પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ જ, બીજું કશું ન હોય પ્રેમ સિવાય… – જનક નાયક

(‘સંવેદન’ સામયિકના માર્ચ-૨૦૧૫માંથી)

દર ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે આવે અને પ્રેમનો ઊભરો પશ્ચિમમાંથી ધસમસતો આવે. આમ પણ આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ. એટલે દરરોજ કોઈક ને કોઈક તહેવાર હોવો જ જોઈએ એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે. સોડાની બાટલી ખોલીએ ને જેવો ઊભરો આવે, અથવા ગેસ પર દૂધ ગરમ થઈને ઊભરાય પછી જે રીતે ઉભરો શમી જાય એમ જ આપણો ઉત્સવ જે તે દિવસ પૂરતો સીમિત થઈ ગયો છે. ટોળામાં ઉત્સવ મનાવવાની આપણને આદત પડી ગઈ છે, તેથી સાથે હોઈએ ત્યારે ઉત્સાહ વર્તાય. કિન્તુ પાસેથી ટોળું જેવું હટે કે તરત ભયાનક એકલતા આપણને વીંટળાઈ વળે. ઉત્સવોથી આમ તો ખીલેલા પુષ્પ જેવા તરોતાજા બનવા જોઈએ. જોકે મહદંશે એવું થતું નથી. ઉત્સવનો નશો ઉતરે કે તરત આપણે તીવ્રતાથી થકાન મહેસૂસ કરતાં હોઈએ છીએ. એવુંય બને કે, શરીરથી આપણે ઉત્સવમય હોઈએ, કિન્તુ મન એ ઉત્સવથી અળગું જ રહેતું હોય છે. તેથી બને છે એવું કે, શરીર પ્રસન્નતા અનુભવે ને મન હોય ઉદાસ. આપણા મનમાંથી અનેક નકારાત્મક ગ્રંથિઓ ઓગળે તો જ શરીર અને મન સંતુલિત થઈને એ ઉત્સવને માણી શકે. ચાલો, આજે આપણે શરીર અને મનમાંથી ધિક્કારના વાતાવરણને દેશવટો આપીને આજીવન પ્રેમમય વાતાવરણ કઈ રીતે રચી શકાય એ વિશે વિચારીએ….

‘વાવે તેવું લણે’, ‘ખાડો ખોદે તે પડે’ જેવી ઉક્તિઓ, રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે નાનપણમાં આપણે ભણ્યા છીએ, એ વિશે વાંચ્યું છે, એનો અર્થવિસ્તાર પણ પરીક્ષામાં સમજાવ્યો છે. તો વિજ્ઞાનમાં બોફૉર્સનો સિદ્ધાંત ‘જેટલો આઘાત તેટલો જ પ્રત્યાઘાત’ એ પણ ભણ્યા છીએ. જોકે જે કંઈ ભણ્યા હોઈએ એને જીવનમાં કેટલું ઉતારીએ અને કેટલો અમલ કરી શકીએ એ ખૂબ મહત્વનું છે. મોટે ભાગે જે કંઈ ભણાયું એનો મુખ્ય ઉદ્દેશ જીવનલક્ષી નહિ, પણ પરીક્ષાલક્ષી હોય છે. બાકી જીવનના અનેક સારા-માઠા પ્રસંગોમાં જે કંઈ ભણ્યા હોઈએ એનો અમલ કરીએ તો લાભ જ થાય. પરીક્ષામાં છુપાયેલી સ્પર્ધાત્મક ભાવનાને કારણે જેમ જેમ આગળને આગળ ભણતા જઈએ તેમ તેમ ધીમે ધીમે આપણું મન વધુ પ્રમાણમાં ધંધાદારી બની જતું હોય છે. તેથી મહદંશે આપણે આપવાનું ઓછું અને લેવાનું વધુ શીખીએ છીએ. બધાં આપણને પ્રેમ કરે એવું ઝંખીએ કિન્તુ આપણે કોઈને વહાલ આપીએ એ પ્રકારનું વાણી-વર્તન જેવું કશું જ કરતાં નથી. પ્રેમ પામવો હોય તો મનમાં પ્રથમ નકારાત્મક ગ્રંથિઓ માટેનું ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવવું પડે.

‘પ્રેમ’ શબ્દમાં જ સમર્પિત ભાવ સમાયેલો છે. ઘણી વખત આપણે ફરિયાદના સૂરમાં કહેતા હોઈએ છીએ કે ‘મને કોઈ ચાહતું નથી.’ ‘મને કોઈ ચાહતું નથી.’ એવો વિચાર આવે ત્યારે એની સાથે જ સંકળાયેલા પ્રશ્નો પણ આવવા જોઈએ કે શા માટે લોકો દૂર ભાગે છે ? સંબંધોમાં યાંત્રિકતા શા માટે આવી ગઈ છે ? ખુલ્લાપણું અથવા વિશાળતા સંબંધોમાંથી શા માટે મરી પરવારી છે ? પ્રશ્નો થાય તો એના ઉકેલ માટેની મથામણ થઈ શકે. મોટે ભાગે આપણે જાતને પ્રશ્નો કરતા જ નથી. મહદંશે સામી વ્યક્તિને આપણે પ્રશ્ન પૂછતાં રહીએ છીએ. પ્રેમ આપવાનો હોય. પછી બનશે એવું કે સાહજિક રીતે સામેથી પ્રેમ મળતો રહેતો હોય છે. પ્રેમમાં કદી દેખાડો સંભવી શકે નહિ. ‘હું તને ખૂબ ચાહું છું’ એવું માત્ર બોલવાથી કોઈક ફિલમનું દ્રશ્ય સર્જી શકાય. કિન્તુ બે દિલોનું મિલન માત્ર શબ્દોથી શક્ય નથી. શબ્દોમાં સપાટપણું ન જ હોવું જોઈએ. બોલવા કે વર્તનમાં ‘બોલવા ખાતર બોલવું’ કે ‘કરવા ખાતર કરવું’ એવો ભાવ હોય તો એ સંબંધો સપાટી પરના જ સંભવી શકે. એમાં આત્મીયતાનો સ્પર્શ અદ્રશ્ય હોય. લાગણીમાં ઝબકોળાયેલો શબ્દ જ્યારે અંદરથી બહાર આવે ત્યારે ચહેરો ઉકેલવા માટે પછી શબ્દકોશની જરૂર પડતી નથી. સરળતા, સહજતા સ્વયંભૂ આવતી હોય છે.

કોઈ, કોઈ શું કામ ! આખું જગત આપણને દિલોજાનથી ચાહે એવું વાતાવરણ સર્જવું હોય તો શું કરી શકાય ? આપણે સહુ સંબંધોનું વર્તુળ મોટું ને મોટું થતું જાય એવું ઝંખીએ છીએ. એ વાત પણ એટલી જ સાચી, સંબંધો સ્વાર્થના તાંતણે બધાયેલાં છે. શ્રી વિજય શાસ્ત્રીની વાર્તા ‘કામનો માણસ’ મને યાદ આવે. સાર એટલો જ કે, જ્યાં સુધી માણસ કામનો હોય ત્યાં સુધી સૌ એને ચાહવાનો ડોળ કરતા હોય. એનો અર્થ એવો પણ કે આ સંબંધમાં ક્યાંક ને ક્યાંક ભય જોડાયેલો છે. સામી વ્યક્તિને એવો ડર છે કે, એ પ્રેમ કરવાનો અભિનય ન કરશે તો સંબંધ તૂટી જશે, સાથે જ જે તે વ્યક્તિ તરફથી મળતા લાભો પણ બંધ થઈ જશે. અહીં સંબંધ છે, પણ સાચો પ્રેમ નથી. આજે તો આત્મીય સંબંધોમાં પણ પ્રેમ નામનું તત્વ અદ્રશ્ય થઈ ગયું છે.

માણસને શાંતિ નથી એનું કારણ એ કે, સંબંધો ટકાવી રાખવા માટે એણે દોડવું જ પડે. દરેક માણસને એવો ભય છે કે, સામી વ્યક્તિ તરફથી પ્રેમ ઓછો ન થઈ જાય ! તેથી ‘કામનો માણસ’ બનવા માટે એટલું તો તીવ્રતાથી દોડે છે કે, જીવનમાંથી શાંતિ અદ્રશ્ય થઈ જાય છે. માણસ ઘોંઘાટ વચ્ચે જીવે છે. માણસ તેથી જ પ્રેમ નામના સુવર્ણમૃગ પાછળ સતત દોડતો રહે છે. ગણતરીઓ વચ્ચે પ્રેમ કદી શક્ય નથી. અને જ્યાં પ્રેમ નથી ત્યાં સુખાનુભૂતિ નથી. પ્રેમની ભ્રમણામાં જીવનારો માણસ પછી ધીમે ધીમે સુખની ભ્રમણામાં સતત જીવતો રહે છે. પછી બને છે એવું, સંબંધો તો અઢળક સર્જાય, કિન્તુ એમાં પ્રેમ હોતો નથી. પ્રેમ નથી એટલે સુખનો પ્રગાઢ અનુભવ થતો નથી. સુખ ન હોય ત્યાં જીવનમાં સમાધિ અવસ્થાની શાંતિ પણ ન જ હોય. સંબંધો હોય પણ એ દરેક સંબંધોને જોડતા પુલો અદ્રશ્ય હોય. એટલે બને એવું કે ઘરમાં અનેક ટાપુઓ સર્જાતા હોય. ઘરમાં જ શું કામ ! ઓફિસમાં કે ગમે ત્યાં બસ, ટાપુઓ જ ટાપુઓ. દરેક માણસ જાણે એક ટાપુ બની ગયો છે. આજુબાજુ સંબંધોનો અફાટ દરિયો ઘૂઘવે છે ખરો, કિન્તુ માણસ તરસ્યો ને તરસ્યો જ રહે છે. એનું કારણ એક જ છે, આપણે બસ કશુંક ને કશુંક મેળવવા માગીએ છીએ. સાથે આપવાનું લગભગ વિસરી જઈએ છીએ. અઢળક આપો, તો અઢળક મળશે. ‘લેવા’ માટે આપણે એટલા તત્પર હોઈએ છી કે, ધીમે ધીમે ચિત્તમાં યેનકેન પ્રકારે ન જોઈતું લઈ લેવાનું, અને ક્યારેક તો આગળ વધીને છીનવી લેવાનું ઝનૂન સર્જાતું હોય છે. પ્રેમમાં બ્લેકમેલ જેવું હોય જ નહિ. તો લાગણીઓને ઢાલ બનાવીને શોષણ પણ થઈ શકે નહિ. આજે તો પ્રથમ નજરનો પ્રેમ થાય છે, ત્યારે માત્ર ઉપરછલ્લી લાગણીઓ હોય છે. એકમેક માટે ‘મરવાના’ ઠાલાં સોગંધ અપાય છે, જે જો પરિપક્વતા ન હોય તો અંતે એકમેકને ‘મારવાના’ અંતિમ સુધી પહોંચી જાય. પ્રેમમાં હૃદય વિશાળ બનવું જોઈએ. પ્રેમમાં ગળાડૂબ હોઈએ તો નકારાત્મક લાગણીઓનો સ્યંભૂ છેદ ઊડી જતો હોય છે. એકમેક માટે ધિક્કારની લાગણી જન્મે તો સમજવું કે આપણે જેને ખૂબ પ્રેમ કરતાં હતા તે ઉપરછલ્લો, સપાટી પરનો જ હતો. પ્રેમમાં હોઈએ તો એકમેકને માફ કરવા માટે પ્રયાસ ન કરવો પડે, આપમેળે માફી અપાઈ જાય. પ્રેમમાં એકમેક પ્રત્યેની સમજ તો વિકસે જ છે, પણ સાથે સાથે જીવન પ્રત્યે જોવાની દ્રષ્ટિ પણ બદલાય છે. સંકુચિતતાને બદલે વિશાળતાનો અનુભવ થાય ત્યારે સમજવું કે, પ્રેમનો સાચો અર્થ આપણે સમજી શક્યા છીએ. પ્રેમમાં ‘તરસ’ છે, પણ એ અકળાવનારી નથી. ઊલટાનું એ ‘તરસ’થી મનની શાંતિમાં ઉમેરો થાય છે. એકમેકને ઝંખવું એ પ્રેમ, અને જ્યાં પણ હોઈએ ત્યાં એકમેકને નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરવો એ પ્રેમ. તેથી જ કહી શકાય કે પ્રેમ એટલે પ્રેમ. પ્રેમ એટલે પ્રેમ જ, બીજું કશું નહિ.

‘આઈ લવ યુ’ જેવા શબ્દોથી એક નશો સર્જાય, કિન્તુ એમાંથી અઢી અક્ષરનો પ્રેમ શબ્દ ગાયબ હશે તો એ શબ્દો માત્ર ડિક્ષનરીના જ રહી જશે. પ્રેમ અનુભૂતિની ચીજ છે. આમ તો પ્રેમ પામવો અત્યંત સહેલો છે. પ્રેમ આપવાનું શીખી જઈશું એટલે સ્વયંભૂ પ્રેમ મળતો થઈ જશે. એ માટે માત્ર થોડોક પ્રયાસ કરવાનો હોય.
૧. કોઈ પણ જાતની ગણતરી વગર સૌને શક્ય એટલું બધું જ સતત આપતાં રહીશું.
૨. આપીશું, પણ સામેથી કદી એવી અપેક્ષા નહિ રાખીશું કે બદલામાં કશુંક મળે.
૩. એ મારો ખ્યાલ રાખે એવી કશી અપેક્ષા નહિ, કિન્તુ મારે તો એનો ખ્યાલ રાખવાનો જ હોય એવું મજબૂત મનોબળ.
૪. પ્રેમમાં શંકાને કોઈ સ્થાન નથી. પ્રેમ કરીએ છીએ એટલે સામી વ્યક્તિ વિશે કદી પણ શંકાશીલ થઈશું નહિ. સંબંધોમાં એકમેકના દરેક વર્તનને, એકમેકના બોલાયેલા શબ્દોને જો સતત શંકાથી જોયા કરીશું, એના મનઘડંત અર્થો કાઢતા રહીશું તો સાચો પ્રેમ ક્યારેય જન્મી શકે નહિ.
૫. જ્યારે પ્રેમનો અનુભવ થાય છે ત્યારે જેની સાથે પ્રેમમાં પડ્યા છીએ, એને જેવો છે તેવો સ્વીકારી લેવાની વૃત્તિ.
૬. પ્રેમમાં કદી પણ ‘હું’ વચ્ચે આવતો નથી. અહંનો પ્રવેશ થાય અને પ્રેમ ઘર છોડીને ચાલ્યો જાય.
૭. સતત ગ્રંથો ઓગાળીને એકમેકને સમજવાની પ્રવૃત્તિ કરીશું તો પ્રેમમાં સચ્ચાઈ આવશે. જેટલા વધુ મનુષ્યત્વની નજદીક જઈશું એટલો વધુ આપણને પ્રેમ મળશે.

તો ચાલે, આપણે સૌને અનહદ પ્રેમ કરીએ. માત્ર માણસને જ નહિ, પ્રકૃતિનેય પ્રેમ કરીએ, જગતમાં જે કંઈ છે એ સૌને નિઃસ્વાર્થ ભાવે ચાહીએ. જો એ શક્ય બનશે તો આપણને સૌનો પ્રેમ સ્વયંભૂ મળશે એ નિઃશંક. એ પછી જ આપણે ‘મનુષ્યત્વ’થી ‘દેવત્વ’ સુધીની યાત્રા આનંદપૂર્વક કરી શકીશું.

– જનક નાયક
સંપર્કઃ સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સૂરત – ૩૯૫ ૦૦૧ ફોનઃ (૦૨૬૧) ૨૫૯૭૮૮૨, ૨૫૯૨૫૬૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ જ, બીજું કશું ન હોય પ્રેમ સિવાય… – જનક નાયક”

Copy Protected by Chetan's WP-Copyprotect.