ભિખારણ – અર્જુનસિંહ કે. રાઉલજી

(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

પોલોમી હજુ તો માંડ પરવારી હતી, વાસણો ચોકડીમાં મૂક્યાં અને રસોડાના પ્લૅટફૉર્મ ઉપર પોતું માર્યું… થોડોક વિસામો ખાધો અને પછી સોફા ઉપર આડી પડવા જતી હતી ત્યાં જ ડૉરબેલ રણકી ઊઠ્યો… ‘કોણ આવ્યું હશે આવા ખરા બપોરે ? બપોરે બે ઘડી આડા પણ પડવા દેતા નથી’ બબડી તે બારણા પાસે આવી, કી-હોલમાંથી બહાર નજર કરી તો તે છળી મરી. બારણે તેની જેઠાણી રાધા આવીને ઊભી હતી.

‘સા… ભિખારણ…’ બબડતાં બબડતાં તેણે કચવાતે મને બારણું ખોલ્યું. તેની તો લગીરેય ઈચ્છા નહોતી એ ભિખારણને ઘરમાં આવકાર આપવાની, છતાં સમાજને ખાતર જ તેણે બારણું ખોલ્યું હતું. મનમાં તો થતું હતું કે તેને બહારથી જ રવાના કરી દે. પણ થાયે શું ? પરાણે હસતું મોં રાખી બોલી, ‘આવો, મોટીબેન…’

અને રાધાએ ઘરમાં પ્રવેશ કર્યો. સોફા ઉપર સ્થાન લીધું, અને કોણ જાણે કેમ પણ દિયરની આર્થિક હાલતનો ક્યાસ કાઢવો હોય તેમ ચારે બાજુ નજર ઘુમાવવા માંડી. તો સામા પક્ષે પોલોમી પણ રાધા તરફ તાકી રહી – જૂની સફેદ સાડી. એ જ કલરનો જૂનો બ્લાઉઝ, ઓળેલું માથું… પણ માથાના બધા જ વાળ સફેદ થઈ ગયા હતા. એમ તો પોલોમીના વાળ પણ ક્યાં કાળા હતા ? પણ તે તો નિયમિત કલર કરાવતી હતી. પણ આ રાધા તો ગામડે રહેનારી, કળશી ધૂળમાં ફરનારી, એને ક્યાંથી વાળ કલર કરાવવાનું સૂઝે ? અને કદાચ ગામડામાં બીજાનું જોઈ ઈચ્છા થાય તોપણ તે માટે ખનખનિયા જોઈએ ને ? ઘરનો ખર્ચો જ માંડ માંડ નીકળતો હોય ત્યાં આવા શોખ ક્યાંથી પાલવે ? આવી હશે મદદની આશાએ…! પણ ના… મારે અતિરેકને ફોન કરીને ચેતવી દેવો પડશે કે – ભાભીને જોઈ ઘેલો ન થઈ જતો… નહીંતર આ લોકો તો ઊધઈ જેવા હોય છે-અંદર પેસીને બધું જ ખોતરી નાખે… પોલું જોયું નથી કે ધીરે ધીરે પેઠાં નથી…!
‘મારા દિયર તો ઑફિસે ગયા હશે નહીં ?’ રાધા પૂછતી હતી, ‘ક્યારે આવશે ?’

‘કેમ કાંઈ કામ હતું ?’ તેનો પ્રશ્ન સાંભળીને જ પોલોમીને ખ્યાલ આવી ગયો કે નક્કી આ બાઈ મદદની આશામાં આવી હશે. દીકરી અને દીકરો બંને હવે પરણાવવા લાયક થયાં હશે, અથવા તો કોઈકનું લગ્ન નક્કી કર્યું હશે અને તે માટે પૈસાની જરૂર હશે…! પણ અમારી પાસે પણ હવે એવા વધારાના ધર્માદા દાન કરવા જેવા પૈસા નથી..! એમ કાંઈ અમે સદાવ્રત ખોલીને થોડાં જ બેઠાં છીએ…? તે જે આવે તેને મદદ કરતાં ફરીએ ? પોલોમી મનોમન વિચારતી હતી પણ તેની નજર તો રાધા ઉપર જ હતી, ગરીબાઈ જાણે કે તેનાં જૂનાં કપડાં અને આંખોમાંથી છલકતી હતી…! અને આ મોટા પોટલામાં શું લાવી હશે ? કાંઈક ડબ્બો બાંધેલો હોય એમ લાગે છે…! પોલોમી મનોમન જાણે કે પોરસાતી હતી…! ક્યાં જેઠજી અને ક્યાં મારા અતિરેક…! બે સગા ભાઈઓ હોવા છતાં કેટલો આસમાન-જમીનનો ફેર છે બંને વચ્ચે…! બધો પૈસાનો જ કમાલ છે ને ?! અતિરેક મહિને એંસી હજાર રૂપિયા કમાનારો… જ્યારે જેઠજીએ તો કદાચ જીવનમાં એંસી હજાર રૂપિયા જોયા પણ નહીં હોય…! પાઈ પાઈ માટે તરસનાર તેના જેઠ અને આ રાધા જેઠાણી…! કદાચ ભિખારાં જેવી જ જિંદગી જીવી રહ્યાં હશે…! ઘેર જમીન તો હતી… પણ નહિવત્… એને જમીન કહીએ તો જમીનને પણ શરમ આવે…! હા, જમીનનો એક નાનકડો ટુકડો… આટલી મોંઘવારીમાં તેમાં શું પાકે ? અને આ લોકોના ઘરનું ગુજરાન પણ ના જાણે કેવી રીતે ચાલતું હશે…! જેઠજી અને તેમનો છોકરો તો લોકોના ખેતરોમાં મજૂરીએ જતા હતા… કદાચ મજૂરીની લ્હાયમાં છોકરાને ભણાવ્યો પણ નહીં હોય, અને જેઠાણી લોકોના ઘરનાં કચરા-પોતાં અને વાસણ ઘસવાનું કામ કરતાં હતાં…!

પોલોમીને ઘર અને જમીનના ભાગ વહેંચ્યા તે સમય યાદ આવી ગયો. આમ તો તેની આર્થિક હાલત તો એટલી બધી સધ્ધર હતી કે તે અને અતિરેક ધારે તો જમીનનો એ ટુકડો કે પડું પડું થઈ રહેલા ઝૂંપડા કરતાં તો દસ ગણું એ ગામમાંથી જ ખરીદી શકે તેમ હતાં. પણ તેમને ગામની એ જમીન કે ઝૂંપડાનો કોઈ મોહ જ નહોતો…! તેમને શું ફોડવી હતી એ ગામડાની મિલકત ? એટલે જ ફાકો મૂઠ હાથમાં આવે તે લેવા જ એ લોકો ગામડે ગયાં’તાં, પણ તેના જેઠ કે જેઠાણીનો તો તેમને ભાગ આપવાનો કોઈ વિચાર જ નહોતો… અને પાછા કેવા રાજા હરિશ્ચંદ્ર બનતા હતા ? નાટક જ કર્યું હતું ને ! ભાગ ના આપવો પડે એટલે…! પાછા એ તો મોઢેથી ભાગ નથી આપવો એવું કહેતા નહોતા પણ જે પંચ ભેગું કર્યું હતું તેમની પાસે બોલાવતા હતા…! પેલા રામજીકાકા જ બોલ્યા હતા ને – ‘અતિરેક બેટા… તારે તો ભગવાનનું આપેલું બધું જ છે…! કશી વાતની ખોટ નથી, જ્યારે આ તારા ભાઈ પાસે તો શું છે ? જીવી ખાવા દેને તારા ગરીબ ભાઈને…!’ અતિરેક તો કાંઈ બોલ્યો નહોતો પણ… તે વખતે પણ પોલોમીએ જ બોલવું પડ્યું હતું ને ? – ‘એવું નહીં રામજીદાદા… બાપદાદાની મિલકત તો સરખા ભાગે વહેંચવી જ પડે ને ? જેટલી હોય તેટલી… તમે વડીલ થઈને આમ અન્યાયનું શા માટે બોલો છો ?’ આમ છતાં પણ… ભાગ વહેંચતી વખતે પણ જાણે કે પક્ષપાત થતો હોય એવું પોલોમીને લાગેલું…! તે અને અતિરેક તો તેમાંથી કશું જ શહેરમાં લાવવાનાં નહોતાં… બધા ભાગની કિંમત કરીને તેનો અડધો ભાગ તેના જેઠે અતિરેકને રોકડો ચૂકવવાનો હતો. જેઠ કે જેઠાણી કશું બોલતાં નહોતાં પણ પંચના લોકોને જ સમજાવી રાખ્યા હતા એટલે એ લોકો જ તેમની વકીલાત કરતા હતા. પેલા ભીખુદાદાએ કહ્યું હતું ને કે – ‘અતિરેક, તારા મોટા ભાઈની હાલત તારાથી અજાણી નથી એટલે જો મારું માને તો રોકડા રૂપિયા લઈ જવાના બદલે તારા ભાઈને ટાઈમ આપજે… તે થોડા થોડા કરીને હપતે હપતે તારા ભાગની બધી રકમ ચૂકવી દેશે.’ પણ એમાં પણ પોલોમી જ ભૂંડી થઈ હતી ને ? પોલોમીને જ બોલવું પડ્યું હતું ને કે – ‘અમે વારે વારે ક્યાં ઉઘરાણી કરવા અહીં સુધીના ધક્કા ખાઈએ ? આ તો એક વાર ચૂકવી દે એટલે હિસાબ પૂરો…!’

બધા પંચો અને ફળિયાના લોકો રીતસર મોટા ભાઈનો જ પક્ષ લેતા હતા. સો રૂપિયાની વસ્તુ હોય તો પણ તેના વીસ રૂપિયા જ મૂકતા હતા જેથી તેના જેઠને મોટી રકમ આપવાની ના થાય. અરે ઝૂંપડાના પણ માંડ ચાર હજાર રૂપિયા જ મૂક્યા હતા ને ? તેણે દલીલ કરી ત્યારે કેવું બોલ્યા’તા ? ઝૂંપડામાં છે શું ? પતરાં છે તે તો કાણાં થઈ ગયાં છે ? આખું તોડીને નવું બનાવવું પડે એવું છે. આ તો ખાલી જમીનના જ પૈસા છે…! પોલોમી નામક્કર થઈ ત્યારે ડાહ્યાભાઈ જ બોલ્યા હતા ને કે તમને કિંમત ઓછી લાગતી હોય તો તમે ઝૂપડું લઈ લોને…! અડધા પૈસા ચૂકવી દો. એ લોકોને ખબર હતી કે અતિરેક કોઈ કાળે ઝૂંપડું લેવા તૈયાર થવાનો નથી – એટલે જ બધી દલીલો કરતા હતા. ભણાવી રાખ્યા’તા આગળથી જ…! છેવટે ઘરની – એ ઝૂંપડાની કિંમત સાડા ચાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવી. બધા મળીને બાવીસ હજાર રૂપિયા અતિરેકના મોટા ભાઈએ અતિરેકને તેના ભાગ પેટે ચૂકવવા એવું નક્કી થયું… હવે વાત અટકી એ રકમ ચૂકવવાના સમય ઉપર. જેઠજીનું કહેવું હતું કે હાલ તો મારી પાસે ફૂટી કોડીય નથી… મને સમય આપો. હું હપતે હપતે કરીને પાઈ પાઈ ચૂકવી દઈશ… પણ પોલોમીએ ફરીથી એની એ જ દલીલ કરી કે અમારી પાસે વારે ઘડીએ અહીં સુધી પૈસા લેવા આવવાનો સમય નથી. અમે ક્યાં વારંવાર ધક્કા ખાયા કરીએ ?! તેના જવાબમાં જેઠજીએ એવું પણ કહ્યું કે – તમારે ધક્કા ખાવાની જરૂર નથી હું તમને તમારા ઘેર બધી જ રકમ દૂધે ધોઈને પહોંચતી કરીશ, પણ અતિરેક અને પોલોમીને એ પણ મંજૂર નહોતું… એટલે ભીખુદાદાએ કહ્યું કે હું તારા મોટા ભાઈનો જામીન… જો ત્રણ મહિનામાં એ રકમ ના પહોંચાડે તો મારી જવાબદારી…! હું રકમ પહોંચાડી દઈશ… તો પોલોમીએ તો રીતસરનું તેમનું અપમાન જ કરી નાખ્યું કે – ના રે ના… મારે કોઈની જવાબદારી ઉપર ધંધો જ નથી કરવો… હું તો આ ગામમાં કોઈને ઓળખતી નથી-મારા જેઠ સિવાય…! અમે અમારા ભાગની રકમ લીધા સિવાય હું હવે અહીંથી ખસવાની નથી જ…! નામક્કર ગઈ પોલોમી…! અને તે તેના એ વર્તન ઉપર હજુ પણ પોરસાતી હતી અને વારેવારે અતિરેકને ટોણા મારતી હતી કે – જો તે વખતે આ પોલોમી ના હોત તો તમારો ભાઈ તમને ફૂટી કોડી પણ ના પરખાવત તે વખતે…! છેવટે જેઠ જ તાત્કાલિક તેના ભાગની રકમ આપવા તૈયાર થઈ ગયા. ત્યારે પોલોમી બોલી પણ ખરી કે – જોયુંને ? પૈસા છે છતાં આપવા નહોતા…! પણ પોલોમીને ખબર નહોતી કે તેના જેઠ તેમની પત્ની રાધાના દાગીના ગીરો મૂકીને પૈસા લાવ્યા હતા.

‘… મારા દિયર ક્યારે આવશે ?’ તેની જેઠાણી રાધા પૂછતી હતી.

‘… કેમ કાંઈ કામ હતું તમારા દિયરનું મોટીબહેન ?’ પોલોમીએ પૂછ્યું… પછી એને યાદ આવ્યું કે ગામડેથી અહીં સુધી આવતાં તો ખાસ્સા બે કલાક નીકળી જાય અને તે પણ પોતાનું વાહન હોય તો…! એટલે આ ભિખારણ વહેલી સવારની જ નીકળી હશે અને ભૂખી હશે…! જો તેનો ખાવાનો ભાવ નહીં પૂછું તો આખા ગામમાં મને વગોવી વળશે. એટલે તરત જ પૂછ્યું – ‘તમે તો સવારનાં જ નીકળ્યાં હશોને મોટીબહેન ! ભૂખ્યાં જ હશોને ? ચાલો, પહેલાં જમી લો ત્યાં સુધી હું તમારા દિયરને ફોન કરી દઉં છું એટલે તે આવી જશે… બાકી તો રાતે આવે છે. તમે જો રોકાવાનાં હો તો વાંધો નહીં…!’

રાધાને જમવાનું કહ્યા પછી તેને યાદ આવ્યું કે ખાવાનું તો કશું વધ્યું નથી અને જો આ ભિખારણ ખાવાની હા પાડશે તો શું કરીશ ? પણ પછી યાદ આવ્યું કે ગઈ કાલે રાતે બહારથી અતિરેક પંજાબી શાક લાવ્યો હતો અને શાકમાં કશાની વાસ આવતી હતી એટલે એ લોકોએ ખાધું નહોતું એટલે કચરાવાળીને આપી દેવાના ઈરાદાથી જ ફ્રીજમાં મૂક્યું હતું તે અને રોટલી બનાવી આપી દઈશ પણ…

રાધાએ તો જમવાની જ ના પાડી – ‘ના… પોલોમી… મારે તો આજે ઉપવાસ છે એટલે હું તો રાતે જ જમું છું… તું મારા દિયરને ફોન કરીને બોલાવી લે… મારે ઘેર ઘણું કામ છે… તારા ભત્રીજાનાં લગન લીધાં છે એટલે…!’

‘હં… તો એમ વાત છે.’ પોલોમી મનોમન બબડી- ‘એટલે જ દિયર પાસે પૈસા માગવા આવી હશે આ ભિખારણ…! પણ હું હમણાં જ અતિરેકને ફોન કરીને સાવચેત કરી દઉં છું એટલે એ પલળી ના જાય…!’ પોલોમી અંદરના બેડરૂમમાં ગઈ અને અતિરેકને ફોન કરી સમજાવી દીધો કે તારી ભાભી તને લૂંટવા આવી છે માટે સાવચેત રહેજે અને બને તેટલો જલદી આવી જા… એટલે આ બલા અહીંથી ટળે.

પોલોમીએ ફોન કર્યો એટલે અતિરેક તરત જ ઑફિસેથી નીકળી ગયો અને લગભગ વીસ મિનિટમાં તો તેની ગાડી ઘેર પહોંચી ગઈ. આવતાંવેંત નીચો નમીને પોતાની ભાભીને પગે લાગ્યો. એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી અતિરેક બોલ્યો – ‘કેમ આવવું પડ્યું ભાભી ?’

તરત જ રાધાએ પોટલું છોડ્યું તેમાંથી તાંબાનો એક ઘડો અતિરેકને આપતાં બોલ્યાં – ‘લ્યો દિયરજી… તમારી અમાનત ?’

‘શું છે આ ?’ અતિરેક પૂછતો હતો, તેના જવાબમાં રાધાએ કહ્યું, ‘તમારો ભત્રીજો હવે તો માસ્તરની નોકરી કરે છે. તેનાં લગન લીધાં છે તમારે આવવાનું છે. હવે તેની ઈચ્છા પ્રમાણે તેણે ઘર તોડીને બનાવવાનું શરૂ કર્યું તો ઘરની પાછળની દીવાલ નીચેથી આવા બે ચરૂ નીકળ્યા.. બંને એકસરખા જ હતા… એટલે તેમાં તમારો પણ ભાગ તો ગણાય જ ને ? એટલે એક ચરૂ તમને આપવા આવી છું. તેમાં નહીં નહીં તો ય બે કિલો સોનું હશે…!’ રાધા બોલતી હતી. પોલોમી અને અતિરેક તાકી રહ્યાં હતાં તેના ચહેરા પર ન તો અભિમાન હતું કે ના ગર્વ… માત્ર પોતાની ફરજ પૂરી કર્યાનો આત્મસંતોષ છલકાતો હતો…

‘… પણ ભાભી, મને તો તમે મારા ભાગના પૈસા આપી દીધા છે એટલે હવે મારો આ ચરૂ ઉપર કોઈ અધિકાર ન ગણાય…!’

‘… કેમ ના ગણાય ? દિયરજી ! આપણે ભાગ વહેંચ્યા ત્યારે ન તો તમને ખબર હતી કે ન મને ખબર હતી કે તે ઘરમાંથી ચરૂ નીકળશે. જો ખબર હોત તો આપણે તે પ્રમાણે જ કિંમત મૂકતને ? એટલે તમારો ભાગ ઓળાવી નાખું એવી ભિખારણ હું નથી…! અને તમને તમારા હક્કનો ભાગ મળે જ એ જોવાની જવાબદારી પણ હું મોટી છું એટલે મારી જ ગણાય ને ?’
અતિરેક અને પોલોમી બંને રાધાના ચહેરાને તાકી રહ્યાં… તેના ચહેરા ઉપર એક અદ્ભુત તેજ પ્રવર્તતું હતું.. ના… ના… તે ભિખારણ તો નહોતી જ…!

– અર્જુનસિંહ કે. રાઉલજી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “ભિખારણ – અર્જુનસિંહ કે. રાઉલજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.