સ્વાભિમાની દીકરી – આશા વીરેન્દ્ર

(‘ભૂમિપુત્ર’ ૧ એપ્રિલ, ૨૦૧૫માંથી)

‘ઑફિસમાં પ્યૂનનું કામ કરવા માટે છોકરી થોડી ચાલે ? તમે પણ કેવી વાત કરો છો ?’ મિ.શર્માએ મિસિસ મહેતાને ઠપકો આપતા હોય એવી રીતે કહ્યું.

‘સાચી વાત છે મિ.શર્માની. કલાકે કલાકે ચાની લારી પર છોકરીને ન જ મોકલાય ને ? આ બધું તો પુરુષનું જ કામ, એમાં બૈરાં ન ચાલે.’ ત્રિપાઠીએ ગુસ્સાથી કહ્યું. મિસિસ મહેતા આ સાંભળીને લાલપીળાં થઈ ગયાં. ‘એટલે ? બૈરાં બૈરાં કરીને તમે કહેવા શું માંગો છો ? આજે જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો ને તમે આવી જૂનવાણી વિચારસરણીમાંથી બહાર જ નથી નીકળવા માગતા ? એક વખત એને બોલાવીએ તો ખરી, ઈન્ટરવ્યૂ લઈ જોઈએ. પછી નક્કી કરીશું.’

મંગળા ધીરે પગલે ઑફિસમાં દાખલ થઈ. વીસેક વર્ષની, દૂબળી-પાતળી, શામળી, જરાય આકર્ષક ન કહેવાય એવી કાયા. પણ એક વખત એની આંખોની ચમક જોઈ કે, બધાની ‘હા’માં ડોક હલવા લાગી. મિસિસ મહેતા એટલે કે, તરલાબહેન ખુશ થઈ ગયાં. ચાલો, અડધી બાજી તો જીત્યાં !

એમણે મંગળાને પોતાની કેબીનમાં બોલાવીને ચેતવણી આપી, ‘જો બધાની ઉપરવટ જઈને મેં તને નોકરીએ રાખી છે. હવે તારે લીધે મારે નીચું જોવાનો વારો ન આવવો જોઈએ.’ મંગળા ગળગળી થઈ ગઈ.
‘બેન, તમે જરાય ચિંતા ન કરશો. જે કહેશો એ બધું કામ કરીશ પણ…’ એ જરાક અટકીને આગળ બોલી, ‘બેન, અત્યાર સુધી મેં છોકરાઓને સ્કૂલ લાવવા-લઈ જવાનું કામ, થોડું સિવણકામ અને મા માંદી હોય તો કોઈક વાર એને બદલે ઘરકામ કર્યું છે પણ આ રીતે ઑફિસના કામે પહેલી જ વાર રહી છું. કામ બધું કરીશ પણ તમારે મને શીખવવું પડશે.’
તારાબહેન હસી પડ્યાં. ‘શીખવવાની ક્યાં ના છે ? તારે બદલે કોઈ છોકરો હોત તો એને પણ શીખવવું તો પડત જ ને ? પણ તારે સમજી લેવું પડશે કે, આ ઑફિસ છે. સમયસર નવ વાગે હાજર થઈ જવાનું અને સાંજે પાંચ તો વાગશે જ. કોઈ વખત વધારે કામ હોય તો કલાક મોડું પણ થાય.’
એ ખુમારીથી બોલી, ‘કંઈ વાંધો નહીં બેન, બધે પહોંચી વળીશ. મને બહુ હોંશ હતી કે, મારે બહારનું કામ કરવું છે, દુનિયા જોવી છે. મારી માની માફક કપડાં અને એઠાં વાસણ નથી કર્યા કરવાં.’

તરલાબહેન વિચારી રહ્યાં – ફક્ત આઠમું પાસ છોકરી, પણ એનો તરવરાટ તો જુઓ ! આને કેળવવાની મહેનત લેખે લાગે એમ છે. એમણે મંગળાને બરાબર પલોટવા માંડી. ‘જો, શાહ બ્રધર્સમાં જઈને આ કાગળ આપવાનો છે. ત્યાંથી જે ચેક આપે તે સ્ટેટ બેંકમાં જમા કરવાનો ને બધું પતાવીને આવે ત્યારે છ કપ ચાનો ઑર્ડર આપતી આવજે. પોસ્ટ ઑફિસમાંથી સ્ટેમ્પ પણ લાવવાની છે. બધું યાદ રાખજે.’
જોતજોતામાં મંગળા બધાં કામમાં પાવરધી થઈ ગઈ. નવના ટકોરે બીજું કોઈ આવ્યું હોય કે નહીં, એ તો હાજર જ હોય. સાવ મામુલી પણ સુઘડ રીતે પહેરેલી સાડી, મેચીંગ બ્લાઉઝ, વ્યવસ્થિત ઓળેલા વાળ અને ચોટલામાં નાખેલું ફૂલ. બધાં એની પર ખુશ હતાં.

એક વખત ઉપરાઉપરી બે દિવસ એ ન આવી. એની પાસે મોબાઈલ તો ક્યાંથી હોય કે સંપર્ક કરી શકાય ? અંતે ઑફિસના રજિસ્ટરમાં લખાયેલા એના સરનામે વાંદ્રાની ઝૂંપડપટ્ટીમાં તરલાબહેન જેમતેમ કરતાં પહોંચ્યાં. એમને ચિંતા હતી કે ક્યાંક છોકરી માંદી તો નહીં પડી હોય ને ? એને બદલે મંગળાને સારી સાજી જોઈને એમને ગુસ્સો આવ્યો.

‘કેમ, બે દિવસથી ઑફિસે નથી આવી ? આમ ઓચિંતી તું ન આવે તો કેટલી તકલીફ પડે ? ને મારે છેક અહીં સુધી તારી તપાસ કરતા આવવું પડ્યું.’ મંગળાનું મોઢું એકદમ કરમાઈ ગયું. એના ચહેરા પર ભોંઠપ દેખાતી હતી. તરલાબહેનને બેસવા માટે ખુરશી આપતાં એણે કહ્યું, ‘બેસો બહેન, આજે મારે તમને બધી વાત કરવી જ પડશે. અમે ત્રણ બહેનો. હું બધાથી નાની, બાકીની બંને બેનો પરણીને સાસરે ગઈ. હવે ઘરમાં હું ને મા જ છીએ.’ ‘તારા બાપુજી !’ તરલાબહેને વચ્ચે પૂછ્યું, ‘માને એક પછી એક ત્રણ દીકરીઓ થઈ એટલે બાપુએ મારપીટ કરવાનું ચાલુ કર્યું. બસ, ગમે તેમ કરીને મને દીકરો જોઈએ !’

‘અરેરે, તારી મા બિચારી દીકરો ક્યાંથી લાવે ?’ ‘એ જ તો વાત છે. અંતે બાપુએ બીજાં લગ્ન કર્યાં અને નવી માને લઈ સાવનની ઝૂંપડપટ્ટીમાં રહેવા ગયા. મા ત્રણ ઘરે કામ કરે છે. હું પણ જે કામ મળે એ કરીને માને ટેકો કરું છું. અમે બંનેએ નક્કી કર્યું છે કે, બાપુની કમાણીનો એક પણ પૈસો અમને ન જોઈએ.’ ‘વાહ ! તું ને તારી મા બંને ધન્યવાદને પાત્ર છો પણ આ બધી વાતને તારા ઑફિસમાં ન આવવાને શો સંબંધ ?’

‘આ ઝૂંપડું જ્યારે લીધું ત્યારે મા પોતાને પિયરથી જે કંઈ જણસ લાવી હતી એ બધી વેચીને પૈસા ઊભા કરેલા. બાપુ રંગારા તરીકે કામ કરીને સરું કમાતા પણ એમાં ઝૂંપડું લેવાનો વેંત થાય એમ નહોતું. માએ પોતાની બચતના પૈસા ઝૂંપડું લેવા આપી દીધેલા. પણ બાપુ પાસે શરત મૂકેલી, ઝૂંપડું મારે નામે હોવું જોઈએ. બેન, હવે આ બધી ખોલીની જ મોંકાણ છે. બાપુએ સાંભળ્યું કે કોઈ બિલ્ડર અહીં બહુમાળી મકાન બનાવવાનો છે એટલે ઝૂંપડપટ્ટીવાળાને ઘર ખાલી કરવાના બહુ સારા પૈસા આપવાનો છે.’

‘એટલે તારા બાપુને લોભ લાગ્યો હશે, કેમ ?’ ‘હા, બે દિવસથી અહીં આવીને એ ધમાલ મચાવે છે ને માને કહે છે, તમારે મા-દીકરીને જુદા ઘરની શી જરૂર છે ? અમારી સાથે રહેવા આવી જાવ ને આ ખોલીના કાગળિયા પર અંગૂઠો મારી આપ.’

‘કેટલો નપાવટ અને ગરજુ માણસ કહેવાય !’ તરલાબહેનને ક્રોધ આવી ગયો. ‘હા, બહેન, હવે મને મારા બાપનો જરાય ભરોસો નથી. હું ઘરમાં ન હોઉં ને મારી માને સમજાવી-પટાવીને અંગૂઠો મરાવી લે તો ? એ ડરથી હું ઑફિસે નહોતી આવી, પણ કાલથી આવીશ. આજે તો મેં મારા બાપુને ચોખ્ખેચોખ્ખું કહી દીધું છે કે, ભૂલેચૂકે મારી માને બિચારી કે એકલી ન સમજતાં. હું ઊભી છું એની પડખે, એકે હજારી. એની દીકરી ગણો કે દીકરો બધું હું જ છું. આને મારી જિદ સમજો કે નિશ્ચય, પણ આ ખોલી હું તમારા હાથમાં કદાપિ આવવા નહીં દઉં.’
તરલાબહેન મંગળાના સ્વાભિમાનથી ઓપતા મુખને અહોભાવથી જોઈ રહ્યાં.

(નીરા આડારકરની મરાઠી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “સ્વાભિમાની દીકરી – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.