શિક્ષક એ માસ્તર નથી, ‘માસ્ટર’ છે – વિનોદ ભટ્ટ

(‘સોટી વાગે ચમચમ’ પુસ્તકમાંથી)

શાળામાં તો શિક્ષક જ વિદ્યાર્થીનો સાચો વાલી છે, એટલે પોતાના વિદ્યાર્થી સાથે પોતાને ચમરબંધી સમજનાર મોરારજીભાઈ દેસાઈ જેવો માણસ પણ જો તોછડાઈથી વર્તે તો તેમને પણ શિક્ષક કટ ટુ સાઈઝ – માપ પ્રમાણે વેતરી શકે.

કવિઓની પેઠે કેટલાક શિક્ષકો પણ જન્મજાત શિક્ષક હોય છે. જેમના નામથી ભાવનગર ઓળખાય છે એ નાનાભાઈ ભટ્ટ એમાંના એક. તેમનું નામ હતું નાનાભાઈ, પણ તે મોટા ગજાના શિક્ષક હતા. તમે જો જો, નાનાભાઈ (કે નાનુભાઈ) નામના ઘણા માણસો લો પ્રોફાઈલ રહેવા સર્જાયા હોય છે.

ઉનાળાની કોઈ એક સાંજે ચાલીસથી પચાસ દેવીપૂજકોનું શસ્ત્ર ટોળું બૂમબરાડા પાડતું નાનાભાઈની શાળા પર ધસી આવ્યું. સ્કૂલ બૉર્ડિંગના નાના વિદ્યાર્થીઓ જોડે રકઝક કરતા એ ટોળાએ પૂછ્યું : ‘માસ્તર ક્યાં છે ?’

‘ઘેર નથી, બહાર ગયા છે.’ છોકરાઓનો ઉત્તર સાંભળી તેમણે કહ્યું : ‘તમારી કૂતરી ક્યાં ગઈ ? મહારાજસાહેબ અબી ને અબી મગાવે છે.’ આ દેવીપૂજકો ભાવનગરના મહારાજા ભાવસિંહજીના શિકારીઓ હતા. છોકરાઓએ તેમની પાળેલી, તેમને ખૂબ ગમતી કાળી, લંગડી કૂતરી સંતાડી દીધી હતી.

ત્યાં નાનાભાઈ ધૂળિયા રસ્તે ચાલ્યા આવતા હતા. છોકરાઓએ નાનાભાઈને આગોતરી માહિતી આપી દીધી હતી. કે ભાઈ, ભાઈ, જુઓ પેલા શિકારીઓ અમારી કાળી કૂતરીને લેવા પેઠા છે ને અમને ધમકાવે છે. નાનાભાઈ કશું બોલ્યા વગર નજીક આવ્યા એટલે એક શિકારી હુકમ છોડ્યો : ‘માસ્તર, કૂતરી કાઢી આપો.’

વાત જાણે એવી હતી કે ચારેક દિવસ પહેલાં ભાવનગર નરેશ ભાવસિંહજી બાપુ ગાડીમાં આ બાજુ લટાર મારવા નીકળેલા ત્યારે તેમની નજરે કૂતરી અને તેનાં રૂપકડાં ગલૂડિયાં જોયાં. તેમને થયું કે આ કૂતરી પાળી હોય તો જાતવાન કૂતરા તૈયાર થાય. એટલે તેમણે આદેશ આપ્યો કે જાવ, કૂતરીને પકડી લાવો, પરંતુ છોકરાઓને આ કૂતરી જીવ જેટલી વહાલી છે એ જાણ્યા પછી મુખ્ય શિકારીને તેમણે કહ્યું : ‘આ કૂતરી વિદ્યાર્થીઓની પાળેલી છે એટલે એ હું તમને આપી નહિ શકું. આ વાત તમે મહારાજસાહેબને જણાવશો.’ એક શિકારીએ જરા કડકાઈથી નાનાભાઈને કહ્યું : ‘તમે શું બોલો છો એનું માસ્તર, તમને કંઈ ભાનબાન છે ? મહારાજાસાહેબે તો અમને કૂતરી લઈને જ આવવાનો હુકમ કર્યો છે.’ ‘હું કૂતરી નહિ આપું.’ નાનાભાઈનો જવાબ. ‘માસ્તર, અમે તમારી સાથે માથાઝીંક કરવા નથી આવ્યા. કૂતરી સોંપી દો, નહિ તો પછી જોયા જેવી થઈ જશે.’ આગેવાન શિકારીએ છેલ્લી ચેતવણી ઉચ્ચારી.

શિકારીઓ સાથે જીભાજોડી કર્યા વગર નાનાભાઈ તો પહોંચ્યા સીધા પોલીસ ફોજદાર પાસે. બધી વાત કરી કહ્યું : ‘એ શિકારીઓ રાજ્યના છે, પણ સરહદ-પ્રવેશ (ગેરકાયદે પ્રવેશ)ના ગુનેગાર છે. તેમને ત્યાંથી તત્કાળ ખસેડી લો.’ પોલીસ ફોજદાર પણ મૂંઝાઈ ગયા. એક બાજુ રાજા છે ને બીજી તરફ પ્રજાનો પ્રતિષ્ઠિત પ્રતિનિધિ છે, કોની વાત માનવી ? (આ થોડો ગાંધીનગરનો પી.આઈ. હતો કે માસ્તરને દંડાવાળી કરી ભગાડી મૂકે !) ફોજદારે રાજાસાહેબને ફોન જોડી વાત કરી. ‘તમે માસ્તરને કહો કે કૂતરીના તે માગે એટલા રૂપિયા આપીશ, અમને એ કૂતરી આપો.’

પણ નાનાભાઈએ તો હઠ પકડી કે પહેલાં એ શિકારીઓને ત્યાંથી દૂર કરો, પછી જ આગળ વાત. કૂતરી તો મહારાજાની જ છે, તેને મહારાજા ખુશીથી માગે, પણ આ શિકારીઓ કેટલી ખરાબ રીતે વર્તે છે એ તો જુઓ ! કૂતરી આ રીતે મગાય? અને શિકારીઓને પોલીસે તરત જ ત્યાંથી તગેડ્યા… અને ફોજદારની ખાનદાની તો જુઓ, નાનાભાઈના ઘેર આવીને કહેવા માંડ્યા કે મહારાજાસાહેબ પાસે જઈ આવ્યો, તે જાણવા માગતા હતા કે માસ્તરે કૂતરી આપવાની કેમ ના પાડી ? એટલે પછી મેં તમારા વતી જણાવ્યું કે કૂતરી એમના વિદ્યાર્થીઓની પાળેલી છે ને તેમને પ્રાણથી અધિક પ્યારી છે, પોતાના વિદ્યાર્થીઓને રડાવી માસ્તર કૂતરી આપે ? આ સાંભળી મહારાજાસાહેબ બોલ્યા કે ભલા માણસ, જો એ કૂતરી વિદ્યાર્થીઓની પાળેલી હોય તો મારે ન જોઈએ. તમે માસ્તરને કહી આવો કે મારે કૂતરી નથી જોઈતી. આ તો છે રાજા ભાવસિંહજીની મોટાઈ. બાકી સૌરાષ્ટ્રમાં તો કૂતરાની જાન જોડવા પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખનાર રાજા જીદે ચડ્યો હોય તો એક માસ્તરના જીવની શી વિસાત !

ગામડાગામમાં શિક્ષકને લોકો કહે ભલે માસ્તર, પણ સમાજમાં તેનું વિશિષ્ટ સ્થાન, નાના-મોટા માણસો પર તે પ્રભાવ પાથરી શકતા અને સૌરાષ્ટ્ર એક એવી ભૂમિ છે, જેમાં સંતો અને બહારવટિયા – બંને સામસામેના છેડાના માણસો વસે છે, બૅલેન્સ કરે છે, સમતુલા જાળવે છે.

ગેમલા બહારવટિયાની એ દિવસોમાં ગામડાંઓમાં ભયંકર ધાક, લોકો ધ્રૂજી ઊઠે. (અન્ડર વર્લ્ડવાળાઓ કોઈને પતાવી દેવા માટે ‘ગેઈમ’ કરી નાખવી શબ્દ વાપરે છે, જે કદાચ સો વર્ષ કરતાંય જૂનો હશે, એ સમયે ‘ગેઈમ’ કરી નાખનાર માટે ગેમલો શબ્દ નામ અને અટક તરીકે ઓળખાતો હશે.) નાનાભાઈને કોઈએ ખબર આપી કે આજે રાતે ગેમલો બહારવટિયો આંબલા ગામ ભાંગવા આવવાનો છે. આ સમાચાર જાણી ગામમાં મૂછ પર લીંબુ લટકાવી ફરનાર ભડવીરો પોતાના ઘરની અનાજ ભરવાની કોઠીઓમાં છુપાઈ ગયા. શેરીઓમાં ચકલુંય ફરકે નહિ. ગામમાં વસતા કબજિયાતના દરદીઓ એકાએક ડાયેરિયાના દરદી બની ગયા. આખુંય ગામ સ્મશાનવત્ શાંતિમાં ડૂબી ગયું.

માસ્તરની સામાન્ય છાપ પોચટ અને ગભરુ માણસની ખરી, પણ નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ અને (ઝેર તો પીધાં છે જાણી જાણી ફેઈમ) દર્શક – ત્રણેય દ્વિજો – બ્રાહ્મણો માત્ર ધોતિયાભેર, ઉપરનું અંગ ઉઘાડું અને અહિંસક હથિયાર લેખે ખુલ્લી છાતી દેખાય એવી લટકતી જનોઈ. આંખોમાં અંજાયેલ અભય સાથે બહારવટિયાઓની વાટ જોતા આંબલા ગામની ભાગોળે ઊભા રહી ગયા.

મોડી રાતે ગેમલો તો સાથીઓ સાથે ધાડ પાડવા આવી પહોંચ્યો. નાનાભાઈએ ખોંખારીને પૂછ્યું : ‘એલા કોણ છે ?’ ‘હું ગેમલો. તમે કોણ ?’ બહારવટિયાઓએ પૂછ્યું. ‘હું નાનાભાઈ, તમે આંબલા ગામ ભાંગવા આવ્યા છો, અમે તમને અટકાવવા ઊભા છીએ.’ ‘પણ હું તમને ક્યાં રંજાડું છું નાનાભાઈ, તમારી સંસ્થાઓનેય ક્યાં નુકસાન કરું છું. કહું છું તમે વચ્ચેથી હટી જાવ.’ આ સાંભળી નાનાભાઈ બોલ્યા : ‘મારી શાળા આંબલામાં છે એટલે મારી સંસ્થા અને ગામ બંને એક જ ગણાય. તમને અમે ગામમાં નહિ જવા દઈએ. છતાં ગામ ભાંગવાની તમારી જો જીદ જ હોય તો પહેલાં અમને ત્રણને ખતમ કરો, પછી જ તમે ગામમાં જઈ શકશો.’ અને ગેમલાએ આ શિક્ષકોની અડગતા જોઈ નમતું જોખીને કમને ગામ ભાંગવાનું માંડી વાળ્યું ને નાનાભાઈને ત્યાં જમીને પાછો વળી ગયો.

આમ રાજા હોય કે લૂંટારા, બંને શિક્ષકોનું માન જાળવતા. અને શિક્ષકો પણ રાજાનો કુંવર હોય કે અતિ સામાન્ય કુટુંબનો પુત્ર હોય તોપણ બંનેને સમાન ભાવથી ભણાવતા. ઉ.ત. કૃષ્ણ-સુદામા.

અમારી શાળા ધ ન્યુ હાઈસ્કૂલમાં પણ શ્રીમંત-ગરીબ, રાય કે રંક, તમામ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો સમાન ભાવથી વર્તતા. મારી જોડે એક મિલમાલિકનો પુત્ર ભણતો. શિક્ષકો તેની સામે પક્ષપાતી નજરથી ક્યારેય જોતા નહિ. નંદુ-નંદકિશોર મારી જ પાટલી પર, મારી સાથે કેટલીય વાર બેસતો, પણ મને આંજવા માટે તેણે એવી માહિતી નહોતી આપી કે તે ફલાણી મિલના માલિકનો ચિરંજીવી છે – એક મિત્ર પાસેથી મને વર્ષના અંતે આ હકીકતની જાણ થઈ હતી.

[કુલ પાન ૧૭૨. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન. (૭૯) ૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “શિક્ષક એ માસ્તર નથી, ‘માસ્ટર’ છે – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.