સવાલ પૂછ્યો.

એમને એમ હતું કે હમણાં ત્યાં બનેલ તોફાનનાં રોદણાં રડવાં બેસી જશે.

‘હા, બા ! સાહેબને ક્યારનો ચા પાઈને આવી ગયો છું. કેમ પૂછવું પડ્યું ? સાહેબને કંઈ સંદેશો આપવાનો હતો ?’ શંકરે સહજભાવે જવાબ આપ્યો એટલે બાને વધુ નવાઈ લાગી.
‘ચા મૂકીને આવતો રહ્યો કે પાઈને ?’ માન્યામાં આવ્યું નહિ એટલે ખણખોદ કરીને બાએ વાત કઢાવવા માંડી.

શંકરને નવાઈ લાગી. કોઈ દિવસ નહિ ને બા આજે આવા ચિત્રવિચિત્ર સવાલો કેમ કરતા હશે એ જ એને સમજાયું નહિ. એ થોડો અકળાયો પણ હતો એટલે બાને બીજા કોઈ સવાલ કરવાની તક જ ન મળે આ આશયથી એકીશ્વાસે બનેલા બનાવનું એ વર્ણન કરી ગયો : ‘હા બા, અહીં રસોડામાં ચા બનાવીને, સાહેબ માટે કીટલીમાં કાઢી લીધી. તમારી ને ભાઈ માટેની ચા બીજી કીટલીમાં ભરીને મૂકતો ગયો હતો એ તમે પી લીધી હશે. ત્યાં જઈને મારા હાથે સાહેબને કપમાં ચા રેડીને આપી. મારી નજર સામે જ સાહેબે ચા પી લીધી ને ખાલી કપ-રકાબી મને પાછા આપ્યાં. એ લઈને તરત હું અહીં આવ્યો. બોલો, હવે કોઈ સવાલ પૂછવો છે ?’

‘હા, હજી મુખ્ય સવાલ બાકી રહ્યો છે.’ બાએ એના ચહેરા ઉપર દ્રષ્ટિ સ્થિર કરતાં પૂછ્યું : ‘સાહેબે ચા પીને તને કશું કહ્યું ખરું ?’

‘બા, તમે કચેરીએ એકવાર આવીને જુઓ તો ખબર પડે કે સાહેબ કામમાં કેટલા બધા વ્યસ્ત હોય છે. પછી મારી સાથે વાત કરવાનો વખત જ ક્યાંથી મળે ?’

શંકર બોલ્યો ને હવે કંઈ આદેશ હોય તો સાંભળવા મૂંગો મૂંગો ઊભો રહ્યો.

એણે જોયું કે એની વાત સાંભળીને બાએ હાશકારો અનુભવ્યો હતો. એ જવા લાગ્યો એટલે ખુલાસો કરવાના આશયથી બાએ એને રોકતાં કહ્યું : ‘શંકર, તને નવાઈ લાગતી હશે કે મેં આજે આટલા બધા સવાલો કેમ કર્યા હશે, ખરું ને ? તો લે, તું કીટલીમાં ભરીને આપી ગયો હતો એ ચા હજી એમ ને એમ પડી રહી છે. તું ચાખી જોઈશ એટલે તને સમજાઈ જશે.’

હવે શંકરનાં મોતિયાં મરી ગયાં. એણે ઝડપથી વિચારી લીધું કે બા ક્યારના ઊલટતપાસ શા માટે કરી રહ્યાં છે. જરૂર ચામાં કંઈક ગરબડ થઈ ગઈ લાગે છે. એ હાંફળોફાંફળો થોડી ચા કીટલીની રકાબીમાં રેડીને ચાખવા લાગ્યો ને આખો મામલો સમજી ગયો.

એના મુખ પર ગભરામણની કાલિમા પથરાઈ ગઈ.

એને થયું કે આવી જ ચા સાહેબને પણ એ પિવડાવીને આવ્યો છે.

હવે એનું આવી જ બન્યું.

‘બેન, મને બચાવી લ્યો. મારાથી ભયંકર ભૂલ થઈ ગઈ છે. ભૂલમાં ખાંડને બદલે ચામાં મીઠું નાખી દીધું છે ! બધા ડબ્બા એકસરખા જ છે એથી આ ભૂલ થઈ ગઈ છે. સાહેબ આવી ગંભીર ભૂલ માફ નહિ કરે. મને નોકરીમાંથી કાઢી મૂકશે તો મારા બાલબચ્ચાં ભૂખે મરી જશે.’ બોલતો બોલતો શંકર બાનાં ચરણોમાં નમી પડ્યો.
આંખોમાં ચોધાર આંસુ વહેવા લાગ્યાં.

થોડીવારે બાએ દિલાસો દેતાં શાંત પડેલો શંકર બોલી ઊઠ્યો : ‘પણ બા, ચા પીતી વખતે સાહેબે કેમ કંઈ કહ્યું નહિ હોય ? કામની ધૂનમાં ખ્યાલ નહિ રહ્યો હોય ?’

‘મને પણ એ જ સમજાતું નથી. પણ ગમે તેવા કામમાં વ્યસ્ત હોય તોય કંઈ મીઠાવાળી ચાની ખબર ન પડે એવું બને ? હશે, બનવાનું હતું તે બની ગયું. સાંજે સાહેબ આવશે ત્યારે શું થશે એ કહી શકાય નહિ. જેવી હરિની ઈચ્છા.’ બાએ કહ્યું.

શંકર વીલે મોંએ રસોડામાં ગયો. પણ કામમાં એનું ચિત્ત ચોંટ્યું નહિ.

‘સાહેબે કચેરીમાં કશું કહ્યું નથી. પણ આવી ગંભીર ભૂલ બદલ ઘેર આવતાંવેંત તતડાવી નાખશે.’ આખા દિવસના થાક્યાપાક્યા ક્રોધે ભરાઈને નોકરીમાંથી કાઢી મૂકે તોય નવાઈ નહિ.
આવું આવું વિચારતાં જ એના ડિલે પરસેવો વળી ગયો.

ફફડાટમાં ને ફફડાટમાં શંકરે ત્રણ કલાક કાઢ્યા. એને ડર હતો કે ભયના ઓથાર નીચે સાંજનું ભોજન તૈયાર કર્યું છે; પણ એમાંય કંઈક ગરબડ થઈ જશે તો બમણા ગુનામાં આવી જઈશ. એણે બે વાર તો રસોઈ તૈયાર થયા પછી બાને ચખાડી જોઈ.

કંઈ ભૂલ રહી જતી નથી એની ખાતરી કરે તોય હૈયે ફફડાટ તો રહ્યો જ.

સાંજે મનુભાઈ બગીમાંથી ઊતરીને બંગલામાં પ્રવેશ્યા. શંકર એમની રાહ જોઈને જ બેઠો હતો. મનુભાઈ આવીને શું કરશે ? બા એમને ઠંડા પાડવાની કોશિશ કરશે; પણ એ ઠંડા પડશે ખરા ? બાની વાત સાંભળે એવા નથી. આજે શી રીતે સાંભળશે ? હૈયાના ધબકારા વધી ગયા.

પણ મનુભાઈ તો બંગલામાં પ્રવેશીને, દીવાનખંડમાં થઈને પોતાના કક્ષમાં જવાને બદલે સીધા રસોડા તરફ જ વળ્યા. શંકર તો મનુભાઈ ઉપર જ નજર રાખીને બેઠો હતો. બાને પણ મળવાની દરકાર રાખ્યા વિના રસોડામાં આવીને મનુભાઈ ઊભા ત્યારે શંકરના હાથમાંથી વાસણ છટકીને પડી ગયું. એના શરીરમાં ભયની ધ્રુજારી પ્રસરી ગઈ. મનુભાઈ કશું કહે એ પહેલાં જ શંકર એમનાં ચરણોમાં લાંબો થઈ ગયો.

પગ પકડીને રડતો રડતો બોલવા માંડ્યો : ‘સાહેબ, માફ કરી દો. મારાથી ભારે ભૂલ થઈ ગઈ છે. હવે પછી આવી ભૂલ ક્યારેય નહિ થાય.’

‘અરે શંકર, આ શું કરે છે ? ઊઠ, ઊભો થા. મેં તને કશું કહ્યું નથી. પછી રડે છે શા માટે ?’

મનુભાઈએ એના ખભા પકડીને ઊભો કર્યો ને સ્નેહથી પીઠ પસવારીને શાંત પાડ્યો.

પછી એમણે રસોડામાં ચારેકોર નજર ફેરવવા માંડી.

એક ઘોડામાં લાઈનસર ડબ્બા ગોઠવેલા હતા.

એમણે આગળ વધીને એક ડબ્બો લઈને ખોલ્યો તો એમાં દાળ ભરી હતી.

એમણે ડબ્બો બંધ કરીને પાછો યથાસ્થાને મૂકી દીધો. એ દરમ્યાન શંકર એમની પાસે આવીને પૂછવા લાગ્યો : ‘સાહેબ, શું જોઈએ છે ? શેનો ડબ્બો શોધો છો ?’

પણ મનુભાઈએ એની વાતનો જવાબ આપવાને બદલે એકસરખા કદ-માપના ડબ્બાની કતાર પાસે આવીને, પહેલા ડબ્બા સામે આંગળી ચીંધીને પૂછ્યું : ‘આ શાનો ડબો છે ?’
શંકરે ધ્યાનથી જોઈને જવાબ આપ્યો : ‘લોટનો.’

‘ને એની બાજુનો ?’

‘દાળનો.’ શંકરે કહ્યું.

પછી મનુભાઈને સવાલ પૂછવાની તસ્દી આપ્યા વિના એક પછી એક ડબો બતાવતાં કહેવા માંડ્યું : ‘આ ડબો ચોખાનો છે. આમાં ગોળ છે, આમાં ખાંડ છે ને આમાં મીઠું છે.’

‘આ મીઠાનો ડબો ઉપરના ખાનામાં અલગ મૂકી દે, જેથી ક્યારેય બીજી વાર ભૂલ થવાનો સંભવ ન રહે.’ મનુભાઈએ મીઠાનો ડબો બધા ડબાથી જુદો જ બીજા ખાનામાં મુકાવ્યો ને શંકરને એક પણ શબ્દ કહ્યા વિના રસોડામાંથી નીકળી ગયા.

શંકર તો સ્તબ્ધ બનીને એ મહાપુરુષને ચાલ્યા જતા જોઈ જ રહ્યો. આવી ગંભીર ભૂલ છતાં આટલું ઠંડું મગજ, ને એય વડોદરા જેવા મોટા રજવાડાના એક દીવાનનું !
રસોઈયો શંકર સર મનુભાઈ દીવાનને મનોમન વંદી રહ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “પુનિતકથા – સંત પુનિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.