કેટલું ખાવું પડે છે ત્યારે એક શ્રદ્ધાળુ ઉપવાસ કરી શકે છે ! – દિનેશ પાંચાલ

(‘મનનાં મોરપીંછ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

નવસારી રેલવેસ્ટેશન પર એક નાનકડી ઘટના જોવા મળી. દશેક વર્ષના બાળકને તેની માતાએ એક તમાચો માર્યો. બાળક રડવા લાગ્યું. બાળકના પિતા આવ્યા તેને માતાએ ફરિયાદ કરી : ‘કશુંક ખાઈશ તો ઉપવાસ તૂટી જશે એમ સમજાવ્યું હતું તોય આ બદમાશે ખારી બિસ્કીટ મોંમાં મૂકી દીધી. બોલો શું કહું આને ?’ શબ્દો સાંભળી મને વિચાર આવ્યો, નાના બાળકને ઉપવાસ કરવાની ફરજ પાડવી એટલે ઊગતા છોડને ખાતરપાણીનો પુરવઠો બંધ કરવા જેવી ભૂલ ગણાય.

કદાચ દરેક બાળક સાથે આવું થતું હોવું જોઈએ. મને સ્મરણ છે નાનપણમાં મારી મા મને સાંઈબાબાના ગુરુવાર કરવાનું કહેતી. ગુરુવારે હું અભ્યાસક્રમનાં પુસ્તકો ના વાંચું તો ચાલે, પણ મારે સાંઈબાબાનું જીવનચરિત્ર અચૂક વાંચવું એવો તેનો આગ્રહ રહેતો. હું સાંઈબાબાની ચોપડી વાંચતો, પરંતુ શાળાએ જતો ત્યાં ઉપવાસ કર્યાનું ભુલાઈ જતું અને મિત્ર જોડે દાણા, ચણા કે ફરસાણ જેવું કશુંક ખવાઈ જતું. મારા લગભગ બધા જ ગુરુવારો તૂટી જતા. સાંજે મા પૂછતી, ‘બેટા, કંઈ ખાધું તો નથીને ?’ ફરાળ અને ફળફળાદિ વગેરેનો જલસો છીનવાઈ ન જાય એ હેતુથી હું બિન્ધાસ્ત જૂઠું બોલી દેતો : ‘ના, કશું ખાધું નથી !’

આજે એ ઘટના યાદ કરું છું ત્યારે વિચાર આવે છે, બેંકોમાંથી ગ્રાહકોને તેમના ખાતાનું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તે રીતે સાંઈબાબાએ મારા ગુરુવારોનું સ્ટેટમેન્ટ મોકલ્યું હોત તો મારી માને એ જાણી દુઃખ થયું હોત કે મારા ખાતામાં એક પણ ગુરુવાર જમા થયો નથી. મેં હંમેશાં રમૂજભાવે અનુભવ્યું છે કે ઉપવાસને નામે આપણે ત્યાં ભોજનની જ વિશેષ બોલબાલા રહી છે. સમાજના નેવું ટકા લોકોને માટે ઉપવાસ એટલે કેવળ ચેન્જ ઑફ ફૂડ ! અર્થાત્‍ રોજિંદા આહારને બદલે ફરાળ ! ફરાળ પણ એવો વૈવિધ્યસભર કે ઉપવાસ કરવા માટે મન ના લલચાય તો જ નવાઈ ! જરા ફરાળના મૅનુ પર એક દ્રષ્ટિ નાખીએ. શિંગદાણાનો લાડવો, મોરિયો, રતાળુ કંદ, શક્કરિયાં, શિંગોડાનો શીરો, ફરાળી ચેવડો, રાજગરાની પૂરી, સાબુદાણાની ખીચડી, કાજુની ચીકી વગેરે. આટલું ઓછું હોય તેમ ફળફળાદિ અને ઉપરથી ગ્લાસ ભરીને દૂધ તો ખરું જ ! જોયું ? કેટલું ખાવું પડે છે ત્યારે માણસ ઉપવાસ કરી શકે છે ?

સિંધવ એ ન જાણે કયો પદાર્થ છે ? તેનાથી ઉપવાસ કરનારાઓની સ્વાદેન્દ્રિયની લાજ રહી છે. સિંધવથી તેમની લૂણપ્રીતિ અખંડ રહી શકી છે. ન્યાય ખાતર સ્વીકારવું રહ્યું કે મીઠાને બદલે સિંધવ અને અનાજને બદલે શિંગોડા જેવા અનેક ખાદ્યવિકલ્પો અપનાવીને શ્રદ્ધાળુઓએ ઉપવાસના શાસ્ત્રચીંધ્યા માહાત્મ્યનું સત્યાનાશ વાળી દીધું છે. મુસ્લિમો રોજા કરે છે ત્યારે સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન થૂંક પણ ગળતા નથી. આવી ઉપવાસનિષ્ઠા નોંધપાત્ર ગણાય.

બહુ સાચી વાત એ છે કે અધ્યાત્મની અગમનિગમની વાતોને બદલે નક્કર ફલશ્રુતિવાળા પરિશ્રમથી જ માનવજાતને ફાયદો થઈ શકે છે. એમ કહો કે ઉપવાસ કરનારા શ્રદ્ધાળુઓ કરતાં ખેતરમાં અન્ન પકવતા ખેડૂતોમાં આ દુનિયાનું વિશેષ કલ્યાણ છુપાયેલું છે.

મીઠા વિનાના અનાજનું મહત્વ આરોગ્યની દ્રષ્ટિએ વિશેષ હોઈ એવી રસોઈ ફાયદાકારક ખરી, પરંતુ સરવાળે તો ઉપવાસને દિવસે શ્રદ્ધાળુઓ રોજ કરતાં થોડું વિશેષ જમે છે. એથી ઉપવાસથી પેટ, આંતરડાં જેવા પાચક અવયવોને આરામ મળવો જોઈએ તે મૂળ હેતુ જ માર્યો જાય છે. જરા વિચારો, એ સ્થિતિમાં કેવો હાસ્યાસ્પદ વિરોધાભાસ રહ્યો છે કે ભૂખ્યા રહેવાનું હોય તે દિવસે માણસના પેટમાં અન્ય દિવસ કરતાં થોડો વધુ ખોરાક ઠલવાય છે.

અમારા વતનમાં એક કાકી એકાદશીનો ફરાળ કર્યા બાદ ઓટલે ઊભાં રહી બુલંદ અવાજે ઓડકાર ખાતાં તે પરથી તેમના પેટના ઓવરલોડની જાણ મહોલ્લામાં સર્વત્ર થઈ જતી. ઉપવાસનું સારું ફળ તો મળે ત્યારે ખરું, પરંતુ ઉપવાસનું ફરાળ આરોગી શરીર પર ચરબીના થર જરૂર વધે છે.

માણસ મીઠાવાળું જમ્યા પછી પણ કેવી અર્થસભર એકાદશી કરી શકે છે તે વાત સ્વાધ્યાય પરિવાર તરફથી જાણવા મળી. શ્રી પાંડુરંગજીએ આપણા ઉત્સવો અને ઉપવાસો સાથે સંકળાયેલા કર્મકાંડોનો જીવન જોડે જે બૌદ્ધિક વિનિયોગ કર્યો છે, તેનાથી ઉત્સવોને એક નવો અર્થ મળ્યો છે. સાચી એકાદશી કેવી સાત્વિક હોઈ શકે તે જાણ્યું ત્યારે વિચાર આવ્યો. દરેક ઉપવાસ કરનારાઓએ તહેવાર પાછળના મૂળ દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરવી જોઈએ, બાકી ભૂખ્યા તો ભિખારીઓ પણ રહે છે.

મને સ્મરણ છે, વર્ષો પૂર્વે ગુજરાતી શાળાના એક શિક્ષક ઉપવાસ કરતા ત્યારે ઘરથી ખાસ ટિફિન લાવતા. તે દિવસે તેઓ જમતા નહીં, ભિખારી અથવા ગરીબ મજૂરને બોલાવીને તેમને ભોજન જમાડતા. તેઓ કહેતા : શાસ્ત્રોમાં કહ્યું છે, ‘કેવળ ભૂખ્યા રહેવું એ અધૂરો ઉપવાસ કહેવાય. તમે જે ભોજન નથી જમતા તે ભોજન સાચા જરૂરતમંદને આપો તો જ ઉપવાસનું સાચું પુણ્ય પ્રાપ્ત થઈ શકે.’ વાત સાચી છે. ઉપવાસથી કોઈ આરોગ્યવિષયક ફાયદો થઈ શકતો હોય તો તેની ના નથી, પરંતુ કંઈક એવું સમજાય છે કે ઉપવાસ એક અનુત્પાદક કર્મકાંડ સિવાય બીજું કાંઈ નથી. માણસ એક દિવસ અથવા એક મહિનો ભોજન જતું કરે તો અનાજ બચ્યા સિવાય બીજો કોઈ દેખીતો ફાયદો થતો નથી પણ એ બચેલું ભોજન જરૂરતમંદ–ભૂખ્યાજનોને આપવામાં આવે તો માનવતાના સંદર્ભે ઉપવાસની તે અતિ મૂલ્યવાન ફલશ્રુતિ ગણાય.

યાદ રહે, જેમના ઘરમાં અનાજના કોઠાર ભરેલા હોય છે તેઓ જ ઉપવાસ કરતા હોય છે. ભિખારીઓને ઉપવાસ કરવાની ઈચ્છા કદી થતી નથી. બૌદ્ધિકોને હંમેશાં એક પ્રશ્ન થાય છે – ઉપવાસ કરવાથી સાચે જ કોઈ પુણ્ય મળતું હોય તો દુનિયાના લાખો શ્રદ્ધાળુઓ મૃત્યુપર્યંત ઉપવાસ કરે છે છતાં તેમનાં ભાગ્યનિર્મિત દુઃખોમાં કેમ કોઈ ફરક પડતો નથી ? આ દેશમાં રોજ લાખો માણસોએ ભૂખ્યા સૂવું પડે છે. શું તેમને કોઈ પુણ્ય મળતું હશે ખરું ? જવાબ આપણે જાણતા નથી, પરંતુ પેલા શિક્ષકની વાત મનમાં વસી ગઈ છે. તમે ખુદ ન જમીને ભૂખ્યાને જમાડો. દુનિયાના લાખો લોકો ઉપવાસ કરશે તો લાખો ભૂખ્યાઓને એક ટંકનું ખાવાનું મળશે. પુણ્ય મળે કે ના મળે પણ ભૂખ્યાની ભૂખ જરૂર ટળશે. માનવતાને નાતે એ નાનુંસૂનું પુણ્ય નથી !

તાત્પર્ય એટલું જ, અન્નદાન એ જ ઉપવાસની મૂલ્યવાન ફલશ્રુતિ હોઈ શકે. શ્રી ગુણવંત શાહે એક વાત કહી છે : ‘શીરામાં શ્રદ્ધા ભળે ત્યારે પ્રસાદ બને છે.’ ઉપવાસ સંદર્ભે આપણે કહી શકીએ, ઉપવાસનાં અન્નદાન ભળે ત્યારે તેમાં ઈશ્વરના આશીર્વાદ ભળે છે !

[કુલ પાન ૧૦૧. કિંમત રૂ. ૭૦/- પ્રાપ્તિસ્થાનઃ ઇમેજ પબ્લિકેશન પ્રા.લિ. ૧-૨, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ – ૩૮૦ ૦૦૬ ફોન. ૨૬૫૬૦૫૦૪, ૨૬૪૪૨૮૩૬]

લેખકનો સંપર્ક – દિનેશ પાંચાલ, સી-૧૨, મજૂર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – ૩૯૬ ૪૪૫


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાર્તા સ્પર્ધા ૨૦૧૪ : પરિણામ…
શીખે તેની શિખામણ – પ્રિ. અમીચંદભાઈ પટેલ Next »   

8 પ્રતિભાવો : કેટલું ખાવું પડે છે ત્યારે એક શ્રદ્ધાળુ ઉપવાસ કરી શકે છે ! – દિનેશ પાંચાલ

 1. Arvind Patel says:

  A fast once in a week is good for health. Don’t make any religion connection. In case you wish to give food to one person, give it, no need to have your fast.
  Very popular Myths in religion for fast.
  To get some thing never do bargaining with God against fast. This is cheating to God as well as with your self too.

 2. sandip says:

  મને સ્મરણ છે, વર્ષો પૂર્વે ગુજરાતી શાળાના એક શિક્ષક ઉપવાસ કરતા ત્યારે ઘરથી ખાસ ટિફિન લાવતા. તે દિવસે તેઓ જમતા નહીં, ભિખારી અથવા ગરીબ મજૂરને બોલાવીને તેમને ભોજન જમાડતા. તેઓ કહેતા : શાસ્ત્રોમાં કહ્યું છે, ‘કેવળ ભૂખ્યા રહેવું એ અધૂરો ઉપવાસ કહેવાય. તમે જે ભોજન નથી જમતા તે ભોજન સાચા જરૂરતમંદને આપો તો જ ઉપવાસનું સાચું પુણ્ય પ્રાપ્ત થઈ શકે.’ વાત સાચી છે. ઉપવાસથી કોઈ આરોગ્યવિષયક ફાયદો થઈ શકતો હોય તો તેની ના નથી, પરંતુ કંઈક એવું સમજાય છે કે ઉપવાસ એક અનુત્પાદક કર્મકાંડ સિવાય બીજું કાંઈ નથી. માણસ એક દિવસ અથવા એક મહિનો ભોજન જતું કરે તો અનાજ બચ્યા સિવાય બીજો કોઈ દેખીતો ફાયદો થતો નથી પણ એ બચેલું ભોજન જરૂરતમંદ–ભૂખ્યાજનોને આપવામાં આવે તો માનવતાના સંદર્ભે ઉપવાસની તે અતિ મૂલ્યવાન ફલશ્રુતિ ગણાય.

  ખુબ સરસ્…..

  આભાર્………………

 3. shirish dave says:

  ઉપવાસ (એટલે કે અન્ન ન ખાવું એ અર્થમાં, કે અમુક વસ્તુ કે વાનગી ન ખાવી એ અર્થમાં)ને બીજા સંદર્ભમાં જોઈ શકાય.
  સ્ત્રીઓની એક અસરકારક ચિંતા એ પણ હોય છે કે “આજે શું જમવાનું કરવું?” અને “સાંજે શું જમવાનું કરવું?”

  મનુષ્ય સામાજીક પ્રાણી છે એટલે અને ખાસ કરીને ભારતીયોએ જીવન શૈલીને લયબદ્ધ કરી દીધી છે. ઉપવાસ એટલે કે શબ્દાર્થમાં તો (ઈશ્વરની) (વધુ) “પાસે બેસવું”. રાંધવાનું કામ જરા ચિંતા જનક છે. તો તેમાંથી સ્ત્રીને છૂટ્ટી આપો. માટે ફળાહાર કરો.
  એટલે જેને ઈશ્વરનું જે સ્વરુપ ગમે તેના દિવસે આખો દિવસ ફળાહાર કરો કે એક ટંક ફળાહાર કરો. બધા ભગવાનોને એક એક દિવસ અને તિથિ આપી દીધા.
  પણ એક સમસ્યા તો રહી ગઈ. અન્ન તો રાંધવું છે પણ કઈ વાનગી બનાવવી? એટલે ચણા, મગ, અડદ, તુવેર, ચોખા, દુધ, દહીં, ઘઉં, બાજરો, જવ, રાજગરો, મોરૈયો, શિંગોડા, શક્કરીયાં, બટેટા, ગોળ, વિગેરે અનેક આઈટેમો અને તેની વાનગીઓને અમુક વાર તહેવારો માટે નિશ્ચિત કરી દીધી. એટલે સ્ત્રીઓની “કઈ વાનગી કરવી” એ ચિંતા ઘણે અંશે ઓછી થઈ ગઈ.
  પહેલાંના વખતમાં તમે જોશો કે બધાજ ઘરોમાં સૌ પ્રથમ ઓટલો, પરશાળ, ઓરડો, ઓપન ટુ સ્કાય ચોક, વળી ઓસરી અને રસોડું .. અને છેલ્લે વળી ઓસરી અને વાડો આવતાં. સવારે બધા આગળના ઓટલે બેસીને દાતણ કરે. જેઓ કારીગર હોય તેઓ ઓસરીમાં ગૃહ ઉદ્યોગ કરે. બધું લયબદ્ધ હતું. તેનો આનંદ હતો. ઉપવાસો પણ લય સાથે જોડાયેલા છે એવું સમજવામાં કશું ખોટું નથી.

 4. chintan says:

  Dineshbhai,

  you not talking about the Jain religion they doing fast and not eating anything only boiled water, Muslim can eat after the sunset but Jain not eat anything for 24 hrs. that’s call true UPVAS.

 5. કાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:

  દિનેશભાઈ,
  ઉપવાસ = પ્રભુની જોડે રહેવું. તે માટે રસોઇની ઝંઝટમાંથી રાહત રહે તે માટે ભૂખ્યા રહેવાનું સ્વીકારવામાં આવ્યું હશે. …પરંતુ આપણા દંભી વિચાર વર્તનોએ તેને કેવું વરવુ સ્વરુપ આપી દીધુ છે ? ભગવાન બચાવે !
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 6. sandip patel says:

  ઉપવાસ નો મતલબ કે રાન્ધવા મા સમય નો બગાડ ના કરેી ને તેટલો સમય પ્ર્ભુકાર્ય મા પસાર કરવો પણ અત્યરે તો લોકો ને ફરાળ મા જ સાચો ઉપવાસ લાગે છે….

 7. viral says:

  ઉપવાસ એતલે ખાવામા બદલ નહિ પન વિચારવામા બદલ.

 8. ઉપવાસ કરવાથિ વધેલુ અન્ન, અન્નના અભાવે ભુખ્યા રહેનારા લોકોને આપવાથિ એનિ પાછ્ળનિ ધાર્મિક શ્ર્ધ્ધા યોગ્ય ગણાય. અન્યથા ઉપવાસ = ત્રાગુ,
  બાધા કે માન્યતા રાખવિ= પટાવવાનિ કોશિશ , બલિ કે ભોગ= લાન્ચ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.