ત્રણ ગઝલો – સંકલિત

(‘કવિતા’ સામયિકના માર્ચ-એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી)

(૧) પડછાયાની આકૃતિ – જિતેન્દ્ર પ્રજાપતિ

આંખોના પાણીથી સંતાડી પરબારી વેચી છે;
ભણાવવા દીકરાને એક બાપે ખુદ્દારી વેચી છે.

કાયમ આવી એકાંતને ઘમરોળી નાખે, શું કરવું ?
હવાની ટકટકથી કંટાળી આજે બારી વેચી છે.

એની કિંમત ધાર્યા કરતાં હંમેશાં ઓછી ઊપજી;
દુનિયાની આ ગંજ બજારે જ્યાં લાચારી વેચી છે !

એક ટંકનું પેટ ઠારવા ક્યારેક તો એવુંય બન્યું છે;
માએ પરસેવો પાડી કાપેલી ભારી વેચી છે !

શોભાનું પૂતળું થઈને રહી, કદી તાકડે કામ ન આવી;
ગુસ્સાની ચળવળને મેં આજે ધુત્કારી વેચી છે.

સૂરજ દાવો માંડીને બેઠો છે લ્યો એની ઉપર;
પડછાયાની આકૃતિ મેં સહજ મઠારી વેચી છે.

દીવાની પ્રામાણિકતાને સલામ કરવા દોડે છે મન;
અંધારા સામે જેણે ના ઈમાનદારી વેચી છે !

ઘણા સમયથી અકબંધ સોદો આજે પાર પડ્યો છે દોસ્ત;
ખરીદનારને માલ બતાવી મેં બેકારી વેચી છે.

નસીબને સીધું કરવું છે, શોધું છું ક્યાંય ભાવ મળે તો;
એના માટે મેં હંમેશાં દુનિયાદારી વેચી છે !

(૨) સૂરજ સાથે – સુરેશ પરમાર ‘સૂર’

સૂરજ સાથે જ ચાલું છું, કદીય અસ્ત નૈ થાઉં,
તમસની કોઈ પણ ચુંગાલમાં હું જપ્ત નૈ થાઉં.

કદમ ચૂમી તમારા પહાડ દરિયાકાંઠેથી બોલ્યો,
મુલાયમ રેત થઈ ગ્યો છું, હવે સખ્ત નૈ થાઉં.

પરીની વારતા ને સ્વપ્નમાં મરતાં સુધી જીવું,
ફરી બાળક બની જન્મું, ફરી પણ પુખ્ત નૈ થાઉં.

અઝાન સંભળાય છે સાકી, મને એક જામ પીવા દે,
ઈબાદત થાય નહિ મારાથી, જો હું મસ્ત નૈ થાઉં.

સભાએ તાલ આપી, ‘સૂર’ને માથે ચઢાવ્યો છે,
અને તેથી જ તો એ ગાય છે કે : ‘પસ્ત નૈ થાઉં.’

(૩) મને – આબિદ ભટ્ટ

ક્યાં કહું છું આ જ અપનાવો મને,
હર પ્રકારે રોજ અપનાવો મને.

સૌ નજર નાખી હટાવી લે તરત,
પાત્ર છું ખાલી તો છલકાવો મને.

લાપસીનો હું નથી અવતાર કંઈ,
શબ્દ છું અઘરો જરા ચાવો મને.

ના ગમે તો તુર્ત બટકી નાખજો,
પણ તમારા ખેતરે વાવો મને.

આપની જો છીપાતી તરસ,
કૂપ કાંઠે હોઉં તરસાવો મને.

નીકળ્યો છું આવવા તારી કને,
હોય અવળો માર્ગ અટકાવો મને.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ત્રણ ગઝલો – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.