ખાઉધરો દેડકો – પ્રણવ કારિયા

(‘જન્મભૂમિ પ્રવાસી’ ૧૫ માર્ચ, ૨૦૧૫માંથી સાભાર)

ગામને પાદર સરોવરમાં એક જાડો-પાડો દેડકો રહેતો હતો દાદો દલુ એનું નામ. દલુ દેડકો ભારે ખાઉધરો ! એનું મોઢું બહુ મોટું અને આંખો તો જાણે ભેંસનાં ડોળા જેવી ! દલુ દેડકાને સૌ તળાવના મિત્રો “ખાઉધરો” કહીને ચિડાવે, પણ દલુ દેડકો મસ્તરામ હતો. કોઈનું કદી સાંભળે નહિ અને મોજથી સરોવરમાં કૂદતો, હરતો-ફરતો ગીતડાં ગાતો હોય !
દલુ દેડકો મારું નામ, શાંત સરોવરમાં મારા ધામ !

ડ્રાઉં… ડ્રાઉં… ગીતો ગાઉં ! પેટ ભરીને માખીઓ ખાઉં !

આ સરોવરને કાંઠે એક ઘેઘૂર વડલાનું ઝાડ હતું. તેના પર બલુ બગલો રહેતો હતો. બલુ બગલો રૂની પૂણી જેવો ધોળો ધક્‍, પણ લુચ્ચો ભારે ! બલુ બગલાએ વિચાર કર્યો કે આ દલુ દેડકાને પાઠ ભણાવવો જોઈએ કે જેથી તેને શાન ઠેકાણે આવે !

વહેલી સવારમાં દલુ દેડકો થોકબંધ લીલીછમ માખીઓ અને કૂણી કૂણી માછલીઓ પેટમાં પધરાવીને ગીત ગાતો તળાવમાં ફરતો હતો. ત્યારે બલુ બગલો સરોવરને કાંઠે આવી પહોંચ્યોં. તેણે દલુ દેડકાને પૂછ્યું, “ઓ દલુ દાદા ! કેમ છો ? સવારનો નાસ્તો કરી લીધો કે નહિ ?”

“ઓ હો… હો ! બલુકાકા ! મેં પેટ ભરીને નાસ્તો કરી લીધો છે અને પેટ પટારા જેવડું મોટું થઈ ગયું છે, પણ… આજે બલુકાકા આ દાદાની સંભાળ લેવા આવી ગયા તે મારી ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય કહેવાય ! કહો તો ખરા બલુકાકા ! આજે મને કેમ યાદ કર્યો ?”

“…આજે તો મેં એક સુગંધી અને સોનેરી માછલી પકડી છે જો તમારે ખાવી હોય તો તમારા માટે લઈ આવ્યો છું ! માછલી મજેદાર ને દળદાર છે ! ખાવાની મજા પડશે હોં !!”

“ઓ બલુકાકા ! તમે પ્રેમથી આ ઘરડા દાદાને યાદ કરી, પ્રસાદી લઈ આવ્યા છો ને મારું પેટ ભરેલું હોય પણ એ તો ગાગરને સાગર જેવડું મોટું છે ! તેમાં પધરાવી દઈશ !”

આ સાંભળી, બલુ બગલાએ એક જાડી-પાડી માછલીને દલુ દેડકા તરફ ફેંકી અને દલુ દેડકાએ મોંઢામાં જ પકડી લીધી ! પણ આ માછલી એટલી બધી જાડી લાંબી હતી એટલે એ માછલી દલુ દેડકાનાં મોંઢામાં અર્ધી જ ગઈ અને માછલી મોંઢાની બહાર તરફડિયા મારતી રહી ગઈ !!

દલુ દેડકાને બિલકુલ દાંત હતા નહિ ! દલુ દાદા સાવ બોખલા હતા, એટલે જાડી-પાડી માછલીના બે કટકા પણ કરી શક્યા નહિ ! આથી અડધી માછલી દલુ દેડકાનાં મોંઢામાં અને અડધી માછલી તરફડિયા મારતી મોંઢાની બહાર રહી ગઈ !

દલુ દાદાની મુશ્કેલીનો પાર રહ્યો નહિ ! જાડી માછલી દલુ દેડકાના મોઢામાંથી પેટમાં જઈ શકે નહિ અને તે બહાર નીકળી શકે નહિ ! આથી દલુ દેડકાનો શ્વાસ રુંધાવા લાગ્યો ! દલુ દેડકો પણ માછલીની જેમ તરફડિયા મારવા લાગ્યો ! આ ખાઉધરા દલુ દેડકાની હાલત જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા લાગી !

આ તમાશો જોઈને બલુ બગલાને મજા પડી ગઈ ! પણ રામ રાખે તેને કોણ ચાખે ! આ સરોવરમાં કબુ કાચબો રહેતો હતો; દલુ દેડકાનો દિલોજાન દોસ્ત ! તે તુરત દલુ દેડકાની મદદે દોડી આવ્યો ! કબુ કાચબાએ તરફડિયા મારતી માછલીની પૂંછડી પકડી લીધી અને દલુ દેડકાના મોંઢામાંથી બહાર ખેંચવા લાગ્યો !! અને ખૂબ જોર કરી મહામહેનતથી દલુ દેડકાનાં મોંઢામાંથી માછલી બહાર ખેંચી કાઢી અને દલુ દેડકો શાંત સરોવરમાં સરકી ગયો !! કબુ કાચબાનો આભાર માનવા ઊભો રહ્યો નહિ, એટલી શરમ આવી. તે દિવસથી દલુ દેડકાને બોધપાઠ મળી ગયો કે : “ભૂખ કરતાં ઓછું ખાવું” અને અકરાંતિયાની જેમ પેટ ભરવું નહિ !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ખાઉધરો દેડકો – પ્રણવ કારિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.