દરેક ઘરમાં દાદાજી હોવા જોઈએ – અવંતિકા ગુણવંત

(‘નવચેતન’ સામયિકના એપ્રિલ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

વેદાંત નિશાળેથી ઘેર આવીને ઘરમાં પગ મૂકતાં જ એના દાદાજીને બૂમો મારતાં એણે મમ્મી ક્ષિપ્રાને પૂછ્યું, “મમ્મી, દાદાજી ક્યાં છે ?”

“બેટા, હજી હમણાં તો તું નિશાળેથી આવ્યો છે, તું તારા કપડાં બદલ, હાથ-મોં ધો, નાસ્તો કર અને પછી દાદાજી પાસે જા, દાદાજી ઉપર અગાશીમાં છે.”

વેદાંત બબ્બે પગથિયાં એકસાથે કૂદતો દાદર ચડીને ઉપર ધાબે પહોંચ્યો. એણે જોયું તો દાદાજી હીંચકે બેઠા હતા. વેદાંત બોલ્યો, “મને ખાતરી જ હતી કે દાદાજી, તમે એકલા અગાશીમાં બેઠા હશો. દાદાજી, હમણાં થોડી વારમાં ચારેબાજુ અંધારું ઊતરશે તોય તમે અગાશીમાં બેસી રહેશો ? અને નજર આકાશ તરફ રાખશો ? ત્યાં આકાશમાં તમે શું જુઓ છો ?”

“બેટા, હું આકાશમાં તારા જોઉં છું, પણ બોલ, તારે મારું શું કામ છે ?” દાદાજીએ પૂછ્યું.

“દાદાજી, મારે તમારી પાસેથી વાર્તા સાંભળવી છે. તમે તે દિવસે પેલી વાર્તા કહી હતી ને તે મારા ટીચરને અને ક્લાસના બધા વિદ્યાર્થીઓને બહુ ગમી હતી. એ વાર્તા સાંભળીને સૌ ખુશ ખુશ થઈ ગયા હતા. મારા ટીચરે મને પૂછ્યું હતું કે આ વાર્તા તેં ક્યાં સાંભળી ?

મેં કહ્યું કે, મારા દાદાજી પાસેથી. ટીચર કહે કે બીજી વાર્તાઓ તમારા દાદાજી પાસેથી સાંભળી લાવજે. આવી વાર્તાઓ સાંભળવાથી તમારામાં બુદ્ધિ ખીલશે અને ખગોળશાસ્ત્રનું જ્ઞાન વધશે. આપણા ભારતીય સંસ્કારનો પરિચય થશે.”

“બેટા, હું તો તને રોજ વાર્તાઓ કહું છું. એ વાર્તાઓ પ્રાચીન હોય છે, ધાર્મિક કે પૌરાણિક કે ઐતિહાસિક હોય છે. એમાં કંઈ નવું નથી હોતું. એમાં નવા જમાનાની વાત નથી હોતી.”

“દાદાજી, તમે બહુ વાંચ્યું છે એટલે તમને તમારી કહેલી વાર્તામાં કશું નવું ન લાગે પણ અમારા ટીચર કહે છે કે, આ વાર્તામાં આપણી ભારતીય સંસ્કૃતિનું હાર્દ છુપાયેલું છે. તું તારા દાદાજી પાસેથી આવી વાર્તાઓ સાંભળી લાવજે.”

“દાદાજી, મારા ક્લાસનાં છોકારાંઓ મને પૂછતાં હતાં કે તારા દાદાજી રોજ તને વાર્તાઓ કહે છે. મેં હા કહી તો તેઓ મને કહે, અમારાં મમ્મી પપ્પા સાથે અમે રહીએ છીએ. મમ્મી પણ નોકરી કરે છે. મમ્મી પપ્પાને અમારી સાથે વાત કરવાનો વખત નથી મળતો ત્યાં અમને વાર્તા ક્યાંથી કહે ? હેં દાદાજી, બધાંના દાદાજીને તમારી જેમ વાર્તા કહેવાની ટેવ હશે ? એમને આવી સરસ વાર્તાઓ આવડતી હશે ?”

દાદાજી બોલ્યા, “હા, બેટા ! આ બધી વાર્તાઓથી તો બાળકનું સંસ્કાર-ઘડતર થાય, બાળકના જ્ઞાનમાં વધારો થાય. અને દાદાજીને દુનિયાના કેટલા બધા અનુભવો હોય. તેઓ એમના અનુભવોને પણ વાર્તામાં ભેળવે અને વાર્તાઓ રસભરી થાય. ગમ્મત આપનારી થાય.”

“તો દાદાજી, બધાંના દાદાઓ કેમ બાળકોને વાર્તા નહિ કહેતા હોય ?” વેદાંતે પૂછ્યું.

“બેટા, બધા દાદાઓને એમનાં પૌત્રો-પૌત્રીઓ સાથે રહેવા નથી મળતું. જો બધાં સાથે રહેતાં હોય તો દાદાજી વાર્તા કહે અને બાળકોને જ્ઞાન મળે, એમનું ઘડતર થાય.”

“દાદાજી, આજે તમે મને વાર્તા કહેશો ને ?” વેદાંતે પૂછ્યું.

“હા બેટા, જો સાંભળ…

એક રાજા હતા. એ રાજા જ્ઞાની અને પ્રજાવત્સલ હતા. હવે એક વાર એવું થયું કે એનો મંત્રી બીજા રાજાના દરબારમાં મહેમાન બનીને ગયો. એ પડોશી રાજાએ મંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું અને પૂછ્યું,
“બોલો, મંત્રીજી ! મારામાં અને તમારા રાજામાં શું ફરક છે ?”

એ મંત્રીએ પૂરી નમ્રતા અને વિનયથી નિઃસંકોચ કહ્યું, “મહારાજા, આપની અને મારા રાજાની સરખામણી ? અમારા રાજા બીજનો ચંદ્રમા છે, જ્યારે આપ તો પૂર્ણિમાના ચંદ્ર સમાન છે.”

મંત્રીજીનો ઉત્તર સાંભળીને પાડોશી રાજા બહુ ખુશ થયો. એમણે એ મંત્રીને કેટલીય ભેટો આપી વિદાય કર્યો. મંત્રી પોતાના રાજ્યામાં પાછો આવ્યો. કેટલાક દરબારીઓ જે આ મંત્રીને માન અને ભેટો મળી તેથી ઈર્ષા કરવા લાગ્યા અને એમણે પેલા રાજાને કહ્યું, “મહારાજ, તમારા આ મંત્રીએ તો આપની બહુ જ બદબોઈ કરી છે, એણે તમને બીજનો ચંદ્ર કહ્યો અને પાડોશી રાજાને ખુશામત કરતાં કહ્યું કે તમે તો પૂર્ણિમાના પૂર્ણ વિકસિત ચંદ્રમા છો.”

રાજાએ ગુસ્સે થઈને મંત્રીને પૂછ્યું, “શું આ વાત સાચી છે ? અમારું નમક ખાઈને અમને જ વગોવો છો ? આવી તમારી વફાદારી ?”

મંત્રીએ કહ્યું, “મહારાજ, મેં તો આપને પાડોશી રાજા કરતાં મોટા બતાવ્યા છે.”
“એ કેવી રીતે ?” મહારાજે ગુસ્સાથી પૂછ્યું.
“મહારાજ, પૂર્ણિમાના ચાંદમાં કલંક હોય છે, જ્યારે બીજનો ચંદ્રમાં તો ક્ષીણ રેખા હોય છે, એનામાં કોઈ કલંક હોતું નથી. પૂનમ પછી પૂર્ણિમાના ચંદ્રનો ક્ષય થાય છે અને પછી અધંકારભરી અમાસ આવે છે, જ્યારે બીજના ચંદ્રનો ઉત્તરોત્તર વિકાસ જ થાય છે. ભવિષ્યની અનંત ઉજ્જવળ સંભાવના એના ગર્ભમાં છૂપાઈ છે. બીજનો ચંદ્ર નિરંતર વિકાસ પામતો જ રહે છે.
મહારાજ, હવે કહો તમે શું બનવાનું પસંદ કરશો ? પૂર્ણિમાનો ચંદ્ર કે બીજનો ચંદ્ર ? એ રાજા મૂરખ હતો. એ મારા કહેવાનો ભાવાર્થ સમજ્યો નહીં, પરંતુ વાસ્તવમાં મેં તો આપને જ મહાન બતાવ્યા હતા.” મંત્રીએ કહ્યું.

રાજા મંત્રીની તર્કસંગત વાત સાંભળીને ખુશ થઈ ગયો. અને એ મંત્રીનું બહુમાન કર્યું, હવે વાર્તા પૂરી થઈ.
“દાદાજી હજી વધારે સમજાવો ને.” વેદાંત બોલ્યો.
“જો બેટા વેદાંત, બીજનો ચંદ્રમાં ભલે એક ક્ષીણરેખા હોય પણ એ નિષ્કલંક છે, એનું ભાવિ ઊજળું છે, એટલા માટે સૌ સંસારી લોકો બીજના ચંદ્રમાના દર્શન કરે છે.”
“બેટા, તેં શિવજીનું ચિત્ર જોયું છે ને ? એમના માથા પર ચંદ્રમાનું ચિત્ર હોય એટલે શિવ ભગવાનને ચન્દ્રમૌલિ કહેવામાં આવે છે.”
“હા દાદાજી, મેં શિવજીના માથા પર ચંદ્રનું ચિત્ર જોયું છે.”

દાદાજી બોલ્યા, “એ ચંદ્ર બીજનો ચંદ્ર હોય છે. શિવજીનો અર્થ થાય છે મંગલમય, કલ્યાણકારી, પવિત્ર અને વિમુક્ત જીવ.”

“સાધારણ જીવ રાગદ્વેષના બંધનમાં બંધાયેલો હોય છે, જીવનાં એ બંધન તૂટે એ પ્રગતિ સાધી શકે. એ નિર્મળ બની શકે, એ કર્મનાં બંધનમાંથી મુક્ત થઈ શકે.”

“દાદાજી, આ કર્મની વાતમાં મને કંઈ સમજણ પડતી નથી.” વેદાંત બોલ્યો.

“બેટા, આ બીજનો ચંદ્ર આપણને શીખ આપે છે કે આપણે નિર્મળ, નિખાલસ અને સૌમ્ય બનીએ; સરળ અને પ્રસન્નચિત્ત બનીએ. બેટા, આ બધા ગુણો સુખી થવા માટે અપનાવવા ખાસ જરૂરી છે. આજકાલ તો દરેક માણસ ગણતરીબાજ થઈ ગયો છે એ પોતાને શું મળશે એની ગણતરી સૌથી પહેલાં કરે છે કોઈ સેવાનું કામ કરે તો એ સેવા કરવાથી પોતાને શું ફાયદો થશે એની ગણતરી કરે છે. એને મન સેવાય એક સોદો છે.”

“દાદાજી, ધર્મના ક્ષેત્રમાંય એવી રીતે ફળની ગણતરી કરે તો એ સ્વાર્થ ન કહેવાય.”

“હા, તારી વાત સાચી છે બેટા, તું નિર્દોષ છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તું સદાકાળ નિર્દોષ, નિઃસ્વાર્થી, નિરાભિમાની સરળ રહેજે.”

“દીકરા, જૂના સમયમાં બાળકોનું ઘડતર આવી કથાઓ દ્વારા જ થતું હતું.” દાદાજીએ એમની વાત કરી.

વેદાંત બોલ્યો : દાદાજી, પહેલાંના જમાનામાં ટી.વી. ન હતા પણ મોટા ભાગે દાદાજી હતા. બાળકોને વાર્તા કહેતા. તેથી મનોરંજન થતું અને સંસ્કારસિંચન પણ થતું.”

– અવંતિકા ગુણવંત

સંપર્ક : ‘શાશ્વત’, ઓપેરા સોસાયટી, જૈન ઉપાશ્રયની સામે, અમદાવાદ – ૩૮૦ ૦૦૭

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “દરેક ઘરમાં દાદાજી હોવા જોઈએ – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.