એકવીસમું ટિફિન – રામ મોરી

(‘નવનીત સમર્પણ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

“નીતુ..” મમ્મીના ઘાંટાએ મારી ચેટની મજા બગાડી નાખી. હું ડ્રોઈંગરૂમમાંથી સીધી રસોડામાં ગઈ.

“મમ્મી પ્લીઝ, ડોન્ટ કોલ મી નીતુ… યુ નો વ્હોટ માય નેમ ઈઝ નિતલ. તને ભૂલવાની આદત છે, પણ એની સાબિતી વારંવાર આપવાની કોઈ જરૂર નથી. લાસ્ટટાઈમ જ્યારે મારી કોલેજફ્રેન્ડ આવી ત્યારે તારા નીતુ… નીતુ… ના બરાડાને લીધે આજે આખી કોલેજ મને આર.કે.ની મોમ કહીને બોલાવે છે.” હું ગુસ્સાથી ભભૂકતી હતી પણ એ તો શાંતિથી જાણે કશું થયું જ નથી એમ બધાં ટિફિન ફટાફટ ભરવા લાગી.

“આ આર.કે. કોણ છે ?” એ રોટલી ગણતાં ગણતાં બોલી.

“ઓહ ગોડ, ડેમ ઈટ, આર.કે. મીન્સ રણબીર કપૂર, પણ પાછી એમ ન પૂછતી કે કોણ રણબીર ? મારી કોલેજનો કોઈ છોકરો નથી એ. બાય ધ વે, હું તારી આગળ આ ભાગવત શું કામ માંડું છું ? એન્ડ મોમ લિસન, આ તારા ઓર્થોડોક્સ થિંકિંગ્સ તારા ટિફિન્સના વધેલા એંઠવાડની જેમ ફેંકી દે અને મારા પર શંકા કરવાનું બંધ કરી દે. બોલ શું કામ હતું ?” કોરા વાળની લટોને મેં આટલું બોલતાં તો કેટલીય વાર ગૂંચવી નાખી.

“સાડા અગિયાર થઈ ગયા છે… બપોરનાં ટિફિન રવાના કરવાનો સમય થઈ ગયો છે. તને ખબર તો છે કે મારાથી એકલા પંડે વીસ ટિફિન સચવાતાં નથી. મને તારી મદદની થોડી જરૂર તો પડે જ ને…” એ એના કામમાં મશગૂલ હતી.

“મમ્મી, આ તો છેલ્લા દસ દિવસથી મારે વેકેશન પડ્યું, બાકી તો તું જાતે જ ટિફિન ભરતીને… અને હવે તું અચાનક થાકવા લાગી ? અને હું તો કહું છું કે આ બધા ધંધા બંધ કરને પ્લીઝ !”

“વીસેવીસ છોકરાઓને એક ઝાટકે કહી દઉં કે કાલથી ટિફિન બંધ ?” મારી સામે એણે વેધક નજર કરી ને હું ફરી ગૂંચવાઈ ગઈ.

“તારા પપ્પાને આ ઘર ચલાવવા પૈસા આપવાની જરૂર નથી પડતી એ આ ટિફિનના કારણે જ. એ શેરબજારમાં પોતાની કમાઈ ઘરખર્ચની ચિંતા કર્યા વિના જ રોકી શકે છે, તું મોર્ડન કોલેજમાં ભણે છે એ આ ટિફિનના કારણે જ…”

“ઓહ સ્ટોપ ઈટ મોમ, તું શું એમ કહેવા માગે છે કે પપ્પા એમની જવાબદારીથી દૂર ભાગે છે ? એણે તારા પર ધ્યાન નથી આપ્યું ? એ તને પ્રેમ તો કરે જ છે. આ ઘર આપ્યું, ખાવાનું આપી શકે છે, પહેરવા કપડાં આપી શકે છે, સાથે રહીને સેફ્ટી આપે છે…”

“એ બધું તો જેલ પણ આપે છે.” હું એને તાકી રહી. એની મોટી અણિયાળી આંખોમાં મેં પપ્પાની વ્યસ્તતા વિશેની ફરિયાદ ઝાંખવાના પ્રયત્ન કર્યા પણ મમ્મીની આંખમાં મને ક્યારેય કશું દેખાતું નથી, સાવ જ કોરી આંખો. એના સપાટ ચહેરાની રેખાઓમાં પણ ક્યારેય કોઈ ફેરફાર નહીં. મારી મમ્મી છે જે એવી, પહેલેથી જ સાવ અણઘડ, અવ્યવસ્થિત, વ્યસ્ત, છતાં એક ગુપ્ત કોયડા જેવી. પપ્પાને તો હું એટલા ઓળખું છું કે હવે પછી એ શું કહેવાના છે કે શું કરવાના છે એ હું અગાઉથી જ કહી દઉં.

નાનપણથી ઘરમાં મેં એક રૂટિન જોયું છે. પપ્પા, તો સતત વ્યસ્ત. ફોન, અડધી પિવાયેલી સિગારેટ, વ્હાઈટ ગંજી અને બ્લુ લુંગી, ટી.વી. પરના માર્કેટનો હિસાબ, દુકાન, જમતાં જમતાંય વ્યસ્ત રહેતી દલાલી, રાત્રે મોડેથી પાછા ફરતાં થાકેલા શેર્સ… ને મારી મમ્મી તો સવાર-સાંજ બે ટાઈમ વીસ ટિફિન તૈયાર કરતું કૂકર જાણે, દિવસનો ત્રીજો ભાગ રસોડામાં શરૂ થાય અને રસોડામાં પૂરો થાય. ઘણી વાર મને એવું લાગે કે મમ્મીએ જ પોતાની જાતને આમાં કેદ કરી લીધી છે. અણઘડ, ફિક્કી, સાડી, કસકસાવીને બાંધેલો અંબોડો, ચહેરા પર ઊડતી સફેદ લટો, પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંધાતું વ્યક્તિત્વ. મને યાદ છે, પહેલાં તો મમ્મી પાંચ ટિફિન જ બનાવતી પછી દસ અને હવે વીસ. મેં ટેબ્લેટ એક બાજુ મૂક્યું ને ટિફિનને કાપડની બેગમાં પેક કરવા લાગી. વીસેવીસ ટિફિન તૈયાર થઈ ગયાં અને હું ડ્રોઈંગરૂમમાં જઈ ચેટ કરવા બેસી ગઈ. મમ્મી થોડી વારે ત્યાં આવી. એણે ટી.વી. ઓન કર્યું અને ચેનલો ફેરવવા લાગી.

“મમ્મી, તને નથી લાગતું કે તારે તારી સફેદ લટોને રંગવાની જરૂર છે ?” મેં ચેટ કરતાં કરતાં પૂછ્યું.

“જેવું છે મારે મન સોનાનું છે બધું.” એ ચેનલ ફેરવતી હતી કે વચ્ચે રણબીરનું રોમેન્ટિક સોંગ આવ્યું,

“વાઉ, મમ્મી રહેવા દે ફેરવતી નહીં…” એ ચેનલ ફેરવ્યા વિના ધીમેથી ઊભી થઈ અને ટિફિન સપ્લાયર સર્વિસ કરતા ભાનુદાદાની રાહ જોતી દરવાજે ઊભી રહી.

“નીતુ… હવે થાકી જવાય છે… હવે વધારે ટિફિન નથી કરવાં…. છે એટલાં પૂરતાં છે.” એ સફેદ લટોને કાન પાછળ ગોઠવતાં બોલી, મેં એના તરફ અછડતી નજર નાખી અને પાછું સોંગમાં મન પરોવ્યું. થોડી વાર સુધી ડ્રોઈંગરૂમમાં ચુપકીદીનું એક વજન તોળાતું રહ્યું, મને લાગ્યું કે એ મને કશુંક કહેવા માગે છે પણ અનુસંધાન સાધવા મથે છે.

“નીતુ, બારી ખોલને… ઘરમાં કેટલું અંધારું લાગે છે !” મેં બારીની સ્ટોપર ખોલી, બારીને ધક્કો માર્યો અને હળવા ધક્કા સાથે અજવાળું રૂમમાં પ્રવેશ્યું. એ સાથે જ ગેટ ખૂલવાનો અવાજ આવ્યો. મેં તસ્દી ન લીધી, કદાચ ભાનુદાદા જ હશે. ટિફિન લેવા આવ્યા હશે, પણ એ તો સાઈકલની ઘંટડી વગાડે જ તો આ…

“નમસ્તે… એ આઈ કમ ઈન મેમ ?” વાઉ ! વોટ એ વોઈસ, બિલકુલ રણબીર જેવો. મેં ટેબ્લેટ એક બાજુ મૂકીને બારીમાંથી જોયું.

અંદાજિત પચ્ચીસ વર્ષનો છોકરો ઘરમાં પ્રવેશ્યો. મમ્મીએ મારી સામે જોઈને ધીમેથી કહ્યું,

“નીતુ… અંદર જા…” હું હજી કંઈ વિચારું કે બોલું એ પહેલાં તો એ છોકરો ઘરમાં પ્રવેશી ગયો. સોફા પર બેઠો. હું એને તાકતી રહી. ફોર્મલ બોડીટાઈટ પર્પલ પાર્ટીવેર શર્ટ અને બ્લેક પેન્ટ, વ્યવસ્થિત ઓળેલા વાળ, હાથમાં બાંધેલ ઘડિયાળ, માંજરી આંખ, મોટું કપાળ, માપસર નાક, ઉપર પતલો અને નીચે તેનાથી સાઈઝમાં થોડો મોટો હોઠ, સ્માઈલિંગ ટાઈમે લાઈનસર ગોઠવાયેલા દાંત, સ્પામાંથી હમણાં જ નીકળ્યો હોય એવી ચમકતી સ્કિન, પૂરું પાંચ ફૂટ અને છ ઈંચનું પરફેક્ટ મેરેજ મટીરિયલ. હું એને એકીટશે પાંપણ પલકાર્યા વિના જોતી હતી એ કદાચ એને ખ્યાલ હોય એમ સ્મિત કરતાં એણે મને અને મમ્મીને કહ્યું,

“હલ્લો, મારું નામ ધ્રુવ મજમુદાર છે. હું એક એન્જિનિયર છું, કાલે જ આ સિટીમાં આવ્યો છું, છ મહિના અહીંની કંપનીમાં મારી વિઝિટિંગ ટ્રેઈનિંગ છે.” હું પેલાને એકીટશે જોઉં છું એ કદાચ મમ્મીને વહેલા ખ્યાલ આવી ગયો હશે… હું બોલવા જ જતી હતી કે,

“હાઈ, માય સેલ્ફ નિતલ…” ત્યાં તો મમ્મી બોલી,

“નીતુ… પાણી લાવ.” હું બબડતી બબડતી રસોડામાં ગઈ. પાછળથી મમ્મી અંદર આવી. હું એને કંઈ કહેવા ગઈ કે એ સીધી તાડૂકી.

“કમસે કમ એક દુપટ્ટો સાથે રાખતી હો તો, ટિફિન સર્વિસ કરીએ છીએ તો ગમે ત્યારે ગમે એટલા છોકરાઓ હિસાબ લેવા-દેવા આવ્યા કરે અને તારા આ કોલેજના વેકેશન પછી તો બધાના આંટાફેરા વધી ગયા છે.”

“હોલ્ડ મમ્મી જસ્ટ હોલ્ડ. તું કામ પતાવીને વળાવી દે એને જા.” મારા ચહેરા પર કડવાશ ફરી વળી. મમ્મી છે જ એવી. આખા દિવસમાં ચારસો ને ચાલીસ વાર ઘાંટા ન પાડે તો એને ચેન જ ન આવે. રસોઈ બનાવતી વખતે વાસણો જોરજોરથી ખખડે કે કપરકાબી તૂટે એટલે મારે સમજી જવાનું કે એ મને રસોડામાં બોલાવે છે. અને એનું રસોડું પણ કેવું યુદ્ધ ખેલાઈ ગયેલી રણભૂમિ જેવું, ક્યારેય કોઈ વસ્તુનાં ઠેકાણાં જ નહીં. હું રસોડાની બારીમાંથી પેલાને જોતી હતી. મારી મમ્મી શાદી ડોટ કોમ વેબસાઈટની વોલ પર મુરતિયાને જોતી હોય એમ પેલાની તરફ જોઈ રહી હતી. મને અકળામણ થતી હતી. હજુ મારી ઉંમર જ ક્યાં છે અને મારી મમ્મી તો ગમે ત્યાં…

“બાય ધ વે મેમ, મારા રૂમમેટ તમારું ટિફિન જમે છે. હું તો કાલે રાત્રે જ આવ્યો, એ બહાર ગયો હતો એટલે એનું ટિફિન હું જમ્યો. પણ ખરેખર બહુ જ મજા પડી ગઈ. તમારી રસોઈમાં સ્વાદ બહુ જ સારો આવે છે. એમાં પણ બટાટા તો મારા ફેવરિટ છે અને જે તુવેરદાળ હતી એ તો બહુ જ ફાઈન બની હતી. તમારી કઢીનો વઘાર પણ લાજવાબ હતો. યુ નો હું તો બહુ જ ખુશ થયો છું આવી રસોઈ જમીને. મારાં ભાભી આવી રસોઈ બનાવતાં હતાં. રિયલી વન્ડરફુલ ટેસ્ટ.”

મેં મમ્મી તરફ જોયું તો એના ચહેરા પર સ્મિત હતું ! મારા આશ્ચર્યની વચ્ચે મારી મમ્મીના સપાટ ચહેરાના ગાલ ગુલાબી બની ગયા. એના કાનની બૂટ લાલ હતી. ને આ મને ભણકારા સંભળાયા કે શું કે મારી મમ્મી હસતાં હસતાં બોલી, “થેંક યુ !” મને તો બહુ જ નવાઈ લાગી. મારી મમ્મીના આ લુકે તો મને ચક્કર લાવી દીધાં. જોકે આ છોકરો ખોટા મસ્કા તો નથી જ મારતો, નહીંતર ભાનુદાદા જ પાંચમાંથી વીસ ટિફિન કેમ કરી નાખે ? આ ક્ષણે તરત પપ્પા યાદ આવ્યા. મમ્મી તો ટિફિનની રસોઈથી પણ અલગ કંઈક નવું ફ્રેશ બનાવતી હોય છે. મેં યાદ કરવાનો કેટલોય પ્રયત્ન કર્યો કે હું કે પપ્પા છેલ્લે એવું ક્યારે બોલેલાં કે, “વાહ, શું રસોઈ છે…!” છેલ્લે મમ્મી ક્યારે હસેલી કે શરમાયેલી. હું વિચારતી જ રહી ત્યાં પેલાનો અવાજ સંભળાયો.

“મેમ, ઈફ યુ ડોન્ટ માઈન્ડ. તમે મારું ટિફિન રેગ્યુલર બનાવશો ? ફક્ત છ મહિના માટે જ, પછી તો જરૂર નથી. મને તમારા હાથની રસોઈ બહુ જ પસંદ પડી છે એટલે.”

“ઓહ, એકવીસમું ટિફિન ?” મને રસોઈ બનાવતી વખતે મમ્મીના સંભળાતા ઘાંટા, વીસ ટિફિનનું ગોઠવાવું, ભટકાવવું, કાચનાં કપરકાબીનું તૂટવું, પરસેવે રેબઝેબ મમ્મીનું સોફા પર હાંફવું એકસાથે યાદ આવી ગયું બધું. ને કાનમાં મમ્મીએ કહેલું પેલું વાક્ય,

“નીતુ, હવે થાકી જવાય છે… હવે વધારે ટિફિન નથી કરવાં, છે એટલાં પૂરતાં છે !” હું બહાર ના પાડવા માટે ધસી આવી કે તરત મારી પહેલાં મમ્મી સ્મિત સાથે બોલ્યાં,

“કંઈ વાંધો નહીં, વીસ ટિફિન તો બનાવું જ છું, એક વધારે. ભાનુદાદને આજે રાતથી જ તમારું ટિફિન આપતી રહીશ.” મારાં ભવાં સંકોચાયાં. પેલા છોકરાએ મહિનાના પૈસા આપ્યા અને જતો રહ્યો. મમ્મી પણ પૈસા ગણ્યા વિના કબાટમાં મૂકવા જતી રહી. વચ્ચે હું ઊભી રહી, આખા વર્તુળની બહારનું કેન્દ્ર જાણે.

“મમ્મી… તને શું થઈ ગયું છે ? વોટ ઈઝ ધિસ ?” હું ધૂંધવાઈ ઊઠી, એ ડ્રોઈંગરૂમ ઝાપટવા લાગી.

“શું ફેર પડે છે બેટા… એક વધારાના ટિફિનમાં હું કંઈ મરી તો નથી જવાની.”

“ઓહ હેલ્લો ! હવે છેને રસોડામાં મારા પર રાડો ન પાડતી. કાચનાં વાસણ ન તોડતી, તું જ તારો ભાર વધારી દે છે, અને મને તો કહેતી જ નહીં કે નીતુ હવે થાકી જવાય છે.” મને પણ લાગ્યું કે હું ક્યાંક ઓવર રિએક્ટ કરું છું. મેં સ્કૂટીની ચાવી લીધી ને ચંપલ પહેરી ઘરની બહાર નીકળી ગઈ. મેં પાછું વળીને જોયું તો મમ્મી મારી સામે સ્મિત કરીને જોઈ રહી હતી. મને કશુંક ખૂંચ્યું. આ સ્મિત જ કદાચ, કેમ કે આટલાં વર્ષથી આની આદત જ નહોતી.

બસ, આ દિવસથી મમ્મીમાં ઝીણા ઝીણા ફેરફારો શરૂ થઈ ગયા. પપ્પાને તો ફુરસદ નહોતી આ બધું જોવાની પણ મારા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નહીં. હવે મમ્મીના ઘાંટા સદંતર બંધ થઈ ગયા હતા. કકળાટ કરતી મમ્મી હવે કશુંક ધીમું તાલબદ્ધ ગણગણ્યા કરે. દરેક ટંકે એનામાં ટિફિન કરવાનો એક અલગ ઉત્સાહ મને જોવા મળતો. હું ટિફિન ગોઠવતી અને ભરતી પણ જેવું એકવીસમું ટિફિન ભરાઈ જાય કે મમ્મી તરત બોલે, “એક મિનિટ નિતલ, એ ટિફિન બંધ ન કરતી.” હું બસ જોઈ રહેતી, મમ્મી ડ્રોઈંગરૂમમાંથી ટેબલ ઘસડતી લાવે અને એના ઉપર ચડે. અભરાઈ ઉપરથી અથાણાની બરણી ઉતારે અને પછી એકવીસમા ટિફિનના બોક્સમાં ગોળકેરીના અથાણાની બે-ચાર ચીર મૂકે અને પછી સંતોષથી ટિફિનને તાકી રહે. હવે તો બટેટાનું શાક પણ ટિફિનમાં અવારનવાર બનવા માંડ્યું છે અને એ દિવસે એકવીસમા ટિફિનના બોક્સમાં રોજ કરતાં વધુ શાક ભરાતું. એ ટિફિનની રોટલી પર પણ મમ્મી વધુ ઘી લગાવતી. મને આ બધું બહુ જ બાલિશ લાગતું. એક સ્ટુપિડની જેમ હું બધું જોયા કરતી.
મહિનો પૂરો થાય કે છેલ્લા રવિવારે પેલું એકવીસમું ઘેર પૈસા આપવા આવતું. હું હવે એને અજાણતાં જ નિગ્લેક્ટ કરવા માંડી હતી. એ આવે ત્યારે મમ્મી સ્પેશિયલ આદું નાખીને ચા બનાવે, સાથે કંઈક નાસ્તો તો હોય જ. લગભગ એ કલાક બેસતો. હું એ બંનેને હસતાં, વાતો કરતાં જોયા કરતી. અંદર અંદર ગૂંચવાયા કરતી. અને આજકાલ તો એ નવું ગતકડું લઈ આવ્યો છે, મમ્મીને કીધા કરે,

“મેમ, આટલી સુપર્બ રસોઈ બનાવો છો તો ઘરનું નાનું રેસ્ટોરાં સ્ટાર્ટ કરોને. આઈ’મ શ્યોર કે બહુ જ ચાલશે.” એ ચાનો કપ હોઠે અડાડતો.

“પણ છ મહિના માટે મને રેસ્ટોરાં ખોલવું નહીં પોસાય…” મમ્મી કોમેન્ટ પાસ કરતી. ફરી ખડખડાટ હાસ્ય. મારા માટે આ એક શોક જેવું હતું કે મારી મમ્મી કોમેન્ટ પાસ કરતી થઈ ગઈ ? મને મારા પર અને પપ્પા પર દિવસે દિવસે ગુસ્સો ચડતો જાય છે. એક બહારની વ્યક્તિ આવીને મમ્મીને જળમૂળથી બદલાવી શકે છે, હસાવી શકે છે અને વર્ષોથી અને સાથે રહેતાં હોવા છતાં કશું જ નહોતું કરી શક્યાં. મને યાદ છે મમ્મી-પપ્પાના કંકાસથી કંટાળીને એક દિવસ મેં મમ્મીને કહેલું.

“મમ્મી તને શું થઈ ગયું છે ? જ્યારે જુઓ ત્યારે પપ્પા સાથે ઝઘડતી જ હોય છે.”

“હું જ ઝઘડા કરું છું, નીતુ ?” એ વખતે પણ એ જ સપાટ ચહેરો અને ભાવ વિનાની કોરી આંખો.

“વાત એક જ છે મમ્મી. તું થોડું ઢીલું મૂકતાં શીખી જા. બાકી પપ્પા તો પરફેક્ટ છે બસ…” એ વખતે મારા માથા પર હાથ મૂકીને એની કોરી આંખો બોલેલી.

“બેટા, તારા માટે એ પપ્પા છે એટલે પરફેક્ટ છે પણ મારા માટે એ એક પતિ છે. પપ્પાને ક્યારેય પતિના પોઈન્ટ ઓફ વ્યુથી ન મૂલવી શકાય.” મને એ સમયનો ફિક્કો ચહેરો યાદ છે અને આજે ? ફિક્કો જ ક્યાં છે. ક્યારેક હું સૂતી સૂતી મમ્મી અને ધ્રુવ વિશે વિચાર્યા જ કરું… વિચાર્યા જ કરું… અને મારા બધા જ વિચારો સીલિંગ ફેનના પાંખડે કપાઈને આખા બેડરૂમમાં વીખરાઈ જાય. હું કશું જ નક્કી નહોતી કરી શકતી. સૌથી મોટો આંચકો તો મને ત્યારે લાગેલો જ્યારે મમ્મી વાળ રંગવા બેઠી હતી. સફેદ લટોને સિફતથી એણે કાળી બનાવી, પછી અરીસામાં પોતાને જોતાં બોલી.

“નીતુ, કેવી લાગું છું ?” જે વસ્તુ મારા આટઆટલા પ્રેશરથી શક્ય નહોતી બની એ પેલાના ત્રણ મહિનાના આવનજાવનમાં શક્ય બની ગઈ. આમ તો બધા જ છોકરાઓ પેમેન્ટ કરવા આવતા પણ ધ્રુવ જેટલું કોઈ રોકાતા નહીં. મમ્મી પણ બીજા બધા છોકરાઓ સાથે ભાગ્યે જ લાંબી વાતચીત કરતી. બટ ધ્રુવ ઈઝ રિયલી સ્પેશિયલ કેસ ! હવે મમ્મી ઢળતો અંબોડો રાખતી, રોજ પહેરાતી સાડીની એક એક ગડ ચીવટથી વાળીને ટાઈટ પિન ખોસીને સાડી પહેરતી, ગમે એટલું કામ હોય પણ કપાળ પર નાની મેચિંગ બિંદી લગાવવાનું ભૂલે નહીં. રસોઈ કરતાં કરતાં પણ વાસણોમાં પોતાનો ચહેરો જોઈ લે અને ધીમું મલકાઈ લે. રસોઈ બનાવતી વખતે એ ધીમું તાલબદ્ધ ગણગણ્યા કરતી હોય. હું ઘણી વખત બરાડી ઊઠતી.

“મમ્મી, તારું ધ્યાન ક્યાં છે ? રોટલી બળે છે…?”

“નિતલ, ઘાંટા શું કામ પાડે છે, મારું ધ્યાન છે જ…”

“ક્યાં ?” હું એના તરફ અર્થસભર પ્રશ્ન કરતી ને ત્યાં સુધીમાં તો એ પાછી પોતાનામાં ખોવાઈ જાય. ટિફિન ભરાઈ જાય એટલે ડ્રોઈંગરૂમમાંથી ટેબલ ખસેડી લાવે અને અથાણાની બરણી ઉતારી ગોળકેરીની બે-ચાર ચીર ટિફિન બોક્સમાં મૂકે.

આ દિવસોમાં મેં એક વાત નોંધી છે કે મહિનાના છેલ્લા રવિવારે ઈટ મીન્સ કે ધ્રુવ ડેના દિવસે મમ્મી નાહવામાં રોજ કરતાં વધુ સમય લગાડે, તૈયાર થઈ જાય તો પણ ક્યાંય સુધી અરીસામાં પોતાને તાક્યા કરતી. એ સોફા પર બેઠાં બેઠાં ચેનલો ફેરવતી પણ એના કાન તો દરવાજે ડોરબેલ પર જ લાગેલા હોય. જેવી ડોરબેલ વાગે કે એ દોડી જતી. મારા માટે ખરેખર આ બધું અસહ્ય થઈ પડ્યું હતું. આ અજવાળાં હવે મને દઝાડતાં હતાં. અને પેલાનાં ગતકડાં પણ કેવા નવાં નવાં…

“મેમ, માસ્ટરશેફમાં પાર્ટિસિપેટ કેમ નથી થતાં ? ઈન્ટરનેશનલ લેવલે તમારી ડિશીસ મુકાવી જોઈએ !”

“મેમ, વિદેશી રેસિપી પણ તમારે શીખવી જોઈએ… યુ નો પ્રોગ્રેસ ઈન કૂકિંગ.”

“મેમ, સરલા દલાલને વાંચો છો ?”

હવે હું ઘાંટા પાડતી થઈ ગઈ હતી. ટિફિન ભટકાડતી, કપરકાબી તોડતી અને વાતવાતમાં ગુસ્સે ભરાઈ જતી, પણ મમ્મીને જાણે આ આખી વાતની કોઈ પરવા જ નહોતી.

એક દિવસ પેલો ધ્રુવ ‘ધ્રુવ ડે’ પર નહીં પણ વચ્ચેના દિવસે આવ્યો. એના હાથમાં ગિફ્ટ હતી. મમ્મી સાથે એ બેઠો. ખાસ્સી વાતો થઈ. ચા પિવાઈ, નાસ્તો થયો.

“મેમ, મારી ટ્રેઈનિંગ આજે પૂરી થઈ છે. છ મહિના તમારી રસોઈમાં ક્યાં પૂરા થઈ ગયા એ તો ખબર જ ન પડી. આ મારા તરફથી તમને કોમ્પ્લિમેન્ટ ગિફ્ટ.” મારી છાતીમાં કશુંક જોર જોરથી ધબકવા લાગ્યું. એટલે કે હવે આ ધ્રુવ અહીં નહીં જોવા મળે ? કશું અંદરથી ચૂભવા લાગ્યું. હું એને એકીટસે જોઈ રહી. મમ્મીએ ગિફ્ટ પરનું રેપર ખોલીને જોયું તો વિદેશી રેસિપીની બુક હતી.

મમ્મીએ એનો આભાર માન્યો. પછી બંને ગૂમસૂમ ઘડીક બેઠાં. પેલાએ પાણી પીધું અને જવા માટે ઊભો થયો. મને થયું કે હું એને મૂકવા ગેટ સુધી તો જાઉં જ, પણ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મને ખુદને તો ગમતું નહોતું એ અહીં આવે તો પછી આમ કેમ થાય છે ? જતાં જતાં એણે પાછું વળીને મારી સામે જોયું અને સ્મિત કર્યું ને ગેટ બંધ થઈ ગયો. મારી અંદર કંઈ કેટલાંય કપરકાબી તૂટી ગયાં. મને મમ્મીની ચિંતા થવા લાગી. કેટલી વાર સુધી એ ડ્રોઈંગરૂમમાં એમ ને એમ ઊભી રહી. એક હળવો સન્નાટો વાતાવરણમાં હું અનુભવી શકતી હતી. સાંજ ઢળી ચૂકી હતી ને હવે અંધારાં ઊતરી ગયાં હતાં.

રાત્રે રસોડામાં મમ્મી ટિફિન ભરતી હતી ને હું મારી રૂમમાં કપડાં સંકેલતી હતી.

“નીતુ… ક્યાં મરી ગઈ ?” મમ્મીનો ઘાંટો સંભળાયો. હું કપડાં મૂકીને દોડીને રસોડામાં ગઈ. મમ્મીના હાથમાંથી એંઠી રકાબી ગેંડીમાં મૂકવા જતાં તૂટી ગઈ. મેં જોયું કે મમ્મીએ અંબોડો કસકસાવીને બાંધ્યો છે. આખા ડીલે પરસેવો વળેલો છે અને એ ગેસ પાસે ઊભી ઊભી હાંફે છે. ચહેરા પર કોરી લટ સખત રીતે પરસેવાથી ચોંટી ગઈ હતી. હું ફટાફટ ટિફિનના બોક્સમાં શાક અને દાળ ભરવા લાગી. મમ્મી બધાં બોક્સમાં રોટલીઓ ગણી ગણીને નાખતી હતી. બધાં ટિફિન ભરાઈ ગયાં કે મમ્મી ઉતાવળે ડ્રોઈંગરૂમમાં ગઈ અને ટેબલ ખસેડી લાવી ને ટેબલ પર ચડી. મારી નજર નીચે ખોડાયેલી હતી પણ બધું જોઈ શકતી હતી. મમ્મીએ અભરાઈ પરથી ગોળકેરીના અથાણાની બરણી નીચે ઉતારી ને મેં હોઠ બીડીને ચેહેરો નીચો રાખીને કહી જ દીધું કે, “મમ્મી… તું આ… એતો…” ને મારી મમ્મી મારી સામે જોઈ રહી. ક્ષણ પૂરતી અમારી મા-દીકરીની આંખો એક થઈ ને હું એ આંખો જીરવી ન શકી, બારી બહાર જોવા લાગી. મમ્મી પણ તરત પડખું ફેરવી ગઈ, પણ મારી આંખોએ નોંધી મમ્મીના સપાટ ચહેરા પરના કપાળની કરચલી અને આંખોમાં, કોરી આંખોમાં છલકાયેલી કશીક ધૂંધળાશ. અંધારાના ઓળા હવે અમારી મા-દીકરી વચ્ચે ઊતરી આવ્યા હતા.

– રામ મોરી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “એકવીસમું ટિફિન – રામ મોરી”

Copy Protected by Chetan's WP-Copyprotect.