ઉંબરો – શશિકાન્ત દવે

(કુમાર’ સામયિકના એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી)

મમ્મી,

પ્રણામ, આ સાથે વિમાનની ટિકિટ મોકલી છે. ટિકિટમાં પંદર દિવસનો ગાળો રાખ્યો છે એટલે તૈયારી માટે તને સમય મળશે. મારે ખરચે જ તું આવી શકે એવો અર્થ કરી ગુસ્સે ના થતી. કેટલીય વખત વિનંતી કરી ચૂકી છું પણ તેં બહાનાં જ બતાવ્યાં કર્યા છે એટલે છેલ્લા ઉપાય તરીકે આમ કરવું પડ્યું છે. ક્યાં સુધી નારાજગી રાખ્યા કરવી છે ? દીકરી ન હોવાનું દુઃખ ઘણી માને મોઢે મેં સાંભળ્યું છે પણ તને મળેલા એ સુખને તો જાણે તેં ફંગોળી દીધું છે. હા, ભૂલ કરી બેઠી હતી પણ વ્યક્તિ એ કોઈ પદાર્થ તો નથી કે જેને ચાખીને પારખી શકાય ? મારા કેટલાય પ્રાયસો છતાં વિજય સાથે મારાં લગ્નની સંમતિ તારી કે પપ્પા પાસેથી મેળવી શકી ન હતી. જ્ઞાતિભેદ, અજાણ્યું ઘર અને મારી નાદાનિયત એવું બધું તમારાં વિરોધનું કારણ હતું. અમારી મૈત્રીને કારણે અમે એકબીજાંને સમજીએ છીએ અને ગાઢ પ્રેમ કરીએ છીએ એવી ધારણામાં અમે સિવિલ મેરેજ કરી લીધાં. ‘હવે તારું મોઢું અમને દેખાડતી નહીં’ એવા તારા આકરા બોલ છાતીએ ઝીલી, વિજયથી છૂટા પડાવાનું થયું ત્યાં સુધી તમારે બારણે પગ મૂક્યો ન હતો. એક જ વરસમાં વિજયનો પ્રેમ કેમ ઓસરી ગયો તે આજ સુધી હું પણ જાણી શકી નથી. અભણ પડ્યું પાનું નિભાવી લેતાં હશે પણ અમે બંને તો ભણેલાં. લગ્ન ઉપર બોજની જેમ વેંઢારવાને બદલે છૂટા પડી જવાનું સ્વીકાર્યું. તમને ગમે કે ના ગમે પણ વિજયથી છૂટા પડ્યા પછી મારો આશ્રય બીજે ક્યાં હોય ? હું તમારા પાસે પાછી ફરી. છ મહિના મહેમાનની જેમ કાઢ્યા. પપ્પાનું હૃદય પીગળ્યું. સ્થિતિ સમજીને એમણે મને સ્વીકારી લીધી અને તનેય સમજાવતા રહ્યા પણ તું મને માફ કરી શકી નહીં. બૅંગલોરમાં નોકરી મળતા ત્રણેના સુખ ખાતર તમને છોડીને અહીં આવતી રહી. અહીં અંક્તિ મળ્યો. એકબીજાને ગમ્યાં અને લગ્ન કરી તમારા આશીર્વાદ લેવા આવ્યાં હતાં ત્યારે પપ્પાની આંખમાં નર્યો સ્નેહ અને તારી આંખમાં નરી ઉપેક્ષા હતી. ખેર ! જરૂરી ન હોવા છતાં બળતા હૈયે આ બધું લખાઈ ગયું છે. માફ કરજે. અમારા નવા ફ્લૅટમાં પગલાં કરી અમને આશીર્વાદ આપ એવું અમે બંને હૃદયથી ઈચ્છીએ છીએ. આ મારો છેલ્લો પ્રયાસ છે. આવવા ન ઈચ્છે તો ટિકિટ ફાડીને ફેંકી દેજે હું તો તને ઝંખતી જ રહીશ.
– પૂર્વીનાં પ્રણામ

પત્ર વાંચતા, દીકરી સામે ઊભીને આળા હૃદયે પોતાને વઢી રહી હોય એવું લાગ્યું. તેમણે પતિના ફોટા સામે જોયું, ત્યાંથી પણ ઠપકો વરસતો હોય એમ લાગતાં ભીની આંખે નીચું જોઈ ગયા. મોઢેથી ધ્રૂસકું મૂકાઈ જશે એમ લાગ્યું. દીકરી સુખી હોય તો આપણા જ વિચારોના બંધક બની દુઃખી થવાનો કોઈ અર્થ નથી. સજા રૂપે દીકરીને તિરસ્કૃત કરવાથી તે દીકરી મરી જવાની નથી એવું વારંવાર સમજાવતાં પતિની ચિરવિદાય તેમને સાલી રહી. એ દુઃખના દિવસોમાં પૂર્વી-અંક્તિ દોડી આવેલાં ત્યારે પણ મમ્મીને હવે અમારા સિવાય બીજું કોણ એવું માનતાં હશે એવી ધારણામાં મારે કોઈની જરૂર નહીં એવો ભાવ દેખાડો કરી બનતી ઉપેક્ષા કરતા રહ્યા હતા એ યાદ આવતા તેમને રંજ થયો. પોતાના જ વિચારો સાચા એવી માન્યતાને પોષ્યા કર્યાનો અહેસાસ થતાં હળવા ફૂલ થઈ ગયાનું તેમને લાગ્યું. બધું ભૂલી જઈ દીકરીને હૃદયસ્થ કરવા બૅંગલોર જવાનો નિર્ણય કરી લીધો.

‘મમ્મી, આ સાડીમાં તું સરસ લાગે છે’ એ યાદ કરીને પૂર્વીની પસંદની સાડીઓ શોધી તેમણે બૅગમાં ગોઠવી દીધી. નીકળવાના આગલા દિવસે પૂર્વીને ભાવતા કાશીરામનો ચેવડો અને બદામના મેસૂરનાં પૅકેટ પણ લઈ આવી મૂકી દીધાં. અગાઉથી જાણ કર્યા વિના અચાનક જ પહોંચી જવાનું નક્કી કર્યું હતું. અભણ તો હતા નહીં કે સરનામા મુજબ પહોંચવામાં મૂંઝવણ થાય. ઍરપોર્ટથી ટૅક્સી કરી પહોંચી ગયાં. ‘નીલાકાશ’ના કમ્પાઉન્ડમાં ‘બી’ વિંગમાં – અંક્તિ વર્મા ૪/૮ ખાતરી માટે વાંચી દીકરીને બારણે જઈ ઊભાં. દરવાજે કોતરણીવાળો ઉંબરો જોઈ નવાઈ પામી રહ્યાં. આજુબાજુનાં બ્લૉકના દરવાજે અનાયાસ તેમની નજર ફરી વળી. ક્યાંય ઉંબરા દેખાયા નહીં. ઘંટડીની ચાંપ દબાવી. બારણું ખૂલ્યું.

‘મમ્મી, તું ?’ પૂર્વી આનંદથી ઊછળી પડી.

ધૂંધળી આંખે દીકરીને ભેટી પડવાની ઉતાવળમાં વચ્ચે ઉંબરો ભુલાયો અને આલોકાબહેન સહેજ લથડિયું ખાઈ ગયા. પૂર્વીએ હાથ પકડી સંભાળી લીધા.

‘આ ઉંબરો વચમાં શું મુકાવ્યો છે ?’

જવાબમાં માત્ર હસીને પૂર્વીએ તેમના હાથમાંથી બૅગ લઈ તેમને અંદર લીધા. ફૂટડા અને સૌમ્ય દેખાતા પુરુષે આવીને પાયલાગણ કર્યાં. ‘તારા જમાઈ ! ભૂલી તો નથી ગઈ ને ?’ પૂર્વી બોલી. દીકરી-જમાઈને પહેલી વખત જોતાં હોય એમ તાકી રહ્યાં. હા, આ નજર તો પહેલી જ હતી ને ! પતિનું અવસાન થયું તે દિવસોમાં પહેલીવાર તો પગ મૂક્યો હતો બંનેએ. તેમને દરવાજે અને તે દિવસોમાં તો ઉપેક્ષિત આંખોથી જ જોયા હતાં ને ? તે વિચારી રહ્યા. ‘અમને જાણ તો કરવી હતી, મમ્મી ! ફ્લાઈટ મોડી પડી હોત અને અમે કામ પર જતાં રહ્યાં હોત તો ?’

‘આ શું કામનો છે ? રિંગ કરીને તને દોડાવી હોત.’ આલોકાબેન મોબાઈલ બતાવતા હસી રહ્યા.

‘તારા માટે ફટાફટ કંઈક બનાવી નાખું પછી અમે નીકળીએ. ખબર કરી હોત તો રજા મૂકી દેત.’

‘મારી ચિંતા કર્યા વિના રસોડામાં લોટ, મસાલા વગેરે બતાવી દે. હું થેપલાં બનાવી ચા સાથે થોડું જમી લઈશ. તમારો સમય થાય ત્યારે તમે નીકળજો.’ ખોવાયેલી મમ્મી જાણે ફરી પાછી મળી ગઈ હોય એવું પૂર્વીએ અનુભવ્યું. રસોડામાં બધું બનાવી પૂર્વી અંક્તિ સાથે જવા તૈયાર થઈ.

‘મમ્મી ! અમે નીકળીએ છીએ. સાંજે મળશું.’

‘હા, બેટા.’ હાથ હલાવી આલોકાબેને સંમતિ આપી.

આલોકાબેનની આંખોનો ભાવ વાંચી પૂર્વી જાણે પતંગિયું બનીને ઊડી.

રાત્રે બધાં જમવા બેઠાં ત્યારે આલોકાબેને ચેવડા-મેસૂરનાં પૅકેટ કાઢી ટેબલ પર મૂક્યાં. ‘કાશીરામનો છે ?’ કહેતાં પૂર્વી ઊછળી પડી. ‘જોયું અંક્તિકુમાર. અમારા કાશીરામનો ચેવડો અને બદામની મેસૂર મળે એટલે જાણે છપ્પનભોગ !’ આલોકાબેન બોલ્યાં અને ત્રણેય મોકળું હસી પડ્યાં.

‘હવે તો કહે, દરવાજે આ ઉંબરો મુકાવવાનું તને કેમ સૂઝ્યું ?’

‘તને યાદ છે, મમ્મી ? આપણે ત્યાં નાની આવેલાં ત્યારે નવાઈ પામી પૂછેલું, આલુ તારા ઘરને ઉંબરો કેમ નથી ? તેં જવાબ આપેલો, ‘ઉંબરાના જમાના ગયા, બા.’ ત્યારે તેમણે કહેલું કે હશે પણ બારણે ઉંબરો હોય તો કંઈ અવળા વિચારો મનમાં ઘોળાતા હોય ત્યારે વચ્ચે ઉંબરો આવતા માણસ અટકે અને શાંત મનથી વિચારવાની વેળા રહે. ઉતાવળે નીકળતાં ઠેશ વાગતાંય કંઈક વિચારતો થાય. આપણને ગળે ઊતરે એ રીતે નાનીએ સમજાવેલું.’

માણસના મગજમાંય ભગવાને ઉંબરો તો મૂક્યો જ હશે પણ એને અણદેખ્યો કરી પોતે આજ સુધી આથડ્યાં કર્યાનાં વિચારે આલોકાબેનની છાતીમાં ડૂમો ભરાયો. પ્રયાસ છતાંય આંખનાં પાણી રોકી શકાયાં નહીં અને પૂર્વીને ખભે માથું મૂકી રડી પડ્યાં.

Leave a Reply to vaman agravat Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “ઉંબરો – શશિકાન્ત દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.