ત્રણ વાંકી વાર્તાઓ – ઈબ્ન ઈન્શા, અનુ. યશ

(‘સહજ બાલઆનંદ’ માર્ચ-૨૦૧૫માંથી)

[ઈબ્ને ઈન્શા ઉર્દૂ ભાષાના ખૂબ મોટા સાહિત્યકાર છે. કવિતા લખે છે. વાર્તાઓ લખે છે અને હાસ્યસાહિત્ય લખે છે. હાસ્યરસિક વાર્તાઓ અને કવિતાઓ માટે એ સૌથી વધુ મશહૂર છે. પરંતુ એમના હાસ્યની પાછળ હંમેશાં એક ગંભીર સંદેશો છુપાયેલો હોય છે. કશીક સમજણ હોય છે. ક્યારેક તેઓ હાસ્યને બહાને આખી પ્રજાને કે સરકારને કે રાજકર્તા વર્ગને જબરદસ્ત ફટકો મારે છે. પરંતુ જેઓ આવો છૂપો અર્થ તારવી ન શકે એમને પણ ઈબ્ને ઈન્શાની વાર્તાઓ અનોખો આનંદ આપી જાય છે.]

(૧) કાચબો અને સસલો

એક હતો કાચબો. એક હતો સસલો. બંનેએ દોડની હરીફાઈ કરવાનું ઠરાવ્યું. કોઈકે કાચબાને પૂછ્યું કે અલ્યા, આવી હરીફાઈ કેમ ઠરાવી ? દુનિયામાં મૂરખાઓની કમી નથી. એક શોધો ને હજાર મળે છે. હરીફાઈ નક્કી થઈ અને શરત પણ થઈ. જે લીમડાવાળી ટેકરીએ પહેલાં પહોંચે એ જીતે અને એ હારનારના કાન કાપી લે !

દોડ શરૂ થઈ. સસલો તો એ ગયો – પેલો ગયો… આંખના પલકારામાં તો ઘણે દૂર નીકળી ગયો. કાચબાભાઈ તો લફડફફડ ચાલે ચાલત રવાના થયા. થોડુંક ચાલ્યા ત્યાં તો થાકી ગયા. નક્કી કર્યું કે જરાક આરામ કરી લઉં. એટલે એક ઝાડ નીચે બેઠા. ઊંઘવા લાગ્યા. ઊંઘમાં સપનાં આવ્યાં. એક જમાનામાં દુનિયાભરમાં કાચબાનાં રાજ હતાં. વિજ્ઞાનમાં અને કળામાં કાચબા સૌથી આગળ હતા; એવાં સપનાં જોવા માંડ્યા. સપનામાં જ જોયું કે પોતે રાજસિંહાસન પર બેઠા છે. ધરતીનાં બીજાં સૌ જાનવર હાથ જોડીને સામે ખડાં છે. વાઘ ચિત્તા, સસલા, હાથી, માણસ બધાં જાનવર પોતાને નમન કરે છે.

ઘણી વારે કાચબાભાઈની આંખ ઊઘડી. પણ સુસ્તી ઊડી નહિ. મનમાં તો હજુ એ જ રાજવી ખુમારી રહી. ઘડીક જલદી ચાલવાનો વિચાર આવ્યો. પણ તરત બીજો વિચાર આવ્યો – અરે, શી ઉતાવળ છે ? સસલો હરીફાઈમાં જીતવાનો છે થોડો જ ? છેક જૂની વાર્તામાંય એ હારેલો જ ને ! એ જૂની વાર્તાના વિજેતા કાચબાનો હું વંશજ છું. કાંઈ જેવોતેવો થોડો જ છું !

આવા મીઠામધુરા વિચાર કરતા કાચબાભાઈ તો વળી સૂઈ ગયા. જાગ્યા પછી થોડુંક ચાલ્યા. વળી સૂઈ ગયા. એમ કરતાં લીમડાવાળી ટેકરીએ પહોંચ્યા. ખુશ થયા. વાહ ! હું કેવો જબરો કે ટેકરી સુધી પહોંચી ગયો !

એટલામાં એમણે સસલાનું એક બચ્ચું રમતું જોયું કાચબાએ સાદ કર્યો, “અરે બચ્ચું ! તું પેલા દોડનાર સસલાભાઈને ઓળખે છે ?”

સસલાના બચ્ચાએ કહ્યું, “હા, જી, ઓળખું છું. એ મારા પૂજ્ય પિતાજી હતા અને તમારી વાત પરથી લાગે છે કે તમે એમની સાથે શરત લગાવનાર કાચબાકાકા છો. બરાબર ? એ તો દોડીને પાંચ જ મિનિટમાં આ લીમડાના ઝાડ સુધી પહોંચી ગયા હતા. પછી કાંઈ કેટલોય વખત તમારી રાહ જોતા રહ્યા. આખરે એ તો આ દુનિયા છોડી ગયા. પણ વસિયતનામું કરતા ગયા છે. કહ્યું છે કે કાચબાકાકા જ્યારે આવે ત્યારે એમના કાન કાપી લેવા. લાવો તમારા કાન !”

(૨) તરસ્યો કાગડો

એક તરસ્યા કાગડાએ એક જગાએ પાણીનું માટલું પડેલું જોયું. એ ખૂબ રાજી થયો. પણ પાસે જઈને જોયું ત્યારે નિરાશા થઈ. માટલામાં પાણી તો હતું, પણ છેક તળિયે હતું. હવે વિચાર એ થઈ પડ્યો કે પાણીને ઊંચું કેમ લાવવું ? કેવી રીતે પાણી પીવું ?

જોગાનુજોગ એણે પેલી જૂની જાણીતી વાર્તા વાંચી હતી. એણે આજુબાજુ નજર કરી. નજીક જ કાંકરાનો મોટો ઢગલો પડ્યો હતો. કાગડાએ એક એક કાંકરો ઉપાડીને માટલામાં નાખવા માંડ્યો. કાંકરા નાખતાં નાખતાં સવારની સાંજ થઈ ગઈ. તરસ્યો તો એ હતો જ; હવે થાકથી લોથપોથ બની ગયો. માટલામાં નજર નાખી. અંદર કાંકરા જ કાંકરા દેખાયા. બધું પાણી કાંકરાએ ચૂસી લીધું હતું.

એકાએક એના મોંમાંથી નીકળી ગયું – “હત્તેરે કી ! છટ્ જૂની કથાના લેખકની !” અને એટલું બોલતાં તો જમીન પર ગબડી પડ્યો અને મરી ગયો.

એક જુવાન કાગડો ત્યાંથી નીકળ્યો. એણે માટલું જોયું. કાંકરા જોયા અને મરેલો કાગડો જોયો. એ સમજી ગયો કે અહીં જૂની કહાણીએ જાન લીધો છે. જુવાન કાગડો બબડ્યો, “અરેરે, આ મહાશયે નકામા પ્રાણ ગુમાવ્યા. શરબત પીવાની ભૂંગળી લઈ આવ્યા હોત તો મજાથી પાણી પી લેવાત !”

(૩) એક વાતે એકમતી !

એક હતા બડે મિયાં.

પોતાની જિંદગીમાં એ ખૂબ કમાયા હતા. ઘણી મિલકતો ઊભી કરી હતી. પણ આખરે એ બીમાર પડ્યા. મોતના મોંમાં જવાની તૈયારી ચાલી. એમને બીજી તો કશી ચિંતા નહોતી; પણ એક બાબતે જીવ મૂંઝાતો હતો : પોતાને પાંચ દીકરા હતા અને એ લોકોમાં મેળ નહોતો. અને મેળ નહોતો શું; પૂરેપૂરો ખટરાગ જ હતો. બડે મિયાં સમજતા હતા કે સંપમાં સુખ છે, પણ છોકરા એ સમજતા નહોતા.

આખરે, છોકરાઓને સંપનો સદ્ગુણ શીખવવાની એક તરકીબ વિચારી કાઢી. છોકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, “જુઓ, દીકરાઓ, હવે હું થોડી ઘડીનો મહેમાન છું. બધા જાવ અને થોડાંક લાકડાં લઈ આવો.”

એક છોકરાએ નવાઈથી પૂછ્યું, “લાકડાં ? તમે લાકડાંને શું કરશો ?”

બીજા છોકરાએ કહ્યું : “બડે મિયાંનું દિમાગ ખરાબ થઈ ગયું છે. લાકડાં નહિ, કદાચ ફાફડાની વાત કરે છે. ઘરડાં માણસને ફાફડા ને જલેબી ને એવું ખાવાના બહુ ભાવ થાય છે, એવું મેં સાંભળ્યું છે.”

ત્રીજો કહે, “ના, ના; આજે ઠંડીનો ચમકારો સહેજ વધારે છે ને; એટલે તાપણું કરવા માટે લાકડાં મગાવતા હશે.”

એટલે ચોથાએ કહ્યું, “બાપા કોલસા લઈ આવું ?”

પાંચમો કહે, “ઊંહું, લાકડાં કે કોલસા, બધું નકામું. હું છાણાં લઈ આવું છું ઘરડા માણસને છાણાનો શેક સારો.”

ડોસાએ કરાંજતાં કહ્યું, “અરે નાલાયકો ! હું જે કહું છું એ કરો ! જાવ, વગડામાં જાવ અને ઝાડની જાડી-પાતળી સૂકી ડાળીઓ વીણી લાવો !”

એક છોકરાએ કહ્યું, “બાપા ! હવે વગડો ક્યાં રહ્યો છે ? અને ક્યાંકથી લાકડાં વીણવા જઈએ તો વનસંરક્ષકો જેલમાં જ ઠાંસી દે છે.”

બીજો કહે, “બાપાનો જીવ ઠેકાણે નથી. સનેપાતમાં જેમ ફાવે તેમ બકે છે.”

ત્રીજો કહે, “પણ ભાઈ, ડોસાને અત્યારે લાકડાં કેમ સૂઝ્યાં, એ મને તો સમજાતું નથી.”

ત્યારે ચોથો કહે, “બાપાજીએ જિંદગીમાં કદી કશું આપણી પાસે માગ્યું નથી. આ પહેલી જ વાર એક ઈચ્છા જાહેર કરી છે તો એ પૂરી કરવામાં આપણું શું જાય છે ?”

પાંચમો કહે, “ઠીક ભાઈ ! હું જાઉં છું અને ઇંધણવાળાને ત્યાંથી લાકડાં લઈ આવું છું.” આમ કહીને એ ઇંધણવાળાની દુકાને ગયો.

એણે કહ્યું, “ખાંસાહેબ, જરા પાંચ લાકડાં આપો તો. જોજો હોં, ખાસ્સાં મજબૂત લાકડાં આપજો.”

ઇંધણવાળાએ જાડાં અને મજબૂત જોઈને પાંચ લાકડાં કાઢી આપ્યાં. પાંચમો એ લઈને ઘેર આવ્યો. લાકડાં જોતાં જ ડોસાનું હૈયું બેસી ગયું. આવા અણસમજુ છોકરાઓને કેમ કરીને સમજાવવું કે લાકડાં શાને માટે મંગાવ્યાં છે !

એકેય મૂરખાએ પેલી જૂની વાર્તા વાંચી જણાતી નહોતી. ખેર ! ડોસાએ નવેસરથી જ પદાર્થપાઠ આપવાનું નક્કી કર્યું. એણે કહ્યું, “આ લાકડાંનો ભારો બાંધો.”

હવે વળી છોકરા બબડાટી કરવા લાગ્યા ભારો ? શા સારુ ? અને ભારો બાંધવા દોરી ક્યાંથી કાઢવી ? ભાઈ, આ ડોસાએ તો બહુ હેરાન કર્યા !

આખરે એક છોકરાએ પોતાના જૂના પાયજામાનું નાડું કાઢ્યું અને લાકડાંનો ભારો બાંધ્યો.

બડે મિયાંએ કહ્યું, “હવે આ ભારાને ભાંગો.”

છોકરા બોલ્યા, “લો સાંભળો ! હવે ભારો ભાંગવાને વાત આવી ! અરે બાપ ! કુહાડી-બુહાડી ક્યાંથી લાવવી ?”

બાપ કહે, “કુહાડીથી નહિ. હાથથી ભાંગો. સાથળ પર ટેકવીને ભાંગો. જાતે ભાંગો !”

પહેલાં એક છોકરાએ ભારો ભાંગવાની કોશિશ કરી. પછી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા છોકરાએ ભારો ભાંગવાની કોશિશ કરી. લાકડાં ટસનાં મસ ન થયાં. બધા બોલ્યા, “બાપા ! લાકડાં ભાંગતાં નથી.”

ડોસા કહે, “ઠીક, હવે બધા લાકડાં નોખાં કરી નાખો. દોરી છોડી નાખો.”

એક છોકરો કહે, “બાપા, એ દોરી ક્યાં છે ? એ તો મારા પાયજામાનું નાડું છે અને એ છોડવાનું જ કહેવું હતું તો મૂળે નાડું બંધાવ્યું શું કામ ?”

બાપાએ ધીરજથી સમજાવટભર્યા અવાજમાં કહ્યું, “હવે એક કામ કરો, દીકરા, આમાંથી એક એક લાકડું લઈને ભાંગો.”

લાકડાં મોટાં, જાડાં અને મજબૂત હતાં એટલે એકેય છોકરાથી એકેય લાકડું ન તૂટ્યું. પણ મોટો છોકરો બાપનો જરાક વધારે આજ્ઞાંકિત હતો. એને થયું કે બાપે મરણ વેળા ઈચ્છા કરી છે કે લાકડું ભાંગો. મારે એ ઈચ્છા પૂરી કરવી જ જોઈએ. એણે તો એક લાકડું બેય હાથે જોરથી પકડીને સાથળ ઉપર અફાળ્યું, “તડાક્ !” સરખો અવાજ આવ્યો.

બાપે શિખામણ આપવા માટે આંખો ઉઘાડી. પણ એણે શું જોયું ? મોટો છોકરો બેભાન બનીને ફર્શ ઉપર પડ્યો છે. પેલો તડાક્ અવાજ આવેલો તે એનું હાડકું તૂટવાનો અવાજ હતો !

એક છોકરો બોલી ઊઠ્યો, “આ ડોસલો તદ્દન નકામો છે.”

બીજો કહે, “અડિયલ છે ! જિદ્દી છે !”

ત્રીજો કહે, ‘ઘરડોખખ, બુદ્ધુ, અક્કલનો દુશમન છે !”

ચોથો કહે, “બધા બુઢિયા નાલાયક હોય છે જ આવા ! કમબખ્ત મરતાય નથી ! મરવા જોઈએ ને ? તમે શું માનો છો ?” બીજા સૌ છોકરાઓએ હકારમાં માથાં હલાવ્યાં.

ડોસાએ હવે નિરાંતનો શ્વાસ લીધો. ચાલો એક બાબતમાં તો બધા છોકરાઓનો મત એક થયો ! આથી આશ્વાસન પામીને ડોસાએ શાંતિથી જીવ મૂકી દીધો.

– ઈબ્ન ઈન્શા, અનુ. યશ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ત્રણ વાંકી વાર્તાઓ – ઈબ્ન ઈન્શા, અનુ. યશ”

Copy Protected by Chetan's WP-Copyprotect.