- ReadGujarati.com - http://www.readgujarati.com -

લિખિતંગ.. ભગવાન – અંજના રાવલ

હે…! વ્હાલા માનવ. તું મને કેટલો પ્યારો હોઈશ, ત્યારે મેં તને આ મનુષ્યનો અવતાર આપ્યો છે. વિચાર કર મેં તને ગધેડો કે શ્વાન નથી બનાવ્યો ! કશાક વિશે, ઉદ્દેશથી મેં તમને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે. મને ગમે એવા કામો કરવા તેમજ તારા જેવા દરેક માનવમાં તું મને જોઈ શકે એટલા સારું તારું નિર્માણ મેં કર્યુ છે. કેવળ મને ટાયલાવેડા કે ઢાયલાવેડા કરવા નથી મોકલ્યો ! મારે ક્યાં દ્રવ્ય કે સંપતિની પડી છે…! મારા ખજાનામાં કશીય ખોટ નથી. તું એટલા બધા દ્રવ્યનો બગાડ કરે છે, જેનાથી તારા જેવા સેંકડો અગણિત માનવોની જરૂરિયાત પૂરી થાય. મારા કરતાં માનવધર્મ શ્રેષ્ઠ છે.

પૃથ્વી ઉપર ચોતરફ તું જે પણ નીરખી રહ્યો છે, જે ધન-ધાન પેદા થઈ રહ્યું છે, એ મારા થકી જ છે. તું શું કામ એમ સમજે છે કે, અમુક-તમુક નહિં ખાવાથી હું તારા ઉપર ચારેય હાથ રાખીશ. આ તારો વહેમ છે. અરે, ભાઈ આપ સર્વેને આરોગવા માટે તો હું જમીનમાં પેદા કરું છું. અમુક વારે કે અમુક તિથિએ મારું મહત્વ વધી જાય એ મને મંજૂર નથી. તારા એક એક ધબકારમાં હું છું. તને ખબરેય ન પડે એમ જાગતા-ઊંઘતા એને જીવંત રાખવાની સ્વીચ મારી પાસે છે. પળે પળ હું તારી સાથે છું.

પરાણે ઉપવાસ કે એકટાણા કરીને તું લાશ જેવો થઈ જાય એવું હું ઈચ્છતો નથી. આવું કરીને જો તું એ બચેલા અનાજથી તું કોઈ મૂંગા પશુ-પંખી કે વિવશ-લાચાર-દુઃખી-અસહાયના મોંઢે વળે એવું કરે તો મારી છાતી ગજગજ ફૂલે ! ઉપવાસ કે એકટાણા તારી હોજરીના, તારા તનમનના આરામ માટે છે. તારી આંતરિક શુદ્ધિ માટે છે.

એક વાતનું મને દુઃખ છે કે, આજલગી કોઈએ એવી માનતા નથી રાખી કે, “હું આજે વ્યસનમુક્ત રહીશ, હું આજે મારી જાતને નિરાશ નહીં કરું, ભ્રષ્ટાચાર નહીં આચરું, આજે ગુસ્સો નહીં કરું, આજે કોઈના આત્માને દૂભવીશ નહીં, આજે ભેળસેળ નહીં કરું, આજે હું પ્રસન્ન રહીશ, આજે મારો આભાર માનીશ, આજે કોઈને સોરી કહીશ, આજે ઈર્ષા કે અદેખાઈથી દૂર રહીશ. કેટકેટલા ગણાવું.” રે માનવ મને ઉલ્લુ બનાવવામાં તારો જોટો જડે એમ નથી. મારા સુધી પછી પહોંચજે, પહેલાં તારી સાથે જોડાયેલા લોકો સુધી તો પહોંચ…! તારી પત્ની, તારા બાળકો, તારા સ્વજનોને કોઈ દિવસ પૂછ્યું. તમો મારાથી ખુશ છો ખરા…? મને ખુશ રાખવાથી તારા દહાડા નહિં વળે…!

અંતમાં સો વાતની એક વાત કહી દઉં છું, હૉ…! મારા પ્રચાર કે પ્રસાર માટે મેં કોઈ એજન્ટ નીમ્યો નથી..! રંગબેરંગી વસ્ત્રો પહેરીને અવનવા નુસખા બતાવીને મને ગુમરાહ કરતા, તને કાયર બનાવીને તને લૂંટતા લોકોની ચુંગાલમાં તું શા માટે ફસાય છે…? ભજનોમાં તો તું મારો મોટો-મોટો મહિમા ગાય છે, તો પછી શી લાલચે લલચાય છે…? હું ઘણીવાર રડી લઉં છું. એનું એક માત્ર કારણ હે, માનવ તને મારા ઉપર ભરોસો નથી !?! તારી શ્રદ્ધા ઢચૂપચૂ છે…! લિખિતંગ.. ભગવાન.

– અંજના રાવલ