શીખે તેની શિખામણ – પ્રિ. અમીચંદભાઈ પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

જ્યોતીન્દ્ર દવેનો ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખક તરીકે ડંકો વાગતો. તેમનું એક ઉખાણું : ‘એવી કઈ બે બાબતો છે જે સૌને બીજાને આપવી ગમે છે પણ લેવી ગમતી નથી.’ ઉખાણાનો જવાબ પણ મજા પડે તેવો સરસ છે : ‘એક તો ગાળ અને બીજી શિખામણ.’

અલબત્ત, માણસ જો સંત પ્રકૃતિનો હોય તો તેને ગાળ કે મારની કંઈ પડી હોતી નથી. એ તો સદાબહાર અને આનંદમસ્ત રહે છે. એની મનોદશા તો નીચેના દુહા જેવી હોય છે :
‘ખીજને ખમશું ખંતથી, ભલે ઉપર દેજો ગાળ,

ખીજને ખાજાં માનશું, ને ગાળને ઘીની નાળ.’

જે માણસ ખીજને ખાજાં માને અને ગાળને ઘીની નાળ માને તેનું જીવન ધન્ય છે. ગમે તેવો ક્રોધ કે ગુસ્સો ખમવા માટે પણ આગવો જુસ્સો જોઈએ છે. સહિષ્ણુતા દેવીની આરાધના માટે મનની કેળવણી જોઈએ.

પછી તો મન જીતે જીત. જેને ગાળ અને શિખામણ સદે તેનો તો જયજયકાર છે. પણ ‘શીખે તેની શિખામણ ને !’ જો માણસ બીજાની સલાહ, સૂચના ને શિખામણ સ્વીકારે તો તેના જીવનમાં ઘણી ઓછી ભૂલો પડે, પણ શિખામણ સદે તો ને !

આપણાં કેટલાંક ગુજરાતી સુભાષિતો ‘માણસ’ બનવા માટે અત્યંત પ્રેરક છે :

પહેલું રાખો સત્ય,
ને બીજી રાખો રહેમ;
ત્રીજી રાખો નમ્રતા
ને ચોથો સૌ પર પ્રેમ,
રૂડી રીત, ભાઈ રૂડી રીત,
માણસની એ રૂડી રીત.

સારા માણસ બનવું કેટલું સરળ છે ! સાચું બોલવું, દયાભાવ રાખવો, નમ્ર રહેવું અને બધા તરફ પ્રેમભાવ રાખવો. આ ચાર જ સાદી સીધી બાબતોથી તો માણસ માણસાઈની આખી બાજી જીતી જાય. પછી તો બેડો પાર.

બીજા એક સુભાષિતમાં ગજબની શિખામણ આપે તેવી હકીકત છે :

હિત કહ્યું સૂણે ન કંઈ તે,
બધિર સરખો જાણવો,
થાય સ્વાધીન ક્રોધને તે,
આંધળા સમ માનવો,
સારું જે બોલી ન જાણે,
ગૂંગ સરખો ધારવો.
સારું માઠું ન સમજતાને,
પશુ સમજી કાઢવો.

સમજાવેલું હિત પણ ન સાંભળે તે બહેરા જેવો છે. વાતવાતમાં ક્રોધને વશ થનારો આંધળા જેવો છે, જે સારું બોલી ન જાણે તે ગૂંગા જેવો છે અને સારું-ખોટું ન સમજનાર તો પશુ જેવો છે. દૂધ સારું કે દારૂ સારો એ ન સમજનારને માણસ શી રીતે કહી શકાય ? કોઈ પણ સમાજ માણસોને બનેલો છે. તત્વવેત્તા સૉક્રેટિસે કહ્યું છે કે, જેનામાં સમજ હોય તે સમાજ, બાકી બધું ટોળું. આમ તો પંથે પંથે પાથેય છે પણ જે સમજે તેને માટે. સમાજમાં વડીલો, શિક્ષક અને ધર્મગુરુઓની આટઆટલી શીખ છતાં કેટકેટલી અરાજકતા અને અંધેર જોવા મળે છે ? કેટકેટલા સમાજો વ્યસનો, કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓથી સબડે છે !

‘શેઠની શિખામણા ઝાંપા સુધી’ એવી એક માર્મિક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. સત્સંગના મેળાવડાઓ અને કથાકીર્તનમાં જતા લોકોમાંથી કેટલાને બોધવચનોનો સ્પર્શ થાય છે ? આપણી શાળા-મહાશાળાઓમાં ભણતાં બાળકો તેમના ગુરુજનોની શિખામણ સ્વીકારે તો સમાજ કેટલો સંસ્કારસંપન્ન અને શીલવાન બની જાય ! માણસ પોતાના જીવનમાં ફરી ફરી ભૂલોને દોહરાવે નહિ એટલા માટે પણ શિખામણનું ભારે મહત્વ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અગિયાર વ્રતની શિખામણ આપી છે :

‘અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, શરીરશ્રમ, અસ્વાદ, સર્વત્ર ભય વર્જન, સર્વધર્મ સમાનત્વ, સ્વદેશી, સ્પર્શભાવના, વિનમ્ર વ્રત નિષ્ઠાએ, આ એકાદશ સેવોજી.’
આમાંથી એકાદ વ્રતનું પાલન પણ કેટલું પરિવર્તન કરી નાખે ! વિનોબાજીએ તો અનિંદાનું બારમું વ્રત પ્રબોધી સામાજિક-કૌટુંબિક શુદ્ધીકરણનો રામબાણ માર્ગ ચીંધ્યો છે.

અનુભવ જેવું કોઈ શિક્ષણ નથી, એટલે તો ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ અને ‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી’, એવી ઉક્તિઓ પ્રચલિત બની છે. ‘ઘરડાં વિના ગાડાં ન વળે’ એ ઉક્તિનો પણ આવો જ મર્મ છે. કોઈ પણ કામ પોતાની જાતે કર્યા વગર ‘સરસ’ રીતે શીખી શકાતું નથી. અનુભવ એટલે જ લોહીનો સંસ્કારનો વારસો. કારીગરોનાં સંતાનોને કળા-કારીગરી કે હુન્નર ઉદ્યોગ શીખવા કોઈ શાળામાં જવાની ગરજ પડતી નથી, એ તો ગળથૂથીનો સહજ સંસ્કાર બની જાય છે. આમ, અનુભવ એ મહાન શિક્ષકની ગરજ સારે છે.
અનુભવીઓ કહે છે કે, ઊગમણે જાવ, આથમણે નહિ. એટલે કે જોઈ જાળવીને અજવાળામાં કદમ ઉઠાવો. અંધારામાં ભૂસકા મારશો તો પટકાશો. વળી મનમાં સાચની ગાંઠ એવી પાકી વાળો કે કદી સત્યનો માર્ગ ત્યજવો ન પડે, પણ તમારો સત્યાગ્રહ બીજાના સત્યને દબાવી દે તેટલો બરડ ન હોય તે પણ જોજો. અંતે તો સત્યમેવ જયતે. સત્યનો જ જય જયકાર છે. પરમેશ્વર સત્ય છે, એમ સૌ કોઈ કહે છે પણ ગાંધીજી તેથી પણ એક કદમ આગળ વધી કહે છે કે, ‘સત્ય એ જ પરમેશ્વર છે.’

કોઈ વાતે ગતાગમ ન પડે તો પાંચને પૂછીએ. આપણે કોઈ અજાણ્યા સ્થળે જઈએ તો રસ્તાની ખબર ન હોય તો પણ પૂછતાં પૂછતાં છેક પહોંચી શકીએ છીએ. એટલે જે ‘પૂછતા નર ભલા’ એમ કહેવાય છે. છેલ્લી શીખ ધીરજની છે. ‘ધીરજનાં ફળ મીઠાં’ અને ‘ઉતાવળે આંબા ન પાકે’ એ ઉક્તિઓ પણ ઘણું શીખવી દે છે.
આપણે આંખ-કાન ખુલ્લાં રાખીએ તો પણ કેટકેટલું શીખવા મળે ! આ સંસારરૂપી શાળા છે જેમાં શીખે તેની શિખામણ !

– પ્રિ. અમીચંદભાઈ પટેલ

સંપર્કઃ – સુમંગલમ, લક્ષ્મીનારાયણ સોસાયટી, હિંમતનગર, જિ. સાબરકાંઠા – ૩૮૩ ૦૦૧. ફોનઃ (૦૨૭૭૨) ૨૩૫૦૦૨


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કેટલું ખાવું પડે છે ત્યારે એક શ્રદ્ધાળુ ઉપવાસ કરી શકે છે ! – દિનેશ પાંચાલ
વૅકેશન જેટલું વિદ્યાર્થીનું છે એટલું વાલીનુંય છે – તુષાર શુક્લ Next »   

2 પ્રતિભાવો : શીખે તેની શિખામણ – પ્રિ. અમીચંદભાઈ પટેલ

  1. sandip says:

    Implementation your knowledge or any experience in every situation is biggest key for made a good human being, but your implementation positive way type & also for helps others people!

    thanks………

  2. pjpandya says:

    હિખમન શિખવા વલ હવે ક્યા રહ્યા ચ્હે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.