ફાગણ ફોરમતો – નિર્ઝરી મહેતા

(‘નવચેતન’ સામયિકના એપ્રિલ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

“શ્રદ્ધા, આ દૂધ તો પી લે ! આમે તું નાસ્તો કરવામાં ધ્યાન નથી આપતી કોઈ’ દિ. આજ તો બગીચામાં ક્યારની ફૂલો વીણતી ફરે છે, ને દૂધ પણ રહી જવાનું છે. તારે સ્કૂલે જવાનો વખતેય થવા આવ્યો છે !” માએ વરંડામાં આવી કહ્યું.

“મમ્મી, શ્રદ્ધા કેમ આજ ‘ફૂલ વીણ સખે…’ના રોલમાં આવી ગઈ છે ! કુછ બાત તો હૈ !” અંદરથી બહાર આવતા નાની બહેન દીપાએ પોતાની હાજરી પુરાવી.
શ્રદ્ધા ફૂલ ભરેલી પ્લાસ્ટિકની થેલી સાથે ઘરનાં પગથિયાં ચઢવા લાગી, “સ્કૂલમાં છોકરાં માટે ફૂલો લઈ જવા છે !”

“કેમ રે, આખા ક્લાસનો બર્થ ડે છે ? છોકરાં ટીચર માટે ફૂલ લઈ આવે, અહીં તો મેડમ છોકરાંવ માટે ફૂલ લઈ જાય છે !” દીપાએ શ્રદ્ધાની ખીંચાઈ કરતાં તેના હાથમાંની થેલી પહોળી કરી નજર નાખી અંદર, “અરે મમ્મી, આપણો ગાર્ડન ખાલી હોં ! થેલીમાં ગુલાબ છે, મોગરા છે, ચંપા-બોરસલ્લી ને ગલગોટાય છે !”

“આજ સવારનાય વહેલી ઊઠી છે. બહાર વરંડામાં આવી ફોન કાને માંડી કંઈક ગણગણતી હતી ! શ્રદ્ધા આ પાસેની સ્કૂલમાં તું ‘થોડા મહિના માટે જઈ આવું’ કરી જોડાઈ છે. ને હવે તું કંઈ બહુ સિરિયસલી નથી લેતી આ જોબ ! તું તો તારે લાયકને તારી જોબની તપાસમાં જ છે ને !”

“લગતા હૈ ઈસી પે દિલ આ ગયા હૈ કુડીકા…” દીપા લહેકાથી બોલતાં અંદર પરવારવા પહોંચી ગઈ.

“મમ્મી, આ દીપુડી પરફોર્મિંગ આટ્‍ર્સમાં ગઈ છે ને ત્યારની બહુ નાટકીયણ થઈ ગઈ છે. ચાંપલી નહીં તો ! ને મમ્મી, જે કામ જેટલો વખત કરીએ તે રસ લઈને જ કરાય ને !”

“હં એટલે જ તો મેં કહ્યું ને… દિલ આ ગયા હૈ તેરા…” દીપુએ અંદરથી લલકાર્યું અને વોશરૂમનું બારણું બંધ થવાનો અવાજ આવ્યો. દીપુ સામે સંવાદની સામી સર્વિસ કરવાનો સમય શ્રદ્ધા પાસે પણ ક્યાં હતો ! તે સ્કૂલે જવા માટેનો સરંજામ લેવા ઘરમાં ગઈ.

શ્રદ્ધાએ બી.કોમ. ફર્સ્ટ ક્લાસ સાથે કર્યું. બી.કોમ. ફાઈનલમાં જ એમ.બી.એ. માટેની એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી. પણ, પ્રાઈમ ઇન્સ્ટિટ્યૂટમાં નંબર ન લાગ્યો. ન’તો લાગવાનો તેય ખબર તેને. ગામની જ મેનેજમેન્ટ સંસ્થા એમ તો સારી હતી. બહારગામ જવાને બદલે ત્યાં જ તેણે એડમિશન લઈ લીધું. એમ.બી.એ.ના સેમેસ્ટર પૂરાં થઈ ગયાં. ઈન્ટર્નશિપ મારે જરૂરી ટ્રેનિંગ તેણે બીજા અને ત્રીજા સેમેસ્ટર પછી પતાવી દીધી હતી. પરિણામની તો લગભગ ખબર જ હતી, બસ કોર્પોરેટમાં કે એમાં ઈન્ટરવ્યૂ. એપ્લિકેશન માટે જરૂરી સર્ટિફિકેટ બાકી હતાં. તે વ્યવસ્થિત કંપનીમાં નોકરી માટે નેટ પર અને તે માટેની ઈન્સ્ટિટ્યૂટમાં એનરોલ કરાવીને રાહ જોતી હતી. એક દિવસ સાંજમાં તે બહાર જવા નીકળી ત્યાં તેમના ઓળખીતા મિ. રાજપરા રસ્તામાં મળી ગયા. તે સુખપરાની વિદ્યાનિધિ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. શહેરનો પરા વિસ્તાર શહેરનો ફેલાવો વધતાં તેની સરહદો લંબાવતો જતો હતો. મૂળ શહેરની આજુબાજુ વાસ, ચાલ અને નાનાં નાનાં ‘ગામ’ શહેરનો ભાગ બનવા લાગ્યાં હતાં. શહેરના ફેલાવા સાથે એમાં રહેનારાંનેય વધુ કામ મળતાં થયાં હતાં. તેમનાં છોકરાંનાં ઊજળાં ભવિષય માટે સારી લાગતી સ્કૂલમાં થોડી વધુ ફી ભરીને પણ મોકલવા લાગ્યાં હતાં. સુખપુરાની વિદ્યાનિધિ સ્કૂલ પણ પહેલાં નાની – એક માળની હતી તે ત્રણ માળની થઈ ગઈ હતી. એમાં શિક્ષકોની થોડી ખેંચ રહેતી. મિ. રાજપરાએ તેને કહ્યું, “તું હમણાં નવરી છે ને, તો અમારે ત્યાં આવી જા ને ! આ માર્ચ આવી ગયો. વાર્ષિક પરીક્ષા માથે છે. તેમાં એક બહેનને પ્રિમેચ્યોર ડિલિવરી થતાં અણધાર્યા રજા પર ગયા છે. તું ચોથા ધોરણનું ગણિત-વિજ્ઞાન વગેરે સંભાળી આપ ને એકાદ મહિનો. આવતી હો તો કાલથી જ આવી જા ને !” શ્રદ્ધા જવા માંડી સ્કૂલે બીજા દિવસથી જ !

શ્રદ્ધાને પહેલે દિવસથી જ મઝા પડવા માંડી. છોકરાં ઉત્સુક અને હોંશીલાં હતા. પણ તેમને ભણાવતાં બે જ દિવસમાં એને ખ્યાલ આવ્યો, કે આગલાં શિક્ષિકાએ તબિયતની તકલીફ કે જે કારણ હોવું જોઈએ તેવું શિખવાડ્યું જ ન હતું ! ગણિતમાં તો તે નાની નાની રમત તૈયાર કરી લાવતી. એટલે છોકરાં રમત સાથે તરત શીખવા માંડ્યાં. એકબે છોકરાં તો ખાસ્સા ચાલાક ને ચતુર હતાં. પણ વિજ્ઞાનમાં ઋતુઓનું પ્રકરણ ખાસ કરાવાયું જ ન હતું. તેણે તે છોકરાંઓને રસ પડે તે રીતે શિખવાડવાનું શરૂ કર્યું. બે-બે દેશી મહિના જોડે જોડાયેલ બે-બે ઋતુનો પરિચય કરાવી પછી વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ સમજાવવાનું તેણે વિચાર્યું. પહેલી જ ઋતુ વર્ષાની વાતે છોકરાંઓની જોશભેર બૂમાબૂમ ચાલી.

“અરે મેડમ, બહુ મઝા આવે ! ઘેર જતાં વરસાદ પડે ને તો છત્રી કે રેઈનકોટ ખોલીએ જ નહીં ! ને ઘેર પાસે પાણીના તળાવડાં ભરાયં હોય ને એમાં ધુબાકા મારીએ. પછી પાણી નીતરતે જ ઘેર જઈએ !”

“ને પછી મમ્મી બે હાથ લે એનું શું ?” જવાબમાં કોઈ છોકરી બોલી.

“તે તમે છોકરીઓ એમ બીંતી રો, અમે તો જે કરતા હોઈએ તે કરીએ.”

“કાદવના ડાઘા ધોવા મમ્મી તમને બેસાડે નહીં એટલે ઠીસ મારો છે ! પોલ ખાઈને ભાગી જાવ, પણ કપડાં ધોવા બેસાડે પછી જોઉં કે કેવા કાદવવાળા પાણીમાં ભેંસ જેમ આળોટવા પડો !”
“એય નિશા, આમ બોલાય કે ?” આવેશમાં આવેલી નિશાને એણે ટપારી. પછી છોકરાઓનેય ટોક્યાં.

“વરસાદના પાણીમાં ભૂસકા મારવા જાય એ કપડાં પણ ધુએ પોતાના સમજ્યા ! એકલી મસ્તી નહીં કરવાની ! ધોશો ને ?”

“હા મેડમ !” ક્લાસનું કોરસ ગાજ્યું.

શરદ જોડે ગરબા અને દિવાળીની મીઠાઈ અને ફટાકડા; હેમંત-શિશિરની ઠંડી, ધુમ્મસ, તાપણાં, ઉત્તરાયણના પતંગ ને ખરતાં પાંદડાં… એમ તે લોકોની મર્યાદિત સગવડ વચ્ચેય છોકરાંઓને જિંદગીને દિલ ભરીને, ઊછળતાં-કૂદતાં માણતાં જોઈ શ્રદ્ધા પણ રોજ સ્કૂલ જવા અધીરી હતી. હવે વારો આવ્યો ૠતુરાજ વસંતનો. શ્રદ્ધાને વસંત ખૂબ ગમતી. વાસંતી રંગ તેનો પ્રિય રંગ. એના ઘરના બાગમાં વસંતના આગમનની છડી પોકારતો, પાંદડાં ખર્યા પછી ફૂટતી નાની-શી લાલ કૂંપળ જોઈને જ એ ખીલી ઊઠતી. એણે તો વર્ગમાં જઈ ઉત્સાહભેર કહ્યું, “આજે હું એક એવી ઋતુની વાત કરવાની છું, જે બધાંને ખૂબ ગમતી હોય છે ! બોલો તો શું નામ એનું ?” એને એમ કે ક્લાસ આખો જોરથી બોલશે, “વસંત !” – પણ એને બદલે ક્લાસ આખો મૂંગો મંતર. તે તો ભોંઠી પડી. “અરે વર્ષા – શરદ – હેમંત – શિશિર પછી આવે છે ને…” “વસંત…?” કોઈ ધીમેથી અર્ધાપર્ધા પ્રશ્નાર્થ સાથે બોલ્યું. એણે નજર ફેરવી છોકરાઓ તરફ. તે કેતન હતો. કેતન તો હોશિયાર છે ! એનેય અવઢવ છે.

“કેમ આજ ક્લાસને શું થયું છે ? પાનખરમાં ઝાડનાં પાંદડાં ખરી જાય પછી નાનકડી રતુંબડી કૂંપળ ફૂટે. પછી શું થાય ?” તેણે પ્રશ્ન કરી બધાં સામે ચમકતાં ચહેરે જોયું. કોઈ જવાબ ન મળ્યો !

“અરે, નવાનકોર પાંદડાંથી બધાં ઝાડ ભરાઈ જાય. કેતન, બોલ તો વરસાદમાં ઝાડ કેવાં થાય ?”

“મેડમ, વરસાદનાં પાણીથી ધોવાઈને ચોખ્ખાંચણાક થઈ જાય !” કંઈક સરખો જવાબ આપવાના ઉત્સાહથી તે બોલ્યો.

“હં… ને વસંતમાં તો ઝાડને સાવ જ નવાનક્કોર પાન આવે ! તમે દિવાળીમાં નવાંનક્કોર કપડાં પહેરો એ રીતે !’’

“તે બહેન, વસંતમાં ઝાડવાને દિવાળી આવે ?” બટકબોલી નિશા બોલી.

“બરોબર ! પછીથી તો કેટલાંય ઝાડ – છોડ ફૂલોથી ખીલી જાય. કેટલાંય સુગંધી ફૂલોય આવે વસંતમાં.”

“સુગંધવાળાં ?’’ એકલા છોકરાએ પ્રશ્ન કર્યો.

“હાસ્તો ! કેમ ગુલાબ તો હોય જ. પણ ચંપા, જૂઈ, બોરસલ્લી હોય. ચૈત્રમાં તો મોગરાય આવવાં માંડે. આંબા પરના સુગંધી મોર આવે ને પછી મરવા બેસે !” એના આ બધું કહેવા સામે પાછો વર્ગમાં કંઈ જ પ્રતિભાવ ન મળ્યો. તેને સમજ ન પડી કે વસંતની ઓળખ આ બધાંને કેમ કરી કરાવવી ! તેણે પાછી તેની પ્રશ્નોની પેટી ખોલી !

“તમારા ઘર આગળ તમારાં મમ્મી કે દાદીએ કોઈ ફૂલછોડ નથી વાવ્યા ? કોઈ ફૂલવાળું ઝાડ નથી ? અરે તુલસીનું કુડું તો હશે ને ?”

“મેડમ અમારા વાસમાં તો સ્કૂટર પણ ઘર આગળ ન મૂકી શકાય. સાવ સાંકડી ગલી છે. સરિતામાસીએ રાખેલ એક વાર તુલસીનું કુડું ઓટલે. એક વાર કૂતરાં બાઝ્યાં તે ફંગોળાઈ પડ્યું ગોદીબાએ સૂકવેલ ચોખામાં. જે બાઝાબાઝી થઈ’તી !” મહેન્દ્રે કહ્યું. તે જોઈ રહી. ક્યાંથી ક્યાં વાત પહોંચી હતી વસંત અંગેની… ત્યાં કેતન ઊભો થયો.

“મેડમ, અમારા ફળિયામાં સ્કૂટર ઘર કને જ રે’ છ.. અમારા ફળિયામાં એક લીમડો ને ગુલમોર છે. હોળી આવે ને તે વેળા એમાં ફૂલો આવે હોં !”

“એ ફૂલો જેવા રંગથી તમે હોળી-ધુળેટી રમો છો ને ? રંગબેરંગી ફૂલોની ઋતુ વસંત છે ને એટલે !”

“મેડમ, રંગથી નઈ રમતાં અમે. ધૂળ-માટી-મેશના રગડા અને પાણીથી ઝાઝું કરીને અમે તો રમીએ.”

શ્રદ્ધાના બધા જ પ્રશ્નો અને સમજાવતી વાતો વસંતથી ગાઉ આઘી જ રહી ! તેણે નક્કી કર્યું કે કાલ તે જાતજાતના રંગબેરંગી અને સુગંધી ફૂલો લઈ આવશે. રાતના ઘેર તેણે લેપટોપમાંથી ‘ફાગણ ફોરમતો આયો’ ગીત ડાઉનલોડ કર્યું મોબાઈલમાં. તે ખુશ થઈ – ક્લાસમાં પેસતાં જ તે આ ગીત ચાલુ કરશે, ને પછી તેમના બગીચાનાં રંગીન અને સુગંધી ફૂલો છોકરાઓમાં વહેંચશે. છોકરાંઓને વસંતની જ ઓળખ ન હોય એ તો હદ કહેવાય ને ! – તે મનમાં બબડી. સવારે વહેલાં ઊઠી ગીત સાંભળી તેણે ચેક કરી લીધું. બગીચામાંથી ફૂલો વીણ્યાં. બધું લઈને ક્લાસને બારણે પહોંચી. પહોંચતાં જ મોબાઈલની સ્વિચ ચાલુ કરવા ગઈ ત્યાં તેના શ્વાસમાં કંઈક બટાયેલ, વાસી, દુર્ગંધની તીવ્ર લહેર પેઠી. તે ક્લાસમાં ગઈ. છોકરાંઓનાં શર્ટ પણ રોજ જેવાં તેજવાળાં નહોતાં લાગતાં.

“આ શેની ગંધ છે ? શું ક્લાસમાં કંઈ મરેલું જીવ-જંતુ પડ્યું છે ? ઉંદર-ગરોળી કે દેડકો કંઈ ?”

“ના મેડમ, અમારી બાજુ બે-ત્રણ દા’ડાથી પાણી બહુ ગંધારું આવે છે. કે’છ આગળ સોસાયટી પણ છે એની ગટરલાઈન નાખતાં અમારા પાણીની પાઈપને કશુંક થયું છે. ગાળીને ભરીએ છીએ તોય વાસ આવ્યે રાખે છે ને અમારા યુનિફોર્મ પણ ગંધાય છે.”

“તો, ન’તા પે’રવા ! આવા કપડાં કેવી રીતે પહેરાય ?” તે તો સ્તબ્ધ જેવી હતી. પીવાના પાણીનું શું કરતા હશે આ લોકો – તે વિચારી રહી.

“મેડમ, યુનિફોર્મ ના પે’રીએ તો પનિશમેન્ટ મળે. આજે તો પી.ટી.ની પરીક્ષા છે એટલે આવવું પડે ને યુનિફોર્મ પે’રવો જ પડે !” કેતને ચોખવટ કરી.

શ્રદ્ધાએ થેલીમાં પડેલા ફૂલોની હારી ગયેલી સુગંધ અને મોબાઈલમાં રૂંધાઈ ગયેલ ‘ફાગણ ફોરમતો’ ગીતને ગણગણતા મનથી યાદ કર્યા. થેલીમાંથી જોડે લાવેલ ફૂલ કાઢતાં તેણે ઊંડો શ્વાસ ભર્યો – ‘ચલો આ ગટરગંધ સામે જે થોડી ઘણી આની સુગંધ કામ આવે તે !’ પછી તે વર્ગમાં છોકરાં સામે ફરી, છોકરાંઓના ચહેરા અવઢવમાં હતા.

“આજે હું આગલી કરાવેલ ઋતુઓનું પુનરાવર્તન જ કરાવીશ !”

ટેબલ પર ફૂલ પડેલા જોઈ પાછલી બેંચ પર બેઠેલો નીતિન બોલી ઊઠ્યો. “અરે વાહ મેડમ, તમે તો સુગંધી ફૂલ લાવ્યા છો ! અહીં સુધી સુગંધ આવી હોં મેડમ.” પછી પોતાનું શર્ટ બતાવતાં કહે, “હવે આ ઓછી ગંધ મારશે. મેડમ ! પેલો ગરબો ગવાય છે ને નવરાતમાં – ‘ફાગણ ફોરમતો આયો’ એવું થઈ ગયું આ તો !”

શ્રદ્ધાની આંખમાંથી પાણીનું ટીપું સર્યું – વધુ સરવા કરતાં આંસુ એણે પ્રયત્નપૂર્વક રોક્યાં. વસંતમાં કંઈ વર્ષાને આવવા દેવાય ! તેણે મોબાઈલ કાઢ્યો અને સ્વિચ દબાવી – વર્ગમાં ગીતના શબ્દ-સૂર ફૂલની ફોરમ સાથે વહેવા લાગ્યા.

‘ફાગણ ફોરમતો આયો જી આયો…
ફાગણ ફોરમતો આયો…’

“મેડમ આ ફૂલ અમે ગજવામાં રાખશું” કહેતાં છોકરા ફોરમ ગજવે ભરવા લાગ્યાં.

– નિર્ઝરી મહેતા

Leave a Reply to asha.popat Rajkot Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ફાગણ ફોરમતો – નિર્ઝરી મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.