(‘વીણેલાં ફૂલ’ ગુચ્છ-૩માંથી સાભાર)
‘ફઈ, જે કહેવાનું હોય તે ટૂંકમાં પતાવો. વાતો માટે મારી કને ઝાઝો વખત નથી. મારે હજી ઘણાં કામ પતાવવાનાં છે.’ મિસ્ટર રિચાર્ડસને ઘડિયાળ પર નજર નાખી રુક્ષભાવે કહ્યું.
ડોશીને આંખમાં આંસુ આવી ગયાં. પોતાના લખપતિ ભત્રીજાને મળવા માટે કલાક કરતાંયે વધુ રાહ જોવી પડશે ને મળ્યા પછી બે ઘડી નિરાંતે વાત પણ નહીં થઈ શકે, એવું ડોશીએ ધાર્યું નો’તું. બે વર્ષે ભત્રીજાને મળવા આવેલી ડોશીએ આવા કઠોર વ્યવહારની અપેક્ષા નો’તી રાખી. ડોશી દુઃખી નજરે રિચાર્ડસન સામે જોઈ રહી. તે કંઈક કહેવા માગતી હતી. પણ જીભ ઊપડતી નો’તી.
જરાક ખિજાઈને રિચાર્ડસને બીજી વાર કહ્યું, ‘જુઓ ફઈ, પહેલેથી સ્પષ્ટ કહી દઉં. પૈસા માટે મારી કને આવ્યાં હો તો એ બાબતે હું કશું કરી શકું તેમ નથી. હમણાં મારો હાથ પણ ભીડમાં છે. એ સિવાય બીજી કશી વાત કરવાની હોય તો કરો.’
સહેજ ખોંખારીને ડોશીએ ગળું સાફ કર્યું, ‘ભઈ, પૈસા માટે તો નથી આવી. બીજી વાત કરવી છે ખરી… પણ…’
‘ઝટ કહો… ને… એક મોટા ઉદ્યોગપતિને મળવા મારે જવાનું છે.’
‘ભઈ, મોટો દીકરો છે ને સેમ્યુઅલ, તેને તમારી ઑફિસમાં… કાં’ક નાની મોટી નોકરીમાં રાખી લો ને… બી.કૉમ.માં એ ફર્સ્ટ ક્લાસ પાસ થયો છે. મહેનતુ છે, સમજુ છે, એલ-ફેલ કશામાં એ પડતો નથી. ઑફિસમાં તમને ઉપયોગી થશે.’
‘પણ ઑફિસમાં જગ્યા તો ખાલી જોઈએ ને ?’
‘મેં સાંભળ્યું છે કે હમણાં બે જગ્યા ખાલી પડી છે તે…’
‘એમાંની એક જગ્યા તો ભરવાની નથી.’
‘પણ એક તો છે ને ?’
‘છે તો ખરી. પણ એને અંગે બીજા બે ચાર જણની વાત ચાલે છે. ધંધાના સંબંધો પણ જાળવવાના હોય છે. પણ ભલે, જોઈશું. હમણાં મને ફુરસદ નથી. એમ કરજો, અરજી લખીને મોકલી આપજો.’
‘અરજી લેતી આવી છું.’ ટેબલ પર અરજી મૂકતાં ડોશીએ કહ્યું, ‘ઠીક ભઈ, ત્યારે હું જઉં છું. સેમ્યુઅલની મને બહુ ચિંતા થાય છે.’
ને પછી રિચાર્ડસનનો આભાર માની ડોશી ગઈ.
‘આ સગાં-સંબંધીઓએ તો જીવ લીધો. જે આવે છે તે કહે છે – નોકરી આપો. પણ આ આર્થિક મંદીના જમાનામાં નોકરી લાવવી ક્યાંથી ? મારે તો કોના-કોના સંબંધ જોવા ને જાળવવા ? અહીં નોકરીઓનાં તે ઝાડ ઊગે છે ?’ ગુસ્સામાં ને ગુસ્સામાં અરજીના ચીરેચીરા કરી કચરાપેટીમાં ફેંકતાં તે બોલ્યો.
થોડી વાર પછી તેનો ગુસ્સો ઊતર્યો. ત્યારે તે ઠંડો પડ્યો. ને સ્વસ્થ મને વિચારવા લાગ્યો – હું નાનો હતો, ત્યારે ફોઈ મને કેટલું વહાલ કરતી ! મારી કેટલી સંભાળ રાખતી ! કેટલી બધી ટૉફી ને ચોકલેટ ખવડાવતી ! મને જોતી ને વહાલથી ચૂમી લેતી ! ઓહ ! મારે માટે કેટલાં કષ્ટ તેણે સહ્યાં છે !… ને મેં શું કર્યું ? એની અરજી પણ ફાડી નાખી ? ફટ્ રે ભૂંડા ! આવું તે થતું હશે ? સેમ્યુઅલને નોકરી મળશે એમાં તારું શું નુકસાન થવાનું છે ? અરજી ફાડવી નો’તી જોઈતી.
આ વિચારે રિચાર્ડસન ઉદાસ થઈ ગયો. તેણે કૅબિનનું બારણું બંધ કર્યું. પટાવાળાને સૂચના કરી કે હમણાં હું કામમાં છું. કોઈને પણ મળી શકું તેમ નથી. તેણે અરજીના ટુકડા એકઠા કર્યા. વ્યવસ્થિત ગોઠવ્યા. ને પછી તેના આધારે બીજી નકલ કરી, અરજી સંબંધિત વિભાગને મોકલી આપી.
થોડા દહાડા કેડે ઘરડી ફોઈ ફરી રિચાર્ડસનને મળવા આવી. આવી તેવી જ નિરાશ વદને બોલી, ‘ટેસ્ટમાં તો સેમ્યુઅલ પહેલા નંબરે પાસ થયો હતો. છતાં તેને નોકરી ન મળી. કેમ એમ ? ભલામણ કરવાનું તમને ગમતું નથી. તો પછી આવું કેમ થયું હશે ? પહેલા નંબરવાળાને નોકરી ન મળે – અને બીજાને કેમ મળી હશે ?’ ડોસીએ મનની ગૂંચ હૈયાવરળ રૂપે બહાર કાઢી.
રિચાર્ડસન વિચારમાં પડી ગયો. તેણે ફોઈને આશ્વાસન આપ્યું, ‘હું એ બાબતની જાતે તપાસ કરીશ.’
‘પણ ભઈ, હમણાં અમે લોકો ભારે મુશ્કેલીમાં છીએ. જો સેમ્યુઅલનું ઠેકાણું પડી ગયું હોત તો મારો ભાર ઓછો થાત. ટેસ્ટમાં એ પાસ થયો – પહેલા નંબરે છતાં નિમણૂક ન મળી.’
‘હું તપાસ કરું છું. મારે આ બાબત બરાબર જોવી પડશે. હમણાં તમે જાઓ.’
ઉદાસ મને ડોસી ચાલી ગઈ. રિચાર્ડસને સેક્રેટરીને બોલાવી આ બાબતની વિગત માગી. ‘સર, ઈન્ટરવ્યુમાં તો એ છોકરો પહેલા નંબરે આવ્યો હતો, પણ…’ સેક્રેટરીએ કહ્યું.
‘પણ શું ? પહેલા નંબરવાળાને તમે નિમણૂક કેમ ન આપી ? કંઈ વગ-વસીલો તો નથી ને ?’ રોષપૂર્વક રિચાર્ડસને પૂછ્યું.
‘આપની સૂચના પ્રમાણે પાસ થયેલા ઉમેદવારના હસ્તાક્ષરની તપાસ કરાવી. તો હસ્તાક્ષર-નિષ્ણાતે રિપોર્ટમાં કહ્યું કે આવા અક્ષરવાળો માણસ જુગારી, શરાબી ને દુરાચારી હોય છે. એવા માણસની નિમણૂક નહીં કરવાની આપની સૂચના છે. એટલે એ રિપોર્ટના આધારે મેં એની નિમણૂક રદ કરી. આમાં કશી લાગવગ ચાલી નથી. આપ આ ફાઈલ બરાબર જોશો એટલે આપના મનની શંકા નીકળી જશે. સેમ્યુઅલના બદલે જેની નિમણૂક કરી છે, તેની સાથે મારો કશોય સંબંધ નથી; કે બીજા કોઈની ચિઠ્ઠી-ચપાટી પણ આવી નથી.’
સેક્રેટરીની સ્પષ્ટતા સાંભળતાં જ રિચાર્ડસનના મોંમાંથી સિગારેટ સરકીને નીચે પડી ગઈ. સેક્રેટરી સામે તે અવાક્ નજરે જોઈ રહ્યો. તેના મનમાં તુમુલ મંથન શરૂ થયું. અરજીમાંના અક્ષર સેમ્યુઅલના નથી, પણ પોતાના છે, એવી સ્પષ્ટતા કરવી કે નહીં, તેવા વિચારમાં એ ખોવાઈ ગયો.
(માલ્ટન સ્ટેનની વાર્તાને આધારે)
6 thoughts on “હસ્તાક્ષર – હરિશ્ચંદ્ર”
બહુ સરસ વાત ચ્હે
શું, ધનિક લોકો દીલને બાજુમાં મૂકી માત્ર દિમાગથી જ કામ કરતાં હશે? લાગણીનું કઈ મહત્વ જ નહિ. સારું કે રિચર્ડસન ભૂતકાળ ને યાદ કર્યો. સારી સ્ટોરી. પગ નીચે રેલો આવે ત્યારે સમજણ આવે છે. અહેસાસ થાય છે.
શું વાત છે? ભારે થઈ આ તો.
પિતા તેના દિકરાને માર્ક્સ શીટ વાંચીને વઢે છે. “આ શું માર્ક્સ છે? ગણિતમાં ૩૦, ભૂમિતિમાં ૪૦, ભાષામાં ૩૩, ઇતિહાસમાં ૩૫, ભૂગોળમાં ૩૩, માંડ માંડ પાસ કર્યો છે તને. મારે કોઈને મોઢું બતાવવા જેવું રહ્યું નથી અગર કોઈ મને તારા માર્ક્સ વિષે પૂછે તો.
દિકરોઃ પણ પપ્પા આ તો તમારું માર્ક્સ શીટ છે.” શ્યામ સુંદર – ભાવનગર ૧૯૫૬
very nice story.
હરિશ્ચન્દ્રભાઈ,
બહુ જ મજાની વાર્તા આપી. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
akshR spast ukalta nathi ,,kem?