વૅકેશન જેટલું વિદ્યાર્થીનું છે એટલું વાલીનુંય છે – તુષાર શુક્લ

Aankhoma pagali gulalni(‘આંખોમાં પગલી ગુલાલની’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

રજાઓ ચાલે છે…

પોતાનો સંઘર્ષ ભુલીને પેલો પરિવાર પણ પ્રસન્નતાથી પ્રવાસમાં ચાલ્યો ગયો છે. જતી વખતે પત્નીના ચહેરા પર વિજયનો કે પતિના ચહેરા પર પરાજયનો ભાવ નહોતો. હવે સહુ સાથે મળીને મજા માણવાના નિશ્ચય સાથે નીકળ્યાં છે અને મને ખાતરી છે કે એ મજા કરવાનાં.

આ વૅકેશનનાં આયોજનો એટલે અલ્પકાલીન ને દીર્ઘકાલીન પ્રસન્નતા. બાળપણમાં વાર્તા વાંચેલી. ભંભોટિયાની.

દીકરીને ઘેર જાવા દે
તાજી માજી થાવા દે
પછી મને ખાવી હોય તો ખાઈ જજે !

મહિમા તાજામાજા થવાનો છે. પછી ભલેને આવનારા, વર્ષભરના, કંટાળાજનક અનુભવો થકવી દે. વળી રજા આવશે. વળી કોઈ પ્રસન્નતાનો પ્રસંગ સાંપડશે, નહિ તો ઊભો ય કરશું. ને વળી પાછા દોડશું. આમ જ જિવાય. નાનાં નાનાં સુખનો સથવારો હોય એટલે બસ.

જોકે, આ વાર્તામાં ડોસીમા દીકરીને ઘેર જવાની વાત કરે છે. બાળપણમાં એનું કૈં નવું પણ નહોતું લાગતું. હવે વિચારતાં થાય છે કે મા-બાપ માટે દીકરો કે દીકરી કેવાં વિસામા રૂપ છે. ઘડપણના દિવસો એ પોતાનાં આ પરિવારજનો વચ્ચે વિતાવી જાય છે. દીકરો હોત તો કદાચ ડોસીમા એના ઘેર જ રહેતાં હોત. મા તો દીકરાની પાસે જ હોય ને ! ત્યારે, આજનું કડવું સત્ય નહોતું સમજાયું કે મા દીકરાને ઘેર પણ ન હોય અને ઘરડા-ઘરમાં પણ હોય. આ ડોશીમાને કદાચ દીકરી જ હશે. પરણેલી દીકરીના ઘરે પાણી ય ન પીવાય એવી વાતો મોટા થયા ત્યારે કાને પડી. એમાં હેતુ એક જ કે દીકરીને તો અપાય, એનું કૈં લેવાય નહિ. પણ, આ ડોશીમા તો એકલાં રહેતાં હશે ને ! સ્ત્રી સશક્તિકરણની વાતો હવે થાય છે, પણ બાળાવાર્તામાં તો એ ક્યારનુંય આલેખાઈ ગયું છે. ડોશીમા પણ રજાની મજા લેવા, અથવા, પોતાના વાર્ધક્યને કારણે થોડો આરામ કરવા, તાજીમાજી થવા, દીકરીને ઘેર જતાં. જઈ શકતાં. (જમાઈ પણ એવા સારા શોધ્યા હશે !) વાર્તામાં રસ પડે તેવો મુદ્દો તો એ દીકરીની ચતુરાઈનો છે. વાઘ-વરુના ભયથી સુકાતી માતાને એ નિર્ભય બનાવી, પાછા વળતાં ભંભોટિયા (વિશિષ્ટ વાહન !!)માં બેસાડીને સલામત ઘેર પહોંચાડે છે : ચલ રે ભંભોટિયા, અપને ગામ !

તાજામાજા થવાય અને પોતાના નિર્ધારિત લક્ષ્યસ્થાન સુધી પહોંચાય તે માટેની સજ્જતા આ વૅકેશનમાં કેળવાય છે. થોડીક આળસનો વૈભવ પણ માણવા જેવો છે. ઉનાળાની બપોરે રજાના સમયે કેરીનો રસ અને ઢોકળાં અને એક કોળિયે ગળામાં ઊતરી જાય એવી લેંચી (રોટલી) જમીને બપોરે એક ઊંઘ ખેંચી હોય તે જ આ વૈભવને જાણે.

આ ઊંઘને વામકુક્ષી, ડાબે પડખે થવું કહે છે, હૃદય ડાબી બાજુ છે એટલે સુવા માટે અને પાચન માટે આ અનુકૂળ મુદ્રા ગણાઈ હશે. આળસ અને પ્રમાદને સદાય વખોડતા જ રહેવું જરૂરી નથી. ગોવર્ધનરામે તો પ્રમાદધન એવું નામ રચ્યું છે. (જોકે એનું ભાગ્ય બહુ સારું નથી ચીતર્યું !) સવાલ માત્ર અનુકૂળતાને નંદવાનો છે. આપણે ત્યાં આવા આનંદને ગુન્હાની દ્રષ્ટિએ જોવાય છે.

આવો આનંદ માણનારા, માણી શકનારની ઈર્ષ્યા થવી જોઈએ, અને થાય પણ છે, એટલે આવો આનંદ ન માણી શકનારા બહુમતી લોકો એમની નિંદા કરે છે અને ક્યારેક તો એમને પણ અપરાધભાવથી પીડાતા કરી દે છે.

વૅકેશન માણવા માટે છે, આનંદ માટે છે. વૅકેશન પર વિદ્યાર્થી અને વાલી બંનેનો અધિકાર છે.

આ વૅકેશન જેટલું વિદ્યાર્થીનું છે એટલું જ વાલીનુંય છે. વર્ષ આખું તમારા બાળક સાથે તમેય દોડ્યા જ છો. આ રજાની મજા એ તમારાય તપનું જ ફળ છે. અને, આ રજાની મજાનું તમે જ્યારે આયોજન કરો ત્યારે થોડાક દિવસો માત્ર અને માત્ર તમારા માટેય અલાયદા રાખજો. આ એવી રજાઓ હોય કે જેમાં તમે અને તમારા જીવનસાથી સાથે મળીને માણે. તમે તમારા ગમતાં શિબિરોમાં જાવ. તમને જે શોખ હોય તેમાં આ દિવસો દરમિયાન પ્રવૃત્ત થાવ. વિવિધ કલાઓની સાધના પણ થઈ શકે. ભુલાયેલું યાદ કરાય, તાજું થાય અને નવું નવું ય શીખી શકાય. વર્ષભર જેની જાણકારીનો અભાવ તમને ખટક્યો હોય એ જાણકારી મેળવીને સુસજ્જ પણ થવાય. તમે પણ અંગ્રેજી બોલતાં શીખી શકો, રીતભાતના, વ્યક્તિવિકાસના વર્ગો ભરી શકો. તમારે પણ, તમારાં બાળક સાથે વિકસવું પડશે ને ? એ જ્યાં જશે ત્યાં જઈને ઊભા રહેવાનો તમને સંકોચ નડવો ન જોઈએ. એના મિત્રો વચ્ચે તમારી ઓળખનું ગૌરવ તમારે પણ અનુભવવું જ રહ્યું. પાકા ઘડે કાંઠા ન ચડે એવી નિરાશાને ખંખેરી નાખો. નવા સમય માટે તૈયાર થાવ અને પરંપરા અને આધુનિકતા વચ્ચેની કડીરૂપ સિદ્ધ થાવ કે જેથી તમારા બાળકોને આપણી ગઈકાલનું ઉત્તમ આપી શકીએ અને એમની આવતીકાલને ઉજ્જવળ બનાવી શકીએ.

આ તો થઈ તમારા એકલાના આનંદની વાત. હવે એથીય વધુ મહત્વની એ તમારા-પતિપત્નીના – સહિયારા – આનંદને માણવાના આયોજનની વાત. આ બાબત અત્યંત મહત્વની છે.

જીવનની આ દોડધામમાં આ માટેનો સમય કોઈની પાસે નથી. કમાવા માટે સંઘર્ષમય રહેવું પડે છે. ટકી રહેવા, ખર્ચને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ રહેવું પડે છે.
આ બધું જ આપણો ઘણો સમય લઈ લે છે. આને કારણે આપણે સહુ તાણમય જીવીએ છીએ. અજંપો છે, ઉદ્વિગ્નતા છે. અભાવો પીડે છે. ઈચ્છાઓનો થોભ નથી. કોઈ વાતનો સંતોષ નથી ને ક્યાં રોકાવું તેનો ખ્યાલ પણ નથી.

આવી જિંદગી હવે સામાન્ય બાબત બની ગઈ છે. લગભગ બધા જ આમ જીવે છે. ચિંતાનું પ્રમાણ સહુને સહુના સ્તર મુજબનું છે ને હતાશાનું ય એવું જ છે. ખોટા માણસને મોટી ચિંતા છે. સામાન્યનેય ચિંતા તો મોટી જ લાગે છે.

આવા સમયે આપણે જિંદગી પાસેથી જીવન ચોરવું પડે તેમ છે. વર્ષોમાં જીવન ઉમેરવું પડે છે. વર્ષભર તો આ શક્ય નથી ત્યારે વૅકેશન એવી તક સર્જે છે. એક દંપતી તરીકે, એક છત નીચે જીવવા અને જીવનની આવશ્યકતાઓ પૂરી કરવા સિવાય આપણે શું કરીએ છીએ ? જીવનની આવશ્યકતાઓની વ્યાખ્યામાં તો આરામ ને આનંદ પણ આવે છે. દંપતી તરીકે અરસપરસની હૂંફ અને સાન્નિધ્યની મસ્તીનો પણ એમાં સમાવેશ થાય છે. એકમેકને સાથ આપતાં, ઈચ્છા કે અનિચ્છાએ દોડતાં પતિ-પત્ની પોતાને માટે જ બહુ ઓછું જીવે છે ત્યાં એકમેકને માટે જીવવાની તક તો ક્યાંથી જ મળે ?

યાદ કરો ! પરણ્યા પહેલાંના દિવસે અને પરણ્યા તે વેળાનો સમય ! બંનેએ એકમેકના સાથને કઈ રીતે ઊજવવાના કેવાં કેવાં રંગીન સપનાં જોયાં હતાં ! ભલે એમાં ફિલ્મો જેવી અતિશયોક્તિ હોય તે સાકાર ન થાય પણ, તે છતાં, સથવારાનો ઉમંગ તો માણી જ શકાયો હોત ને ! પણ, તે સમયે અનુકૂળતા નહોતી એટલે આપણે સંજોગોને, અનિચ્છાએ અનુકૂળ થયા. પૂરી અનુકૂળતા તો હજીય નથી ને કદાચ ક્યારેય નહિ હોય – એટલે, જે છે તેમાંથી જ અનુકૂળતા કરવાની છે. ચોરવાની છે. તો જ, જે નથી થઈ શક્યું તે થોડું ઘણું આનંદી શકાશે. જે વીતી ગયું છે, વહી ગયું છે એને તો પકડીને પાછું નહિ લેવાય. પણ એના અભાવને મમળાવીને પીડાયા કરવા કરતાં આ રીતે, જે શક્ય હોય તે, સાન્નિધ્યની સંભાવનાઓ તો ઊભી કરી જ શકાય. આવો ફુરસદનો સમય આમ તો કદીય આવતો નથી. કદીય આવશે પણ નહિ. આપણે જ જીવનની જાળ એવી ગૂંથી છે કે એમાં આવી શક્યતા બહુ ઓછી છે. આપણી અપેક્ષાઓ આપણને દોડાવ્યા જ કરશે. નિરાંત લેવાનો સમય આપણે જ નક્કી કરવો પડે. એ આપણા માટે કોઈ નક્કી નહિ કરે. અને કરશે તો એ આપણને જ નહિ ગમે. એટલે આ કામ આપણે જ કરવું રહ્યું, સમયસર કરવું રહ્યું.

પતિ-પત્ની તરીકેના સાથનો અર્થ કેવળ યૌવનમાં જ સીમિત નથી થતો. મધુરજની એ લગ્નની પ્રથમરાત્રિ જ નથી. સ્નેહભર્યા સ્પર્શનો અને હુંફાળા સંગાથનો અનુભવ ધરાવતી પ્રત્યેક ક્ષણ મધુમય છે. આવી ક્ષણો કૈં વર્ષભરની દોડધામમાં મળતી નથી. એને આવા વૅકેશન દરમિયાન મેળવવી પડે. એનું એ જ હેતુથી આયોજન પણ કરવું પડે. આનંદ પણ આયોજિત હોય એ કદાચ ન ગમે એવી કડવી વાસ્તવિકતા છે, છતાં, જે જિવાય છે એમાં એ રીતે પણ, આનંદ મેળવવો અનિવાર્ય છે. થાંભલો આપણને નથી વળગ્યો, આપણે થાંભલાને વળગ્યા છીએ ને હવે છૂટતો નથી, છોડવો ગમતોય નથી. ફરિયાદ કરીએ છીએ પણ એ અંગે કશું કરતા નથી. ‘કરી શકતા નથી’ એ થોડુંક સાચું છે, થોડુંક બહાનું છે. કારણ કે આવી રજાની મજાને ચોરવામાં સાહસ જોઈએ. મોબાઈલ ફોન અને લેપટોપને દૂર મૂકવાની તત્પરતા જોઈએ. તો જ આવા નિર્ભેળ સાન્નિધ્યની શક્યતા રચી શકાય. સાથે ફરવા નીકળતી વખતે પણ આવા ઉપકરણો સંગાથે જ રાખો તો જે જોઈએ છે, જેને માટે નીકળ્યા છો તે હેતુ નહિ સરે. આપણાથી વ્યસ્ત માણસો આવો સમય ચોરી શકે છે. એમની પાસે એ અંગે અનુકૂળતા આપણાથી વધુ હોય છે એવી દલીલ ચાલે તેમ નથી. આવા આયોજન માટે સૌ પ્રથમ તો ઈચ્છા જોઈએ. જીવનમાં કૈંક ખૂટે છે અને એ પામીય શકાય તેવું છે ની સભાનતા જોઈએ. તો કશુંય અસંભવ નથી. એક વાર આ અનુભવ તીવ્ર બને તો અનુકૂળતા આપોઆપ રચાય.

મિત્રોનાં ટોળાં સાથેની મસ્તીનો પણ એક આનંદ હોય છે અને અમુક ઉંમરે એમાં મજાય વધુ આવે છે. આવા પ્રવાસો સલામત પણ વધુ હોય છે. છતાં, ક્યારેક, થોડા સમય માટે પણ, માત્ર પતિ-પત્નીએ એકલા આ સાથને, સંગાથને માણવો જરૂરી છે.

તમે બાળકોની ચિંતા ન કરશો. હવે એ સમજે છે. હવે હનીમૂનને યાત્રા કહેવાના દિવસો નથી રહ્યા. હવે તો બાળકો જ માબાપને આવું એકાંત આપવાની સમજ ધરાવે છે, ત્યારે તમારે જ સંકોચ છોડવાનો છે. એકમેક સાથેના આવા એકાંતનો મહિમા સમજવાનો છે. વર્ષભર એકમેક સાથે થયેલી વાતચીતની નોંધ કરશો તો સમજાશે કે એમાં વહેવારુ વાતો સિવાય, વહાલભરી વાત એક પણ નહોતી.

ને ન ય હોય. ઉંમર વધતાં વહાલની અભિવ્યક્તિ બદલાય પણ ખરી. એને વ્યક્ત કરવાની રીત બદલાય પણ ખરી.

પણ, એકમેકને ગમતી વાત કરવા, અરે, માત્ર મૌન રહીને સાથનો, સાન્નિધ્યનો આનંદ માણવા પણ, આ વૅકેશનનો ઉપયોગ કરી લેજો. એ તમને આખું વર્ષ દોડતા રાખવાનું ભાથું ભરી આપશે.

તમને સંકોચ થતો હોય તો આ લેખ તમારા બાળકોને વંચાવા આપજો. એ જ તમારી રજાનું આયોજન પણ કરશે, તમારા માટેનાં બૂકિંગ અને રિઝર્વેશન પણ તમારા કરતાં વધુ સરળતાની કરાવી શકશે. કારણ કે, એમને નવા સમયની સુવિધાઓનો ઉપયોગ કરતાં આવડે છે અને હસતાં હસતાં તમને નવી મધુરજની માણવા મોકલતાં ‘આવજો’ કહેશે અને આવશો ત્યારે આવકારવા સામા પણ આવશે. વહાલમાં વૅકેશન પડી જાય એ પહેલાં સમજો તો સારું.

[કિંમત રૂ. ૨૦૦/- પ્રાપ્તિસ્થાનઃ નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧ ફોન. (૦૭૯) ૨૨૧૩૯૨૫૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “વૅકેશન જેટલું વિદ્યાર્થીનું છે એટલું વાલીનુંય છે – તુષાર શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.