- ReadGujarati.com - http://www.readgujarati.com -

માતૃદેવો ભવ – મોરારિ બાપુ

(‘થેંક યૂ મમ્મી’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓએ પોતાની મા વિશેના પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા છે. તેમાંથી આ લેખ અહીં લેવામાં આવ્યો છે. પુસ્તકની વિગતો અંતે આપવામાં આવી છે.)

‘માતૃદેવો ભવ’ સૂત્રાત્મક, સત્યાત્મક અને સ્નેહાત્મક વાત કહીને ઉપનિષદના ઋષિએ અદ્‍ભુત અનુભવ કહ્યો છે. કોઈક અપવાદને બાદ કરતાં આ પૂર્ણરૂપેણ સુનો અનુભવ છે. મેં કથાઓમાં ઘણીવાર કહ્યું છે કે ‘મા’ એ મારી દ્રષ્ટિએ અને અનુભવે એક અર્થમાં મહામંત્ર છે. ‘વર્ય અમૃતસ્ય પુત્રાઃ’ મને લાગે છે કે આપણી મા જ આપણા માટે અમૃતસ્વરૂપા છે.

માના ત્રણ પ્રવાહો છે. કોઈ પણ મા જ્યારે પોતાના જીવનમાં ગતિ કરે છે ત્યારે ત્રણ પ્રવાહમાં વહે છે. એક પ્રવાહ વહે છે રક્તનો પ્રવાહ – જન્મ વખતે, બીજો પ્રવાહ – વહે દૂધનો પ્રવાહ અને ત્રીજો પ્રવાહ વહે છે આંસુનો પ્રવાહ સંતાનના સુખદુઃખમાં આનંદ કે કાળજીના આંસુ વહે !

કવિ કાગે લખ્યું કે –
‘મા મટી મડદું પડ્યું
અને છોરું ઉર ચડે
તો એને ધાવણ ધાવવા દે
તો થોડી ઘડિયું તું ઠાકરા.’

એક બાળક પારણામાં સૂતું છે. એની મા એને હિંચકાવે છે. પોતાની ગ્રામ્યગીરામાં હાલરડાં ગાય છે. એને ખબર નહીં કે પોતે બીમાર છે. એને રોગનો હુમલો થયો, મા મૃત્યુ પામે છે. ત્યાં બાળક પારણામાં જાગ્યું. જાગીને પારણામાંથી ડોકિયા કરવા લાગ્યું કે મને ઝુલાવતી’તી ગાતી’તી એ મા ક્યાં ગઈ ? પારણામાંથી ઊંચું કરીને જોવાની કોશિશ કરે છે અને પારણામાંથી નીચે પડે છે. મા મરેલી છે અને દૂધ પીવા માટે ધાવણ ધાવવા બાળક માની છાતી પર ચડે છે. કવિએ આ દ્રશ્ય જોયું હશે. મા પછી એટલો જ પવિત્ર બીજો શબ્દ હોય તો એ ધાવણ છે.

બાપ હંમેશાં ઘન સ્વરૂપે હોય છે. મોટે ભાગે મા પ્રવાહી સ્વરૂપે હોય છે. પ્રવાહી બની જેણે જગતને કંઈક આપ્યું છે એ બધાને આપણે મા કહી. ધરતીએ આપણને અન્ન આપ્યું, પાણી આપ્યું એટલા માટે આપણે એને ‘મા’ કહી. ગાયત્રી આપણને પ્રકાશ આપ્યો, આધ્યાત્મિક વિદ્યા આપી, એક જીવનનો રસ્તો બતાવ્યો એટલે આપણે એને મા કહી. ગીતાએ આપણને સ્વધર્મનું સર્જન કરીને આપ્યું તો ગીતાને આપણે મા કહી. ગંગાએ આપણને પવિત્રતા આપી એટલે ગંગાને આપણે મા કહી. મને કહેવાની ઈચ્છા તો એ છે કે કોઈ પણ વ્યક્તિ મા બની શકે.

પછી તે પુરુષ હોય તો પણ મા બની શકે. કોઈ લેખક કોઈક એવી પીડાના અનુભવને અને કોઈ સારા લેખ કે કવિતાનું સર્જન સમાજને આપે ત્યારે તે વખતે એ મા હોય છે. પુરુષ મા થઈ શકે, શરત એટલી કે એને બે પગ, બે હાથ, બે આંખ અને એક હૈયું મા જેવું મળે. તો માના બે પગ, બે હાથ, બે આંખો કઈ ? માનું હૈયું એટલે શું ? ભાગવતમાં લખ્યું કે, ‘દત્તા ભયં ભૂજદંડયુગમ્‍ વિતો ક્યમ’ ભગવાન શ્રીકૃષ્ણની બન્ને ભુજાઓને ગોપીઓ જોતી ત્યારે એમને એવું દર્શન થતું કે એક ભુજા વરદ્‍ છે અને એક ભુજા અભયદ છે, મને લાગે છે કે કોઈપણ મા પાસે બે હાથ હોય છે. એક હાથ વરદ્‍ હસ્ત, એ હાથે એ વરદાન આપતી હોય છે અને એક હાથે એ સંરક્ષણ કરતી હોય છે, નિર્ભયતા પ્રદાન કરતી હોય છે.

માનાં બે ચરણ છે. એક ચરણ છે સમતા અને બીજું ચરણ છે મમતા. સમતા અને મમતાને એક સાથે સાચવવી બહુ કાઠી, મોટા મોટા જ્ઞાનીઓ, સિદ્ધ પુરુષોને પણ એ મુશ્કેલ પડે. પણ મા એ કરી શકે છે.

માની બે આંખો છે. એક ક્ષમા અને એક કરુણા. એ સંસારને ક્ષમા અને કરુણાથી જોતી હોય છે અને એનું હૃદય એ પ્રેમમંદિર છે.

સાવરકુંડલામાં વાઘરીના બે-ત્રણ કૂબા. હું કથા કરીને આવું. એને બિચારાને ખબર નહીં કે કોણ કથાકાર. નામ કદાચ સાંભળ્યું હશે. મને એવી ઈચ્છા થઈ કે હું એ લોકોને મળું એટલે હું નીચે ઊતર્યો. એક વાઘરી બેઠો બેઠો બીડી પીવે. એણે બીડી મૂકીને પત્નીને કહ્યું : ‘જલદીથી બહાર નીકળ; આ બાપુ આવ્યો છે એને દર્શન આપ.’ આ એનાં શબ્દો હતાં. મને બહુ ગમ્યું. મારી સાથે હતા એમણે કહ્યું કે બાપુ આ કઈ રીતની ભાષા બોલે છે. તમને દર્શન આપે ? મેં કહ્યું હું એટલે જ ઊતર્યો છું. વાઘરણ સ્ત્રીએ અંદરથી કહ્યું : ‘બાપુ હોય તો ભલે હોય ઊભો રહેશે. પહેલાં હું મારા બાળકને ધવરાવી દઉં. એ ધાવણ જ એને માટે રામકથા હશે, એ ધાવણ જ એના માટે ગીતાનું જ્ઞાન હશે, એ ધાવણ જ એને માટે ઉપનિષદનો મંત્ર હશે અને વેદની ઋચા હશે.’

‘ગિરા અનયન નયન બિનુ બાની’ વાણીને નેત્ર નથી એટલે જોયાં વિના શું કહે ? નેત્રને જીભ નથી એટલે એ શું બોલે ? એ જ રીતે માને અનેક રીતે સાંભળેલ હોઈ છે પરંતુ કાનને આંખ નથી અને વાણી પણ નથી. અને તેથી જ ‘મા’ તત્વ કથનાત્મક કરતાં અનુભવાત્મક જ રહે છે. ‘મા’ સત્ય, પ્રેમ અને કરુણાની ત્રિમૂર્તિ છે. છેલ્લે એટલું જ કે…
‘માતૃ કૃપાહિ કેવલમ્‍’ કહેતા અમૃતાનુભવ થાય છે.

રામ સ્મરણ સાથે.

[કુલ પાન.૨૪૦. કિંમત રૂ. ૩૦૦/- પબ્લિશર : આવિષ્કાર પબ્લિશર્સ ૮-બી, પ્રફુલ્લ સોસાયટી, અકોટા ડી-માર્ટ સામે, અકોટા, વડોદરા-૩૯૦૦૦૭, વિતરક : આર.આર.શેઠની કંપની ‘દ્વારકેશ’ રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ટેલિ.: (૦૭૯) ૨૫૫૦૬૫૭૩]

સંપાદકો – મૃગાંક શાહ અને અમીષા શાહ, ‘હમતુમ’, ૮-બી, પ્રફુલ્લ સોસાયટી, અકોટા ડી-માર્ટ સામે, અકોટા, વડોદરા-૩૯૦૦૦૭