કેટલું ખાવું પડે છે ત્યારે એક શ્રદ્ધાળુ ઉપવાસ કરી શકે છે ! – દિનેશ પાંચાલ

(‘મનનાં મોરપીંછ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

નવસારી રેલવેસ્ટેશન પર એક નાનકડી ઘટના જોવા મળી. દશેક વર્ષના બાળકને તેની માતાએ એક તમાચો માર્યો. બાળક રડવા લાગ્યું. બાળકના પિતા આવ્યા તેને માતાએ ફરિયાદ કરી : ‘કશુંક ખાઈશ તો ઉપવાસ તૂટી જશે એમ સમજાવ્યું હતું તોય આ બદમાશે ખારી બિસ્કીટ મોંમાં મૂકી દીધી. બોલો શું કહું આને ?’ શબ્દો સાંભળી મને વિચાર આવ્યો, નાના બાળકને ઉપવાસ કરવાની ફરજ પાડવી એટલે ઊગતા છોડને ખાતરપાણીનો પુરવઠો બંધ કરવા જેવી ભૂલ ગણાય.

કદાચ દરેક બાળક સાથે આવું થતું હોવું જોઈએ. મને સ્મરણ છે નાનપણમાં મારી મા મને સાંઈબાબાના ગુરુવાર કરવાનું કહેતી. ગુરુવારે હું અભ્યાસક્રમનાં પુસ્તકો ના વાંચું તો ચાલે, પણ મારે સાંઈબાબાનું જીવનચરિત્ર અચૂક વાંચવું એવો તેનો આગ્રહ રહેતો. હું સાંઈબાબાની ચોપડી વાંચતો, પરંતુ શાળાએ જતો ત્યાં ઉપવાસ કર્યાનું ભુલાઈ જતું અને મિત્ર જોડે દાણા, ચણા કે ફરસાણ જેવું કશુંક ખવાઈ જતું. મારા લગભગ બધા જ ગુરુવારો તૂટી જતા. સાંજે મા પૂછતી, ‘બેટા, કંઈ ખાધું તો નથીને ?’ ફરાળ અને ફળફળાદિ વગેરેનો જલસો છીનવાઈ ન જાય એ હેતુથી હું બિન્ધાસ્ત જૂઠું બોલી દેતો : ‘ના, કશું ખાધું નથી !’

આજે એ ઘટના યાદ કરું છું ત્યારે વિચાર આવે છે, બેંકોમાંથી ગ્રાહકોને તેમના ખાતાનું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તે રીતે સાંઈબાબાએ મારા ગુરુવારોનું સ્ટેટમેન્ટ મોકલ્યું હોત તો મારી માને એ જાણી દુઃખ થયું હોત કે મારા ખાતામાં એક પણ ગુરુવાર જમા થયો નથી. મેં હંમેશાં રમૂજભાવે અનુભવ્યું છે કે ઉપવાસને નામે આપણે ત્યાં ભોજનની જ વિશેષ બોલબાલા રહી છે. સમાજના નેવું ટકા લોકોને માટે ઉપવાસ એટલે કેવળ ચેન્જ ઑફ ફૂડ ! અર્થાત્‍ રોજિંદા આહારને બદલે ફરાળ ! ફરાળ પણ એવો વૈવિધ્યસભર કે ઉપવાસ કરવા માટે મન ના લલચાય તો જ નવાઈ ! જરા ફરાળના મૅનુ પર એક દ્રષ્ટિ નાખીએ. શિંગદાણાનો લાડવો, મોરિયો, રતાળુ કંદ, શક્કરિયાં, શિંગોડાનો શીરો, ફરાળી ચેવડો, રાજગરાની પૂરી, સાબુદાણાની ખીચડી, કાજુની ચીકી વગેરે. આટલું ઓછું હોય તેમ ફળફળાદિ અને ઉપરથી ગ્લાસ ભરીને દૂધ તો ખરું જ ! જોયું ? કેટલું ખાવું પડે છે ત્યારે માણસ ઉપવાસ કરી શકે છે ?

સિંધવ એ ન જાણે કયો પદાર્થ છે ? તેનાથી ઉપવાસ કરનારાઓની સ્વાદેન્દ્રિયની લાજ રહી છે. સિંધવથી તેમની લૂણપ્રીતિ અખંડ રહી શકી છે. ન્યાય ખાતર સ્વીકારવું રહ્યું કે મીઠાને બદલે સિંધવ અને અનાજને બદલે શિંગોડા જેવા અનેક ખાદ્યવિકલ્પો અપનાવીને શ્રદ્ધાળુઓએ ઉપવાસના શાસ્ત્રચીંધ્યા માહાત્મ્યનું સત્યાનાશ વાળી દીધું છે. મુસ્લિમો રોજા કરે છે ત્યારે સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન થૂંક પણ ગળતા નથી. આવી ઉપવાસનિષ્ઠા નોંધપાત્ર ગણાય.

બહુ સાચી વાત એ છે કે અધ્યાત્મની અગમનિગમની વાતોને બદલે નક્કર ફલશ્રુતિવાળા પરિશ્રમથી જ માનવજાતને ફાયદો થઈ શકે છે. એમ કહો કે ઉપવાસ કરનારા શ્રદ્ધાળુઓ કરતાં ખેતરમાં અન્ન પકવતા ખેડૂતોમાં આ દુનિયાનું વિશેષ કલ્યાણ છુપાયેલું છે.

મીઠા વિનાના અનાજનું મહત્વ આરોગ્યની દ્રષ્ટિએ વિશેષ હોઈ એવી રસોઈ ફાયદાકારક ખરી, પરંતુ સરવાળે તો ઉપવાસને દિવસે શ્રદ્ધાળુઓ રોજ કરતાં થોડું વિશેષ જમે છે. એથી ઉપવાસથી પેટ, આંતરડાં જેવા પાચક અવયવોને આરામ મળવો જોઈએ તે મૂળ હેતુ જ માર્યો જાય છે. જરા વિચારો, એ સ્થિતિમાં કેવો હાસ્યાસ્પદ વિરોધાભાસ રહ્યો છે કે ભૂખ્યા રહેવાનું હોય તે દિવસે માણસના પેટમાં અન્ય દિવસ કરતાં થોડો વધુ ખોરાક ઠલવાય છે.

અમારા વતનમાં એક કાકી એકાદશીનો ફરાળ કર્યા બાદ ઓટલે ઊભાં રહી બુલંદ અવાજે ઓડકાર ખાતાં તે પરથી તેમના પેટના ઓવરલોડની જાણ મહોલ્લામાં સર્વત્ર થઈ જતી. ઉપવાસનું સારું ફળ તો મળે ત્યારે ખરું, પરંતુ ઉપવાસનું ફરાળ આરોગી શરીર પર ચરબીના થર જરૂર વધે છે.

માણસ મીઠાવાળું જમ્યા પછી પણ કેવી અર્થસભર એકાદશી કરી શકે છે તે વાત સ્વાધ્યાય પરિવાર તરફથી જાણવા મળી. શ્રી પાંડુરંગજીએ આપણા ઉત્સવો અને ઉપવાસો સાથે સંકળાયેલા કર્મકાંડોનો જીવન જોડે જે બૌદ્ધિક વિનિયોગ કર્યો છે, તેનાથી ઉત્સવોને એક નવો અર્થ મળ્યો છે. સાચી એકાદશી કેવી સાત્વિક હોઈ શકે તે જાણ્યું ત્યારે વિચાર આવ્યો. દરેક ઉપવાસ કરનારાઓએ તહેવાર પાછળના મૂળ દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરવી જોઈએ, બાકી ભૂખ્યા તો ભિખારીઓ પણ રહે છે.

મને સ્મરણ છે, વર્ષો પૂર્વે ગુજરાતી શાળાના એક શિક્ષક ઉપવાસ કરતા ત્યારે ઘરથી ખાસ ટિફિન લાવતા. તે દિવસે તેઓ જમતા નહીં, ભિખારી અથવા ગરીબ મજૂરને બોલાવીને તેમને ભોજન જમાડતા. તેઓ કહેતા : શાસ્ત્રોમાં કહ્યું છે, ‘કેવળ ભૂખ્યા રહેવું એ અધૂરો ઉપવાસ કહેવાય. તમે જે ભોજન નથી જમતા તે ભોજન સાચા જરૂરતમંદને આપો તો જ ઉપવાસનું સાચું પુણ્ય પ્રાપ્ત થઈ શકે.’ વાત સાચી છે. ઉપવાસથી કોઈ આરોગ્યવિષયક ફાયદો થઈ શકતો હોય તો તેની ના નથી, પરંતુ કંઈક એવું સમજાય છે કે ઉપવાસ એક અનુત્પાદક કર્મકાંડ સિવાય બીજું કાંઈ નથી. માણસ એક દિવસ અથવા એક મહિનો ભોજન જતું કરે તો અનાજ બચ્યા સિવાય બીજો કોઈ દેખીતો ફાયદો થતો નથી પણ એ બચેલું ભોજન જરૂરતમંદ–ભૂખ્યાજનોને આપવામાં આવે તો માનવતાના સંદર્ભે ઉપવાસની તે અતિ મૂલ્યવાન ફલશ્રુતિ ગણાય.

યાદ રહે, જેમના ઘરમાં અનાજના કોઠાર ભરેલા હોય છે તેઓ જ ઉપવાસ કરતા હોય છે. ભિખારીઓને ઉપવાસ કરવાની ઈચ્છા કદી થતી નથી. બૌદ્ધિકોને હંમેશાં એક પ્રશ્ન થાય છે – ઉપવાસ કરવાથી સાચે જ કોઈ પુણ્ય મળતું હોય તો દુનિયાના લાખો શ્રદ્ધાળુઓ મૃત્યુપર્યંત ઉપવાસ કરે છે છતાં તેમનાં ભાગ્યનિર્મિત દુઃખોમાં કેમ કોઈ ફરક પડતો નથી ? આ દેશમાં રોજ લાખો માણસોએ ભૂખ્યા સૂવું પડે છે. શું તેમને કોઈ પુણ્ય મળતું હશે ખરું ? જવાબ આપણે જાણતા નથી, પરંતુ પેલા શિક્ષકની વાત મનમાં વસી ગઈ છે. તમે ખુદ ન જમીને ભૂખ્યાને જમાડો. દુનિયાના લાખો લોકો ઉપવાસ કરશે તો લાખો ભૂખ્યાઓને એક ટંકનું ખાવાનું મળશે. પુણ્ય મળે કે ના મળે પણ ભૂખ્યાની ભૂખ જરૂર ટળશે. માનવતાને નાતે એ નાનુંસૂનું પુણ્ય નથી !

તાત્પર્ય એટલું જ, અન્નદાન એ જ ઉપવાસની મૂલ્યવાન ફલશ્રુતિ હોઈ શકે. શ્રી ગુણવંત શાહે એક વાત કહી છે : ‘શીરામાં શ્રદ્ધા ભળે ત્યારે પ્રસાદ બને છે.’ ઉપવાસ સંદર્ભે આપણે કહી શકીએ, ઉપવાસનાં અન્નદાન ભળે ત્યારે તેમાં ઈશ્વરના આશીર્વાદ ભળે છે !

[કુલ પાન ૧૦૧. કિંમત રૂ. ૭૦/- પ્રાપ્તિસ્થાનઃ ઇમેજ પબ્લિકેશન પ્રા.લિ. ૧-૨, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ – ૩૮૦ ૦૦૬ ફોન. ૨૬૫૬૦૫૦૪, ૨૬૪૪૨૮૩૬]

લેખકનો સંપર્ક – દિનેશ પાંચાલ, સી-૧૨, મજૂર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – ૩૯૬ ૪૪૫

Leave a Reply to sandip Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “કેટલું ખાવું પડે છે ત્યારે એક શ્રદ્ધાળુ ઉપવાસ કરી શકે છે ! – દિનેશ પાંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.